મેઘાલયના શિલોંગમાં પક્સેહની રહેવાશી કોંગ ફિકારાલિન વાનશોંગ છેલ્લા એક દશકાથી ફૂડ પ્રોસેસિંગ યુનિટ ચલાવી રહી છે. ફૂડ પ્રોસેસિંગમાં સફળતા મેળવ્યા બાદ તેણીએ બેકરીમાં પણ પોતાનો હાથ અજમાવ્યો છે. હવે તેણીનું નામ શહેરના પ્રસિદ્ધ બેકર્સમાં સામેલ થઈ ગયું છે. લોકો તેણીને પ્રેમથી ‘કોંગ કારા’ નામે બોલાવે છે.
વર્ષ 2010માં કોંગ કારાને રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલ દ્વારા સર્વશ્રેષ્ઠ ઉદ્યમીનો એવોર્ડ મળ્યો હતો. કોંગ કારાએ ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે કેવી રીતે તેણીની સફર એક શોખમાં બદલાઈ ગઈ અને ઉતાર અને ચઢાણ બાદ નામ બનાવવામાં સફળ રહી.
તેણી કહે છે કે ખાવાનું બનાવવાનું હુન્નર અને શોખ બંને તેને તેની માતા પાસેથી વારસામાં મળ્યા છે. કોંગ કારા તેણીની માતા સાથે ખૂબ સમય રહી હતી. તેની માતા અલગ અલગ પ્રકારના અથાણા બનાવતી હતી. “પિતાજીને ફળો અને શાકભાજી ઊગાડવાનો શોખ હોવાથી અમારા ઘરે ગાર્ડન હતું. માતા એ જ શાકભાજીમાંથી અથાણાં બનાવતી હતી. જે બાદમાં હું પાડોશીઓ અને સંબંધીઓને આપવા માટે જતી હતી.”

કોંગ કારાએ જણાવ્યું કે એક વખત તેણીએ પોતાની એક પાડોશી મહિલાને ફળોનો સ્ક્વોશ બનાવતા જોઈ હતી. જે બાદમાં મારા દિમાગમાં ફળોને પ્રોસેસિંગ કરવાનો વિચાર આવ્યો હતો. હકીકતમાં કોંગ કારા અથાણું બનાવવા ઉપરાંત પ્રોસેસિંગ વિશે ઘણું બધું જાણવા માંગતી હતી. આથી ધોરણ-12 સુધી અભ્યાસ કર્યા બાદ તેણીએ 1998માં ડિપાર્ટમેન્ટ ઑફ ફૂડ એન્ડ ન્યૂટ્રીશન તરફથી આપવામાં આવતી બે અઠવાડિયાની તાલીમ લીધી હતી. તાલીમ દરમિયાન તેણીને ઘણું શીખવા મળ્યું હતું. કિંગ કારાએ જાણ્યું કે સ્વાદની સાથે સાથે પોષણ વિશે ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે.
“મેં જે પણ શીખ્યું હતું તેનો અખતરો હું ઘરે કરતી હતી. કંઈક નવું બનાવીને મારા પાડોશીઓને ખવડાવતી હતી. ત્યારે મારા દિમાગમાં એવું નહોતું કે હું પ્રોસેસિંગ યુનિટ શરૂ કરીશ. જે બાદમાં મેં જામ, સ્ક્વોશ વગેરે બનાવવાની તાલિમ લીધી હતી. લગભગ પાંચ વર્ષ સુધી મેં ઘરે જ ઘરના સભ્યો માટે વસ્તુઓ બનાવી હતી. ધીમે ધીમે મારી ખામીઓને સુધારી હતી અને તેમાંથી શીખી હતી.”
2005માં કોંગ કારાને શિલોંગમાં એક ફૂડ ફેસ્ટિવલમાં પોતાનો સ્ટોલ લગાવવાનો મોકો મળ્યો હતો. તેણીએ વિચાર્યું પણ ન હતું કે કોઈ તેની પ્રોડક્ટ્સ પૈસા આપીને ખરીદશે. શરૂઆતમાં કોંગ કારા બામ્બૂ અને મિર્ચ આચાર લઈને ગઈ હતી, જે ફટાફટ વેચાઈ ગયા હતા. લોકોએ જ્યારે તેમને પૂછ્યું કે શું તેણી વેપારી સ્તર પર તેનું વેચાણ કરે છે અને તેઓ કેવી રીતે ઓર્ડર નોંધાવી શકે? આ પ્રથમ મોકો હતો જ્યારે કોંગ કારાને પોતાનું પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો.

વર્ષ 2006માં કોંગ કારાએ પ્રોસેસિંગ સેક્ટર સાથે જોડાયેલી એક તાલિમ મેળવી હતી. જે બાદમાં 2007ના વર્ષમાં તેણીએ પોતાનું પ્રોસેસિંગ યુનિટ ‘કારા ફ્રેશ ફૂડ્સ’ શરૂ કર્યું હતું. કોંગ કારા કહે છે કે તેણીએ પોતાના કિચનમાં જ કામ શરૂ કર્યું હતું. તેણી જાતે જ આચાર બનાવતી હતી અને શહેરમાં દુકાનોમાં આપતી હતી. આ ઉપરાંત અમુક આયોજનો વખતે સ્ટોલ લગાવવાથી અમુક ગ્રાહકો પાસેથી સીધા જ ઓર્ડર મળવાની શરૂઆત થઈ ગઈ હતી.
“તકલીફ ઘણી હતી પરંતુ એક-બે વર્ષમાં જ મેં મારા ઘરની બાજુમાં અલગથી એક ફૂડ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરી દીધું હતું. ફક્ત બે પ્રોડક્ટ સાથે શરૂ થયેલું કામ 15-20 પ્રોડક્ટ્સ સુધી પહોંચી ગયું હતું. આચાર અને જામ પ્રોડક્ટ્સ બનાવવાનું શરૂ કરી દીધું હતું,” તેમ કોંગ કારાએ જણાવ્યું હતું.

પોતાના પ્રોસેસિંગ યુનિટમાં ત્રણથી ચાર લોકોને કામ આપવાની સાથે સાથે કોંગ કારાએ મહિલાઓને તાલિમ પણ આપી હતી. કોંગ કારા જણાવે છે કે તેણીએ અત્યાર સુધી મેઘાલયના અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે મળીને ફૂડ પ્રોસેસિંગ પર 30થી વધારે તાલિમ વર્ગનું આયોજન કરી ચૂકી છે. આ ઉપરાંત તેણી રૉ-મટિરિયલ માટે સ્થાનિક બજાર ઉપરાંત ત્રણથી ચાર ખેડૂતોના સંપર્કમાં પણ છે. કોંગ કારાની પ્રોડક્ટ્સમાં બામ્બૂ અને લીલા મરચાનું આચાર, લાલ મરચા, હળદર, મશરૂમનું આચાર, અનાનસ વગેરેનો સ્ક્વોશ અને અલગ અલગ પ્રકારના જામ સામેલ છે.
શિલોંગમાં 20 સ્ટોર્સ પર તેણીની પ્રોડક્ટ્સ જાય છે. આ ઉપરાંત તેણીને દર મહિને લગભગ 500 ઓર્ડર આવે છે. ગર્વની વાત એ છે કે તેણીની પ્રોડક્ટ્સ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરેમાં પણ જાય છે.
કોંગ કારા કહે છે કે, “ફૂડ પ્રોસેસિંગ સાથે કંઈ પણ હોય તે મને કરવું ખૂબ ગમે છે. થોડા વર્ષે પહેલા મને સરકારની એક યોજના અંતર્ગત બેંગલુરુમાં જેએમ બેકરી સાથે બેકિંગ શીખવાનો મોકો મળ્યો હતો. આ ખૂબ અલગ પ્રકારનો અનુભવ હતો. મને ખૂબ મજા પડી હતી.”
આ અનુભવને તેણીએ બેકાર જવા દીધો ન હતો અને ફૂડ પ્રોસેસિંગની સાથે સાથે પોતાની બેકરીનું કામ શરૂ કર્યું હતું. બેકરી બિઝનેસ બહું મોટા પ્રમાણમાં નથી પરંતુ તેણી શરૂઆતથી જ ગ્રાહકોની માંગ પ્રમાણે રાઇસ કેક, પેસ્ટ્રીઝ, પફ, લેમન પાઇ અને બ્રેડ વગેરે બનાવે છે. દરેક દિવસ તેણીનો બિઝનેસ આગળ વધી રહ્યો છે અને એક સફળ ઉદ્યમી તરીકે તેણીની ઓળખાણ પણ પ્રસ્થાપિત થઈ ગઈ છે.
સૌથી સારી વાત એ છે કે કોંગ કારાએ ચાર બાળકોની દેખરેખ રાખતાની સાથે સાથે પોતાનો બિઝનેસ ઊભો કર્યો છે. આજે પણ કોંગ કારા વર્ષે છ લાખથી વધારેની કમાણી કરે છે. રાજ્યમાં સફળ ઉદ્યમીમાં તેણીનું નામ સામેલ છે.

તેણી કહે છે, “વધી રહેલી માંગની સાથે અમારે પ્રોસેસિંગ યુનિટને મોટું કરવું છે, હાલ તે બાંધકામ હેઠળ છે. ગત વર્ષના અંતમાં અમે પ્રોસેસિંગનું કામ રોકીને બેકરી પર ધ્યાન આપ્યું હતું જેનાથી પ્રોસસિંગ યુનિટને નવેસરથી બનાવી શકાય. આ વખતે લૉકડાઉનને પગલે અમારું કામ અટકી ગયું હતું, પરંતુ આવતા વર્ષ સુધી અમારું યુનિટ ફરીથી શરૂ જશે.”
કોંગ કારાનું પ્રોસેસિંગ યુનિટ ફક્ત તેણી માટે જ નહીં પરંતુ શિલોંગની આસપાસના વિસ્તારોની મહિલાઓ અને બાળકો માટે પણ ખાસ છે. તેણીની ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં હજારો મહિલાઓએ તાલિમ મેળવી છે અને અનેક વિદ્યાર્થીઓએ ઇન્ટર્નશીપ પણ કરી છે. મહિલાઓને સંદેશ આપતા કોંગ કારા કહે છે કે, હંમેશા ધીરજ અને આત્મવિશ્વાસ સાથે કામ લેવું. ખૂબ મહેનત કરો અને પોતાની જાત પર વિશ્વાસ રાખો. કારણ કે પડકારો અને અસફળતા કેટલા પણ કેમ ન હોય, તમારા પ્રયાસ જરૂર સફળતા અપાવશે.
વાનશોંગ સાથે સંપર્ક કરવા માટે તમે kara2014abk@gmail.com પર ઈમેલ મોકલી શકો છો.
મૂળ લેખ: Nisha Dagar (https://hindi.thebetterindia.com/52352/meghalaya-woman-entrepreneur-phikaralin-wanshong-kong-kara-fresh-food-processing-india/)
આ પણ વાંચો: જાણો કેવી રીતે ઘરેથી જ શરૂ કરી શકાય બેકરી બિઝનેસ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.