મુંબઈની ડૉ. વિની મેહતા વ્યવસાયે ડેન્ટિસ્ટ છે અને શોખથી ગાર્ડનર છે. તે પોતાનું સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન જાતે જ ઉગાડે છે. પરંતુ મુંબઈમાં લોકોનાં સપનાં જેટલાં મોટાં હોય છે, એટલી જ નાની જગ્યામાં જીવે છે તેઓ. આવું જ કઈંક ડૉ. મેહતા સાથે પણ છે. તેમણે બાળપણથી જ તેમની માંને ઝાડ-છોડ વાવવાના પ્રયત્નો કરતી જોઇ હતી. પરંતુ ચારેય તરફ ઈમારતોના જંગલમાં પૂરતો તડકો પણ આવતો નહોંતો એટલે તેમના આ પ્રયત્નો સફળ નહોંતા થતા.
જેમ-જેમ સમય પસાર થતો ગયો, તેમ-તેમ જેવનમાં કેટલીક એવી દુખદ ઘટનાઓ ઘટી કે, પોતાનો ખોરાક જાતે ઉગાડવાની ઇચ્છા વધવા લાગી.
વિનીએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “હું એકવાર મુંબઈ લોકલ ટ્રેનમાં સફર કરી રહી હતી તો મેં જોયું કે, કેટલાક લોકો રેલવે ટ્રેક્સ પરથી પાલક તોડી રહ્યા હતા! પછી આ બાબતે તપાસ કરતાં ખબર પડી કે, શિયાળામાં મુંબઈવાસીઓ જે પાલક અને બીજાં પત્તાવાળાં શાકભાજી ખાય છે, તેમાંથી મોટાભાગનાં આ વિસ્તારમાંથી જ આવે છે અને ઘણીવાર તો તેમને ગટરના પાણીથી ઉગાડવામાં આવે છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોંતુ કે, પોષણથી ભરપૂર પાલક આવી જગ્યાએ ઉગાડવામાં આવે છે. એ જ સમયે મેં નક્કી કર્યું કે હવે હું ઓર્ગેનિક શાકભાજીનો જ ઉપયોગ કરીશ.”

પરંતુ વિનીના જણાવ્યા અનુસાર, ઑર્ગેનિક ઈન્ડસ્ટ્રીમાં ઘણી સમસ્યાઓ છે અને એટલે જ તેણે વિચાર્યું કે, ઘરે જ શાકભાજી કેમ ન ઉગાડવાં? જોકે, તેની માંની જેમ તેના પ્રયત્નો પણ નિષ્ફળ રહ્યા. તેણે પ્રયત્નો કરવાના તો છોડી દીધા પરંતુ ગાર્ડનિંગ સંબંધિત વિડીયો અને પોસ્ટ વગેરે જોવાના બંધ ન કર્યા. પોતાના કઝિન અને અન્ય મિત્રો દ્વારા પ્રેરણા મળતાં તેણે ફરી એકવાર ગાર્ડનિંગમાં હાથ અજમાવાનું નક્કી કર્યું.
તેણે જણાવ્યું, “તે સમયે બિલ્ડિંગની બીજી એક મહિલાએ બિલ્ડિંગની છત પર ઝાડ-છોડ ઉગાડવાની મંજૂરી લઈ લીધી હતી, આ જાણી મારી હિંમત વધી અને મેં પણ ટેરેસ ગાર્ડનિંગ કરવાનું શરૂ કર્યું.”
વિનીએ પોતાની શરૂઆત ચેરી ટોમેટો, તુલસી જેલેપિનો અને મરચાંના ઝાડ-છોડ ઉગાડવાથી કરી. જ્યારે તેણે આ બધુ શરૂ કર્યું તો ઘણા લોકોએ તેની મજાક ઉડાવી અને કહ્યું, “તું જેટલું ઉગાડી રહી છે, એટલામાં તો આમ પણ તને નહીં ચાલે. મોટાભાગનાં શાકભાજી તો બઝારમાંથી જ લેવાં પડશે.”
વિનીએ કહ્યું, “તેમની વાત સાચી પણ હતી, કારણકે હું એક સંયુક્ત પરિવારમાં રહું છું અને અમારા ઘરમાં 11 સભ્ય છે. અમારા પરિવારની જરૂરિયાત પૂરી કરવા માટે અમારે કોઇ ખેતરમાં શાકભાજી ઉગાડવી પડે એમ હતું. પરંતુ તેમની આ વાતોથી હું હિંમત ન હારી. મેં નક્કી કરી દીધું કે, એટલું તો ઉગાડી શકું કે, મારે કેટલીક વસ્તુઓ તો બઝારમાં લેવા જવી ન પડે.”

આજે વિનીના ગાર્ડનમાં ચેરી ટમેટાંની સાથે-સાથે 6 પ્રકારની તુલસી, 8 પ્રકારનાં મરચાં અને પેપર છે. હવે તે ખીરા અને જૂકિની પણ ઉગાડી રહી છે અને સાથે-સાથે માઇક્રોગ્રીન્સમાં તેણે પોતાનો હાથ અજમાવ્યો. માઇક્રોગ્રીન્સમાં ખૂબજ પોષણ હોય છે અને બધાં લોકોએ તેને ઉગાડવાનો પ્રયત્ન કરવો જોઇએ.
ધ બેટર ઈન્ડિયાએ વિની સાથે ખાસ વાતચીત કરી અને તેમની પાસેથી તેમના ગાર્ડનિંગ વિશે જાણ્યું અને સમજ્યું. અમારી વાતચીતના કેટલાક અંશ તમે અહીં વાંચી શકો છો:
- કેવી રીતે શરૂ કરવી ગાર્ડનિંગ?
વિની: સૌથી પહેલાં પોતાના ઘરમાં એવી જગ્યા પસંદ કરો, જ્યાં દિવસમાં 3-4 કલાક તડકો આવતો હોય. મુંબઈ શહેરમાં ખુલ્લી જગ્યા, ઘરમાં તડકો આવવો ખૂબજ મુશ્કેલ બની જાય છે. એટલે સૌથી પહેલાં ઘર, છત, બાલકની કે આડ-પડોસમાં આવી કોઇ જગ્યા શોધો.

- કેવા પ્રકારના છોડથી શરૂઆત કરવી?
વિની: તમે આવી કોઇ જગ્યાએ હર્બ, ટામેટાં, પેપર અને ખીરાના અલગ-અલગ પ્રકારના છોડ ઉગાડી શકો છો. - કેવી રીતે તૈયાર કરવી પૉટિંગ મિક્સ/માટી?
વિની: ગાર્ડનિંગની માટી સામાન્ય માટી કરતાં અલગ હોય છે. તેમાં ખાતર અને રેત મિક્સ કરવી પડે છે. પરંતુ જો તમે બાલકની કે બારીની ગ્રિલ પર છોડ વાવવાના હોય તો, માટી વગર છોડ વાવવાનો પ્રયત્ન કરો. - કેવી રીતે તૈયાર કરવું માટી વગરનું મીડિયમ?
વિની: આ ખૂબજ સરળ છે. સૌથી પહેલાં એક તૃતિયાંશ કોકોપીટ પાવડર લો અને તેમાં એક તૃતિયાંશ પર્લાઇટ કે વર્મીક્યૂલાઇટ મિક્સ કરો જેથી વજનમાં એકદમ હળવું થઈ જશે. ત્યારબાદ તેમાં એક તૃતિયાંશ વર્મીકંપોસ્ટ મિક્સ કરો. પોષણની ક્ષમતા વધારવા તેમાં બૉન મીલ પણ મિક્સ કરી શકો છો.

બીજો એક સૌથી સારો રસ્તો છે, હાઇડ્રોપોનિક સિસ્ટમ, જેમાં પોષણથી ભરપૂર પાણીમાં ઉપજ લેવામાં આવે છે.
- કેવી રીતે વાવવાં બીજ?
વિની: 1: સૌથી પહેલાં કૂંડાં કે પ્લાન્ટર્સ પસંદ કરો – હર્બ્સ વાવવા માટે તમે નાનાં કૂંડાં લઈ શકો છો, પરંતુ શાકભાજી માટે થોડાં મોટાં કૂંડાં લો, - ત્યારબાદ તમે નક્કી કરો કે, કયાં શાકભાજી ઉગાડવાનાં છે અને તેનાં બીજ ભેગાં કરો. તમે કોઇ નર્સરી કે બઝારમાંથી પણ આ બીજ લાવી શકો છો.
- સૌથી પહેલાં આ વાત યાદ રાખો કે, બીજોને સીધાં કૂંડાંમાં ન આવો. સૌથી પહેલાં કોઇ ગ્રોઇંગ મીડિયમમાં 3-4 ઈંચ ઊંચાં થાય ત્યાં સુધી ઉગાડી લો અને પછી કૂંડાંમાં ટ્રાન્સપ્લાન્ટ કરી લો.

- ગ્રોવિંગ મીડિયમ માટે તમે ગ્રો ટ્રે કે કાગળના કપનો ઉપયોગ કરી શકો છો. તેમાં પૉટિંગ મિક્સ નાખો અને બીજ રોપો અને ધ્યાન રાખો કે આ મીડિયમમાં ભેજ જળવાઇ રહે. બીજ અંકુરિત થઈને વિકસવા લાગે પછી તેને કૂંડાંમાં વાવો.
- ટ્રાન્સપ્લાન્ટ કરતી વખતે યાદ રાખો કે, છોડના થડ અને મૂળને કોઇ નુકસાન ન થાય. શરૂઆતમાં એક પ્લાન્ટરમાં એક જ છોડ ઉગાડો, પછી ધીરે-ધીરે અનુભવ થવા લાગશે કે, એક જ કૂંડામાં વધારે છોડ કેવી રીતે ઉગાડી શકાય.
- ઝાડ-છોડની દેખરેખ કેવી રીતે કરવી?
વિની: ઝાડ-છોડ ત્યારે જ સરખી રીતે વિકસિત થાય છે, જ્યારે તેમનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે.
બધા જ ઝાડ-છોડને સમયસર પાણી આપવું. આ માટે માટીમાં એક-બે ઈંચ સુધી પાણી નાખો અને જો તમને લાગે કે માટી સુકાય છે તો તરત જ પાણી નાખો. ઝાડ ઊગે એ માટે તેમાં ભેજ હોવો ખૂબજ જરૂરી છે.
સમયાંતરે પોષકતત્વો આપતા રહો. જેમ કે, મહિનામાં એક-બે વાર વર્મીકંપોસ્ટ મિક્સ કરતા રહો.
તમે તમારા ઘરના ભીના કચરા, વધેલ ખોરાક વગેરેમાંથી પણ કંપોસ્ટ તૈયાર કરી શકો છો. ઘરે બનેલ ખાતર બધાં જ ખાતર કરતાં શ્રેષ્ઠ હોય છે.

- કેટલીક મહત્વની ટિપ્સ
વિની: ગાર્ડનિંગ કરવા ઇચ્છતા લોકોને સૌથી પહેલાં હું એમજ કહું છું કે - જ્યાં પણ જગ્યા મળે અને કોઇપણ રીતે ગાર્ડનિંગ કરવાનું શરૂ કરી દો. વધારે વિચારો નહીં.
- જો તમે હર્બ્સથી શરૂઆત કરવા ઇચ્છતા હોય તો તુલસી ઉગાડો અને તેમાં પણ તેનાં બીજ ઉગાડો, કલમ ન કરો.
- શાકભાજીમાં સૌથી પહેલાં, ચેરી ટામેટાંથી શરૂઆત કરો. તેને બહુ ઓછી દેખરેખની જરૂર હોય છે.
- જો તમે પહેલીવાર કરતા હોય તો બે-ત્રણ છોડથી જ શરૂઆત કરો. જ્યારે તમને સફળતા મળવા લાગે અને તમને થોડો ગાર્ડનિંગનો અનુભવા થઈ જાય ત્યારે તમે અન્ય ઝાડ-છોડ વાવી શકો છો.
- એમ ન વિચારો કે, તમે શાકભાજી વાવો છો, તેમાંથી ઘરની જરૂરિયાત પૂરી થશે કે નહીં. દર વખતે તે શક્ય પણ નથી. એટલે બસ તમે એ વાતનું ધ્યાન રાખો કે, તમે શું ઉગાડો છો અને તમે શું ઉગાડી શકો છો અને ધીરે-ધીરે આગળ વધો.
શરૂ કરતાં પહેલાં આ કામ બહુ મોટું લાગે છે પરંતુ વિશ્વાસ કરો, આ બસ થોડા કલાકોનું કામ છે. શરૂઆત નાનાથી કરો, પરંતુ કરો જરૂર અને તમને ઝાડ-છોડ સાથે પ્રેમ થઈ જશે. ડૉ. વિનીની ઇચ્છા છે કે, એક દિવસ તેમનું પોતાનું ખેતર હોય અને તેમાં પૂરતી માત્રામાં શાકભાજી ઉગાડી શકે. પરંતુ ત્યાં સુધી જે પણ ઉગાડી શકું છું તેમાં જ ખુશ છું.
ડૉ. વિની મેહતાનો સંપર્ક કરવા માટે તેમને vins_216@yahoo.com પર ઈમેલ કરી શકો છો! ફેસબુક પર તેમને ફોલો કરવા Vinnie’s Veggies and Greenies પેજ પર જાઓ!
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: આ અમદાવાદી છેલ્લા 8-10 વર્ષથી ખાય છે ઘરે વાવેલું શાકભાજી, નાનકડા ગાર્ડનમાં જાતે જ કરે છે ઓર્ગેનિક ખેતી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.