સમાજમાં આજે પણ માસિક ચક્રને લઈ રૂઢીવાદી વિચારો જોવા મળે છે. પરંતુ આજે અમે તમને ઉત્તરપ્રદેશના એક એવા વ્યક્તિને મળવવા જઈ રહ્યાં છીએ જેણે માત્ર ગરીબ મહિલાઓ માટે સસ્તા સેનિટરી નેપકીન બનાવ્યા નથી પણ તેમના આ પ્રયાસોથી દેશની હજારો મહિલાઓને રોજગારી પણ આપી રહ્યાં છે.
મળો, ઉત્તરપ્રદેશના વૃંદાવનના રહેવાસી એવા વૈજ્ઞાનિક અને બિઝનેસમેન મહેશ ખંડેલવાલને, તેમણે બેહદ સસ્તા સેનિટરી નેપકીન બનાવીને માત્ર આર્થિક રીતે નબળી મહિલાઓને માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા સંબંધી ચિંતાનું ધ્યાન રાખવા માટે પ્રેરિત જ નહીં પણ તેને પગભર પણ કરી છે.
વર્ષ 2014ની છે, જ્યારે તેમની મુલાકાત મથુરાના તત્કાલીન જિલ્લા અધિકારી બી. ચંદ્રકલા સાથે થઈ હતી. આ દરમિયાન ડીએમ બી.ચંદ્રકલાએ તેમને ગ્રામીણ વિસ્તારની મહિલાઓને પિરિયડ્સ દરમિયાન થતી પીડા અંગે માહિતગાર કર્યા. તેમની આ વાતની મહેશ ખંડેલવાલ પર ઉંડી અસર થઈ.

ત્યાર બાદ લોકો દ્વારા તેમની મજાક ઉડાવવામાં આવતી હોવા છતાં તેમણે બજારમાં ઉપલબ્ધ સેનિટરી નેપકીન કરતા બેહદ સસ્તા અને પર્યાવરણને અનુકૂળ પેડ બનાવવાનો નિર્ણય કર્યો. માત્ર એટલું જ નહીં, નવી નવી ટેકનોલોજીના પ્રોયોગોથી ખૂબ મોટા પરિવર્તનની ઝૂંબેશ શરૂ થઈ.
આ અંગે મહેશ ખંડેલવાલે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, આજે દેશની કરોડો મહિલાઓને સેનિટરી નેપકીનની જરૂર પડે છે, પરંતુ આજે પણ ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ સેનિટરી નેપકીનનો ઉપયોગ કરતી નથી, જેને કારણે આરોગ્ય સંબંધી ચિંતાઓ ઉભરી રહી છે. મારો ઉદ્દેશ સ્થાનિક મહિલાઓ દ્વારા નિર્મિત કરવામાં આવી હોય એવી પ્રોડક્ટ વિકસિત કરવાનો હતો.

એક પુરૂષ તરીકે તેમને પિરિયડ્સ અંગે વધુ જાણકારી ન હોવાથી તેમણે ઉંડો અભ્યાસ કર્યો અને મહિલાઓ સાથે વાતચીત કરીને માહિતી એકઠી કરી. ત્યાર બાદ ગ્રામીણ મહિલાઓની સમસ્યાનો ઉકેલ આવે એવી એવી ડિઝાઈન તૈયાર કરી.
મહેશ આગળ કહે છે કે, આજે દેશમાં દરરોજ લગભગ 34 કરોડ સેનિટરી નેપકીનની જરૂર પડે છે અને બજાર પર મલ્ટીનેશનલ કંપનીઓનો કબજો છે. આ પેડ ખૂબ મોંઘા હોય છે, જેને કારણે દરેક ખરીદી શકે નહીં. તેની સાથે સાથે બાયોડિગ્રેડેબલ ન હોવાને કારણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પણ ઘણા પડકારોનો સામનો કરવો પડે છે.

આ સમસ્યાઓને ધ્યાનમાં લઈ તેમણે રિવર્સ એન્જિનિયરિંગ ટેકનિક દ્વારા “વી” સેનેટરી નેપકીન તૈયાર કરી છે, જે ઉપયોગમાં લીધા બાદ જૈવિક ખાતરના રૂપમાં બદલાય જાય છે. તેને ટૂંક સમયમાં જ “રેડરોઝ” નામથી બજારમાં લાવવાની યોજના છે.
મહેશ આગળ કહે છે કે, શરૂઆતમાં છ પેડ વાળા પેકની કિંમત 10 રૂપિયા હતી જ્યારે આજે તેની કિંમત રૂ.15 છે. પહેલા ચોરસ આકારનું નરમ પેડ બનાવતા હતા. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી અમે અલ્ટ્રાથીન નેપકીન બનાવી રહ્યાં છીએ.
તેઓ વધુમાં કહે છે કે, અમારા નેપકીન પર્યાવરણને અનુકૂળ છે અને તેમાં રહેલા સૂક્ષ્મ પોષક તત્વોને કારણે ખેતીની સૂર્ય પ્રકાશ અને પાણી ખેંચવાની શક્તિ વધી જાય છે. આ પેડમાં પલ્પની જગ્યાએ ઓબ્જર્વન્ટ(એક પ્રકારની શીટ)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી ભીની માટીમાં તુરંત જ ભળી જઈને પાણીની શોષણ ક્ષમતાને 30 ટકા સુધી વધારે છે. જ્યારે બહારના ભાગને માટીમાં ભળવામાં 2-3 મહિનાનો સમય લાગે છે. આ રીતે આ સેનેટરી નેપકીન કમ નેચરલ સોઈલર કન્ડીશનરનું કામ કરે છે.

બીજી એક ખાસ વાત એ કે, આ સેનેટરી નેપકીન 12 કલાકથી લઈને 24 કલાક સુધી ચાલે છે, કારણ કે તેમાં બેક્ટેરિયા હોતા નથી. સામાન્ય રીતે એક માસિક ધર્મ ચક્રમાં મહિલાઓને 15-20 નેપકીનની જરૂર પડે છે. આ રીતે મહિલાઓને ખર્ચ પણ ઓછો થાય છે.
બદલ્યો વ્યવહાર
શરૂઆતના દિવસોમાં મહેશ સેનેટરી નેપકીનને મેન્યુઅલી બનાવતા હતા, પણ હવે તેઓ સેમી ઓટોમેટિક મશીન દ્વારા તૈયાર કરે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની સમસ્યાને ધ્યાનમાં લઈને તેમણે આ મશીન ડિઝાઈન કર્યું છે. આ મશીનને માત્ર 2 કલાક જ વીજળીની જરૂર પડે છે, જ્યારે બાકીનું કામ મેન્યુઅલી થઈ શકે છે.
તેઓ આગળ કહે છે કે, આ મશીનની કિંમત રૂ.5 લાખ છે અને તેને ચલાવવામાં 15 મહિલાઓની જરૂર પડે છે. જેનાથી એક મહિનામાં 50 હજાર નેપકીન બનાવી શકાય છે અને રૂ. 7.5 લાખ સુધીની કમાણી થઈ શકે છે. હાલ યુપી, ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં 80 મશીન લાગેલા છે.

મહેશનો ઈરાદો દેશના દરેક જિલ્લામાં આ પ્રકારના 8-10 મશીનો મુકવાનો છે. જેના માટે તે આશા વર્કર અને નેહરુ યુવા કેન્દ્રની મહિલા સભ્યોની સાથે મળીને કામ કરી રહ્યાં છે. જેથી તેની પ્રોડક્ટ ઘર ઘર સુધી પહોંચે.
રેડ ક્રોસ સોસાયટીની સાથે કરી રહ્યા છે કામ
મહેશ, હાલ રેડક્રોસ કુટીર ઉદ્યોગ સાથે મળીને કામ કરી રહ્યાં છે, જે અંતર્ગત તે મહિલાઓને કુટીર ઉદ્યોગ લગાવવા ટેકનિક અંગે પ્રશિક્ષિત કરવામાં મદદ કરે છે, માત્ર એટલું જ નહીં, મહિલાઓને નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, મુદ્રા યોજના, પ્રધાનમંત્રી રોજગાર યોજના જેવી અનેક યોજનાઓના લાભ લેવા માટે જાણકારી આપે છે.
કોરોના કાળમાં બનાવ્યા 8 લાખથી વધુ માસ્ક
મહેશ કહે છે કે, કોરોના મહામારીના શરૂઆતના દિવસોમાં દેશમાં માસ્કની ખૂબ તંગી હતી. જેને ધ્યાનમાં લેતા સરકારે અમને માસ્ક બનાવવા અપીલ કરી. આ દરમિયાન અમે લગભગ 8-10 લાખ માસ્ક બનાવ્યા, જેની કિંમત 50 પૈસા હતી. આ દરમિયાન ચીનથી ડાઈરોલર મંગાવીને અમારા મશીનોને N-95 માસ્ક બનાવવાના મશીનમાં પરિવર્તિત કરી દીધા.
ધ બેટર ઈન્ડિયા બેહદ સસ્તા અને પર્યાવરણ અનુકૂળ પેડ બનાવવાની જવાબદારી ઉપાડનારા મહેશ ખંડેલવાલના કાર્યને સલામ કરે છે.
મૂળ લેખ: Kumar Devanshu Dev (https://hindi.thebetterindia.com/52694/low-cost-sanitary-napkins-the-man-behind-sanitary-revolution-in-india-meet-mahesh-khandelwal-who-made-low-cost-and-ecofriendly-sanitary-napkins/)
આ પણ વાંચો: 62 વર્ષની ઉંમરે આ સુરતનાં દાદી 250 બાળકોને માટે જાતે જ પૌષ્ટિક ભોજન બનાવી જમાડે છે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.