શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ વિદેશમાં પોતાનો બિઝનેસ છોડીને આવ્યો હોય અને દેશમાં પરત ફરીને ચા વેચતો હોય? તમને જાણીને નવાઈ લાગશે પરંતુ નોઈડામાં અમારી મુલાકાત આવા જ એક વ્યક્તિ સાથે થઈ હતી. ‘NRI ચાવાળા’ તરીકે પ્રસિદ્ધ જગદીશ કુમાર આશરે 10 વર્ષ સુધી ન્યૂઝીલેન્ડમાં હૉટલ ઉદ્યોગ સાથે જોડાયેલા હતા. જગદીશ કુમાર પાસે ન્યૂઝીલેન્ડનું ગ્રીન કાર્ડ પણ છે. જોકે, 2018માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનથી પ્રેરણા લઈને તેઓ ભારત પરત ફર્યા હતા.
“હું ત્યાં હૉટલ ઇન્ડસ્ટ્રીઝમાં સારું કામ કરી રહ્યો હતો. પરંતુ મને હંમેશા એવો વિચાર આવતો હતો કે હું બીજા દેશમાં રોજગારીનું સર્જન કરી રહ્યો છું. બીજા દેશમાં ટેક્સ ભરી રહ્યો છું. મારા પોતાના દેશ માટે હું કંઈ પણ નથી કરી રહ્યો. છેલ્લા ચાર-પાંચ વર્ષમાં આપણે ત્યાં જે રીતે સ્ટાર્ટઅપને મદદ મળી રહી છે તેને જોઈને હું ભારત પરત આવી ગયો હતો અને અહીં જ કંઈક કરવાનું નક્કી કર્યું હતું,” જગદીશ કુમારે ધ બેટર ઇન્ડિયા સાથેની વાતચીતમાં આ વાત કહી હતી.
હવે કોઈ પણ વિચારે કે વિદેશમાં સારી એવી કમાણી કરીને કોઈ વ્યક્તિ દેશમાં કોઈ મોટો બિઝનેસ શરૂ કરશે. પરંતુ જગદીશે આવું કંઈ ન કરતા ખૂબ નાના પાયે શરૂઆત કરી હતી.
જગદીશ કહે છે કે, “હૉસ્પિટાલિટીમાં મને ખૂબ સારો અનુભવ છે. મને ચા બનાવવાનો ખૂબ શોખ છે. મને ચા બનાવવાની સાથે સાથે અલગ અલગ ચા વિશે જાણવાનો અને સમજવાનો પણ ખૂબ શોખ છે. આપણે ત્યાં લગભગ દરેક લોકો બે વખત ચા પીવાની ટેવ ધરાવે છે. પછી તે ચા હોય, ગ્રીન ટી હોય કે પછી હર્બલ ટી. ચા 100 પ્રકારની છે પરંતુ આપણે ત્યાં પત્તીવાળી અને ગ્રીન ટી વગેરે જ પ્રસિદ્ધ છે. મેં જ્યારે થોડું જાણ્યું ત્યારે મને માલુમ પડ્યું કે આ ક્ષેત્રમાં ઘણું ખેડાણ કરવા જેવું છે. તમને દરેક ચોક પર એક ચાવાળો જરૂર મળી જશે, પરંતુ ચા સાથે કંઈક નવું કરવાવાળા બહું ઓછા મળશે.”
જગદીશે અખતરા માટે એક કોર્પોરેટ ઓફિસ બહાર થર્મોસમાં ચા વેચવાની શરૂઆત કરી હતી. તેમની ચામાં ગુણવત્તા, વિવિધતા અને સ્વાદ ત્રણેય વસ્તુ હતી. બસ અહીંથી જ શરૂઆત થઈ અને આજે લોકો NRI ચાવાળાની ફ્રેન્ચાઇઝી લે છે. આ જે તેમની પાસે ચાની અલગ અલગ 45 વેરાયટી છે. જેમાં તેઓ અલગ અલગ હર્બ્સ ભેળવીને તેને તૈયાર કરે છે.
જગદીશની મહત્ત્વકાંક્ષા ભારતમાં ચાય ઉદ્યોગમાં વૈશ્વિક નેતા બનવાની છે. જગદીશે ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે કોઈ વ્યક્તિની ઇચ્છા હોય તો તે કેવી રીતે ચાનો સ્ટોલ શરૂ કરી શકે.
1) ચાનો બિઝનેસ શરૂ કરતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો:
જગદીશ કહે છે કે સૌથી પહેલા એક નિયમ જાણી લો કે કોઈનાથી પ્રભાવિત થઈને કંઈ પણ શરૂ ન કરી દો. તમે લોકોમાંથી પ્રેરણા લો, તેની મહેનત જુઓ અને ત્યારબાદ સાચી લગનથી પોતાના ધંધો શરૂ કરો. તમારો પોતાના બિઝનેસ શરૂ કરવા માટે સૌથી પહેલા જરૂરી છે તમારામાં કંઈક કરવાની ભાવના હોય. તમે જાતે જ નક્કી કરો કે તમારામાં એવી કઈ આવડત છે જે તમને આગળ લઈ જશે.
બીજી વાત એ છે કે શરૂ કરતા પહેલા તમે ચા વિશે બધું સમજી અને જાણી લો. તેની વેરાયટી વિશે માહિતી મેળવી લો. સતત પ્રયાસથી એક અલગ જ વેરાયટી તૈયાર કરો. બજારમાં ખૂબ જ હરીફાઈ હોવાથી તમારે કોઈ નવા જ વિચાર સાથે બજારમાં ઉતરવું પડશે. આથી માટે પોતાની અલગ જ વેરાયટી તૈયાર કરો.

ફ્રેન્ચાઇઝી લેવી હોય તો એવા વ્યક્તિ પાસેથી લો જે તમારી સાથે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે અને તમને જરૂરી તમામ વાત શીખવે. જો તમારે ફક્ત ચાની કિટલી જ કરવી હોય તો બરાબર છે પરંતુ પોતાની જાતને એક ઉદ્યમી તરીકે સ્થાપિત કરવી હોય તો તમારે ખૂબ મહેનત કરવી પડશે. તમે આ બિઝનેસને આગળ લઈ જવા માંગતા હોય તો તમારી જાતને ત્રણ સવાલ કરો.
તમારી પ્રોડક્ટ શું છે?
આ પ્રોડક્ટ માટે તમારી દીર્ઘદ્રષ્ટી શું છે?
આ દીર્ઘદ્રષ્ટી પર આગળ તમે કેવી રીતે કામ કરવાના છો?
2) જગ્યા અને રોકાણ:
ચાના બિઝનેસમાં રોકાણની વાત કરીએ તો તમે તેમાં પાંચ હજારથી લઈને 20 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. શરૂઆતમાં ગેસ સિલિન્ડર, થોડા વાસણો, કપ અને રૉ મટિરિયલની વાત કરીએ તો તમને પાંચ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. બાદમાં જેમ જેમ બિઝનેસનો વિકાસ થાય તેમ તેમ તેમાં રોકાણ વધારતા જવાનું રહેશે.
ચાની કિટલી માટે તમારી જગ્યા નક્કી કરવામાં ખૂબ ધ્યાન રાખવું પડશે. આસપાસનો માહોલ એવો પસંદ કરો કે લોકો બે વખત ચા પીવા માટે આવે, દા.ત. કૉર્પોરેટ વિસ્તાર, સ્કૂલ-કૉલેજ વગેરે.
રૉ મટિરિયલની વાત કરીએ તો ચા માટે પત્તી, ખાંડ, દૂધ, સૌથી વધારે જરૂરી છે. બાદમાં એવી વસ્તુઓ જે ફ્લેવર માટે જરૂરી હોય. શરૂઆતમાં એક કે બે પ્રૉડક્ટ પર ધ્યાન આપવું જોઇએ અને તપાસ કરવી જોઈએ કે કેટલું વેચાણ થાય છે. આ જ પ્રમાણ રૉ મટિરિયલ દૂઘ, પત્તી વગેરેની ખરીદી કરવી જોઈએ.

3) સર્ટિફિકેટ અને લાઇસન્સ:
શરુઆતમાં તમારે વધારે સર્ટિફિકેટની જરૂરી રહેતી નથી. તમે ફક્ત FSSAI સર્ટિફિકેટ સાથે પણ શરૂ કરી શકો છો. પરંતુ જો તમારો બિઝનેસ આગળ વધે છે તો તમારે અનેક પ્રકારના લાઇસન્સ લેવા પડશે જેમ કે ફાયર સેફ્ટી. FSSAI સાથે સાથે તમારે GST નંબર પણ લેવો પડશે.
4) મેનૂ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ:
ઉપરનું બધુ નક્કી થાય બાદ તમારે મેનુ અને દુકાનનું નામ નક્કી કરવાનું છે. શરૂઆતમાં મેનૂમાં તમે ચાર-પાંચ પ્રૉડક્ટ રાખી શકો છો. પરંતુ આ એવી પ્રૉડક્ટ હોવી જોઈએ જે ફક્ત તમારી પાસે જ હોય. આ એવી પ્રૉડક્ટ હોવી જોઈએ જેને ગ્રાહકો વધારેમાં વધારે પસંદ કરે. તેમજ તે અન્યથી અલગ હોવી જોઈએ.
નામની વાત કરવામાં આવે તો એવું રાખો જે લોકોની નજરમાં આવે અને ફટાફટ યાદ રહી જાય. કોઈ ટેગલાઇન પણ જરૂર રાખો. કારણ કે અનેક વખત લોકોને તમારી ટેગલાઇન યાદ રહેતી હોય છે. જો તમારી પાસે વધારે બજેટ છે તો તમારું બ્રાન્ડ નેમ રજિસ્ટર પણ કરાવી શકો છો. જોકે, નામની નોંધણી વગર પણ તમે બિઝનેસ શરૂ કરી જ શકો છો.
માર્કેટિંગની વાત કરીએ તો એ લોકો દ્વારા થાય છે. એટલે કે તમે તમારા ગ્રાહકનું ધ્યાન રાખશો તો તેઓ જ તમારા બિઝનેસનું માર્કેટિંગ કરશે. આ માટે તમે હંમેશા તમારા નિયમિત ગ્રાહકો પાસેથી પ્રોડક્ટ અંગે અભિપ્રાય મેળવતા રહો. આ ઉપરાંત આજકાલ સોશિયલ મીડિયા પણ માર્કેટિંગ માટેનો ઉત્તમ રસ્તો છે. તેના પર તમારા ચા બનાવતા વીડિયો, ગ્રાહકોના અભિપ્રાય, ફોટોગ્રાફ્સ વગેરે પોસ્ટ કરતા રહેવું જોઈએ. આ માટે તમારે કોઈ ખર્ચ કરવાની પણ જરૂર નથી.
5) ગ્રાહકો સાથે સારા સંબંધ:
તમારી સૌથી મોટી તાકાત તમારી પ્રૉડક્ટ એટલે કે ચા અને તમારા ગ્રાહકો છે. આ માટે ગ્રાહક તમારી દુકાન પરથી સંતુષ્ટ થઈને જાય તે જરૂરી છે. આ માટે કેટલીક વાતોનું ધ્યાન રાખો. જેમ કે…
સ્ટોલ પર એવો માહોલ બનાવીને રાખો જેનાથી લોકો બેસીને ચા પીવે. આ માટે તમે મ્યુઝિક પણ ચલાવી શકો છો.
સર્વિસ ખૂબ સારી રાખો. કારણ કે આજકાલ કોઈ ગ્રાહક પાસે એટલો બધો સમય નથી હોતો કે તમારી સર્વિસ માટે 10 મિનિટની રાહ જુએ.
સૌથી અગત્યની વાત કે તમારી ચાનો સ્વાદ બદલાવો જોઈએ નહીં. પ્રથમ દિવસથી લઈને ગમે તે લેવલ પર પહોંચી જવા છતાં ચાનો સ્વાદ બદલાવો જોઈએ નહીં. સ્વાદમાં ઉમેરો કરી શકાય પરંતુ તેમાં ઘટાડો બિલકુલ સ્વીકાર્ય નથી.
જો ગ્રાહક તમને કોઈ અભિપ્રાય આપે છે તો તેના પર પૂરેપૂરું ધ્યાન આપો.
ક્યારેક કોઈ ભૂલ થઈ જાય તો ગ્રાહકની માફી માંગી લો. તેમને થયેલા નુકસાનની ભરપાઈ પણ કરી દો.
અંતમાં સૌથી જરૂરી છે કે તમે ગ્રાહક સાથે સારા સંબંધ રાખો. જો કોઈ ગ્રાહક એક બે દિવસથી તમારે ત્યાં આવી રહ્યો છે તો તેમના વિશે થોડું જાણી લો. તેમને નામથી જ બોલાવો. તેની જરૂરિયાત જાણી લો એટલે કે તેમણે ઓર્ડર આપવાની પણ જરૂર ન પડે. તમને પહેલાથી જ ખબર હોય કે તેમને શું જોઇએ છે. તેમને તમારી પ્રૉડક્ટ વિશે થોડી થોડી જાણકારી પણ આપતા રહો. આવું કરશો તો ગ્રાહક તમને છોડીને ક્યારેય નહીં જાય.
આ સાથે જ જગદીશ એક અભિયાન પણ ચલાવી રહ્યા છે કે, ‘હું પણ ચાવાળો છું.’ જેના દ્વારા જગદીશ એવા લોકોની મદદ કરે છે જેમની પાસે થોડું રોકાણ તો છે પરંતુ તેમને સમજાઈ નથી રહ્યું કે શું કરવું. આવા લોકોને તે પોતાની ફ્રેન્ચાઇઝી ઑફર કરે છે. જો કોઈ ચા ક્ષેત્રમાં ઉદ્યમી બનવા માંગે છે તો તે 09582770079 નંબર પર તેમનો સંપર્ક કરી શકે છે.
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: સુરતના આ પ્રજ્ઞાચક્ષુ સંદિપભાઈએ જીવતાં જોયું મોત છતાં ન હાર્યા, 500 રૂપિયાના પાપડથી શરૂ કર્યો વ્યવસાય