“નારી તું નારાયણી”અને પુરૂષ સમોવડી સ્ત્રી, આ પંક્તિ હવે ધીરે ધીરે સાર્થક થતી જાય છે. તમામ ક્ષેત્રોમાં મહિલા ખંત અને મહેનતથી પહોંચી રહી છે. પરિવારની જવાબદારી નિભાવતી નિભાવતી એ આર્થિક બાબતોમાં પણ સહભાગી થતી જાય છે. પૃથ્વી પરની સાક્ષાત અન્નપૂર્ણા દેવીએ મહિલાઓ જ છે. આપણે સંસ્કૃતમાં એક પંક્તિ છે. नारी अस्य समाजस्य कुशलवास्तुकारा अस्ति મતલબ કે સ્ત્રી આપણા સમાજની એક કુશળ વાસ્તુકાર છે. આજે એવી જ એક સ્ત્રી સશક્તિ કારણ ની પ્રેરણાત્મક વાત લઈ ને આવ્યા છીએ.
ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વિવિધતા માં વિશાળતા ધરાવતો જિલ્લો એટલે ડાંગ. આપણે બધા સાપુતારા, વધઇ, ડાંગ દરબાર બધા થી પરિચિત છીએ.પરંતુ કદાચ ત્યાંની પરંપરાગત વાનગીઓનો સ્વાદ નહીં માણ્યો હોય.

2006 માં નવસારી જિલ્લામાં સૌથી પહેલું રેસ્ટોરન્ટ ચાલુ થયું. આ રેસ્ટોરન્ટની ખાસિયત એ હતી કે એક તો ત્યાં પરંપરાગત ભોજન મળે અને એમનું સંચાલન મહિલાઓ કરતી હતી.
આ મહિલાઓ આર્થિક રીતે સામાન્ય અથવા પછાત હતી પરંતુ તેમની આવડત અને કળા અદભુત હતી. 2006ના અરસામાં શબરીધામ એકઝીબિશન હતું તેમાં આ મહિલાઓ પોતાની પરંપરાગત વાનગીઓ બનાવીને લાવી હતી. આ વાનગીઓ એટલી સ્વાદિષ્ટ હતી કે થોડી જ વારમાં પૂરી થઇ ગઇ. ત્યારબાદ BAIF નામની સંસ્થા એ સરકાર પાસેથી ફંડ લઈ આ મહિલાઓની આવડતને દેખાડવા પથ ખોલી આપ્યો અને 2006 માં નવસારી જિલ્લાના ગંગપુર ખાતે પહેલું “નાહરી” નામનું રેસ્ટોરન્ટ ચાલુ થયું. રેસ્ટોરન્ટમાં નાગલીના રોટલા, ચોખાના રોટલા, અડદની દાળ, લીલી ચટણી, લાલ ચટણી જેવી વાનગીઓ પીરસવામાં આવતી. જેમ જેમ લોક પ્રતિસાદ મળતો ગયો તેમ તેમ આજુબાજુના વિસ્તારની મહિલાઓને પણ નાહરી જેવું રેસ્ટોરન્ટ બનાવીને રોજગારી મેળવવાની ઈચ્છા થઈ. એમ કરતાં કરતાં 2020 સુધી માં 13 જેટલા નાહરી નામના રેસ્ટોરન્ટ ખુલ્યા. નવી મહિલાઓને રેસ્ટોરન્ટ બનાવવા અને સંચાલન કરવા તાલીમ પણ જૂની બહેનો આપતા અને પગભર બનાવવામાં ફાળો આપતા.

આ એક રેસ્ટોરન્ટ બનાવવા અને તેનું સંચાલન કરવા બહેનોનું એક મંડળ બનાવવામાં આવે છે. જેમાં પ્રમુખ ઉપપ્રમુખ હોય છે અને વારા પ્રમાણે કામ કરવામાં આવે છે. BAIF ના સિનિયર પ્રોગ્રામ મેનેજર સાથે વાત કરતા તેઓ એ જણાવ્યું હતું કે ગુજરાત માં 13 જેટલા નાહરી રેસ્ટોરન્ટ છે જેમાં 120 મહિલા પ્રત્યેક અને 70 જેટલી મહિલા પરોક્ષ રોજગારી મેળવે છે. અત્યારે સ્ટેચ્યુ ઑફ યુનિટી પાસે પણ ચાલુ કરવામાં આવ્યું છે. હવે તો ડાંગના સાવરખડી ખાતે “meal on wheel” પણ ચાલુ થયું. મહિલાઓ વાહન મારફતે હરતું ફરતું રેસ્ટોરન્ટ ચલાવે છે. મહિલાઓની મહેનતમાં ઓએનજીસી, ટાટા ટ્રસ્ટ, ગુજરાત સરકારની વિજ્ઞાન અને ટેકનોલોજી શાખા, નાબર્ડ સહિતની સંસ્થાઓએ ફંડ આપ્યું છે.
લીલાબેન ગણવિતે ( જય અંબે મહિલા મંડળ) ધ બેટર ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “અમારા મંડળની મહિલાઓ પરિવારનું ખેતીવાડી – પશુપાલન જેવા કામો સાથે સાથે હોટલ પણ ચલાવે છે અને કમાણી કરીએ છીએ. અમે કમાયેલા પૈસા છોકરાઓના ભણતર પાછળ, ઘરની બીજી જરૂરિયાત વસ્તુ લેવા માટે વાપરીએ છીએ. આગળ તેમણે એ જણાવ્યું હતું કે અમે ગ્રાહક પાસેથી એક થાળીના 100 રૂપિયા લઈએ છીએ. મહિને હિસાબ કરીને માલ સામાનનો ખર્ચ કાઢીને બહેનોની હાજરી મુજબ તેઓને વળતર આપીએ છીએ. અને વધેલા પૈસા અમે મંડળના પોસ્ટના ખાતા માં જમા કરાવી એ છીએ. તહેવારોમાં બહેનોને બોનસ પણ આપીએ છીએ. સાથે તેઓએ જણાવ્યું હતું કે નાહરી શબ્દનો અર્થ મરાઠી ભાષામાં બપોરનું ભોજન થાય છે. અમારું એક જ ધ્યેય છે અમારે ત્યાં આવેલ ગ્રાહક સંતોષનો ઓડકાર ખાયને જવો જોઈએ.”

મહિલાઓના આત્મનિર્ભર બનવા અને ખંતથી તેને વળગી રહેવું એ ખરેખર એક પ્રેરણાત્મક વાત છે.
જો આપ દક્ષિણ ગુજરાત બાજુ જતા હોય અને આ મહિલાઓના હાથનું પરંપરાગત ભોજનનો સ્વાદ માણવો હોય તો અહીં અમુક રેસ્ટોરન્ટના એડ્રેસ મુક્યા છે. (1) ગંગપુર ગામ, વાસંદા તાલુકો, (2) શુબિર, ડાંગ (3) સાકળપાતળ, વઘઇ ( સાપુતારાના રૂટ પર).
અમદાવાદ, વડોદરા, સુરત જેવાં મોટાં-મોટાં શહેરોમાં પૈસા ખર્ચ્યા બાદ પણ આવું ભોજ ભાગ્યે જ મળે, અને જો મળી પણ જાય તો, એક ડિશના 300-400 હોય તે વાનગીઓ અહીં તમને માત્ર રૂપિયા 100 મળી જશે અને તે પણ એકદમ પરંપરાગત અંદાજમાં બનાવેલ.
તેમની આ રેસ્ટોરેન્ટ વિશે વધુ જાણવા ઇચ્છતા હોય કે, તેમના આ સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણવા ઇચ્છતા હોય તો, તમે તેમને નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો.
લીલાબેન ગણવીત- 81604 42309
સંદીપ યાદવ (સિનિયર પ્રોગ્રામ મેનેજર- BAIF) – 96010 09540
આ પણ વાંચો: 12 પાસ ખેડૂતો બનાવી ‘સ્વર્ગારોહણ’ ભઠ્ઠી, માત્ર 70 થી 100 કિલો લાકડાંથી થઈ જશે અગ્નિ સંસ્કાર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.