મુંબઈ: સતત દોડધામ વારી જિંદગીમાં કોણ કુદરતના ખોળે ન જવા માંગે! પ્રકૃતિના ખોળે જવાની વાત આમ તો બધાને સારી લાગે છે પરંતુ એમાંથી અમુક જ લોકો પોતાના આ સપનાને સાકાર પણ કરી શકે છે.
અનીશ શાહ એવા જ લોકોમાંના એક છે. અનીશને હંમેશા ખેતીનો શોખ રહ્યો છે. કદાચ આજ કારણને લીધે અનીશે વર્ષ 2016માં પોતાની 16 વર્ષની કોર્પોરેટ નોકરી છોડી દીધી હતી. જે બાદમાં અનીશે ખેતી નિષ્ણાત પાસેથી તાલિમ લીધી હતી. એવું બિલકુલ ન હતું કે ખેતી કરવી સરળ કામ હતું. અનીશને આ કામમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે.
42 વર્ષીય અનીશ શાહ કહે છે કે તેઓ માર્કેટિંગ અને સેલ્સ વિભાગમાં કામ કરી રહ્યા હતા. સારી એવી કમાણી પણ કરતા હતા. પરંતુ થોડા સમય પછી તેઓને લાગ્યું કે તેઓ અલગ અલગ કંપનીમાં એક જ પ્રકારનું કામ કરે છે. કામને કારણે તેમણે ખૂબ જ પ્રવાસ કરવો પડતો હતો. બાદમાં તેમને લાગવા લાગ્યું હતું કે તેમની જિંદગી ફક્ત એક સૂટકેસ સુધી સીમિત રહી ગઈ છે. તેઓ આ દોડધામથી કંટાળી ગયા હતા અને કંઈક એવું કામ કરવા માંગતા હતા જે તેમને ગમે અને સાથે આનંદ પણ આપે.

અનીલ હવે એક જૈવિક ખેડૂત ઉદ્યમી છે. 30 એકર જમીનમાં તેઓ 20 પ્રકારના પાક ઊગાડે છે. આ પાકમાં મગફળી, ઘઊં, મકાઇ, હળદર, કાળા મરી, કેરી, કાજૂ વગેરે સામેલ છે.
અર્થ હાર્વેસ્ટ નામનું તેમનું એક ફાર્મ-ટૂ-ટેબલ સાહસ પણ છે, જ્યાં તેઓ દર અઠવાડિયે ગ્રાહકોને તાજા જૈવિક (ઓર્ગેનિક) ઉત્પાદનોની ટોપલી મોકલે છે. આ ટોપલીમાં 10 પ્રકારની શાકભાજી હોય છે. જે તમામ ઓર્ગેનિક હોય છે.
હાલ તેમની પાસે 400થી વધારે ગ્રાહક છે. અનીસ બાયોડાયનામિક ખેતીની સરળ ટેક્નિકનો પણ ઉપયોગ કરે છે. આ એવી ખેતી છે જે કોઈ કેમિકલ વગર વૈકલ્પિક અને પ્રાકૃતિક રીતે કરવામાં આવે છે.
આ ઉપરાંત અનીશ 1.5 એકર જમીનમાં એગ્રોફોરેસ્ટ્રીનો પણ પ્રયોગ કરે છે. જેમાં તેઓ ચંદન, સોપારી, અનાનસ, પપૈયું, ચીકૂ વગેરેના ઝાડ ઊગાડે છે. ખેતી અને અન્ય સેવાઓમાંથી અનીસ વર્ષમાં 60 લાખ રૂપિયાની કમાણી કરે છે. તેમણે મધ્ય પૂર્વ અને બ્રિટનમાં પણ પોતાની શાકભાજીની નિકાસ કરી છે.

ટેરેસ ગાર્ડનિંગથી વિચાર આવ્યો
અનીશ મુંબઈ શહેરમાં મોટા થયા છે. ખેતી સાથે તેમને દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. તેમણે 1999માં સોમૈયા ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો છે. જે બાદમાં બિઝનેસ સ્ટાન્ડર્ડ સાથે પ્રિન્ટ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. 2001 સુધી ત્યાં કામ કર્યું અને ત્યાર બાદ એમબીએની ડિગ્રી મેળવી હતી.
16 વર્ષની નોકરી દરમિયાન તેમણે અનેક સંસ્થાઓમાં સેલ્સ અને માર્કેટિંગ વિભાગમાં કામ કર્યું હતું. જેમાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, ફ્યૂચર મીડિયા અને નેટવર્ક 18 ગ્રુપ સામેલ છે. 2012માં બેંગલુરુમાં તેમને એક કંપનીના ઉપાધ્યક્ષ તરીકે કામ શરૂ કર્યું હતું. ત્યાં તેમના ઘર પર એક ટેરેસ હતું. આ શહેરનું વાતાવરણ બાગકામને અનુકૂળ હતું. તેઓ તેમના ટેરેસનો યોગ્ય ઉપયોગ કરવા માંગતા હતા. અનીશે થોડી માટી, બે કુંડા અને બીજ લીધા હતા. બે મહિનામાં કુંડાઓની સંખ્યા બે માંથી 20 થઈ ગઈ હતી.

અનીશ યાદ કરતા કહે છે કે તેમણે ટેરેસ પર કોઈ પણ કેમિકલ વગર ગાજર, કોકમ, મરચા, મૂળા, ફ્રેંચ બિન્સ, ટમેટા, રિંગણ, પાલક અને મેથી ઊગાવી હતી. તેમણે કહ્યું કે ટેરેસ પર જ એટલી શાકભાજી થવા લાગી કે મિત્રો અને સંબંધીઓને આપી દેવી પડતી હતી.

આ વાતથી પ્રેરિત થઈને તેમણે કર્ણાટકમાં જૈવિક ખેતીના પ્રણેતા નારાયણ રેડ્ડી સાથે તેમના ખેતરમાં 20 દિવસ વિતાવ્યા હતા અને ખેતી સંબંધિત જાણકારી મેળવી હતી. એ સમયે અનીસ પાસે કોઈ જમીન ન હતી કે જ્યાં તે પોતે શીખેલી ટેક્નિકનો ઉપયોગ કરી શકે. પરંતુ એ સમયે અનીશના મિત્ર પાસે જમીન હતી. જે બાદમાં અનીશે તેના મિત્રની જમીનમાં ખેતી કરવાની શરૂઆત કરતી, તેમજ તેના મિત્રને જમીનના બદલામાં અમુક નફો આપવાનું શરૂ કર્યું.

શરૂઆતમાં આવ્યા અનેક વિઘ્નો
2016માં અનીશે નોકરી છોડી દીધી અને મુંબઈના બહારના વિસ્તારમાં ખેતી કરવાનો નિર્ણય કર્યો. શહેરથી આશરે 70 કિલોમીટર દૂર 16 એકર જમીન પર અનીશે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. અનીશે જમીનના સમતોલ બનાવી, સિંચાઈ માટે તળાવ બનાવ્યું અને જમીનને ખેતીલાયક બનાવી. અનીશે જણાવ્યું કે અહીં તેમણે જે વિચાર્યું હતું એવું કંઈ ન થયું. વરસાદ પણ સારો ન પડ્યો. અંતે અનીશને થયું કે આ જમીનની માટી એવી નથી જેમાં ખેતી કરી શકાય. આ તમામ વચ્ચે તેમણે આઠ લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા હતા.

પોતાના પ્રથમ અનુભવ ખરાબ રહ્યો હોવા છતાં અનીશે ખેતી કરવાનું સપનું છોડ્યું ન હતું. અનીશે 15 દિવસ માટે હૈદારાબાદ પાસે ઝહીરાબાદમાં એક ખેતર પર પર્માકલ્ચર કોર્સ કર્યો. જે બાદમાં ગુજરાતના આણંદના ભાઈકાકા કૃષિ કેન્દ્રમાં બાયોડાયનામિક ખેતીનો એક કોર્ષ કર્યો હતો. અનીશ અવારનવાર બહાર જતા હતા અને ખેડૂતોને મળતા હતા. 2017માં અનીશે વચેટિયાની પ્રથા ખતમ કરવા માટે અને ગ્રાહકોને સીધા જ તેમની સાથે જોડવા માટે અર્થ હાર્વેસ્ટની શરૂઆત કરી હતી. 2019માં અનીશના જીવનમાં એક વળાંક આવ્યો. અનીશની મુલાકાત સિંધુદુર્ગ નામના એક ખેડૂત સાથે થઈ હતી. અનીશે 30 એકર જમીનમાં કામ શરૂ કર્યું હતું, અને અહીંથી જ એક ખેડૂત તરીકે તેમની યાત્રાની સફર શરૂ થઈ હતી.
બાયોડાયનામિક ખેતીમાં સફળતા
અનીશ કહે છે કે બાયોડાયનામિક ખેતી અમુક હદ સુધી જૈવિક ખેતી જેવી જ હોય છે. જોકે, તે એનાથી પણ એક ડગલું આગળ છે, બીજ નાખતા પહેલા માટીમાં સાવધાની સાથે પોષક તત્વો નાખવામાં આવે છે.
અનીશ કહે છે કે, “1950ના વર્ષમાં ભારતની માટીમાં જૈવિક સામગ્રી ચાર ટકા હતી, હવે તેનું પ્રમાણ 0.4 ટકા રહી ગયું છે.”
અનીશ કહે છે કે બાયોડાયનામિક ખેતી એક સરળ રીતનું પાલન કરીને કરવામાં આવે છે. જેનાથી માટીમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધે છે. આ માટે તેઓ લીલું ખાતર બનાવે છે. બાજરો, મકાઈ અને સાગના બીજ વાવે છે. 45 દિવસ પછી જ્યારે પાક ઊગી જાય છે ત્યારે તેને કાપવા માટે રોટાવેટરનો ઉપયોગ કરે છે. જેનાથી માટી સમૃદ્ધ બને છે. અને નવા પાક માટે તે ભીના ઘાસનું કામ કરે છે. આ પાક લાંબા સમય માટે લેવામાં આવે છે.
આ ઉપરાંત અનીશ જૈવિક ખાતર તૈયાર કરે છે, તેમજ કીટનાશક પણ અનોખી રીતે તૈયાર કરે છે. અનીશ છાણ, ગૌમૂત્ર, ચણાનો લોટ, ગોળ અને સારી ગુણવત્તાવાળી માટીમાંથી જીવામૃત તૈયાર કરે છે. આ સુકા અને પ્રવાહી બંને પ્રકારનું તૈયાર કરવામાં આવે છે. જેમાં જૈવિક અને નકામા લાકડાને સળગાવવાથી મળતો બાયોચાર (કોલસો) પણ ભેળવે છે.

કીટ નિયંત્રણ માટે તેઓ ગૌમૂત્ર, આદુ, તમાકુ, મરચી વગેરેનું મિશ્રણ તૈયાર કરે છે. આ માટે એક અઠવાડિયાનો સમય લાગે છે. જે બાદમાં તેને છોડ પર છાંટવા માટે મિશ્રણમાં પાણી ભેળવવામાં આવે છે. અનીશનું કહેવું છે કે પીળા અને નારંગી રંગ કીટાણુને વધારે આકર્ષિક કરે છે.
હવે શું?
પોતાના તમામ પડકારો સામે જીત મેળવ્યા બાદ હવે અનીશ સ્થાનિક મોસમી અને તાજા શાકભાજી અંગે લોકોને જાગૃત કરી રહ્યા છે. તેમના પ્રમાણે સ્વસ્થ ખાવા માટે સૌથી પહેલા તમારા ખેડૂતને જાણો અને તે વસ્તુ ક્યાંથી આવે છે તેની માહિતી મેળવવી જરૂરી છે. તેઓ પોતાના નેટવર્કમાં વધારેમાં વધારે ખેડૂતોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેનાથી તેમને પણ સમાન લાભ મળે.

અનીશ કહે છે કે, “સમય સાથે મને એ વાત બરાબર સારી રીતે સમજાઈ ગઈ છે કે સારું ભોજન અને આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું સૌથી જરૂરી છે. જો આપણે ભોજનને આપણી દવા બનાવી દઈએ તો આપણે બીમારી અંગે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. હું મારું જ્ઞાન લોકોને વહેંચવા માગું છું અને એક એવો વારસો છોડી જવા માંગું છું જેનાથી લોકોને પરંપરાગત કૃષિ મૂલ્યો અંગે જાણકારી મળે.”
મૂળ લેખ: અંગરિકા ગોગોઇ
આ પણ વાંચો: ગુજરાતના આ ખેડૂતે કર્યા ત્રણ આવિષ્કાર, ભારત અને અમેરિકામાંથી મળી મદદ