અમદાવાદની સાબરમતી નદીથી થોડા જ અંતર પર એક મોટો સ્લમ (ગરીબ/ઝૂંપડપટ્ટી) વિસ્તાર છે. જેનું નામ આદર્શ નગર છે. આ કોઈ ખાસ ઝૂંપડપટ્ટી નહીં પરંતુ દરેક શહેરમાં જોવા મળે છે તેવી જ છે. જો તમે થોડું આગળ ચાલશો તો તમને અહીં એક સ્વચ્છ પરિસર જોવા મળશે અને તેમાં એક રૂમની સ્કૂલમાં ડ્રેસમાં સજ્જ થયેલા બાળકો અભ્યાસ કરતા નજરે પડશે.
આશરે 35 વર્ષ પહેલા મહારાષ્ટ્રના તલેગાંવથી એક વ્યક્તિ અમદાવાદ આવી હતી. આ વ્યક્તિ અહીં બિઝનેસ શરૂ કરવા માંગતી હતી. આ વ્યક્તિનું નામ મહેશ દેસાઈ છે. પોતાના સંબંધી સાથે બિઝનેસ શરૂ કરવા માંગતા દેસાઈ ગરીબો તરફ આકર્ષાયા અને બિઝનેસનો વિચાર માંડી વાળ્યો અને ગરીબ બાળકોને ભણાવવાનું બીડું ઝડપ્યું.

મહેશ દેસાઈ જણાવે છે કે “મને અભ્યાસ કરવામાં ખૂબ જ કંટાળો આવતો હતો. મને યાદ નથી કે હું બીજા કે ત્રીજા ધોરણ સુધી ભણ્યો હોઈશ. પ્રથમ કામ મેં ગુજરાતી શીખવાનું કર્યું. જે બાદમાં હું દરરોજ પાંચથી નવ વાગ્યા સુધી ગરીબ વિસ્તારોમાં રહેતા લોકો સાથે વાતચીત કરતો હતો. તેમની સાથે વાત કરતા મેં એક વાત જાણી કે તેમની તમામ સમસ્યાનું એકમાત્ર કારણ નિરક્ષરતા અને તેમના પ્રત્યે લોકોની અવગણના હતી. જે બાદમાં મેં એ લોકોને સાક્ષર બનાવવાનું નક્કી કર્યું હતું.”
1990માં મહેશ દેસાઇએ પોતાના ધ્યેયને પામવા માટે પદ્ધતિસરનું કામ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ નવી નવી વસ્તીઓની મુલાકાત લેતા હતા અને ત્યાંના લોકો વિશે માહિતી એકઠી કરતા હતા. જેમ કે, તેઓ શું કરે છે, ક્યાં કામ કરે છે, કેટલી કમાણી કરે છે, તેઓ શું ખાય છે? એવા કયા કારણે છે જેનાથી તેઓ આગળ નથી આવી રહ્યા. આશરે સાત વર્ષ સુધી મહેશ દેસાઇ દરરોજ ગરીબ વસ્તીમાં જતા હતા અને તેમની માહિતી મેળવીને તેમના અંગે રિપોર્ટ તૈયાર કરતા હતા. આ રીતે તેઓ મહિનાના 30 રિપોર્ટ બનાવતા હતા અને મહિનાને અંતે તેમાંથી એક રિપોર્ટ કરતા હતા. જે બાદમાં વર્ષના અંતે એક રિપોર્ટ તૈયાર થતો હતો. સાત વર્ષના અંતે મહેશ દેસાઇ પાસે એક આખો રિપોર્ટ તૈયાર હતો જેમાં તમામ માહિતી હતી.

આ સમય દરમિયાન મહેશ દેસાઈએ આ લોકો માટે કામ કરતી બીન સરકારી સંસ્થાઓ વિશે પણ જાણ્યું હતું. તેમણે જાણ્યું કે અમુક એનજીઓ ફક્ત મહિલાઓ માટે કામ કરે છે, અમુક ફક્ત બાળકો માટે જ કામ કરે છે. આ દરમિયાન તેઓએ એવું પણ જાણ્યું કે મોટી ઉંમરના લોકોને સમજાવીને તેમાં કોઈ પરિવર્તન આવે તેવું શક્ય લાગતું નથી. આથી જો તેમની બીજી પેઢી એટલે કે બાળકોને સમજાવવામાં આવે તો તેઓ આ ગરીબીમાંથી બહાર આવી શકે છે.
પોતાના મિશન તરફથી આગળ વધતા મહેશ દેસાઈએ સૌપ્રથમ સી.જી. રોડ અને વસ્ત્રાપુર ખાતેના ચાના ફેરિયાઓને સમજાવ્યા હતા અને તેમને વિનંતી કરી હતી કે તેમના બાળકોને અભ્યાસ કરાવવા માટેની મંજૂરી આપે.

“હું એ વાત પણ જાણતો હતો કે આમાંથી મોટાભાગના બાળકો ચાની કિટલી પર પણ કામ કરતા હતા. મને ફેક્ટરીમાંથી કામ કરીને સાંજે પાંચથી નવ વાગ્યા સુધી સમય મળતો હતો. આ સમય દરમિયાન ચાની કિટલી પર વધારે ભીડ રહેતી હોય છે. આથી ચાના ફેરિયાઓએ મને એક શરતે બાળકોને અભ્યાસ માટે હા પાડી હતી. એ શરત એવી હતી કે જ્યારે પણ કિટલી પર વધારે ભીડ હશે ત્યારે તેમણે અભ્યાસ છોડીને આવવું પડશે.”
બે વર્ષ સુધી આ રીતે પ્રયાસ બાદ વધારે સારું પરિણામ ન આવતા તેઓએ ગરીબ વસ્તીની અંદર જ પોતાના વર્ગ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન તેઓ ગમે તે એક ઝૂંપડામાં બેસી જતા હતા અને બાળકોને ભણાવતા હતા. આ દરમિયાન તેમના અમુક મિત્રોને આ વાતની જાણ થઈ હતી અને તેઓ તેમની મદદે આવ્યા હતા.
2000ના વર્ષમાં મહેશ દેસાઇએ ‘હેલ્પલાઇન ટ્રસ્ટ’ એનજીઓની નોંધણી કરાવી હતી. ઉદેશ્ય એવો હતો કે સંસ્થાને મળતા દાન વિશે માહિતી રહે અને ગરીબ વિસ્તારોની અંદર જ શેડ બનાવીને તેમાં બાળકોને ભણાવી શકાય. પરંતુ અનેક પ્રયાસ છતાં સ્કૂલમાં બાળકો આવતા ન હતા.

“હું બાળકોનાં માતાપિતાને સમજાવતો હતો. દિવસો અને મહિનાઓ વિતતા ગયા પરંતુ મારી સ્કૂલમાં કોઈ અભ્યાસ માટે આવતું ન હતું. એક દિવસ એક નાની બાળકી મારી પાસે આવી અને તેણીએ કહ્યું કે, મારે ભણવું છે. મેં તેણીને ભણાવવાનું શરૂ કર્યું. આ બાળકી છ વર્ષની ઇન્દુ માવી હતી. ઇન્દુ આજે પરિણીત છે અને ક્યારેક મારી પાસે આવે છે અને કહે છે કે ભણતરને કારણે તેણીને કેટલી મદદ મળી રહે છે.”
આ સ્કૂલ ગરીબ વસ્તીની વચ્ચોવચ્ચ આવેલી હતી. ઇન્દુ અભ્યાસ કરી રહી હોવાનું જાણીને બીજા બાળકો પણ અભ્યાસ કરવા માટે આવવા લાગ્યા હતા. જે બાદમાં આ સ્કૂલમાં 40 જેટલા બાળકો અભ્યાસ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં મહેશે બહારગામના બાળકો માટે એક હોસ્ટેલ પણ શરૂ કરી છે. જેમાં 10 જેટલા બાળકો રહે છે અને RTE થકી તેમને ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો છે.
શેડ નીચે શરૂ થયેલી મહેશ દેસાઈની આ સ્કૂલ બાદમાં એક રૂમની સ્કૂલમાં પરિવર્તિત થઈ ગઈ હતી. આ સ્કૂલમાં એકથી 10 ધોરણના બાળકોને ભણાવવામાં આવે છે. અહીં એક ખાનગી સ્કૂલમાં હોય તેવી તમામ સુવિધા છે.

આ સ્કૂલમાં બાળકોને ભણાવતા ગાયત્રી જોશી કહે છે કે,”હું પરંપરાગત સ્કૂલમાં જેવી રીતે શિક્ષકો બ્લેક બોર્ડ પાસે ઊભા રહીને ભણાવે છે તેવી રીતે અભ્યાસ નથી કરાવતી. હું દરેક બાળકની પાસે બેસીને તેને શીખવું છું. દરેક બાળકને અલગ અલગ સૂચના આપું છું. આ દરમિયાન જે બાળકને મારી મદદની જરૂર હોય તેની બાજુમાં બેસીને શીખવું છું.”
ગરીબ બાળકોને ભણાવવા માટે મહેશ ભાઈએ કેટલાક વર્ષો પહેલા પોતાની ફેક્ટરી બંધ કરી દીધી છે. જે બાદમાં તેઓ પોતાનો આખો સમય ગરીબ બાળકો પાછળ વિતાવે છે. મહેશ દેસાઈ કહે છે કે એક વખત તેમની પાસે કોઈ બાળક આવે ત્યાર બાદ તેને નોકરી અપાવવા સુધીની જવાબદારી મારી રહે છે. આ કામમાં તેઓ ખૂબ જ દ્રઢ છે.
‘હેલ્પલાઇન એજ્યુકેશન હોમ’ સ્કૂલ દરરોજ સવારે આઠ વાગ્યે પ્રાર્થના સાથે શરૂ થાય છે. સ્કૂલની પ્રવૃત્તિઓમાં અભ્યાસ ઉપરાંત નાસ્તો, લંચ, ડાન્સ, ડ્રોઇંગ, ક્રાફ્ટ, મ્યુઝિક અને કૉમ્પ્યુટર અભ્યાસ અને સ્કેટિંગનો સમાવેશ થાય છે. અહીં બાળકોને પોતાની શક્તિ ખીલવવાનું પૂરો મોકો આપવામાં આવે છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાતચીત કરતા મહેશ દેસાઈ જણાવે છે કે, “2035 સુધી મારું એવું લક્ષ્યાંક છે કે અમદાવાદ શહેરમાં એક પણ છોકરો ભીખ માંગતો ન હોવો જોઇએ. તેમજ તમામ છોકરા ધોરણ-10 પાસ હોવા જોઈએ. ઉદાહરણ તરીકે આજે કોઈ બાળકનો જન્મ થયો છે અને ચાર વર્ષનો થયો છે. 2035 સુધીમાં તે ધોરણ-10 પાસ હોવો જોઈએ અથવા તેણે કોઈ ટેક્નિકલ કોર્ષ કરવો જોઈએ. અમદાવાદમાં કેમ પણ કરીને ભીખ માંગવાનું દૂષણ નાબૂદ કરીને દરેક બાળકને સાક્ષરતા અભિયાનમાં લાવવો જ છે. 2035 સુધીમાં આ કામ પૂર્ણ કરવું છે તે અમારું મિશન છે.”

મહેશ દેસાઈએ તેમના આ લક્ષ્યમને પૂરું કરવા માટે શહેરમાં પાંચ બ્રાંચ પણ શરૂ કરી છે. આ વિશે તેઓે કહે છે કે, “જે બાળકો ભણતા નથી, ઉપરાંત અનેક એવા બાળકો પણ છે જેઓ વિવિધ સ્કૂલોમાં ભણે છે પરંતુ ભણવામાં સાવ નબળા છે, એવા બાળકોના માતાપિતા સાથે વાતચીત કરીને તેમને વધારાનો અભ્યાસ કરાવીને પગભર કરવાનો અમારો ઉદેશ્ય છે. એ લોકો પોતાની સ્કૂલમાં જ ભણશે પરંતુ અમે તેમને ત્રણથી ચાર કલાક વધારાનો અભ્યાસ કરાવીશું. તેમના નબળા પાયાને અમે મજબૂત કરવાનું કામ કરીશું. આ બાળકો નવમાં ધોરણમાં આવશે એટલે અમે તેમને ભણાવીશું. કારણ કે આઠ ધોરણ સુધી સરકાર તેમને મફત ભણાવે છે. ત્યાર બાદ અમે તેમને અભ્યાસ કરાવીશું. આથી એક રૂપિયો ખર્ચ કર્યા વગર ગરીબ પરિવારનો બાળક કૉલેજ સુધી અભ્યાસ કરશે. સામાન્ય રીતે ધોરણ 10માં નપાસ થયા બાદ આવા બાળકો ખોટા રસ્તા ચઢી જતા હોય છે. તેઓને રોકવા માટે આ નવો વિચાર અમલી મૂક્યો છે.”
મહેશ દેસાઈ વધુમાં જણાવે છે કે, “અમદાવાદની આસપાસ અને જિલ્લામાં ભીલ સમાજના કોઈ બાળકો ન ભણતા હોય તો તેમને આ જ કોન્સેપ્ટ સાથે ભણાવવાનો વિચાર છે. આ માટે પ્રક્રિયા ચાલી રહી છે. સાથે જ તેમણે લોકોને અપીલ કરી છે કે અમદાવાદ જિલ્લામાં કોઈ વિસ્તારમાં બાળકો ભણતા ન હોય તેવું ધ્યાનમાં આવે તો અમને જાણ કરો. અમે એ વિસ્તારમાં ભણાવવાનું શરૂ કરીશું. અમારો ઉદેશ્ય બાળકોને તાલિમ આપવાનો છે જેનાથી તેઓ ભવિષ્યમાં ક્યાંય પણ પાછા ન પડે. આ ઉપરાંત તેઓ ભણીને તૈયાર થઈ જાય બાદમાં તેમને લોન પૂરી પાડવાનો પણ અમારો વિચાર છે.”
જોકે, મહેશભાઈને આ કામમાં અમુક વિઘ્નો આવે છે, જેમાનું એક વિઘ્ન દાન છે. તેમની આ સંસ્થાઓને અમુક લોયલ દાતાઓ તરફથી સમયાંતરે દાન મળતું રહે છે, જેમાંથી તેઓ શિક્ષકોનો પગાર અને બીજા ખર્ચના બિલ ચૂકવે છે. મહેશભાઈના ઉમદા હેતુને બિરદાવવા માટે દુકાનદારો પણ તેમને ઉધારમાં સામાન આપે છે. જ્યારે પણ દાન મળે છે ત્યારે મહેશભાઈ તેમને રૂપિયા ચૂકવી આપે છે.
જો તમે પણ તેમની મદદ કરવા માંગો છો તો તેમનો info@helplinetrust.org.in અથવા 9898765253 પર સંપર્ક કરી શકો છે. સ્કૂલની મુલાકાત લેવા માંગતા હોવ તો સરનામું છે, હેલ્પલાઇન એજ્યુકેશન હોમ, આદર્શ નગર, નારાણપુરા મુખ્ય પોલીસ સ્ટેશનની સામે, પ્રગતિનગર રોડ, નારણપુરા, અમદાવાદ-13.
તમે દાન કરી શકો છો-
નામ – Helpline
ખાતા નંબર – 20063968752
બેંક – બેંક ઓફ મહારાષ્ટ્ર
બ્રાંચ – આશ્રમરોડ, અમદાવાદ
IFSC કોડ – MAHB 0000773
મૂળ લેખ: માનબી કટોચ
આ પણ વાંચો: લૉકડાઉનમાં શાળાઓ બંધ થતાં શરૂ કરી ‘હરતી ફરતી શાળા’, ઓનલાઇન શિક્ષણ શક્ય નથી ત્યાં સલામ છે શિક્ષકના કાર્યને