પોતાના ઘરને સજાવવું કોને પસંદ ન હોય, જ્યારે ઘરમાં છોડ લાગેલા હોય, તો ઘરની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. છોડ દેખાવમાં તો સારા લાગે જ છે, પરંતુ તે ઘરનું વાતાવરણ પણ ખુશનુમા બનાવે છે. આ સાથે સંશોધન પણ એવું કહે છે કે ઇન્ડોર છોડ પણ આપણા ઘરની હવાને શુદ્ધ બનાવે છે. પરંતુ ઘરમાં છોડ વાવવા અને તેની કાળજી લેવી એ પણ એક કળા છે. આવી ઘણી નાની નાની બાબતો છે, જેને ધ્યાનમાં રાખીને તમે તમારા ઘરની અંદર હરિયાળી લાવી શકો છો, જેમ કે ઘરમાં મની પ્લાન્ટ લગાવીને.
લખનૌની અંકિતા રાય આવા જ એક ઘરમાં રહે છે, જેને તેણે ઘણાં ઇન્ડોર અને આઉટડોર પ્લાન્ટ્સથી સજાવ્યું છે. જોકે અંકિતા કહે છે, “કુદરતમાં ઇન્ડોર પ્લાન્ટ્સ જેવી કોઈ વસ્તુ નથી, છોડ કુદરતી રીતે ખુલ્લી જગ્યાઓ અને બહારની જગ્યાઓમાં ઉગે છે. પરંતુ કેટલાક છોડ એવા હોય છે, જે મોટા ઝાડની નીચે ઉગે છે અને તેમને ઉગવા માટે વધારે સૂર્યપ્રકાશની પણ જરૂર નથી પડતી. આવા છોડ આપણે ઘરે સરળતાથી વાવી શકીએ છીએ. ઘરમાં મની પ્લાન્ટ લગાવવો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.”
તેમના ઘરે, તમે ઘરની દિવાલો, બેડરૂમ અને સીડીઓમાં ઘણા છોડ જોશો. અંકિતા છેલ્લા ત્રણ વર્ષથી ઇન્ડોર ગાર્ડનિંગ કરી રહી છે અને ઘરે મની પ્લાન્ટ લગાવી રહી છે. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા તેણીએ કહ્યું, “છોડથી ઘરને સજાવવું એ સૌથી સહેલો અને સસ્તો રસ્તો છે. સાથે જ તે તમારા ઘરને પણ સુંદર બનાવે છે.”

આટલું સુંદર ઘર કેવી રીતે બનાવ્યુ
અંકિતા હંમેશાથી ઘરની સજાવટ અને આર્ટ એન્ડ ક્રાફ્ટનો શોખ ધરાવે છે. તે કહે છે, “બાળપણમાં ઘરમાં ક્યા કુશન કવર લગાવવા તે હું નક્કી કરતી હતી.” લગ્ન પછી લગભગ છ વર્ષ સુધી તેણે હેન્ડમેડ જ્વેલરીનો બિઝનેસ પણ કર્યો. જોકે, 2017માં તેમના પુત્ર મિરાંશના જન્મ પછી બાગકામમાં તેમનો રસ વધ્યો. તેમણે કહ્યું કે મિરાંશના પ્રથમ જન્મદિવસ પર આવેલા મહેમાનોને અમે ભેટ તરીકે છોડ આપ્યા હતા. આ માટે તેમણે પોતે 100 જેટલા કુંડા તૈયાર કર્યા હતા.
અંકિતા જણાવે છે, “મેં મારી દાદી પાસેથી છોડ વાવવાનું શીખ્યું અને હું મારા પુત્રને પણ આ શીખવવા માંગતી હતી. મને સૌથી વધુ ગમતી વાત એ હતી કે મીરાંશને પણ છોડ ગમે છે. જ્યારે પણ હું બાગકામ કરું છું ત્યારે તે મારી સાથે રહે છે. અંકિતાએ સૌથી પહેલા ઘરે મની પ્લાન્ટ લગાવીને શરૂઆત કરી હતી. આજે તમને તેના ઘરમાં 60 થી 70 મની પ્લાન્ટના છોડ જોવા મળશે. જે તેઓએ અલગ-અલગ જગ્યાએ, કેટલાક લટકાવવાના કુંડામાં તો કેટલાક ઘરની અંદરના રૂમમાં લગાવ્યા છે. તે કહે છે, “તેઓ ઇન્સ્ટોલ કરવામાં સરળ અને સુંદર દેખાવાનાં હોવાથી, હું ઘરે મની પ્લાન્ટ્સ રાખવાનું પસંદ કરું છું,”
આ ઉપરાંત તેને ફિલોડેન્ડ્રોન, સિન્ગોનિયમ, મોન્સ્ટેરા જેવા છોડ લગાવવાનું પણ પસંદ છે.

હોમ ડેકોર કળાએ બનાવી ફેમસ
અંકિતા કહે છે, “માર્ચ 2019માં, મેં મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મારા છોડ અને ઘરના કેટલાક ફોટા અપલોડ કરવાનું શરૂ કર્યું. લોકોને મારા ઘરની સજાવટ ખરેખર ગમતી હતી. લોકો મારા ઘરના છોડની પ્રશંસા કરતા, ખાસ કરીને દરેકને મારા ઘરના મની પ્લાન્ટ્સ અને મારા બેડરૂમની સજાવટ ગમતી હતી.”
ધીમે ધીમે ઘણા લોકો તેમની સાથે ઇન્સ્ટાગ્રામમાં જોડાવા લાગ્યા. માત્ર એક વર્ષ પછી, તેને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Myntra ની પ્રોડક્ટ માટે પ્રચાર કરવાની તક મળી. આ પછી, તેણે Pepperfry, Amazon, Flipkart જેવી ઘણી મોટી બ્રાન્ડની પ્રોડક્ટ્સ માટે પ્રચાર કર્યો છે. અંકિતા કહે છે, “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા આ શોખ માટે મને પૈસા મળશે.” તે હવે ઓનલાઈન વર્કશોપ પણ કરે છે જ્યાં તે લોકોને છોડની જાળવણી વિશે શીખવે છે.
ઇન્ડોર ગાર્ડનને લગતી મહત્વની બાબતો

ઇન્ડોર છોડની સંભાળ કેવી રીતે રાખવી
અંકિતા જણાવે છે કે, “છોડને લગતી સૌથી મૂળભૂત બાબતો સૂર્યપ્રકાશ અને પાણી છે, જેની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તો તેને છોડ લગાવવામાં સરળતા રહે છે. ઇન્ડોર છોડ લગાવતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો-
તમારે ઘરમાં એવી જગ્યાએ છોડ રાખવા જોઈએ, જ્યાં ઓછામાં ઓછા પાંચથી છ કલાક સૂર્યપ્રકાશ રહે. આ માટે, બારીઓની નજીક સીડીનો ઉપયોગ કરી શકાય છે.
છોડને પાણી આપવાનો કોઈ ચોક્કસ સમય નથી, તમારે છોડની જરૂરિયાત મુજબ પાણી આપવું જોઈએ. જ્યારે જમીન સૂકી હોય ત્યારે જ પાણી આપો. વધુ પડતા પાણીથી છોડ મરી જાય છે.
છોડના યોગ્ય વિકાસ માટે, 50% કોકો પીટનું પોટિંગ મિશ્રણ, 50% માટી સાથે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી શકાય છે. તો, ધ્યાનમાં રાખો કે કુંડાની માટીમાં એર સ્પેસ હોવી જોઈએ, તેમજ માત્ર સ્થાનિક માટીનો ઉપયોગ કરો.

ફર્ન જેવા કેટલાક છોડ, ઝરણું, નદી અથવા તળાવ જેવા ભેજવાળી જગ્યાએ ઉગે છે. આવા છોડને વધુ ભેજની જરૂર હોય છે. આ માટે તમે પાણીની સ્પ્રે બોટલનો ઉપયોગ કરી શકો છો, અને તેની સાથે દિવસમાં બે વાર પાણીનો છંટકાવ કરી શકો છો, જે છોડના પાંદડાઓને ભેજ આપશે. પાણી માટી સુધી ન પહોંચે તેનું ધ્યાન રાખો.
છોડ ખરીદતી વખતે, જાણો કે કયા છોડને કેટલા સૂર્યપ્રકાશની જરૂર પડશે, પછી તે મુજબ છોડ લગાવો.
અંકિતા કહે છે, “જો તમે એક જગ્યાએ બે-ત્રણ છોડ લગાવો તો તે સારી રીતે ઉગે છે. તેનાથી છોડમાં ભેજ જાળવી રાખવામાં પણ મદદ મળે છે.”
તો વિલંબ કંઈ વાતનો છે, તમારા ઘરની સજાવટમાં કેટલાક છોડનો સમાવેશ કરો અને જુઓ કે તમારા ઘરનો દેખાવ કેવી રીતે બદલાઈ જાય છે.
તમે ઇન્ડોર પ્લાન્ટ અને હોમ ડેકોર ટિપ્સ માટે અંકિતાનો તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર સંપર્ક કરી શકો છો.
હેપી ગાર્ડનિંગ!
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: એક પહેલથી કચ્છના અગરિયાઓ સોલાર સિસ્ટમથી પકવે છે મીઠું, આખો પ્રદેશ બન્યો પ્રદૂષણમુક્ત
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.