‘જમીન વિના ખેતી કરો અને મહિનાના લાખો રૂપિયા કમાઓ’
વર્ષ 2001માં રામચંદ્ર દુબેએ જ્યારે છાપામાં આ જાહેરાત વાંચી ત્યારે તેમને લાગ્યું કે કોઇ શખ્સ લોકોને મૂર્ખ બનાવી રહ્યો છે. જેથી તેમણે તુરંત જાહેરાત છાપનારી કંપનીને ફોન કરી કહ્યું કે, આ સંભવ જ નથી. પરંતુ જ્યારે દુબે તે કંપનીના લોકોને મળવા પહોંચ્યા ત્યારે તેમને એવું જાણવા મળ્યું કે, મશરૂમ ખેતી ખરેખર ખેડૂતોને જિંદગી બદલી શકે છે.
દુબેએ પહેલીવાર મશરૂમ અને તેના ફાયદા વિશે જાણકારી મેળવી. જોકે તે સમયે તેમની પાસે એટલા પૈસા ન હતા કે તે મશરૂમ ઉગાડવાની ટ્રેનિંગ લઇ શકે. તે સમયે રામચંદ્ર પોતાના પરિવાર સાથે મુંબઇમાં રહેતા હતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા. જોકે મશરૂમની ખેતી શીખવાની ઇચ્છા તેમના દિલમાં ક્યાંક ને ક્યાંય રહી ગઇ હતી. આજે 20 વર્ષ પછી તેઓ ઉત્તરપ્રદેશના પોતાના ગામમાં રહીને ન માત્ર ખેડૂતોને મશરૂમની ખેતીની ટ્રેનિંગ આપી રહ્યા છે. આ ઉપરાંત તેમની પાસેથી મશરૂમ ખરીદી બજાર સુધી પહોંચાડે પણ છે. ધ બેટર ઇન્ડિયા સાથે વાતચીતમાં રામચંદ્રએ પોતાની સમગ્ર સફર અંગે વાત કરી હતી.

વર્ષ 1980માં મુંબઇ આવ્યા હતા
મૂળ ઉત્તરપ્રદેશના ભદ્રોહીના રહેવાસી 62 વર્ષીય રામચંદ્રએ 12મા સુધીનો અભ્યાસ કર્યા બાદ મુંબઇ આવતા રહ્યા હતા. મુંબઇમાં તેમના પિતા એક મિલમાં કામ કરતા હતા અને ધીરે-ધીરે તેમણે પોતાના આખા પરિવારને શહેર બોલાવી લીધા હતા. રામચંદ્ર જ્યારે મુંબઇ પહોંચ્યા ત્યારે થોડો સમય તેમણે એક મિલમાં કામ કર્યું અને 1981માં રિક્ષા ચલાવવાની શરૂ કરી.
રામચંદ્ર કહે છે કે, મુંબઇમાં કામ કરવું સહેલું ન હતું. મને મિલમાં કામ કરવું ગમતું ન હતું એટલે રિક્ષા ચલાવવાની શરૂ કરી હતી પરંતુ આ કામમાં પણ મુશ્કેલીઓ આવી હતી. જેથી મેં નક્કી કરી લીધું કે, મારા ગામ કે સમાજની કોઇ પણ વ્યક્તિ રોજગારીની શોધમાં અહીં આવશે તો તેમને મદદ કરીશ.
રામચંદ્રએ ઘણા બધા લોકોની મદદ કરી અને પોતાના નિર્ણય પર ખરા ઉતર્યા પણ ખરાં. તેઓ એેક દિવસમાં લગભગ 10 કલાક રિક્ષા ચલાવતા હતા. જેમાંથી આઠ કલાકની કમાણી પોતાના પરિવાર માટે રાખતા અને બાકીના બે કલાકની કમાણી લોકોની મદદ પાછળ ખર્ચતા હતા. ઘણાં વર્ષો સુધી રિક્ષા ચલાવ્યા પછી તેમને એેક કો-ઓપરેટીવ સોસાયટી શરૂ કરવાની તક મળી. જે અંતર્ગત તે લોકોના પૈસા જમા કરતા અને તેમને લોન થકી મદદ કરતા હતા. આ કામ થોડો સમય સારુ ચાલ્યું પરંતુ કેટલાક લોકોના વિશ્વાસઘાતના કારણે આ કામ બંધ કરવાની ફરજ પડી.
તે જણાવે છે કે, આ કામમાં ખૂબ નુકસાન થયું. જોકે મેં બધાના પૈસા પરત કર્યા અને એકવાર ફરી જિંદગીમાં નવી શરૂઆત કરી. કેટલોક સમય પોતાની દુકાન ચલાવી અને પછી એલઆઇસીની એજન્સી લીધી. 2017માં ગામ પરત ફરતા પહેલા હું એલઆઇસી એજન્સી ચલાવતો હતો.

2017માં ગામ પરત ફર્યો
રામચંદ્ર જણાવે છેકે, કાયમ માટે પરત ફરવા માટે ગામ ગયો નહોતો. જોનપુર જિલ્લાના પંચોલી ગામમાં અમારી જમીન છે. જેના માટે મારે વારંવાર આવું પડતું હતું. 2017માં પણ જમીનના કામથી જ આવ્યો હતો. તે સમયે મને ખબર નહોતી કે, હું કાયમી ગામમાં જ વસી જઇશ. ગામમાં બે-ત્રણ અઠવાડિયા રહેતા જ મને લાગવા લાગ્યું કે, પોતાની જમીન પર જ ખેતી કરવાની કોશિશ કરવી જોઇએ. વધુમાં જણાવ્યું કે, હું આધુનિક ખેતી કરવાની ઇચ્છા ધરાવતો હતો. જેથી કૃષિ વૈજ્ઞાનિક કેન્દ્ર પહોંચ્યો અને ત્યાં કૃષિ અધિકારીઓ અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી. તેઓએ મને જૈવિક ખેતીમાં સફળ રહેલા ખેડૂતોના નંબર આપ્યા. હું તેમને મળ્યો તેમ છતાં સમજ ન આવ્યું શું કરવું જોઇએ.
જ્યારબાદ જુલાઇ 2017માં તેઓ એક વાર ફરી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પહોંચ્યો. તે સમયે ત્યાં સેમિનાર ચાલી રહ્યો હતો. સેમિનાર બાદ મેં જોયું કે મંચ પરથી કેટલાક પોસ્ટર હટાવાઇ રહ્યાં છે. આ પોસ્ટરની નીચે અન્ય એક મશરૂમની ખેતીનું પોસ્ટર પણ હતું.
તે પોસ્ટરને જોતા જ મને 17 વર્ષ જૂની વાત યાદ આવી ગઇ. મેં તરત જ તે ટ્રેનિંગ માટે મારું રજિસ્ટ્રેશન કરાવ્યું અને પાંચ દિવસની ટ્રેનિંગ લીધી. ટ્રેનિંગના ત્રીજા દિવસે એક ખેડૂતે પૂછ્યું કે, મશરૂમ ઉગાડી તો લઇએ પણ તેને ખરીદશે કોણ? મને તે સમયે મુંબઇની કંપની યાદ આવી જેમણે કહ્યું હતું કે, તમે કોઇ પણ સ્થળે મશરૂમ ઉગાડો, અમે તમામ જગ્યાના મશરૂમ ખરીદીશું.
રામચંદ્રએ ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો કે જો કોઇ ખેડૂત મશરૂમ ઉગાડે છે તો માર્કેટિંગની જવાબદારી તે ઉપાડવા તૈયાર છે. તે સમયે તેમને વિચાર્યું કે જો હું જાતે મશરૂમની ખેતી કરવાના સ્થાને અન્ય ખેડૂતોને જાગૃત કરીને ખેતી કરાવું અને તેમને માર્કેટ ઉપલબ્ધ કરાવીશ તો વધારે ફાયદાકારક રહેશે. જોકે તેમનો આ અભિપ્રાય એટલો સરળ ન હતો જેટલો તેમનો લાગતો હતો.

એક-એક કરીને ખેડૂતોને જોડ્યા
સૌ પ્રથમ રામચંદ્રએ કેટલાક ખેડૂતોના નંબર એકત્રિત કર્યા, જેમને મશરૂમની ટ્રેનિંગ લીધી હતી. તેમાંથી માત્ર એક ખેડૂત અરવિંદ યાદવ મશરૂમ ઉગાડવા માટે તૈયાર થયા હતા. જોકે અન્ય ખેડૂતો માર્કેટ ન મળવાથી હતાશ હતા. અરવિંદે તેમના પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો અને ઓએસ્ટર મશરૂમ ઉગાડ્યું. અરવિંદ માટે આ પ્રક્રિયા સરળ ન હતી. તેમને લોકોના વિરોધ વચ્ચે પણ 900 રૂપિયાના ખર્ચ સાથે મશરૂમ ઉગાડ્યું. આ મશરૂમને રામચંદ્રએ અરવિંદ પાસેથી રૂ.3000માં ખરીદ્યું. પહેલા તો તેમણે લોકોને વિનામૂલ્યે મશરૂમ ખવડાવ્યું. જ્યારબાદ તેમને પોતાના એક મિત્રની દીકરીના લગ્નમાં મશરૂમની સબજી બનાવડાવી. જે લોકોને ખૂબ પસંદ આવી હતી.
તે જણાવે છેકે, તેમને ભલે પહેલી ખરીદીથી કોઇ નફો ન મળ્યો પરંતુ અરવિંદને 2100 રૂપિયાનો ફાયદો થયો હતો. જેનાથી અન્ય ખેડૂતોનો પણ તેમની પર ભરોસો વધી ગયો હતો. જોત જોતામાં 13 ખેડૂત રામચંદ્ર સાથે જોડાઇ ગયા. રામચંદ્ર રોજ તેમની પાસેથી લગભગ 50-60 કિલો મશરૂમ ખરીદતા હતા અને જોનપુરની જ અલગ અલગ દુકાનોમાં આપી આવતા હતા. પરંતુ તેમાંથી માત્ર અડધા મશરૂમ જ વેચાતા હતા.
રામચંદ્રએે વેચાણ બાદ વધેલા મશરૂમમાંથી ડ્રાય મશરૂમ પાઉડર અને અથાણું બનાવવાનું શરૂ કરી દીધું. તે જણાવે છેકે, જ્યારે ઉત્પાદન વધવા લાગ્યું અને મને સારુ માર્કેટ મળી રહ્યું નહોતું ત્યારે મેં મુંબઇની કંપનીનો સંપર્ક કર્યો. ત્યારે તેમણે કહ્યું કે તમે તે સમયે અધૂરી વાત જ સાંભળી હતી. અમે કોઇપણ જગ્યાના મશરૂમ ખરીદીશું પરંતુ માત્ર તે જ ખેડૂતોના જેને અમે ટ્રેનિંગ આપી હશે. જોકે તેમણે મને કહ્યું કે હું તેમની પાસે ટ્રેનિંગ મેળવું અને એક વર્ષનો કોન્ટ્રાક્ટ કરું તો તેઓ મારી પાસેથી મશરૂમ ખરીદશે. તે વાત મને યોગ્ય ના લાગી જેથી મેં મારુ પોતાનું એન્ટરપ્રાઇઝ શરૂ કરવાનો નિર્ણય કર્યો.
રામચંદ્રના કામ વિષે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક સુરેશકુમાર કન્નોજિયા જણાવે છેકે, રામચંદ્ર ખૂબ એક્ટિવ છે. સામાન્ય રીતે લોકો ટ્રેનિંગ લે છે અને પછી ભૂલી જાય છે પરંતુ તેમને ટ્રેનિંગ લીધા બાદ ખેડૂતોની સાથે જે રીતે કામ કર્યું છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. રામચંદ્રએ ઘણા બધા ખેડૂતોને મશરૂમની ખેતી સાથે જોડ્યા છે. આ સાથે આ વિસ્તારમાં ખેડૂતો માટે મશરૂમનું સારુ માર્કેટ પણ તૈયાર કરી રહ્યા છે. આજે તેમના પ્રયત્નોના પ્રતાપે મોટીસંખ્યામાં ખેડૂતો મશરૂમની ખેતી કરવા ઇચ્છી રહ્યા છે.

પોતાનું એન્ટપ્રાઇઝ શરૂ કર્યું
વર્ષ 2018માં તેમણે ‘અન્નપૂર્ણા એગ્રો એન્ટરપ્રાઇઝ’ની શરૂઆત કરી. આ બ્રાન્ડના નામ સાથે તેઓ વોટ્સએપના માધ્યમથી મશરૂમનું માર્કેટિંગ કરવા લાગ્યા. આ ઉપરાંત તેમણે પોતાની બ્રાન્ડનું અથાણું, પાઉડર, બિસ્કિટ જેવી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું. દુકાનોની સાથોસાથ તેઓ ગ્રાહકો સાથે પણ
સીધા જોડાવવા લાગ્યા. રામચંદ્ર કહે છેકે, અત્યાર સુધીમાં તે લગભગ 150 ખેડૂતોને મશરૂમ ઉગાડવાની ટ્રેનિંગ આપી ચૂક્યા છે, જેમાંથી 30 ખેડૂત મોટા પાયે મશરૂમનું ઉત્પાદન કરી રહ્યા છે જ્યારે અન્ય ખેડૂતો ઓછી માત્રામાં પણ શરૂઆત કરી ચૂક્યા છે.
રામચંદ્ર જણાવે છેકે, ખેડૂતો માટે ઓએસ્ટર મશરૂમ ઉગાડવા સૌથી સરળ અને સસ્તું હોય છે પરંતુ આ મશરૂમ વિષે લોકોને ખાસ જાણકારી નથી. જેના કારણે તેનું માર્કેટ પણ સિમિત છે. જો લોકોને જાગૃત કરવામાં આવે તો ખેડૂતો સારામાં સારો નફો રળી શકે તેમ છે.
રામચંદ્ર પાસેથી ટ્રેનિંગ લેનાર ખેડૂત અજય પટેલ જણાવે છેકે, લોકોમાં વધતી જાગૃતતાના કારણે હવે અમારા વિસ્તારમાં મશરૂમની માગ વધી રહી છે. રામચંદ્ર ખેડૂતોને ટ્રેનિંગ આપવાની સાથે સ્પોન, બેગ જેવી જરૂરિયાની વસ્તુઓ પણ આપે છે. મશરૂમ ઉગવાની સાથે ઉપજ પણ તેઓ જ ખરીદી લે છે. જેનાથી બધા ખેડૂતોનો વિશ્વાસ વધ્યો છે.
રામચંદ્ર હાલમાં દર મહિને એકથી દોઢ ક્વિન્ટલ મશરૂમ ખેડૂતો પાસેથી ખરીદે છે. આ મશરૂમને તાજા, ડ્રાય અને ખાદ્ય પદાર્થના રૂપે લગભગ 300 ગ્રાહકો સુધી પહોંચાડે છે. તેનાથી તેમને દર મહિને લગભગ દોઢ લાખ જેટલી આવક થાય છે. ખેડૂતોની આવક વધારવાની સાથોસાથ પ્રોસેસિંગના કામથી તેમને ગામની અન્ય ત્રણ-ચાર મહિલાઓને રોજગારી પૂરી પાડી છે. તે જણાવે છેકે, આ હજી શરૂઆત છે કારણકે મારે હજી ઘણું બધુ કરવું છે. ખેડૂતોની આવક વધારવા સાથે તેમણે ખેતરોમાં વધતી પરાળીની સમસ્યાનું પણ સમાધાન શોધી લીધું છે. પરાળીને બાળવાના સ્થાને ખેડૂત તેને ઘાસચારા રૂપે અથવા મશરૂમની ખેતીમાં પણ તેનો ઉપયોગ કરી શકે છે.
જો તમે મશરૂમની ખેતી માટે માર્ગદર્શન મેળવવા માગતો હોવ અથવા તેમની પ્રોડક્ટ ખરીદવાની ઇચ્છા ધરાવતા હોવ તો રામચંદ્રનો 8169083775 આ નંબર પર સંપર્ક કરી શકો છો. રામચંદ્ર જણાવે છેકે, તેઓ પહેલેથી લોકોને સાથે રાખી આગળ વધવામાં માને છે. તેમના જીવનનો ઉદેશ્ય ખેડૂતોને મશરૂમની ખેતી સાથે જોડવાનો અને તેમની ઉપજને માર્કેટમાં સારા ભાવ સાથે પહોંચાડવાનો છે. તે વધારેમાં વધારે લોકોને મશરૂમ વિષે જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કેરીના રસિયાઓને આખુ વર્ષ રસ ખવડાવે છે, જમીન માત્ર દોઢ વિઘો, છતાં અન્ય મહિલાઓને પણ આપે છે રોજગારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.