આજના દોડભાગવાળા જીવનમાં ભોજન બનાવવું સામાન્ય રીતે બહુ મુશ્કેલ કામ બની ગયું છે. આજ કારણે આજે “રેડી-ટૂ-ઈટ” અથવા “રાંધ્યા વગરનું ભોજન” નું ચલણ વધી ગયું છે. આને જોતાં, તેલંગાનાના કરીમનગર જિલ્લામાં એક ખેડૂતે “મેઝિક રાઈસ” ઉગાડવાના શરૂ કરી દીધા છે, જેને ખાતાં પહેલાં માત્ર ગરમ કે ઠંડા પાણીમાં પલાળવાની જ જરૂર હોય છે.
આ ચમત્કારી ચોખાની ખેતી કરતા ખેડૂત શ્રીકાંત ગરમપલ્લી (38) એ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “હું ખેડૂત પરિવારમાંથી આવું છું, ધરતી જ મારી પહેલી માતા છે.”
શ્રીકાંત છેલ્લાં 30 વર્ષથી ખેતી કરે છે. આ બાબતે તેમણે કહ્યું, “મેજિક રાઈસ સિવાય મારી પાસે 120 પ્રકારના ભાતનો સંગ્રહ છે, જેમાં નવારા, મપ્પીલે સાંબા અને કુસ્કા જેવાં નામનો સમાવેશ થાય છે.”
સાથે-સાથે, તેઓ અન્ય 60 પ્રકારની જૈવિક શાકભાજીની પણ ખેતી કરે છે. ખેતી માટે તેમણે 12 એકર જમીન ભાડે લીધી છે.

કેવી રીતે શરૂ થઈ સફર
વાસ્તવમાં બે વર્ષ પહેલાંની આ વાત છે. શ્રીકાંત ઓડિશામાં એક મંદિરમાં દર્શન માટે ગયા હતા. ત્યાં પ્રસાદની લાઈનમાં તેમની મુલાકાત એક સજ્જન સાથે થઈ. વાત-વાતમાં તેમને ખબર પડી કે શ્રીકાંત એક ખેડૂત છે.
જ્યારે શ્રીકાંતે તેમના અનાજ કલેક્શન વિશે જણાવ્યું, તેમણે મેઝિક રાઈસ વિશે માહિતી આપી. ત્યારબાદ શ્રીકાંતને પહેલીવાર આ ચોખા વિશે ખબર પડી.
જોકે, શ્રીકાંતને આ નવા મિત્રનો મોબાઈલ નંબર લેવાનું ધ્યાનમાં ન આવ્યું. પરંતુ બહુ મહેનતે તેમણે મેઝિક રાઈસની બધી જ માહિતી ભેગી કરી કે, આની ખેતી કોણ કરે છે અને તેને કેવી રીતે રાંધવામાં આવે છે.
ત્યાર બાદ, તરત જ તેઓ અસમ ગયા, જ્યાં આ અનાજની ખેતી થાય છે. આ માટે જ તેઓ ગુવાહાટી યૂનિવર્સિટી પણ ગયા જ્યાં તેમણે આ અનાજની સારી જાત વિશે બધી જ માહિતી ભેગી કરી.
યૂનિવર્સિટીના પદાધિકારીઓએ બોકા સોલ કે મડ રાઈસ (કીચડમાં ઉગતું અનાજ) ને ઉગાડવામાં શ્રીકાંતની મદદ કરી.
સાથે-સાથે, તેમને એમ પણ જણાવ્યું કે, આ ભાતને બનાવવા માટે ઈંધણની કોઈ જરૂર નથી પડતી. તે ખૂબજ પૌષ્ટિક હોય છે અને તેમાં 10.73 ટકા ફાઈબર 6.8 ટકા પ્રોટીન હોય છે.
આ અનાજને ભારત સરકારે ‘જીઆઈ ટેગિંગ’ આપ્યું છે. યૂનિવર્સિટીના અધિકારીઓએ શ્રીકાંતને સલાહ આપી કે, જો તેઓ તેની ખેતી વિશે વધુ જાણવા ઈચ્છતા હોય તો, તેમણે નલબાડી, દરંગ અને ધુબરી જેવા આદિવાસી વિસ્તારોમાં ફરવું જોઈએ.

આગળ શું થયું
ત્યારબાદ, શ્રીકાંત માહિતી ભેગવા આદિવાસી વિસ્તારમાં ગયા.
તેઓ કહે છે, “આ એક ખોટી ધારણા છે કે, આદિવાસી વિસ્તાર, બહારના લોકોને પોતાની પાસે આવવા નથી દેતા. જો તમારો આશય સારો હોય તો તેઓ તમારી મદદ કરશે. જ્યારે આદિવાસીઓને ખબર પડી કે, બોકા સોલ અનાજની ખેતી કરી, હું તેનું પ્રસરણ કરવા ઈચ્છું છું, તેઓ ખુશી-ખુશી મદદ માટે તૈયાર થઈ ગયા.”
મેઝિક રાઈસ વિશે વધુ જાણવા માટે, શ્રીકાંત એક અઠવાડિયા કરતાં વધુ સમય માટે આદિવાસીઓ સાથે રહ્યા. ત્યાં તેમને તેની ખેતી વિશે શીખવાડવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું કે, કેવી રીતે તેને નિયમિત અનાજની ખેતીની જેમજ ઉગાડવામાં આવે છે.
ત્યાંથી પાછા ફરતી વખતે આદિવાસી ખેડૂતોએ શ્રંકાંતને ભેટમાં 100 ગ્રામ ચોખા આપ્યા.
ત્યારબાદ, જૂન 2020 માં, શ્રીકાંતે પત્ની અને માતા-પિતાની મદદથી એક નાનકડા ખેતરમાં આ અનાજની ખેતી શરૂ કરી, જેનાથી લગભગ 15 કિલો ઉત્પાદન મળ્યું.
તેઓ કહે છે, “આ અનાજ લગભગ 145 દિવસમાં તૈયાર થઈ જાય છે. મેં મારી ઉપજનો થોડો હિસ્સો મારી પાસે રાખી બાકીનો ગુવાહાટી યૂનિવર્સિટી અને પિતાના સંબંધીઓમાં વહેંચી દીધો.”
શ્રીકાંતના જણાવ્યા અનુસાર, આ ચોખાની ખાસિયત એ છે કે, તેને કોઈ પોતાની ઈચ્છાનુસાર ગરમ કે ઠંડા, બંને પાણીમાં બનાવી શકાય છે. તેને તૈયાર થવામાં લગભગ 30 મિનિટ લાગે છે.
શ્રીકાંતે પોતાની ઉપજમાંથી લગભગ 5 કિલો આગામી ખેતી માટે સાચવી રાખ્યા.
તેઓ કહે છે, “હું આ અનાજની ખેતી નાણાકિય લાભ માટે નથી કરવા ઈચ્છતો. અત્યારે મારું ધ્યાન ઉત્પાદકો વધારવાનું છે. બની શકે છે કે, ત્રણ-ચાર વર્ષ બાદ, તેને ઉત્પાદનના આધારે વેચી શકું.”
આ પણ વાંચો: જો જો ફેંકતા નહીં વપરાયેલી ચા પત્તી, બની શકે પુષ્કળ પોષકતત્વોયુક્ત ખાતર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.