Search Icon
Nav Arrow
MP Farmer
MP Farmer

લાખોની નોકરી છોડીને બન્યો ખેડૂત, હવે “ઝીરો બજેટ” ખેતી કરીને બચાવી રહ્યો છે 12 લાખ રૂપિયા

1 લાખ રૂપિયા સેલેરીની જોબ છોડવાનો જોખમી નિર્ણય લઈને હવે કરે છે પ્રાકૃતિક ખેતી, દર વર્ષે બચાવે છે 12 લાખ

ખેતીનાં વ્યવસાય તરફ આ દિવસોમાં નોકરીકર્તા લોકોનું વલણ વધ્યુ છે. ઘણા એવાં લોકો સામે આવી રહ્યા છે જેમણે પોતાની જામેલી નોકરી છોડીને ખેતીની શરૂઆત કરી છે. એવાં લોકો વ્યાવસાયિક રીતે ખેતી કરે છે, જેને કારણે તેમને નફો પણ થાય છે. આજે અમે મધ્યપ્રદેશનાં એક એવાં જ ખેડૂતની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ, જેમણે બેંકની નોકરી છોડીને પ્રાકૃતિક રીતે ખેતી કરવાની શરૂઆત કરી હતી.

મધ્યપ્રદેશનાં વિદિશામાં રહેતાં સંકલ્પ શર્મા પુણે સ્થિત ભારતી વિદ્યાપીઠમાંથી MBA કર્યા બાદ બેંકિંગ સેક્ટરમાં નોકરી કરી રહ્યા હતા. પરંતુ તેઓ પોતાની નોકરીથી ખુશ ન હતા.અને તેમણે વર્ષ 2015માં નોકરી છોડીને ખેતી શરૂ કરી દીધી.

સંકલ્પે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યુ,“લગભગ 10 વર્ષો સુધી બેંકિંગ સેક્ટરમાં નોકરી કર્યા બાદ, મને ભાન થયુકે, આ સેક્ટરમાં હું આગળ તો વધી રહ્યો છું, પરંતુ કામ એજ કરી રહ્યો છું, એટલા માટે મે વર્ષ 2015માં નોકરી છોડીને ખેતી કરવાનો નિર્ણય કર્યો, જેના પ્રત્યે મને બાળપણથી જ લગાવ હતો.”

Sankalp Sharma
સંકલ્પ શર્મા

તેઓ આગળ જણાવે છે,”તે સમયે મારી સેલેરી 1 લાખ રૂપિયા હતી, એટલા માટે નોકરી છોડવાનો મારો નિર્ણય ભારે જોખમ ભરેલો હતો. મને ભાન હતુકે, હું ખેતીમાં પહેલાં દિવસથી જ નફો કમાઈ શકીશ નહી, એટલા માટે આગલા બે વર્ષ માટે મારા ખર્ચાને ઘણા સીમિત કરી નાંખ્યા.”

સંકલ્પની પાસે 12 એકર વારસાની જમીન છે. પોતાની નોકરી છોડ્યા બાદ, તેણે આ જમીન ઉપર ટામેટાં, આદું, ડુંગળી, લસણ, મરચાં, અડદ અને મકાઈ વગેરેની ખેતી શરૂ કરી હતી.

five step model gardening
પંચસ્તરિય મોડલથી ગાર્ડનિંગ કરે છે સંકલ્પ

પરંતુ સંકલ્પે જોયુકે, લોકોમાં શુદ્ધ અને સ્વાસ્થ્યવર્ધક ખાવાને લઈને જાગૃતતાની કમી છે અને બજારમાં મળતા ફળ, શાકભાજી અને અનાજમાં રાસાયણિક ખાતરોને કારણે પોષક તત્વો ગાયબ થઈ રહ્યા છે. તેનાંથી જ તેને પ્રાકૃતિક ખેતીનો વિચાર આવ્યો.

સંકલ્પ કહે છેકે,હું ખેતી શીખવા માટે વર્ષ 2016માં પદ્મશ્રી સુભાષ પાલેકર જીને મળ્યો હતો. આ દરમ્યાન, તેમણે મને ખેતીમાં પ્રાકૃતિક ટેક્નોલોજીને અપનાવવાની સાથે-સાથે પોતાના ખર્ચાને ઘટાડવાની જાણકારી પણ આપી.”

મોટા પાયે કરે છે શરબતી ઘઉની ખેતી

સંકલ્પ, હાલમાં પોતાની 10 એકર જમીન પર શરબતી ઘઉંની ખેતી કરે છે. આ ઘઉંની દેશમાં સૌથી વધારે માંગ છે. ખાસ વાત એ છેકે, આ ઘઉંને તૈયાર કરવા માટે બસ એકવાર સિંચાઈ કરવાની જરૂર પડે છે, તો બીજા કોઈ ઘઉં માટે 3-4 વાર સિંચાઈ કરવી પડે છે.

wheat farming
સંકલ્પના ખેતરમાં ઉગેલ ઘઉંનો પાક

સંકલ્પ કહે છે,”હું શરબતી ઘઉંની ખેતી વર્ષ 2016થી કરી રહ્યો છુ. અમારી પાસે એકરદીઠ 12-14 ક્વિંટલ શરબતી ઘઉંનું ઉત્પાદન થાય છે. બજારમાં રસાયણિક રીતે ઉગાડેલાં શરબતી ઘઉંની કિંમત ક્વિન્ટલદીઠ 3000-3200 રૂપિયા છે. પરંતુ અમે પ્રાકૃતિક રીતે ઉગાડીએ છીએ. આ કારણે અમને 5000-6000ની કિંમત સરળતાથી મળી જાય છે.”

કંઈ ટેક્નોલોજી સાથે કરે છે ખેતી

સંકલ્પ જણાવે છે, “પ્રાકૃતિક ખેતીનાં ચાર સ્તંભ છે- જીવામૃત, બીજામૃત, મલ્ચિંગ અને વાપસા. હું જે જમીન ઉપર ખેતી કરું છું, ત્યાં પહેલાં કેમિકલ ખેતી થતી હતી. એવામાં માટીનાં ટેક્સચરને બદલવું જરૂરી હતુ. એટલા માટે મે પાણીની સાથે ખૂબ જીવામૃતનો ઉપયોગ કર્યો, જેથી ખેતીની ફળદ્રુપતા વધે.”

તેઓ આગળ જણાવે છેકે,”હું મારી ખેતીમાં ખાતર તરીકે , ફક્ત ગાયનાં કચરાનો ઉપયોગ કરું છું. તો કીટનાશક પણ લીમડા,જામફળ અને આંબાના પાંદડાનાં રસમાં લસણ, આદું અને માટી મેળવીને બનાવું છું.”

Papaya farming
સંકલ્પના ખેતરમાં ઉગેલાં પપૈયાં

સંકલ્પે પોતાની ખેતી કાર્યોમાં પદ્મશ્રી ચિંતાલા વેંકટ રેડ્ડીની ટેક્નોલોજીને અપનાવવાની સાથે-સાથે ખેતીની ફાઈવ લેયર ટેક્નોલોજીને પણ અપનાવી છે.

તેમણે કહ્યુ,”ચિંતલા વેંકટ રેડ્ડીનાં સીવીઆર સ્વૉયલ ટેક્નિક હેઠળ હું મારા ખેતરની 3-4 ફૂટની અંદરની માટીને કાઢું છું અને 200 લીટર પાણીમાં લગભગ 30 કીલો માટીનું સોલ્યુસન બનાવું છું. આ માટી ઘણી ચીકણી હોય છે. અને કેટલાક સ્તરે ઉપરની માટીને મિલાવ્યા બાદ, તેનો છંટકાવ પાક ઉપર કરવામાં આવે છે.

તેઓ જણાવે છેકે, “આ પ્રક્રિયાથી પાકમાં લાગેલાં કીડા અને ફંગસ ખત્મ થઈ જાય છે અને તેમને બીમારીઓથી દૂર રાખવામાં મદદ મળે છે. તો ઉપરના માટીનાં ઉપયોગને કારણે પાકને વધવામાં ઘણી મદદ મળે છે, કારણકે, તેમાં હ્યૂમસ હોય છે, જે એક ખાતરનું કામ કરે છે.”

Organic farming

સંકલ્પનો વિચાર, ખેતી કાર્યોમાં માનવીય હસ્તક્ષેપને ઘટાડવાનો છે, જેથી છોડોને જાતે વધવામાં મદદ મળે અને સાથે જ તેનો લાભ પર્યાવરણને પણ થઈ શકે, તેના માટે તેમણે વર્ષ 2016માં ખેતીની ફાઈવ લેયર ટેક્નિકને અપનાવી છે.

તેઓ જણાવે છે, “આ ટેક્નિકથી હું મારી બાકીની બે એકર જમીન ઉપર જામફળ, પપૈયુ, લીંબુ, સીતાફળ જેવા ફળોની સાથે સાથે ટામેટાં, આદું અને તેલિબિયાંની ખેતી કરું છું. તે એક બગીચા જેવું છે, જેમાં છોડોને લઘુત્તમ માનવીયહસ્તક્ષેપની સાથે વધવામાં મદદ મળે છે.”

કેટલો થાય છે લાભ

સંકપ્લ જણાવે છે, “હું મારા ખેતી કાર્યોને નર્મદા નેચરલ ફાર્મ દ્વારા કરું છું. તે હેઠળ, હું મારા ઉત્પાદકોને ત્રણ રીતે વેચું છું. જથ્થાબંધ અને છૂટક. આજે મારા ગ્રાહકો દિલ્હી, મુંબઈ, પુણા, રાયપુર, બેંગ્લોર સહિત આખા દેશમાં છે.”

આ રીતે, સંકલ્પ તેના ખેતી કાર્યોથી દર વર્ષે લગભગ 12-13 લાખ રૂપિયાની બચત કરે છે. તેમનાં આ કામ માટે તેમણે 5 લોકોને નિયમિતરૂપે નોકરી પણ આપી છે.

Organic vegetables
સંકલ્પના ખેતરમાં ઊગેલ સીતાફળ

શું છે ભવિષ્યની યોજના?

સંકલ્પ જણાવે છે,”મારો ઈરાદો નાના ખેડૂતોને એકત્ર કરીને એક એવું મંચ તૈયાર કરવાનું છે, જેનાંથી તેમને એક સારું બજાર મળે અને તેમાં કોઈ વચેટિયા ન હોય. તેનાંથી ખેડૂતોને વધુ લાભ મળવાની સાથે જ, ગ્રાહકોનો ખર્ચ પણ ઓછો થશે. આ રીતે સમાજની એક માન્યતા પણ તૂટશે કે, પ્રાકૃતિક ઉત્પાદન મોંઘા હોય છે.”

સંકલ્પે પોતાની એક યુટ્યૂબ ચેનલ પણ લોન્ચ કરી છે, જે હેઠળ તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે જાગૃત કરવાનો છે.

તેઓ જણાવે છે, “મે મારી યુટ્યૂબ ચેનલ ફેબ્રુઆરી, 2020માં શરૂ કરી હતી, તેના દ્વારા હું લોકોને પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી આપું છું. થોડા મહિનામાં મારા 25 હજારથી વધુ સબ્સક્રાઈબર થઈ ગયા છે. હું લોકોની આ પ્રતિક્રિયાથી ઘણો ઉત્સાહિત છું.”

સરકારને અપીલ

સંકલ્પ સરકારને અપીલ કરે છે, “ભારતમાં પ્રાકૃતિક ખેતીને લઈને અપાર સંભાવનાઓ છે. પરંતુ, લોકોમાં તેને લઈને જાગૃતતા નથી. એટલા માટે સરકારે પહેલ કરવી પડશે. અને જીલ્લા સ્તર પર ખેડૂતોની સમક્ષ એવા સફળ મોડલ રજૂ કરવા પડશે, જેનાંથી તેમને પ્રાકૃતિક ખેતીમાં વિશ્વાસ થાય.”

જો તમને આ સ્ટોરીથી પ્રેરણા મળી છે અને તમે પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તારથી જાણવા માંગો છો તો બેંકરમાંથી ખેડૂત બનેલાં સંકલ્પ શર્માને ફેસબુક પર સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ

આ પણ વાંચો: મધ ઉછેરને મુખ્ય વ્યવસાય બનાવનાર ઉત્તર ગુજરાતના આ ખેડૂત બન્યા પ્રેરણા, 100 ખેડૂતો કરે છે તેમની સાથે કામ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon