બિહારના પૂર્ણિયા જિલ્લામાં રહેતા સાકેત જ્યારે પોતાની બે એકર જમીનમાં ઊગાડવામાં આવેલા પાકને જુએ છે ત્યારે તે ખૂબ ખુશ થઈ જાય છે. સાકેતે થોડા વર્ષો પહેલા જ મખનાની ખેતી કરવા માટે આ જમીન ખરીદી હતી. મખનાને કમળ બીજ અથવા ફૉક્સ નટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં અનેક પોષક તત્વો હોય છે.
સાકેતના સાથી ખેડૂતો ઘઊં કે અન્ય ધાન્યની ખેતી કરે છે, પરંતુ સાકેતે મખનાની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. આનાથી સાકેતનો પરિવાર દેવામાંથી તો ઊગરી જ ગયો તેની સાથે સાથે તેના બાળકોને પણ સારું સિક્ષણ આપવામાં મદદ મળી હતી.
સાકેતે ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, “મખના પહેલા હું ફક્ત ઘઊં અને અન્ય પાક ઊગાડતો હતો. શરૂઆતમાં મારી પાસે જમીન ન હતી. આથી હું બીજાની જમીન પર ખેતી કરતો હતો. મખનાની ખેતીમાંથી મને ખૂબ મદદ મળી હતી. થોડા જ વર્ષમાં મેં બે એકર જમીન પણ ખરીદી લીધી હતી. એટલું જ નહીં, મખનાની ખેતી કરીને મને અને મારા પરિવારને ખૂબ મદદ મળી હતી.”
સાકેત મખનાના બી વેચીને વર્ષે 3.5 લાખ રૂપિયાની કમાણી કરે છે. બાદમાં બચી ગયેલા બીને થોડા દિવસ પછી 30 ટકા વધારે ભાવથી વેચે છે. આ રીતે તે વર્ષે મખનામાંથી 4.5 લાખ રૂપિયાની કમાણી કરે છે.

સાકેત બિહારના આઠ જિલ્લાના 12,000 ખેડૂતમાંથી એક છે જેણે શક્તિ સુધા ઇન્ડસ્ટ્રીઝના સંસ્થાપક સત્યજીત કુમાર સિંહે મખનાની ખેતી શીખવી હતી. સત્યજીતને ‘મખના મેન ઑફ ઇન્ડિયા’ કહેવામાં આવે છે.
આજે દેશ-વિદેશમાં મખના પ્રસિદ્ધ છે ત્યારે એકલા બિહારમાં જ મખનાનું 90 ટકા ઉત્પાદન થાય છે. સત્યજીત દાવો કરે છે કે તેમની કંપની શક્તિ સુધા આ ઉત્પાદનમાં ઓછામાં ઓછું 50 ટકા યોગદાન આપે છે. આ ઉપરાંત જે ગતિથી તેઓ આગળ વધી રહ્યા છે, તેમને વિશ્વાસ છે કે આગામી બેથી ત્રણ વર્ષમાં તેઓ દુનિયામાં મખનાના કુલ ઉત્પાદનમાં 70થી 75 ટકા યોગદાન આપવામાં સફળ રહેશે.

મખના મેનની કહાની
મૂળ બિહારના જમુઈ જિલ્લાના સત્યજીતનો પરિવાર ખેતી સાથે સંબંધ ધરાવે છે. તેઓ શરૂઆતથી જ કંઈક એવું કરવા માંગતા હતા જેની સમાજ પર સારી અસર પડે. આથી પટના યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડીગ્રી મેળવ્યા બાદ તેમણે UPSCની પરીક્ષા આપી હતી.
તેમણે બીજા પ્રયાસમાં સફળતા મેળવી હતી. જોકે, ખૂબ વિચાર કર્યા બાદ તેમને લાગ્યું કે તેઓ આ માટે નથી બન્યા. આ અંગે તેઓ કહે છે કે, “ખૂબ વિચાર કર્યા બાદ મને લાગ્યું કે આ એવું નથી જેના વિશે મેં વિચાર્યું હતું. આથી મેં સિવિલ સેવાને બદલે બિઝનેસ કરવાનો નિર્ણય કર્યો હતો.”
વેપારના ક્ષેત્રમાં પોતાના મૂળ મજબૂત કર્યા બાદ એક વિમાન મુસાફરી દરમિયાન તેઓ મખનાની ખેતી તરફ વળી ગયા હતા. આ ઘટના અંગે સત્યજીત કહે છે કે, “હું વિમાનમાં બેંગલુરુથી પટના જઈ રહ્યો હતો. આ દરમિયાન મને રાષ્ટ્રીય મખના અનુસંધાન બોર્ડ, પટનાના તત્કાલિન નિર્દેશક ડૉક્ટર જનાર્દન મળી ગયા હતા. તેઓ મખનાની ખેતી પર સંશોધન કરી રહ્યા હતા. વાત વાતમાં તેમણે મને મખનાના ફાયદા વિશે જણાવ્યું હતું. જે બાદમાં મેં આ ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું.”

જેના બે વર્ષ સુધી તેઓ ડૉક્ટર જનાર્દન સાથે રહ્યા હતા અને મખનાની ખેતી અને તેમાં આવતી સમસ્યા અને ટેક્નિક અંગે જાણ્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્યના અનેક શહેર અને ગામની મુલાકાત લીધી હતી.
તેઓ કહે છે કે, “એ દરમિયાન અમુક સમુદાયોએ 1,000થી 1,500 ટન મખનાની ખેતી કરી હતી. જેનાથી ખેડૂતોને કોઈ ફાયદો થઈ રહ્યો ન હતો. આ કારણે તેઓ મખનાની ખેતીથી દૂર ભાગી રહ્યા હતા. આથી 2005થી 2015 સુધી સરકારી એજન્સી, વિશ્વ બેંક અને નાબાર્ડ સાથે મળીને અમે બેકવર્ડ ઇન્ટીગ્રેશન મોડલ વિકસિત કર્યું હતું. જેના માધ્યમથી અમારો ઉદેશ્ય ઓછામાં ઓછી મહેનતથી વધારેમાં વધારે મખનાની ખેતી માટે ખેડૂતોને જ્ઞાન આપવું અને તેમના માટે સારું માર્કેટ ઉપલબ્ધ કરાવવાનો હતો.”
શક્તિ સુધાના પ્રયાસથી સ્થાનિક બજારમાં મખનાનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી 400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો. આથી પહેલા આ ખેતી સાથે ફક્ત 400 ખેડૂતો જાડાયેલા હતા, હવે તેમાં 12,000થી વધારે ખેડૂતો જોડાઈ ગયા છે.

રોકડ ચૂકવણીને પ્રાધાન્ય
મખના ખેડૂત સાકેત કહે છે કે, “પહેલા મખના બજારમાં ખૂબ મોટા પ્રમાણમાં ક્રેડિટ પર લેવડ-દેવડ થતી હતી. શક્તિ સુધા આવવાથી ખેડૂતોને પોતાની ઉપજ માટે રોકડ મળવા લાગી હતી.”
સાકેત વધુમાં કહે છે કે, “શક્તિ સુધાએ બજારને ખેડૂતોના હિતમાં બદલી નાખ્યું હતું. પહેલા મખના તૈયાર થયા બાદ ખેડૂતોએ પોતાનો માલ વચેટિયાઓને આપવો પડતો હતો. પરંતુ શક્તિ સુધાએ આ પ્રથા ખતમ કરી નાખી અને સારા ભાવથી સીધી ખેડૂતો પાસેથી ખરીદી શરૂ કરી હતી. આ જ કારણે અનેક ખેડૂતોએ મખનાની ખેતી શરૂ કરી દીધી હતી અને તેઓ શક્તિ સુધાને સીધો માલ વેચવા લાગ્યા હતા. આથી અન્ય છૂટક અને જથ્થાબંધ વેપારીઓએ ભાવ વધારવાની ફરજ પડી હતી. આ ખેતી ખરેખર ખૂબ મુશ્કેલ છે. આથી વર્ષના અંતે ખેડૂતને યોગ્ય વળતર મળે તે જરૂરી છે.”
સત્યજીત કહે છે કે શક્તિ સુધાના પ્રયાસથી મખનાને એક નાસ્તાને બદલે સુપરફૂડના બજારમાં લાવવામાં મદદ મળી હતી. છેલ્લા 19 વર્ષથી બિહારના ખેડૂતો માટે મખના એક રોકડ પાક તરીકે વિકસિત થયો છે. આ જ કારણ છે કે ક્યારેક ફક્ત 1,500 હેક્ટર જમીન પર મખનાની ખેતી થતી હતી, આજે 25,000 હેક્ટર જમીન પર મખનની ખેતી થાય છે.
સત્યજીત કહે છે કે, “મખનાની પરંપરાગત ખેતી મોટા સરોવર કે પછી તળાવમાં થાય છે. પરંતુ ખૂબ જ સંશોધન પછી અમે તેને અન્ય ધાન્ય માટે ઉપયોગમાં લેવામાં આવતી જમીનને યોગ્ય બનાવી દીધી હતી, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયેલું રહેતું હતું અથવા પૂરની સ્થિતિ રહેતી હતી. મખનાના છોડને 1.5થી 2 ફૂટ ઊંડા પાણીની જરૂરીયાત રહે છે. આ માટે અમે ખેતરોને એ રીતે તૈયાર કર્યા હતા. આજે મખનાની 80 ટકા ખેતી આવી જ જમીન પર થાય છે, જ્યારે બાકીની 20 ટકા ખેતી તળાવમાં થાય છે.”

આંતરરાષ્ટ્રીય સ્તર પર વેપાર કરવાની યોજના
સત્યજીત મખનાને કેલિફોર્નિયાની બદામની જેમ લોકપ્રીય બનાવવા માંગે છે. આથી તેમની કંપનીએ મખનાથી બનાવવામાં આવેલા અનેક ઉત્પાદનો બજારમાં ઉતાર્યા છે. હાલ બજારમાં શક્તિ સુધાના પૉપકૉર્ન, મખના સ્નેક્સ, કુકીઝ, રેડી ટૂ મેડ મીઠાઈ જેવી 28 વસ્તુ સામેલ છે. આ ઉત્પાદનો ઑફલાઇન અને ઑનલાઇન મળે છે.
સત્યજીત કહે છે કે, “અમે જુલાઈમાં અમારું ઑનલાઇન વેચાણ શરૂ કર્યું છે. પહેલા જ મહિનામાં 3.25 લાખનો બિઝનેસ થયો હતો. જેમાં 33 ટકા રિપીટ ઓર્ડર છે. જાન્યુઆરીમાં પટનામાં છૂટક વેચાણ શરૂ કર્યું હતું. જેમાં એક મહિનામાં સાતથી આઠ લાખની કમાણી થઈ હતી. આ ઉપરાંત અમે અમેરિકા અને કેનેડામાં બે ટન મખનાની નિકાસ કરી હતી. અમે તેને વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આશા છે કે 2024 સુધી અમારો બિઝનેસ 50 કરોડથી વધીને 1,000 કરોડ રૂપિયા થઈ જશે.”
શક્તિ સુધા હાલ દેશના 15 રાજ્ય અને 50 શહેરમાં પોતાનો બિઝનેસ વધારવાની યોજના બનાવી રહી છે. કંપનીનું માનવું છે કે પોષક તત્વોથી ભરપૂર મખના બિહાર અને આખી દુનિયાની છબિને હંમેશ માટે બદલી શકે છે.
આ અંગે સત્યજીત કહે છે કે, “મને દેશમાં બિહારની નકારાત્મક છબિ અને પરંપરાને લઈને ખૂબ દુઃખ થાય છે. બિહાર અનેક રીતે સક્ષમ છે પરંતુ લોકો આ તરફ ધ્યાન નથી આપતા. સિવિલ સર્વિસમાં નોકરી કરી રહેલા મારા મિત્રો મને ‘મખના મેન ઑફ ઇન્ડિયા’ કહે છે. મને એક એવા ઉત્પાદન સાથે જોડાયેલો હોવાની ખુશી છે જે લોકોને સ્વાસ્થ્ય આપવાની સાથે સાથે અનેક પરિવારોને રોજગારી પણ આપે છે. મેં જે સપના જોયા હતા, આજે હું તેને હું જીવી રહ્યો છું.”
મૂળ લેખ: Kumar Devanshu Dev
આ પણ વાંચો: સિવિલ એન્જિનિયરનું અનોખુ ઇનોવેશન, માટી વગર એકજ વારમાં ઊગી શકે છે 30 કિલો લીલું ઘાસ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.