ગત થોડા વર્ષોમાં આપણે પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે, જેના દુષ્પ્રભાવ રોકવા માટે આપણામાંના ઘણાં લોકો હવે યોગ્ય પગલાઓ લઈ રહ્યાં છે. સ્વચ્છ હવા, પાણી માટે આપણા સ્તરે કંઈકનું કંઈક જરૂર કરીએ છીએ. એવી જ એક કહાની બેંગાલુરૂના સ્ટાર્ટઅપની છે, જે પ્લાસ્ટિકની સ્ટ્રોની જગ્યાએ નાળિયરના પાંદડામાંથી ઈકો ફ્રેન્ડલી સ્ટ્રો બનાવી રહ્યાં છે.
Evlogia Eco Care, બેંગાલુરુની એક સ્ટાર્ટઅપ કંપની છે. તેની વર્ષ 2018માં શરૂઆત થઈ હતી. આ સંસ્થા નાળિયરીના સૂકા પાંદડાઓમાંથી ‘Kokos Leafy Straws’ નામથી પર્યાવરણને અનુકૂળ સ્ટ્રો બનાવે છે.
નાળિયેરના મોટા મોટા પાંદડાઓના વચ્ચેના ભાગને મોટા ભાગનો સાવરણી-સાવરણા બનાવવામાં ઉપયોગ કરાય છે. ત્યારબાદ નાળિયરના આ પાંદડાઓને ખેતરમાં કચરાના રૂપમાં ફેંકી દેવામાં આવે છે. પરંતુ આ પાંદડાઓનો ઉપયોગ હવે સ્ટ્રો બનાવવમાં કરવામાં આવે છે.

કેવી રીતે બને છે સ્ટ્રો
નાળિયેરીના સુકા પાંદડાઓને તમિલનાડુની અલગ-અલગ જગ્યાઓ જેવી પલાની, ડિંડીગુલ, મુદુરાઈ અને ઓટાચથિરમમાંથી ખરીદવામાં આવે છે. NGO સમર્થિત સ્વયંત સહાયતા સમૂહો દ્વારા સંચાલિત ખેતરોમાં મહિલાઓને આ કામ માટે રોજગારી આપવામાં આવે છે. દરેક ખેતરમાં અલગ અલગ સંખ્યામાં મહિલાઓ કામ કરે છે. તેઓ આ પાંદડાઓ એકઠા કરે છે, પછી તેને પાણીથી સાફ કરે છે અને થોડા દિવસ સુધી તેને તડકામાં સુકવે છે. સ્ટાર્ટઅપના સંસ્થાપક મણિગંદન કુમારાપ્પન કહે છે, આ પાંદડાઓને સુકવ્યા બાદ બેંગાલુરૂમાં પ્રોડક્શન યુનિટમાં મોકલવામાં આવે છે. અહી પ્રેશર હીટિંગ પ્રોસેસથી પાંદડાઓને સારી રીતે સાફ કરવામાં આવે છે. આ પાંદડાઓને 120 ડિગ્રી સેલ્સિયસ વરાળમાં ધોવામાં આવે છે. જેનાથી આ પાંદડાઓ નરમ પડી જાય છે અને સરળતાથી સ્ટ્રો માટે રોલ બની શકે છે.
પ્રોડક્શન યુનિટમાં હાલ મણિગંદને કનકપુરાની 15 સ્થાનિક મહિલાઓને રોજગાર આપ્યો છે. જે પાંદડાઓને રોલ કરીને સ્ટ્રો બનાવે છે. તેઓ આગળ કહે છે કે, ત્રણ ઈન હાઉસ કર્મચારીઓની મદદથી અમે એક રોલિંગ મશીન બનાવ્યું છે. આ એક સિલાઈ મશીન જેવું છે. જે પાંદડાઓને સ્ટ્રોમાં રોલ કરવામાં મદદ કરે છે. આ મશીનને પગથી સરળતા પૂર્વક ચલાવી શકાય છે.
અંતમાં એક કટિંગ મશીનમાંથી સ્ટ્રોને 8.25 ઈંચના આકારમાં કાપવામાં આવે છે. પરંતુ જો કોઈ ગ્રાહક જથ્થાબંધ ઓર્ડર આપે તો તે સ્ટ્રોની સાઈઝને જરૂરિયાત મુજબ રાખવામાં આવે છે. સ્ટ્રોને 4 ઈંચથી લઈ 12 ઈંચ સુધીના આકારમાં બનાવી શકાય છે. આકારના આધારે તેની કિંમત રૂ.1.5થી રૂ.3 સુધી હોય છે.

સ્ટ્રો બનાવવા પાછળની પ્રેરણા
સ્ટાર્ટઅપના સંસ્થાપક મણિગંદન અનેક મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરી ચૂક્યા છે. વર્ષ 2016માં તેમણે કોર્પોરેટ સેક્ટર છોડીને બિઝનેસમેન બનવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન તેમણે ટેનકો નામની એક કંપની શરૂ કરી. આ કંપની નાળિયારને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચતી હતી.
ટેનકો કંપનીના પોતાના અનુભવ અંગે મણિગંદન કહે છે કે, નાળિયરને એક પ્લાસ્ટિક સ્ટ્રો સાથે ગ્રાહક સુધી પહોંચડવામાં આવતું હતું. પરંતુ અમુક ગ્રાહકોએ અમને પોતાનો ફીડબેક આપતા અનુરોધ કર્યો કે, એક કાયમી વિકલ્પ શોધવો જોઈએ. જેનાથી અમને એ વિચારવા મજબૂર કર્યા કે, અમે શું કરી શકીએ છીએ અને ટૂંક સમયમાં જ અમે નાળિયેરના પાંદડાઓના ઉપયોગ અંગે વિચાર્યું.
ચિકમંગલુરમાં વર્લ્ડ ઓફ કોફી કાફેના માલિક નકુલ મૈસુર જયરામ સપ્ટેમ્બર 2019થી સ્ટ્રોનો ઉપયોગ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે આ સ્ટ્રો તે પેપર સ્ટ્રો કરતા ઘણી સારી છે. જેનો ઉપયોગ પહેલા ઠંડા પીણા સાથે કરતા હતા.
નકુલ કહે છે કે, નાળિયેરના પાંદડાઓમાંથી બનેલી સ્ટ્રો મજબૂત હોય છે અને પેપર સ્ટ્રોની જેમ ચીકણી નથી પડતી. પહેલા ગ્રાહકો પેપર સ્ટ્રોની ફરિયાદ કરતા હતા અને વારંવાર બદલવા અથવા તો પ્લાસ્ટિકની સ્ટ્રો આપવા માટે અનુરોધ કરતા હતા. પરંતુ નાળિયેરીના પાંદડાની સ્ટ્રોને ગ્રાહકો ખૂબ પસંદ કરે છે અને અમને કોઈ ફરિયાદ પણ મળતી નથી.

સ્ટાર્ટ અપ અંગે
મણિગંદને વર્ષ 2018માં કંપનીની સ્થાપના પત્ની રાધા મણિગંદન સાથે મળીને કરી હતી. આ દંપતિએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા સમર્થિત સીડ ઈન્વેસ્ટમેન્ટથી તેની સ્થાપના કરી હતી. જાન્યુઆરી 2019માં માત્ર એક કર્મચારી સાથે સ્ટ્રોનું ઉત્પાદન શરૂ થયું. આજે આ કંપનીમાં 15 કર્મચારી કામ કરે છે. પહેલા કંપની પ્રતિદિન 100 સ્ટ્રો બનાવતી હતી. પરંતુ હવે દરરોજ 10,000 સ્ટ્રો બનાવવામાં આવી રહી છે.
મણિગંદન આગળ કહે છે કે, અમારી પાસે માત્ર એક રોલિંગ મશીન હતું, જેનાથી માત્ર સ્ટ્રોની સાઈઝ બનાવી શકાતી હતી. પરંતુ તેનાથી અમે વધુ માત્રામાં સ્ટ્રો બનાવી શકતા નહોતા, કારણ કે કુકિંગ ગ્રેડ પ્રેશર કુક્કરનો ઉપયોગ કરીને પ્રેશર હીટિંગ સ્ટરલાઈઝેશન કરવું પડતું હતું. આ એક સમયમાં માત્ર અમુક પાંદડાઓ જ પકડી શકે છે, આ પ્રક્રિયામાં 50-60 મિનિટ લાગે છે. ત્રણ મહીના પહેલા અમે પ્રેશર-હીટિંગ મશીન લગાવી, જેને ત્રણ એન્જિનિયરોની મદદથી ઘરમાં જ બનાવ્યું હતું. જો કે હવે ઈન્ટર્નમાંથી ફુલ ટાઈમ કર્મચારી બની ગયા છે, તેમજ આ મશીનને પાંદડાઓને સ્ટરીલાઈઝ કરવામાં એટલો જ સમય લાગે છે. પરંતુ તેમાં મોટી સંખ્યામાં પાંદડાઓ ભરી શકાય છે અને એક દિવસમાં 10,000 સ્ટ્રોનું ઉત્પાદન કરી શકાય છે.
વર્તમાનમાં નાળિયેરના પાંદડાઓમાંથી બનેલી સ્ટ્રોનું કેનેડા, UAE, જર્મની, USA અને બેંગાલુરૂમાંથી અનેક રેસ્ટોરાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. સ્ટ્રો સિવાય સ્ટાર્ટઅપે અરેકાના પાંદડાઓમાંથી એર ટાઈટ ફૂડ કન્ટેનર બનાવવાનું પણ કામ શરૂ કર્યું છે.
જો તમે આ સ્ટ્રો ખરીદવા માગતા હોય તો Evlogia Eco Careની વેબસાઈટ પર ઓર્ડર આપી શકો છો.
મૂળ લેખ: રોશિની મુથુકુમાર
આ પણ વાંચો: મુંબઈ: ટેરેસ ગાર્ડનિંગથી કરી હતી શરૂઆત, આજે 16 વર્ષની નોકરી છોડીને ખેતીમાં કરે છે લાખોની કમાણી