મહારાષ્ટ્રમાં પૂણેની રહેવાસી 39 વર્ષીય ગોદાવરી સાતપુતે માત્ર દસમું પાસ છે, છતાં છેલ્લા એક દાયકાથી પોતાનો વ્યવસાય બહુ સરસ રીતે નિભાવી રહ્યાં છે. આ વ્યવસાયથી તેમણે પોતાના ઘરની આર્થિક સ્થિતિ તો સંભાળી જ છે, સાથે-સાથે તેમની સાથે કામ કરતી મહિલાઓ માટે પણ આશાનું કિરણ ઊભુ કર્યું છે.
મૂળ નરી ગામની રહેવાસી ગોદાવરીનાં 19 વર્ષની ઉંમરે જ લગ્ન થઈ ગયાં હતાં. તેમના પતિ શંકર પુણેમાં શાકભાજીની લારી ચલાવતા હતા. લગ્નનાં એક-બે વર્ષમાં જ તેમને સમજાઇ ગયું હતું કે, તેમના પતિની આવક બહુ વધારે નથી એટલે પરિવારનો નિર્વાહ સારી રીતે કરવા કઈંક ને કઈંક તો કરવું જ પડશે.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં ગોદાવરીએ કહ્યું, “કામ કરવાની ઇચ્છા તો હતી જ અને પરિવારનો સહકાર પણ હતો, જેથી હું આગળ વધી શકું. જોકે છતાં મેં ક્યારેય મારા વ્યવસાય અંગે વિચાર્યું નહોંતું. મને હંમેશાં આર્ટ અને ક્રાફ્ટ બહુ ગમતાં અને એટલે જ એકવાર દિવાળી સમયે બજારમાં પેપર લેમ્પ જોયો તો મેં ઘરે આવીને એવો જ લેમ્પ બનાવ્યો.”
ગોદાવરીની કળાને તેના પતિએ પ્રોત્સાહન આપ્યું અને તેને બનાવેલ પેપર લેમ્પ્સ બજાર સુધી પહોંચાડવાની જવાબદારી ઉપાડી લીધી. ત્યારબાદ, ગોદાવરી ઘરે જ વેસ્ટ મટિરિયલમાંથી પેપર લેમ્પ બનાવવા લાગી અને તેમાં આખો પરિવાર તેમને મદદ કરતો. તેમના પતિ અને દિયરે બજારમાં દુકાનદારો સાથે વાત કરી અને તેઓ ગોદાવરીએ બનાવેલ લેમ્પ સપ્લાય કરવા લાગ્યા.
શરૂઆતમાં ગોદાવરી ઘરેથી જ કામ કરતી. ઓર્ડર્સ વધવા લાગ્યા એટલે તેમણે આજુબાજુની મહિલાઓને પણ મદદ માટે આગળ આવવા આવ્યું.

ગોદાવરીએ કહ્યું, “ચાર-પાંચ પડોશી મહિલાઓને મેં પહેલાં કામ શીખવાડ્યું અને પછી અમે ઘરે જ પ્રોડક્ટ્સ બનાવવા લાગ્યા. બધાંને અમારા બનાવેલ પેપરલેમ્પ બહુ ગમતા, કારણકે મારી પાસે ડિઝાઇનની કોઇ અછત નહોંતી. નાના, મિડિયમ કે મોટા, અમારી પાસે બધી જ સાઇઝના લેમ્પ મળી રહેતા.”
પેપરલેમ્પ બનાવ્યા બાદ તેમાંથી જે પણ કાગળ કે સામાન બચતો, તેમાંથી પણ ગોદાવરીએ સજાવટનો સામાન બનાવવાનો શરૂ કર્યો.
થોડાં વર્ષ બાદ, જ્યારે તેમનો વ્યવસાય વધવા લાગ્યો ત્યારે તેને અને તેના પતિને લાગવા લાગ્યું કે, અલગ જગ્યા હોવી જોઇએ. તેમનું ઘર બહુ મોટું નહોંતું, એટલે કારીગરો રાખવામાં પણ નાનું પડતું. એટલે તેમણે બહાર બીજી જગ્યા રાખી મોટા પાયે વ્યવસાય કરવાનું વિચાર્યું.

વધુમાં તેમણે કહ્યું, “પરંતુ બેન્કે અમને લોન ન આપી. મેં અને મારા પતિએ ઘણીવાર પ્રયત્ન કર્યો, પરંતુ અમને લોન ન મળી. એટલે કેટલાક સંબંધીઓ પાસેથી ઉધાર પૈસા લઈ વ્યવસાય શરૂ કર્યો. પછી ભારતીય યુવા શક્તિ ટ્રસ્ટે 40 હજાર રૂપિયા આપ્યા. તેમને વ્યવસાય ચલાવવાની થોડી બેઝિક ટ્રેનિંગ પણ આપી.”
વર્ષ 2009 માં ગોદાવરીએ ઔપચારિક રૂપે ‘ગોદાવરી આકાશકંદીલ’ નામની કંપની શરૂ કરી. પહેલાં તેમની પ્રોડક્ટ્સ માત્ર મહારાષ્ટ્રમાં જ સપ્લાય થતી હતી પરંતુ ધીરે-ધીરે બીજા રાજ્યોમાં પણ તેમનું માર્કેટ વિકસવા લાગ્યું. માત્ર ચાર વર્ષમાં તેમની કંપનીએ અલગ ઓળખ મેળવી લીધી.
વર્ષ 2013 માં તેમનું વાર્ષિક ટર્નઓવર 30 લાખ રૂપિયા હતું. એ જ વર્ષે તેમને યૂથ બિઝનેસ ઈન્ટરનેશનલ અવોર્ડ્સએ ‘બેસ્ટ વીમેન એન્ટરપ્રેન્યોર’ થી સન્માનિત કર્યાં. આ અવોર્ડ લેવા તેમને લંડન બોલાવવામાં આવ્યાં હતાં.
“અમે લંડન ગયા ત્યારે બહુ જ સારું લાગ્યું હતું. ક્યારેય વિચાર્યું નહોંતુ કે, આ રીતે જવાની તક મળશે. પરંતુ ત્યારબાદ વધારે આગળ વધવાનો જુસ્સો વધ્યો.”
અત્યારે ગોદાવરી સાથે 80 કરતાં વધારે મહિલાઓ કામ કરે છે. ગોદાવરી જણાવે છે કે, તેઓ જાતે જ બધી મહિલાઓને ટ્રેનિંગ આપે છે. તેમના ત્યાં બધાં હળીમળીને કામ કરે છે. આજે તેઓ 20 કરતાં પણ વધારે ડિઝાઇનનાં ઝૂંમર વેચે છે. તેમણે પોતાના ત્યાં કામ કરતી મહિલાઓને માટે બીજી પણ ઘણી સુવિધાઓ આપી છે. ગોદાવરી તેમને જરૂરિયાતના સમયે મદદ પણ કરે છે.
ગોદાવરીએ કહ્યું, “હું પોતે એક માં છું એટલે સમજી શકું છું કે, મહિલાઓના માથે કેટલી જવાબદારીઓ હોય છે. મારા પરિવારે જો મને સહકાર ન આપ્યો હોત તો, ઘરના કામની સાથે-સાથે આ બધુ મારા માટે બહુ મુશ્કેલ બની જાત. એટલે હું આ બધા જ કામદારોની સમસ્યાઓ સમજું છું. અમારા ત્યાં સમયનું કોઇ બંધન નથી. બધાં તેમનાં બાળકોને શાળાએ મોકલી કામ માટે આવે છે. વચ્ચે જો કોઇને બાળકને લેવા જવાનું થાય તો પણ કોઇ સમસ્યા નહીં.”

તેમના ત્યાં કામ કરતી દરેક મહિલા મહિનાના લગભગ 8 હજાર કમાઇ લે છે. આ કમાણીથી તેઓ પતિ કે પરિવાર માટે આર્થિક રીતે મદદરૂપ થઈ શકે છે. આમ આ રીતે ગોદાવરીની કંપની અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે છે. એટલે જ તેમને પુણેની સ્કૂલ, કૉલેજ અને અન્ય સંસ્થાઓમાં પણ બાળકોને સંબોધિત કરવા બોલાવવામાં આવે છે.
જોકે, અહીં સુધીની સફર જરાપણ સરળ નહોંતી. ગોદાવરી જણાવે છે કે, તેમની પાસે કળાની કોઇ અછત નહોંતી, પરંતુ માર્કેટમાં ઓળખ ઊભી કરવી સરળ નહોંતી. આગળ વધવા તેમને બધાંથી અલગ કઈંક કરવાનું હતું. ઝૂંમરની ડિઝાઇન, તેનું મટિરિયલ વગેરે કેવું ખરીદવું, ક્યાંથી ખરીદવું જેથી લોકોને ગમે, તેવી ઘણી સમસ્યાઓ આવે છે.
પરંતુ ગોદાવરીએ ક્યારેય હાર ન માની. તેમનું માનવું છે કે, જો તેણે હાર માની લીધી હોત તો, હજી ઘરે બેસીને એમજ વિચારતી હોત કે, કેવી રીતે પરિવારનું નિર્વહન કરવું. કારણકે આજના જમાનામાં 8 લોકોના પરિવારનું પાલન-પોષણ કરવું સરળ નથી.
જ્યાંથી તેમને કઈંક શીખવાની તક મળતી, તે શીખતાં અને મહેનત અને લગનથી કામ કરતાં. કારણ કે તેમણે નક્કી કરી લીધું હતું કે, બિઝનેસને સફળ બનાવીને જ રહેશે. આજે ગોદાવરી એક સેલ્ફ-હેલ્પ ગૃપની હેડ પણ છે અને તેમની સાથે જોડાયેલ મહિલાઓને નાનો-મોટો કોઇ વ્યવસાય કરવા પ્રેરણા પણ આપે છે.
છેલ્લે ગોદાવરી માત્ર એટલું જ કહે છે, “દરેક મહિલાએ ચોક્કસથી કામ કરવું જોઇએ. જો તમે ઘરે બેસી રહેશો તો, પરિસ્થિતિ ક્યારેય નહીં બદલાય. એટલે તમારી આવડતને ઓળખો. અને હું પુરૂષોને પણ એમજ કહું છું કે, પોતાની પત્નીને કઈંક કરવા પ્રેરિત કરો. તેને જાતે કમાવા કહો, જેથી આત્મનિર્ભર બની શકે.”
ગોદાવરી સાતપુતેનો સંપર્ક કરવા કે તેમની પ્રોડક્ટ્સ ખરીદવા તેમને 09657617444 પર કૉલ કરો.
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: છત્તીસગઢ: કુંભારે બનાવ્યો 24 કલાક સતત ચાલતો જાદુઇ દિવો, આખા દેશમાંથી આવ્યા ઓર્ડર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.