Search Icon
Nav Arrow
Priti Gandhi
Priti Gandhi

આ સરકારી શાળાનાં શિક્ષક બાળકો માટે ઘરે-ઘરે બનાવી રહ્યાં છે લાઈબ્રેરી

ગુજરાતની એક સરકારી શાળાનાં શિક્ષિકા પ્રીતિબેન ગાંધી, બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમના ઘરે-ઘરે બનાવી રહ્યાં છે લાઈબ્રેરી.

એક સરકારી શાળાના શિક્ષિકાએ જે વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલયની સુવિધા ન હતી અને જેઓ પોતાની રીતે પુસ્તકો ખરીદી શકવા માટે સક્ષમ ન હતા તેમના માટે પોતાની રીતે સામેથી ચાલીને તેમણે એક પહેલ રૂપે મોબાઈલ લાઈબ્રેરીની શરૂઆત કરી. પ્રીતિ ગાંધી વાંચન માટેના એક રીડિંગ કોર્નરથી લઈને દર મહિને બાળકોને વ્યવસ્થિત પુસ્તક મળી રહે તે સુધીની તકેદારી રાખે છે. દરેક બાળકના હાથમાં કોઈક ને કોઈક પુસ્તક હોય જ તે બાબતને પણ તેઓ હંમેશા પ્રાધાન્યતા આપે છે.

અધ્યાપન કદાચ ભારતનો સૌથી જૂનો વ્યવસાય છે. જૂના ગુરુકુળોથી લઈને આધુનિક સમયની આંતરરાષ્ટ્રીય શાળાઓ સુધી, એક વસ્તુ જે તે સમયે અને આ સમય વચ્ચે હજી પણ સામ્યતા ધરાવે છે તે છે એક શિક્ષકની હાજરી.

ભલે ગમે તેટલી ટેકનોલોજી આગળ વધે, આપણને માર્ગદર્શન આપવા માટે હજુ પણ શિક્ષકોની જરૂર તો પડશે જ. તેઓ તેમના વિદ્યાર્થીઓ સાથે એક અનન્ય નાતો ધરાવે છે જે ફક્ત શૈક્ષણિક દિવાલોની અંદરની પ્રવૃત્તિઓ પૂરતો સીમિત ન રહેતા તેનાથી પણ આગળ વધે છે.

કેટલાક શિક્ષકો એવા છે જે પોતાની ફરજ બરોબર નિભાવે છે – વિદ્યાર્થીઓને ભણાવે છે, તેમને ગ્રેડ આપે છે અને ઘરે જાય છે. પછી એવા લોકો છે જેઓ આ વ્યવસાય માટે તેમનું હૃદય અને આત્મા સમર્પિત કરે છે. અધ્યાપન એ તેમના માટે માત્ર આવકનું સાધન નથી પરંતુ પરિવર્તન લાવવાની તક છે. અને, જ્યારે આવા લોકો કોઈક સારા કામ માટે આગળ આવે છે, ત્યારે આપણે તેની અસર જોતા હોઈએ છીએ.

પ્રીતિ ગાંધી ગાંધીનગર જિલ્લાની કલોલ પ્રાઇમરી સ્કૂલની પ્રિન્સિપાલ છે અને તેઓ એવા કેટલાક લોકોમાં સામેલ છે જેઓ બાળકો તથા યુવાનોના મગજ કસાય તેમજ આગળ જતા તેઓ આજ ગુણના કારણે વિધિવત તૈયાર થઇ દેશને કામ આવે તેવી વિવિધ પ્રવૃતિઓ દ્વારા પોતાના અધ્યાપનના કાર્યને એક અલગ દિશા તથા ધ્યેય આપતા હોય છે.

જેઓ પુસ્તકો ખરીદી શકતા નથી તેમના માટે હોમ લાઇબ્રેરી અને ‘રીડિંગ કોર્નર’ પ્રોજેક્ટ શરૂ કરીને તેમણે સરકારી શાળાના વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ કેળવવાની પહેલ શરૂ કરી.

તે કહે છે, “હું હંમેશા એવું કંઈક કરવા માંગતી હતી કે જેનાથી બાળકોને મોટા પ્રમાણમાં ફાયદો થાય અને મારા પતિ યોગેશ આચાર્યના ખૂબ સહયોગથી હું આ પહેલને આગળ વધારવામાં સફળ રહી.”

Government School Teacher
Government School Teacher

પુસ્તકોને શ્રેષ્ઠ મિત્રો બનાવવા
“વાંચન એ એક મહાન આદત છે, તે તમને સારું જ્ઞાન આપે છે એટલું જ નહીં પણ તમને ભાષાની સમજ પણ આપે છે, તમારું શબ્દભંડોળ સુધારે છે અને તમારી કલ્પનામાં વધારો કરે છે. બાળકોએ ખરેખર વાંચનનો આનંદ લેવો જ જોઈએ, ”તે કહે છે.

ગાંધીએ કલોલ તાલુકાનો સર્વે કર્યો અને જાણવા મળ્યું કે અહીંયા બાળકો માટે એક પણ પુસ્તકાલય નથી. તે જે વિદ્યાર્થીઓને ભણાવતા હતા તેઓ આર્થિક રીતે ખૂબ જ નબળા સમુદાયના હતા જેમને નવા પુસ્તકો ખરીદવા પરવડી શકે તેમ ન હતા.

તેણીએ વિદ્યાર્થીઓને પુસ્તક કીટ આપવાનું નક્કી કર્યું. તેમણે એલ્યુમિનિયમની એક બેગ ખરીદી અને તેમાં 20 પુસ્તકો મૂક્યા. પુસ્તકો વિવિધ વિષયો આધારિત રાખ્યા, અને પછી તેણીએ તે બેગ એક મહિના માટે વિદ્યાર્થીને આપી. એકવાર વિદ્યાર્થી બેગમાંથી પુસ્તકો વાંચવાનું પૂર્ણ કરી લે, પછી તે મહિનાના અંતે તે પરત કરે.

તેઓ કહે છે કે,“અમે એલ્યુમિનિયમ બેગનો ઉપયોગ કર્યો કારણ કે આ બાળકોના ઘરમાં રહેવાની સ્થિતિ બહુ સારી નથી. તેથી, ઉંદરો અને અન્ય જીવો પુસ્તકો બગાડી શકે છે.”

ધીમે ધીમે તેણીએ તેને નિયમિત પ્રવૃત્તિ તરીકે પરિવર્તિત કરી. તેમની પાસે હવે 54 જેટલી કીટ છે જે તે વિદ્યાર્થીઓને માસિક ધોરણે વહેંચે છે. આ પહેલમાં ગાંધીને મદદ કરવા માટે વિવિધ દાતાઓ આગળ આવ્યા છે અને પ્રોજેક્ટને ભંડોળ પણ પૂરું પાડ્યું છે.

તેણીએ નકામી પડેલ જમીનને રીડિંગ કોર્નરમાં પણ રૂપાંતરિત કરી
“મેં જોયું કે જમીનના એક ખૂણાનો કેટલાક લોકો દુરુપયોગ કરી રહ્યા છે તેથી મેં તેને વધુ સારા હેતુ માટે વાપરવાનું વિચાર્યું. મેં તેને સાફ કર્યો અને કેટલીક ખુરશીઓ અને વાંચન ટેબલ મૂક્યા. હવે શાળા પછી રોજ ઘણા બાળકો વાંચવા અને સમય પસાર કરવા માટે અહીંયા આવે છે,” તે કહે છે.

તેણીએ દિવાલોને રંગીને અને પોસ્ટરો લગાવીને જગ્યાને શણગારી અને વિદ્યાર્થીઓને દીવાલ શણગારવાની આ પ્રવૃત્તિમાં સામેલ કર્યા. તેણીએ સ્તર અનુસાર પુસ્તકોનું આયોજન પણ કર્યું અને વિદ્યાર્થીઓને મુક્તપણે વાંચવા માટે તેને રીડિંગ કોર્નરમાં રાખ્યા. અંતે, વિદ્યાર્થીઓની આ ઈતર વાંચન દ્વારા થતી પ્રગતિ વિવિધ પરીક્ષણો દ્વારા ટ્રેક કરવામાં આવી.

અસર
તેઓ કહે છે કે બાળકોએ જ્યારે વાંચવાનું શરૂ કર્યું ત્યારથી તેમનામાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. “બાળકોએ વર્ગોમાં રસ લેવાનું શરૂ કર્યું છે કારણ કે તેઓ પહેલેથી જ વાંચેલા પુસ્તકો દ્વારા મોટાભાગની વસ્તુઓ જાણે છે. તેમનું શબ્દભંડોળ પણ સુધર્યું છે, ”તે કહે છે.

ભવિષ્યમાં
હાલમાં ગાંધીએ તેમના પુસ્તકો દ્વારા 150 વિદ્યાર્થીઓને ટેકો આપ્યો છે. તે ભવિષ્યમાં આ સંખ્યાને મોટા પ્રમાણમાં વધારવા માંગે છે.

“હાલમાં અમારી પાસે દરેક વિદ્યાર્થીને બેગ અને કીટ વિતરણ કરવા માટે પૂરતા સંસાધનો નથી. હું આ પહેલને વિસ્તૃત કરવા માંગુ છું અને તમામ વિદ્યાર્થીઓ માટે સામગ્રી ઉપલબ્ધ કરાવવા માંગુ છું, ”તે કહે છે.

ગાંધીને “પરિવર્તનકારી શિક્ષકો : ગુજરાત રાજ્યની શાળાઓમાં નવીનતા” ના ભાગ રૂપે 100 શિક્ષકોની સૂચિમાં પણ શામેલ કરવામાં આવ્યા હતા.

મૂળ લેખ: શ્રેયા પરીખ

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: પત્નીની છેલ્લી ઇચ્છાને માન આપી વડોદરાના દિનેશભાઈ રોજ જમાડે છે 150 લોકોને

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon