માર્ચ 2020 માં કોવિડ-19 ના વધતા કેસને જોઈને આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. લોકડાઉનની અચાનક જાહેરાત થતા કેટલાક લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો જેથી કેટલાય લોકોની જીંદગી થંભી ગઈ હતી અને વ્યાપાર પર તેની અસર થઈ હતી. આમાં મહારાષ્ટ્રના અહમદનગરના ખેડૂતોની સ્થિતિ કંઈ અલગ નહોતી. જે ખેડૂતો મુંબઈ, પુણે અને અન્ય પડોસી શહેરોમાં શાકભાજી અને ફળોનું વેચાણ કરતા હતા, તેમની પાસે અચાનક શાકભાજીનો સ્ટોક વધી ગયો. પોતાની ઉપજ વેચવા માટે, કોઈ બજાર પણ નહોતું, છતાં કેટલાક ખેડૂતોને મળીને કેવી રીતે શરુ કરી ‘Farmer Producer Company’ ચાલો જાણીએ.
આજે અમે તમને મહારાષ્ટ્રના અહમદનગરના કેટલાક એવા ખેડૂતોની વાત જણાવીશું, જેઓએ મુશ્કેલીના આ સમયે ન માત્ર એક આઈડિયા સાથે પ્રયોગ કર્યો, પણ સાથે સંકટના આ સમયને અવસરમાં પણ બદલ્યો. આ વિસ્તારના લગભગ 12 જેટલા ખેડૂતો વૉટ્સઅપ મારફતે જોડાયા અને એક યોજના બનાવી. એપ્રિલ 2020 માં તમામ સોશિયલ મીડિયા સાથે જોડાયા જેથી પારંપારિક વચેટિયા અને ખરીદનાર પર નિર્ભર રહેવાને બદલે સીધા ગ્રાહકની સાથે સંપર્ક કરી શકાય.
લગભગ એક વર્ષ પછી 2021 માં આ ગૃપમાં લગભગ 480 ખેડૂતો જાડાયા છે અને આ ખેડૂતોએ મળીને ‘KisanKonnect’ નામની એક કંપની બનાવી છે. આ કંપની મારફતે, તેઓ પોતાનો માલ સીધા ગ્રાહકોને વેંચે છે. ગ્રાહકોની સાથે સીધા જોડાઈને શાકભાજીની એક લાખ પેટી વેંચીને અને 6.6 કરોડ રૂપિયાનું એકમ સ્થાપવાની યોજના બનાવી છે.

11 થી 480 ખેડૂતો સુધી પહોંચવાની સફર
જુન્નર ગામના એક 39 વર્ષીય ખેડૂત અને ગૃપના સંસ્થાપક મનીષ મોરે કહે છે, “આ વિસ્તારના ખેડૂતો સોશિયલ મીડિયા પર પહેલાંથી જ એકબીજાના સંપર્કમાં હતા અને સમાધાન પર વિચાર કરી રહ્યા હતા. એકવાર જ્યારે જરૂરી ચીજ-વસ્તુઓની હેરફેર ચાલુ થઈ ગઈ તો 11 ખેડૂતોએ સાથે મળીને એક ડિઝિટલ માર્કેટ બનાવવાની કોશિશ કરી”.
મનીષે એગ્રીકલ્ચર અને બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન (B.Sc.) કર્યુ છે. તેમણે બિગ બજાર અને રિલાયન્સ જેવી રિટેલ કંપનીઓ સાથે કામ કર્યું છે. તે કહે છે કે તેમને સારી રીતે ખબર છે કે કંપનીઓ ખેડૂતો પાસેથી શું ઈચ્છે છે. મનીષ જણાવે છે કે તેમને કંપનીની પોલિસી વિશે જાણકારી હતી, જે હમેશાં ખેડૂતાના પક્ષમાં નથી હોતી. મનીષે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે ખાદ્ય ઉત્પાદકો હમેશાં કોર્પોરેટ્સ દ્વારા માંગ કરવામાં આવેલી શાકભાજીની પુરી સૂચિને આપવામાં સક્ષમ હોતા નથી.
મનીષે 2008 માં નોકરી છોડી ખેતી શરૂ કરી દીધી હતી. તે કહે છે, “મે કંપનીઓ સાથે કામ કરવાની કોશિશ કરી પણ સફળ ન થયો.” બજારની સમજને કારણે તે આ બન્ને સ્તર પર રહેલા અંતરને સારી રીતે સમજી શકતા હતા. છૂટક વેપારી પર નિર્ભર રહેવાને બદલે તેઓએ ખેડૂતોને પોતાનો માલ સીધા ગ્રાહકને વેચાણ કરવાની સલાહ આપી.
મનીષ કહે છે, “એપ્રિલમાં અમે અમારા નેટવર્કના માધ્યમથી મુંબઈ અને પુણેની કેટલીક સોસાયટીમાં માલ વેચવાનો શરૂ કર્યો. ધીરે-ધીરે અમારા વિશે અન્ય લોકોને ખબર પડવા મડી. અમે 100 જેટલી સોસાયટીનો સંપર્ક કર્યો, જ્યાં અમે દલાલ વગર સીધા ગ્રાહકોને દર હપ્તે શાકભાજીની પેટી (વેજિટેબલ બાસ્કેટ) સપ્લાઈ કરીએ છીએ”.

પૅકિંગમાં વેરાયટી
આના વિશે વિસ્તારથી વાત કરતા, મનીષ કહે છે કે 4 કિલોથી લઈને 12 કિલો સુધીની પેટીઓની સપ્લાઈ કરવામાં આવે છે. તે આગળ કહે છે, “અલગ-અલગ આકારની પેટીમાં અમે તેટલી માત્રમાં જ કેટલીક શાકભાજી આપી રહ્યા હતા. આના પછી અમે ‘વેજિટેબલ બાસ્કેટ’ સિવાય ‘ફ્રુટ બાસ્કેટ’ અને ‘ઈમ્યુનિટિ બાસ્કેટ’ ની સપ્લાઈ શરૂ કરી. ‘ઈમ્યુનિટિ બાસ્કેટ’ માં એવી કેટલીય જાતની શાકભાજી હતી, જે શરીરની ઈમ્યુન સિસ્ટમને સારી બનાવવામાં મદદ કરે છે.” મનીષ વધુમાં જણાવે છે, “અમે ગ્રાહકોની માંગ અનુસાર પેટી તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે”.
24 કલાકની અંદર તાજી શાકભાજીની ડિલિવરી
અહમદનગર જિલ્લાના રાહતા ગામના એક એમબીએ ખેડૂત, શ્રીકાંત ઢોક્ચાવળેનું કહેવું છે કે ‘ડાયરેક્ટ સેલિંગ કોન્સ્પ્ટ’ એટલે કે સીધા ગ્રાહકને વેચાણ કરવાના અભિગમે વચેટિયાઓને હટાવી દિધા છે. તે કહે છે, “અમે એક નવું ડિલિવરી મૉડલ બનાવ્યું છે, જેના હેઠળ અમે ફળો અને શાકભાજીને સુરક્ષિત રીતે પૅકિગ કરી તેમને હાઈજેનિક પેટીમાં ગ્રાહકોના ઘર સુધી 24 ક્લાકની અંદર પહોચાડી રહ્યા છીએ.”
વિલે પાર્લેની ગ્રાહક ઈશા ચૌગુલે કહે છે, “મને લોકડાઉનના શરૂઆતના મહીનામાં શાકભાજીની ખરીદી કરવામાં ભારે પરેશાની થઈ રહી હતી. ત્યારે મારા એક મિત્રે આ કંપની વિશે વાત કરી અને તેમની પાસેથી શાકભાજી ખરીદવાની સલાહ આપી. છેલ્લા છ મહિનાથી હું તેમની કાયમી ગ્રાહક બની ગઈ છું.”

ઈશા કહે છે વેબસાઇટ પર કરવામાં આવતા ઑર્ડર નિર્ધારિત સમયની અંદર ડિલિવર કરવામાં આવે છે અને હાઈજેનિક રીતે પેક કરવામાં આવે છે. તે કહે છે ”મારા સાસુની ઉંમર 77 વર્ષ છે. એટલે મારે પરિવાર અને સુરક્ષા તથા સ્વાસ્થ્યની બાબતમાં વિશેષ ધ્યાન આપવુ પડે છે. આ કંપનીએ મને કોઈ દિવસ નિરાશ નથી કરી. સ્થાનિક બજારમાં ઉપલ્બધ શાકભાજીની તુલનામાં આ કંપનીની શાકભાજી વધુ તાજી અને સ્વસ્થ હોય છે.”
પહેલા મહિને જ ખેડૂતોને સારો પ્રતિસાદ મળ્યો, તેઓએ 40 લાખ રૂપિયાનો કારોબાર કર્યો. આ સફળતાને જોઈને કેટલાઈ ખેડૂતો આ ગૃપમાં જોડાઈ ગયા.
વૉટ્સઅપથી લઈને પોતાની વેબાસઈટ બનાવવાની સફર
શ્રીકાંત કહે છે, “પહેલા છ મહિના અમે વૉટ્સઅપ ગૃપના માધ્યમની સંચાલન કર્યુ. ત્યાર બાદ વૉટ્સઅપ પર એકસાથે વધુ ગ્રાહકોના ઑર્ડર લેવાનું અમારા માટે મુશ્કેલ થઈ ગયું, પછી અમે આઈટી સેક્ટરના મિત્રોનો સંપર્ક કર્યો અને વેબસાઇટ તૈયાર કરી જેથી ત્યાંથી ગ્રાહક સરળતાથી ઑર્ડર લઈ શકે”.
શ્રીકાંત જણાવે છે કે કોઈ પણ વચેટીયા વગર ખેડૂતો દ્વારા જાતે બનાવવામાં આવેલ ‘ફાર્મ-ટુ-ડોરસ્ટેપ્સ’ સપ્લાઈ ચેનને એક અલગ ઓળખ આપી છે. તે કહે છે, “આ કામથી અમારી આવકમાં પણ વધારો થયો છે કેમ કે હવે નિર્માતા અને ખરીદનાર વચ્ચે સીધો જ વેપાર થાય છે.”
વર્તમાનમાં કંપની ગ્રાહકોનો ઑર્ડર મોબાઇલ એપ્પ, વેબસાઇટ અને કસ્ટમર કેર સેન્ટર મારફતે જે સ્વીકારે છે. કસ્ટમર કેર સેન્ટરમાં અંગ્રેજી બોલનાર સ્ટાફ છે જે અગાઉ મેટ્રો શહેરમાં રહેલ કૉલ સેન્ટરમાં કામ કરતા હતા. કંપનીએ સ્થાનિક વિક્રતાઓ પાસેથી માલની હેરભેર માટે કેટલાક વાહનો પણ ભાડે રાખ્યાં છે.
શ્રીકાંતનું કહેવું છે કે આ પહેલ એ વાતનું એક સારું ઉદાહરણ છે કે સંકટના સમયે ખેડૂતો એક સાથે મળીને પોતાના માટે કામ કરે તો સમસ્યાનું સમાધાન ચોક્કસ મળી શકે છે.
સંપાદન: નિશા જનસારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.