રિક્ષાચાલકના પુત્રએ બનાવ્યુ મશીન, અડક્યા વગર ઉપાડશે કચરો, રાષ્ટ્રપતિએ આપ્યું સન્માન
રિક્ષાચાલકના પુત્રએ બનાવ્યુ મશીન, અડક્યા વગર ઉપાડશે કચરો, રાષ્ટ્રપતિએ આપ્યું સન્માન
ઉત્તર પ્રદેશના મથુરામાં રહેતા સિકાંતો મંડળે વર્ષ 2016માં ‘સ્વચ્છતા કાર્ટ’ બનાવીને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ શોધ માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.
બિનઉપયોગી સાયકલમાંથી બનાવેલ સિકાન્તોનું આ મશીન હાથના ઉપયોગ વિના કચરો ઉપાડવામાં સક્ષમ છે. આ ડિઝાઇન માટે તેને જાપાન જવાનો મોકો મળ્યો અને ફિલ્મ ‘પેડમેન’ના પ્રમોશન દરમિયાન અક્ષય કુમાર અને સોનમ કપૂર જેવી ફિલ્મી હસ્તીઓએ 5 લાખ રૂપિયા પણ આપ્યા હતા.
પરંતુ આજે સિકાંતોનું જીવન ખૂબ જ મુશ્કેલ છે અને તેની આંખો સામે સંપૂર્ણ અંધકાર છે. ચાલો જાણીએ તેની વાર્તા!
સ્વચ્છતા કાર્ટ બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી?
સિકાન્તો હાલમાં મથુરાની એક ખાનગી કોલેજમાં B.Sc કોમ્પ્યુટર સાયન્સના અંતિમ વર્ષનો વિદ્યાર્થી છે. જો કે મૂળરૂપે તે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદનો વતની છે, પરંતુ જ્યારે તે નાનો હતો ત્યારે તેના પિતા આજીવિકાની શોધમાં મથુરા આવ્યા હતા.
18 વર્ષીય સિકાંતો કહે છે, “આ 2016ની વાત છે. તે સમયે હું જય ગુરુદેવ સંસ્થાની શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતો હતો. આ શાળા એક ગુરુકુલ જેવી છે, જ્યાં ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. અમે લીમડાના ઝાડ નીચે ભણતા હતા અને બાળકોને સંપૂર્ણ સ્વચ્છતાનું ધ્યાન રાખવું પડતું હતું.”
તે આગળ કહે છે, “કેટલાક બાળકો કપડાં ગંદા થઈ જવાના ડરથી શાળાની સ્વચ્છતામાં ભાગ લેવા માંગતા ન હતા. આ જોઈને મેં વિચાર્યું કે કચરો જાતે જ ઉપાડી શકાય એવી વસ્તુ હું શા માટે ન બનાવું? પરંતુ, સિકાંતોના પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી કે તેના પર પૈસા ખર્ચી શકાય.

આ પણ વાંચો: અમદાવાદના આ ભાઈ વેસ્ટ વસ્તુઓમાંથી સરળ રીતે સમજાવે છે વિજ્ઞાન, કલામ પણ થયા હતા પ્રભાવિત
તો પછી પૈસા આવ્યા ક્યાંથી?
સિકાંતો કહે છે, “મારા પિતા ઘરના ખર્ચાઓને પહોંચી વળવા રિક્ષા ચલાવવા ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂર તરીકે કામ કરે છે. માતાની તબિયત સારી નથી અને અમે ભાડાના મકાનમાં રહીએ છીએ. આ કારણે મારા માટે આ ડિઝાઇન પર ખર્ચ કરવો મુશ્કેલ હતો. પછી, મેં મારા એક શિક્ષક સાથે તેના વિશે વાત કરી. તેમણે મને કાગળ પર ડિઝાઈન બનાવીને આપવા કહ્યું.”
પછી, સિકાંતોએ એક ડિઝાઇન બનાવી અને તેના શિક્ષકને આપી. શિક્ષકો ડિઝાઇનથી પ્રભાવિત થયા અને સિકાંતોને શાળા કક્ષાની ‘ઇન્સપાયર એવોર્ડ’ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા. આ સ્પર્ધાનું આયોજન ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવે છે.
સિકાન્તોના મોડેલે બધાને પ્રભાવિત કર્યા અને તેમને મશીન બનાવવા માટે 5000 રૂપિયા આપવામાં આવ્યા.

આ પણ વાંચો: સરકારી શાળાનાં વિદ્યાર્થીઓનો કમાલ, બનાવ્યુ હવામાંથી પાણી કાઢવાનું મશીન
કબાડમાંથી બનાવ્યુ મશીન
સિકાંતો કહે છે, “લગભગ દોઢ મહિનામાં, મેં કચરાની ગાડીનું પહેલું મોડલ બનાવ્યું. આ મોડેલ લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું. આ માટે, જૂની બેન્ચ, સાયકલ બ્રેક્સ, ગ્રીપ્સ અને વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ મોડેલને જિલ્લા કક્ષાએ ઇન્સ્પાયર એવોર્ડ માટે પણ પસંદ કરવામાં આવ્યું હતું.”
પરંતુ, આ ડિઝાઇનમાં ખામી હતી. તેઓ કહે છે, “અમને આ મશીન વડે કચરો ઉપાડવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો, પરંતુ તેને ઉતારવામાં સમસ્યા હતી. આ પડકારને ઉકેલવા માટે, અમે વિચાર્યું કે શા માટે ફક્ત નીચેથી કાર્ટ ખોલીને કચરો સરળતાથી નીચે પડી દેવામાં આવે. આ રીતે, કચરો ઉપાડવા માટે હાથ નાખવાની જરૂર નથી, કે તેને છોડવા માટે પણ જરૂર નથી.”
ત્યારપછી તેણે આ ડિઝાઈન લખનૌમાં રાજ્ય કક્ષાએ રજૂ કરી અને અહીં પસંદગી થયાના એક મહિના પછી તેણે રાષ્ટ્રીય સ્પર્ધામાં પણ ભાગ લીધો. અહીં સિકાંતોની ડિઝાઇન પણ ટોપ-60માં પસંદ કરવામાં આવી હતી.
તે કહે છે, “મને વર્ષ 2018માં સિલેક્ટ થયેલા 60 બાળકો સાથે જાપાન જવાની તક મળી હતી. પરંતુ તે સમયે પાસપોર્ટ કઢાવવામાં કેટલીક સમસ્યાના કારણે હું જઈ શક્યો ન હતો. બીજા વર્ષે મને બીજી તક મળી. અમે એક સપ્તાહ જાપાનમાં રહ્યા અને તેમની ટેક્નોલોજી જોઈ.”

આ પણ વાંચો: તાપીના પ્રદૂષણને ઘટાડવા સુરતી યુવતીનું અનોખુ અભિયાન, મંદિરનાં ફૂલોમાંથી બનાવે છે સુગંધિત વસ્તુઓ
3 દિવસ રાષ્ટ્રપતિ ભવનમાં વિતાવ્યા
સિકાંતો જણાવે છે કે જાપાન જતા પહેલા તેમને ત્રણ દિવસ રાષ્ટ્રપતિ ભવનમાં રહેવાનો મોકો મળ્યો અને પેડમેન ફિલ્મના પ્રમોશન દરમિયાન તેમને ગ્રાસરુટ લેવલ પર ઈનોવેશન માટે 5 લાખ રૂપિયા પણ મળ્યા.
આગળ, સિકાંતો નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનના ડિરેક્ટર અને ચીફ ઈનોવેશન ઓફિસર ડૉ. વિપિન કુમારને મળ્યા અને સિકાંતોને તેની સ્વચ્છતા કાર્ટ પેટન્ટ કરાવવામાં મદદ કરી.
2017માં, સિકાંતોની ડિઝાઇનને પેટન્ટ કરવામાં આવી હતી અને NIFની મદદથી, તેણે સર્જન ઇનોવેટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ગુજરાત સાથે જોડાણ કર્યું હતું. તે કહે છે, “સ્વચ્છતા કાર્ટને બજારમાં ઉપલબ્ધ અન્ય કચરો કલેકશન મશીનોની જેમ વીજળી કે બેટરીની જરૂર પડતી નથી અને તેને સંપૂર્ણપણે મેન્યુઅલી ઓપરેટ કરી શકાય છે.”
મ્યુનિસિપલ ગાર્બેજ કલેકશન વાહનોને પણ ચાર સફાઈ કામદારોની જરૂર પડે છે, પરંતુ સિકાંતોનું મશીન માત્ર બે જ લોકો સરળતાથી ચલાવી શકે છે. આ રીતે, તેને પણ ઓછા માનવબળની જરૂર છે.
કચરો એકઠો કરવા માટે મશીનમાં પીકર ઇન્સ્ટોલ કરવામાં આવે છે. તો, તેને ગ્રિપર અને હેન્ડલ દ્વારા સરળતાથી ડમ્પ કરી શકાય છે. આ ઉપરાંત તેમણે સફાઈ કામદારોની સુવિધા માટે મશીનમાં સાવરણી, પાણી અને અન્ય વસ્તુઓ રાખવાની જગ્યા પણ આપી છે.
કોરોના રોગચાળાએ બરબાદ કર્યો
સિકાંતો કહે છે, “બધું બરાબર ચાલી રહ્યું હતું. કંપની અમારી ડિઝાઇનનું મોટા પાયે ઉત્પાદન કરવાની હતી. પરંતુ, પછી કોરોના રોગચાળો શરૂ થયો અને અમારું જીવન મુશ્કેલ થવા લાગ્યું. રોગચાળાને કારણે, અમારી સ્વચ્છતા કાર્ટ પરનું કામ હજી શરૂ થયું નથી. મને કંપની સાથે કોઈ ફરિયાદ નથી. આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમની પોતાની મજબૂરીઓ છે.”
તે કહે છે, “રોગચાળો શરૂ થયા પછી, મારા પિતાને કામ મળવાનું બંધ થઈ ગયું. શરૂઆતમાં બહુ સમસ્યા ન હતી. પરંતુ જેમ જેમ લોકડાઉન વધ્યું તેમ તેમ અમારી સમસ્યાઓ પણ વધી. તેના પરિવારમાં તેના માતા-પિતા ઉપરાંત એક ભાઈ પણ છે. લોકડાઉન દરમિયાન કામ ન મળવાને કારણે તેના પિતાના તમામ પૈસા ખલાસ થઈ ગયા હતા અને તેમને એક ટાઈમનાં ભોજન માટે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: એકમાત્ર ગુજરાતમાં બચેલી આ કળા એક કારીગર 19મી સદીમાં અંદામાન જેલમાંથી શીખી લાવેલા
સિકાંતો તેની માતા સાથે
તે કહે છે, “અમે રસ્તા પર ખાવાનું મેળવવા કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા હતા. બીજી તરફ ઘરનું ભાડું સતત વધતું ગયું. દરમિયાન, હું મારા કોલેજના બીજા વર્ષથી મારા છેલ્લા વર્ષમાં ગયો. પરંતુ અમારી પાસે કોલેજની ફી ભરવા માટે પૂરતા પૈસા નહોતા. કોરોના રોગચાળાના યુગમાં, લોકોએ કોઈપણ રીતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એટલા માટે અમે કોઈની પાસે પૈસા માંગી શકતા ન હતા. કોઈ રસ્તો ન જોતાં, માતાએ કૉલેજની ફી ભરવા માટે પોતાના ઘરેણાં વેચી દીધા.”
દાદાજી માટે ઘર બનાવ્યુ
સિકાંતો ભલે જુવાન હોય, પણ તેની વિચારસરણી ઘણી મોટી છે. તે કહે છે, “મુર્શિદાબાદમાં મારા દાદાનું ઘર નદીના કિનારે હતું. થોડાં વર્ષો પહેલાં આવેલા પૂરે બધું બરબાદ કરી દીધું હતું અને હવે નદી ત્યાંથી પસાર થાય છે. તેમની પાસે ઘર ન હોવાથી રસ્તાની બાજુમાં રહેવાની ફરજ પડી હતી. પછી મારા નાનાજીએ તેને થોડી જમીન આપી અને તે તેમાં ઝૂંપડું બનાવીને રહેવા લાગ્યા.”
તે કહે છે, “દાદાજીનું દુઃખ મારાથી જોવાયુ નહી અને વર્ષ 2018માં પેડમેન ફિલ્મના પ્રમોશન દરમિયાન મળેલા 5 લાખ રૂપિયાથી મેં તેમના માટે એક નાનું ઘર બનાવ્યું હતું.” સિકાંતો કહે છે, “મારા પિતા 58 વર્ષના છે અને તેઓ જે કમાય છે તે ઘર ચલાવવામાં ખર્ચ કરે છે. આ કારણે મારા માટે વધુ અભ્યાસ કરવાનો મુશ્કેલ બની ગયો છે.”
તે આગળ એમસીએ કરવા માંગે છે, પરંતુ તેની પાસે એટલા પૈસા નથી. ચાર વર્ષ પહેલા જે વિદ્યાર્થીએ પોતાની શોધથી આખા દેશમાં ઓળખ બનાવી હતી. તે આજે પોતાની આંખો સામે પોતાના સપનાઓને મરતા જોઈ રહ્યો છે. તેમ છતાં તેને કોઈ પાસે ફરિયાદ નથી.
જો તમે સિકાંતોને અભ્યાસમાં મદદ કરવા માંગતા હો, તો તમે તેનો 9557651131 પર સંપર્ક કરી શકો છો.
સંપાદન: કિશન દવે
આ પણ વાંચો: 2021 ના ગુજરાતના 5 સંશોધકો જેમણે કર્યાં છે સામાન્ય લોકો માટે બહુ કામનાં સંશોધનો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.