આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતની એક એવી કળાની કે જે અત્યારે લુપ્ત થવાના ભયના ઓથાર હેઠળ જીવી રહી છે. આમ તો વર્ષો જુના આપણા ગુજરાતના ઇતિહાસમાં ઘણી બધી એવી કારીગરી છે કે જેની માહિતી હજી સામાન્ય માણસો સુધી પહોંચી જ નથી.
તેવી જ એક કળા છે કચ્છના મુન્દ્રા ખાતે રહેતા કરીમ મન્સૂરીની કે જેને ‘નામદા કળા’ તરીકે ઓળખવામાં આવે છે. કરીમભાઇ દ્વારા આ વર્ષો જૂની કળાને સાચવી રાખવાની સાથે સાથે તેને આધુનિક સમય પ્રમાણે પરિવર્તિત પણ કરવામાં આવી છે તેમ છતાં અત્યારે સમગ્ર ગુજરાતમાં તેઓ અને એક બીજા ભાઈ બસ આ બંને જણ જ આ કળા સાથે સંકળાયેલા છે અને હવે તેમની આગળની પેઢીને આ કળા શીખવવા માટે કમર કસી રહ્યા છે છતાં પણ તેમાં પરિવારનું પોષણ થાય તેટલી કમાણી પણ ન થતા તેઓ તેમની આ કળા તેમજ આગળની પેઢીના ભવિષ્ય માટે ખુબ જ ચિંતિત છે.

નામદા કળા અને ઇતિહાસ
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા કરીમ ભાઈએ તેમની આ બાપ દાદાની વર્ષો જૂની કળા વિષે ખુબ જ વિસ્તારપૂર્વક માહિતી આપવાની સાથે સાથે આ કળા લુપ્ત થઇ જશે તેવો બળાપો ઠાલવી પોતાની વેદના પણ વ્યક્ત કરી હતી. તો ચાલો શું છે આ કળા અને કંઈ રીતે આપણે તેને ફરી બેઠી કરી શકીએ તે વિશે થોડું જાણીએ.
કરીમભાઇ અત્યારે મુન્દ્રા ખાતે નિવાસ કરે છે અને તેઓ આ નામદા કળા સાથે છેલ્લા ઘણા વર્ષોથી સંકળાયેલા છે પરંતુ તેમની આ કળા દ્વારા બનેલ વસ્તુઓ ખરીદવાની બહુ માંગ ના હોવાના કારણે તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે સુથારીકામ પણ કરે છે.

આ કળા બાબતે તેઓનું કહેવું છે કે એક દંતકથા પ્રમાણે અકબરના સમયથી આ કળાને પ્રસિદ્ધિ મળી અને ત્યારબાદ જ તે દેશના વિવિધ ક્ષેત્રોમાં ફેલાઈ જેમાં અમારા વડવાઓ અહીંયા આવીને સ્થાયી થયા જયારે આવી જ કળા ને અનુરૂપ કળા અત્યારે તમને રાજસ્થાન તેમજ કાશ્મીરમાં જોવા મળશે.

ફક્ત ઘેટાના ઉનનો જ ઉપયોગ
નામદા કળામાં ફક્ત ઘેટાના ઉનનો જ ઉપયોગ કરવામાં આવે છે. જેમાં સૌ પ્રથમ ઘેટાને નવડાવીને તૈયાર કરવામાં આવે છે અને પછી તેમાંથી ઉનને ઉતારવામાં આવે છે. એ ઊનમાંથી અલગ અલગ કલર તારવવાના અને તેને ધોઈ સુકવી કચરો નીકાળી માટલા પર કાપડ વીંટી હાથથી જ તેમાંથી એક દોરી બનાવવાની. અને તે દોરી ઉપરથી ડિઝાઇન બનાવવાની. એ ડિઝાઇન બનાવ્યા પછી અલગ અલગ રંગની ઉન નાખી તેના પર ફરી સફેદ પડ ઉનનો લગાવી સાબુની ફીણ ઘસી ફરી ધોઈ તેને સુકવી નાખવાથી એક પીસ તૈયાર થઇ જશે.

તેઓ કહે છે કે આ નામદા કળા દ્વારા બનાવવામાં આવેલ વસ્તુઓ જેટલી ઉપયોગમાં લેશો તેટલી વધારે ચાલશે અને જેટલી ઉપયોગમાં નહીં લો તેટલી તે ઓછી આવરદા ભોગવશે.

આધુનિક સમય પ્રમાણે બદલાવ
પહેલા આ કળાના ઉપયોગથી એક બે જેટલી સીમિત વસ્તુઓ જ બનતી હતી જેમ કે ઘોડાની પરછી, આસાન વગેરે તેથી આધુનિક સમયમાં લોકોના વિવિધ વસ્તુઓના રસને પારખી આ કળાને જાળવવા માટે કરીમભાઈએ અલગ અલગ ચીજવસ્તુઓનું નિર્માણ શરુ કર્યું. જેમાં ટોપી, ફોટો ફ્રેમ, થેલાઓ, ચપ્પલ, કાર્પેટ, રમકડાં વગેરેનો સમાવેશ થાય છે.
આ કારણે જ આ કપરા સમયમાં પણ અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા દ્વારા 2017 માં કરીમભાઈને 4 થી 5 લાખ રૂપિયાનો ઓર્ડર અપાયો હતો અને હમણાં જ દિવાળી પહેલા પણ 1.5 લાખ રૂપિયાનો ઓર્ડર પણ આપેલો છે. જો આ રીતે જ જો બીજા લોકો અને સંસ્થા પણ આ કળાના સંવર્ધન બાબતમાં આગળ વધે તો તેના ભવિષ્ય બાબતે આપણને કોઈ ચિંતા ના રહે.

અત્યારની તેમની મુખ્ય સમસ્યા
હવે કામ મળશે તો કળા આગળ વધશે. મારા છોકરાઓ એમ જ કહે છે કે તમને કામ નથી મળતું તો અમને ક્યાંથી મળશે છતાં પણ તેમને હું એ કહીને શીખવું છું કે કામ મળશે કે નહીં મળે તેની આશા ના રાખવી પણ કળા શીખવી એ આપણી ફરજમાં આવે છે એટલે તમારા હાથમાં આ નામદા કળા હોય તે જરૂરી છે જે તમારી એક ઓળખ ઉભી કરે છે. છતાં પણ તેઓ એક આશંકા તો વ્યક્ત કરે જ છે કે જો કામ જ નહીં મળે તો આ કળા સીમિત થઇ જશે અને જતા દિવસે લુપ્ત પણ.

આમ, ખરેખર ભારતની તેમજ ગુજરાતની આવી વિવિધ કળાઓ કે જે ભયના ઓથાર હેઠળ જીવી રહી છે તેને બચાવવાની એક અપીલ સાથે ધ બેટર ઇન્ડિયા દર્શકોને પણ અપીલ કરે છે કે જો તમે આ કળા વિષે થોડું વધારે જાણવા તેમજ તેના દ્વારા બનેલી વસ્તુઓ ખરીદવા ઈચ્છો છો તો કરીમ ભાઈના આ 9925778799 નંબર પર કોલ કરી સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: પાકિસ્તાનથી ભારત પોતાની એપિક કળા લાવ્યા, ગુજરાતમાં 22 ગામની 200 મહિલાઓને આપી રોજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો