2019 માં થયેલ એક સ્ટડી અનુસાર, ભારત દુનિયામાં સૌથી વધારે ઝડપે વિકસતા દેશોમાંનો એક છે. જોકે, સ્ટડી એમ પણ કહે છે કે, દેશના છ કરોડ કરતાં વધારે લોકો પાસે રહેવા માટે યોગ્ય ઘર નથી, અથવા તો ઘર જ નથી. આપણા દેશમાં ઘણા લોકો અસ્થાયી ઘરો, જેમ કે, ઝૂંપડીઓમાં રહે છે, તો કેટલાક લોકો નકામાં પડેલ શિપિંગ કંટેનરોમાં રહેવા માટે પણ મજબૂર છે, જે ગરમીના દિવસોમાં રહેવાલાયક નથી રહેતાં. આ કારણે, આ લોકોને પોતાનું ઘર વારંવાર બદલવું પડે છે. આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા તેલંગાનાના બોમ્મકલ ગામની પીરાલા માનસા રેડ્ડી (23) એ એક નવુ જ ઈનોવેશન કર્યું છે. તેમણે હાંગકાંગના OPod ઘરોમાંથી પ્રેરણા લઈને, એક સસ્તુ ‘OPod Tube House’ બનાવ્યું. હાંગકાંગની ‘James Law Cybertecture’ નામની કંપનીએ સૌથી પહેલાં આ નાના OPod ઘર બનાવવાની શરૂઆત કરી હતી.
માનસાએ લવલી પ્રોફેશન યૂનિવર્સિટી (LPU), પંજાબથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે. તે કહે છે, “આ પાઈપોને તેલંગાનાના એક મેન્યુફેક્ચરરે મંગાવ્યું હતું, જે પાઈપને આપણી જરૂરિયાત પ્રમાણે નાની-મોટી બધી જ સાઈઝમાં આપવા તૈયાર હતા. સાથે-સાથે તેનાથી ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે 1 BHK, 2 BHK અને 3 BHK ઘર પણ બનાવી શકાય છે.” તે કહે છે કે, આવાં ઘરોને બનાવવામાં માત્ર 15-20 દિવસનો જ સમય લાગે છે.
દેશભરમાં આવાં ઘણાં ઓછા ખર્ચનાં ઘર બનાવવાની આશાએ માનસાએ ‘Samnavi Constructions’ નામના સ્ટાર્ટઅપની શરૂઆત કરી છે. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં, માનસા જણાવે છે કે, તે એવા નાના અને ઓછા ખર્ચમાં તૈયાર થતાં ઘર કેમ બનાવે છે અને તેણે આ ઘરને કેવી રીતે બનાવ્યું.

સમજી અસ્થાયી ઘરોની મુશ્કેલીને
બોમ્મકલના નાનકડા ગામમાં જન્મેલી અને અહીં જ મોટી થયેલ માનસાએ પોતાનું શાળાનું ભણતર ‘તેલંગાના સોશિયલ વેલફેર રેસિડેન્શિયલ એન્યુકેશન સોસાયટી’ માં પૂરું કર્યું છે. હાઈસ્કૂલ પાસ કર્યા બાદ, તે LPU માં સિવિલ એન્જિનિયરિંગ ભણવા જતી રહી.
માનસાએ જણાવ્યું કે તેલંગાનાના સ્લમ વિસ્તારોમાં સ્વયંસેવિકા તરીકે કામ કરતી વખતે જ તેને સિવિલ એન્જિનિયરિંગનું ભણવાનો વિચાર આવ્યો. તે જનાવે છે, “મેં અહીં જોયું કે, ઘણા પરિવાર હતા, જેમાં બાળકો પણ હતાં, જેઓ સ્ટીલની સ્ટીટ અને પ્લાસ્ટિકની તાડપત્રીમાંથી બનેલ ઘરોમાં રહેતા હતા. ત્યાં કેટલાક લોકો શિપિંગ કંટેનરોમાં તો કેટલાક વાંસમાંથી બનાવેલ ઘરોમાં રહેતા હતા. અહીં રહેતા મોટભાગના પરિવારો મજૂરીકામ કરતા હતા. અહીં રહેતા મોટાભાગના લોકો પ્રવાસી મજૂર હતા, એટલે તેઓ એક ઘરમાં એક વર્ષ કરતાં વધારે સમય રહેતા નહોંતા.”
તે કહે છે કે, ગરમીના સમયમાં વધતું તાપમાન અને ચોમાસામાં પાણીના કારણે તેમને ઘર ખાલી કરવું પડતું હતું. જોકે તે કૉલેજના પહેલા વર્ષથી જ આ મુશ્કેલીઓ જોઈ રહી હતી અને ભણતી વખતે તેનું સમાધાન કરવાની કોઈ તક ન મળી. પછી ગયા વર્ષે માર્ચ 2020 માં જ્યારે તે ઘરેથી એન્જિનિયરિંગના છેલ્લા વર્ષ માટે ભણી રહી હતી, ત્યારે તેને આ વિચાર પર કામ કરવાનો અને પ્લાનિંગ કરવાનો બહુ સમય મળ્યો.
માનસા કહે છે, “મેં ઘાણીવાર જોયું કે, બેઘર લોકો, રસ્તાના કિનારે નકામી પડેલ સીવેજ પાઈપમાં રહેવા લાગે છે. મને ત્યારે જ એ વિચાર આવ્યો કે જો હું આ સિવેજ પાઈપોમાં થોડો બદલાવ કરી થોડુ મોટું અને એક એક પરિવારની જરૂરિયાતો અનુસાર, બેઝિક સુવિધાઓયુક્ત ઘર બનાવું તો, તેમને એક સ્થાયી ઘર મળી જશે.”
જેના અંતર્ગત તે પૉડ-સ્ટાઈલ એટલે કે ગોળાકારમાં નાનાં ઘર બનાવવાનો વિચાર તેને જાપાન અને હાંગકાંગમાં ઓછી કિંમતનાં ઘરો અંગે મહિનાઓ સુધી રિસર્ચ કર્યા બાદ આવ્યો. આ સિવાય તેણે ઓનલાઈન ઘણાં રિસર્ચ પેપર પણ વાંચ્યાં, જેનાથી તેને ઓછી જગ્યામાં, ઓછા ભાવમાં ઘર બનાવવાની રીતો અંગે જાણવામાં બહુ મદદ મળી.

પ્રોટોટાઈપ ડિઝાઈન
2020 ના અંતમાં, જ્યારે લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવી હતી, ત્યારે માનસાએ તેલંગાનાના સિદ્દીપેટના એક સીવેજ પાઈપ મેન્યુફેક્ચરર સાથે સંપર્ક કર્યો. તેણે ત્યાંથી એક લાંબી સીવેજ પાઈપ મંગાવી. માનસા કહે છે, “આ પ્રોજેક્ટને પૂરો કરવામાં એક કંપનીએ મારી બહુ મદદ કરી. હું એ કંપનીનું નામ જણાવવા નથી ઇચ્છતી, પરંતુ તેમણે મને બે પાઈપ જોડીને એક મોટી પાઈપ બનાવી આપી. તેનાથી મારા બનાવેલ પૉડ-સ્ટાઈલના ઘરમાં ઘણી સારી જગ્યા બની ગઈ.” વધુમાં તે જણાવે છે કે, તેમણે એ પાઈપની ઉંચાઈ પર પણ ધ્યાન રાખ્યું હતું, જેથી કોઈ પણ વ્યક્તિને અંદર ઊભા રહેવા માટે પણ પૂરતી જગ્યા મળી રહે. તેમણે ઘરમાં ગરમી ઓછી લાગે તે માટે ઉપર સફેદ રંગ કર્યો.
માનસાએ આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે પોતાની મા પાસેથી 5 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. આ પૈસામાંથી તેણે પાઈપ, ઘર માટે દરવાજા, બારીની ફ્રેમ, બાથરૂમ અને વિજળી ફિટિંગ અને બાકીનો મહત્વનો સામાન ખરીધ્યો હતો.
માનસા કહે છે, “જ્યારે હું ત્રીજા ધોરણમાં હતી ત્યારે જ મારા પિતાનું અવસાન થઈ ગયું હતું, ત્યારથી મારી માં જ મારી અને મારી નાની બહેનની જવાબદારી ઉપાડી રહી છે. મારા પિતાના અવસાન બાદથી ઘર ખર્ચ માટે મારી માએ ખેતી કરવાની શરૂઆત કરી હતી અને તે આજે પણ કરે છે. તેમણે મારા પ્રોજેક્ટમાં મને ખૂબજ મદદ કરી અને આના માટે તેમણે લોન પણ લીધી.”
માનસાએ 2 માર્ચ, 2021 થી ઘર બનાવવાનું શરૂ કર્યું હતું, આ માટે તેણે પોતાના એક સંબંધી પાસેથી મળેલ જમીનનો ઉપયોગ કર્યો હતો. તેણે 28 માર્ચ સુધી એક નાનકડું 1 BHK ઘર બનાવીને તૈયાર કરી દીધું.
તેમણે જણાવ્યું, “આ ઘર 16 ફૂટ લાંબાં અને 7 ફૂટ ઊંચાં છે, તેમાં એક નાનકડો લિવિંગ રૂમ, એક બાથરૂમ અને એક કિચન તેમજ સિંક સાથે એક બેડરૂમ પણ છે, જેમાં એક ક્વીન સાઇઝ બેડ સહેલાઈથી સમાઇ શકે છે.”

મળ્યા 200 ઓર્ડર્સ
આ ઘરમાં રહી શકાય છે કે નહીં, એ જાણવા માટે તેમણે એક પ્રવાસી મજૂરમાં આમાં 7 દિવસ રહેવા માટે બનાવી લીધો. તે માનસાની કંસ્ટ્રક્શન ટીમમાં જ કામ કરતો હતો.
તે જણાવે છે, “અમે તેમને વિજળી, પાણી જેવી પ્રાથામિક જરૂરિયાતોની સાથે ભોજન પણ આપ્યું. આ ઘરામાં તે આરામથી સાત દિવસ સુધી રહ્યા અને થોડા ફીડબેક પણ આપ્યા. જેમ કે – તેમાં બાથરૂમ ક્યાં હોવુંજોઈએ, ઘરમાં વેન્ટિલેશન માટે વધારે બારીઓ હોવાની સાથે બીજી પણ કેટલીક બાબતો જણાવવામાં આવી, જે ને હું આગામી પ્રોજેક્ટ વખતે ધ્યાનમાં રાખીશ.”
માનસાએ OPod ઘરના લોન્ચિંગ સમયે જ, પોતાની કંપની ‘Samnavi Constructions’ ને પણ લૉન્ચ કર્યું. આ કંપનીને તતેમણે LPU ના જ બિઝનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થી, નવીન રેડ્ડી સાથે મળીને શરૂ કર્યું. માનસા, અત્યારે 2, 3 અને 4 BHK Opod ઘારની ડિઝાઇન પર પણ કામ કરી રહી છે.
તેમને અત્યાર સુધી કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિત ઘણાં અન્ય રાજ્યોમાંથી પણ OPod ઘર બનાવવા માટે 200 કરતાં વધારે ઓર્ડર મળી ચૂક્યા છે. પરંતુ લૉકડાઉન અને કોરોનાના પ્રતિબંધોના કારણે તેમણે અત્યાર સુધી આ પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું શરૂ નથી કર્યું.
જો તમે માનસાનો સંપર્ક કરવા ઈચ્છતા હોવ તો, Samnavi Constructions ની વેબસાઈટ પર જઈ શકો છો.
આ પણ વાંચો: રાજકોટના 10 પાસ યુવાને બનાવ્યું અનોખું મેન્યુઅલ મશીન, કલાકોમાં બનતી વેફર્સ બને છે મિનિટોમાં!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.