મૂળ ગુજરાતી જસવંતીબેન જમનાદાસ પોપટના એક વિચારથી માત્ર 80 રૂપિયાના રોકાણથી શરૂ થયેલ ગૃહઉદ્યોગનું ટર્નઓવર આજે 1600 કરોડે પહોંચ્યું છે. માત્ર સાત બહેનો દ્વારા શરૂ કરવામાં આવેલ આ ગૃહઉદ્યોગ આજે 45000 મહિલાઓને રોજગારી આપે છે. જેને જોતાં ભારત સરકારે જસવંતીબેનને વેપાર અને ઉદ્યોગ શ્રેણીમાં 2021 નો ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરી તેમનું બહુમાન કર્યું છે. દિલ્હીમાં યોજાયેલ આ અત્યંત ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે સન્માન લેવા 91 વર્ષિય જસવંતીબેન પોપટ વ્હીલચેરમાં પહોંચ્યાં હતાં.
90ના દશકમાં લિજ્જત પાપડની આ જિંગલ (ગીત) સૌથી ચર્ચિત જાહેરાતમાંથી એક હતી. તે સમયે દેશ આર્થિક ઉદારીકરણમાંથી પસાર થઈ રહ્યો હતો અને ટેલિવિઝન સેટ ભારતીય પરિવારોમાં પોતાની જગ્યા બનાવી રહ્યાં હતાં. જેની મદદથી લોકોના ઘરે પહોંચી રહ્યો હતો લિજ્જત પાપડનો સ્વાદ. જન્મદિવસની પાર્ટીઓમાં, જ્યાં માતા-પિતા પોતાના બાળકોને બોલિવૂડ ગીત પર ડાન્સ કરવા માટે કહેતા હતા, ત્યાં આપણે ખૂબ જ ગર્વથી આ જિંગલ સંભળાવતા હતા અને ખૂબ જ વાહવાહી પણ લૂંટતા હતાં. મને આજે પણ યાદ છે આ જિંગલ…
એક બાજુ દેશી જિંગલે દર્શકોના મનમાં પોતાની જગ્યા બનાવી, તો બીજી બાજુ લિજ્જત પાપડે લાખો લોકોનું દિલ જીતી લીધું હતું. ગુજરાતમાં એવું માનવામાં આવે છે કે, લિજ્જત પાપડ વગર કોઈપણ ભોજન અધુરું જ છે, જે અડદ, લાલ મરચા, લસણ, મગ, પંજાબી મસાલા, કાળા મરી અને જીરા જેવી ચટાકેદાર વસ્તુઓથી બને છે.
આ બધું શરુ કેવી રીતે થયું?
આ બ્રાંડની સ્થાપના 7 ગુજરાતી મહિલાઓએ માત્ર 80 રુપિયાની લોન લઈને કરી હતી. ફેમિનાના એક રિપોર્ટ અનુસાર આજે તેમનો બિઝનેસ 1600 કરોડ રુપિયા સુધી પહોંચ્યો છે.
વાત વર્ષ 1959ની છે. બોમ્બે (હવે, મુંબઈ)માં ઉનાળામાં એક અગાશી પર સાત ગુજરાતી મહિલાઓ પોતાના ઘરની આર્થિક સમસ્યાને દૂર કરવા માટે આજીવિકાના કોઈ સાધન પર વિચાર કરી રહી હતી. તેઓ વધારે તો ભણેલી નહોતી તેમજ તેમને કંપની ચલાવવાનો પણ કોઈ જ અનુભવ નહોતો. આ કારણે તેમણે એક સ્થિર આવક થાય તે માટેની આશાથી પાપડ વેચવાનું શરુ કર્યું હતું. જે તેમની પાસે કળા હતી. તેમણે પાપડ બનાવવાનું શરુ કર્યું અને ચાર પેકેટ સાથે ઘરની બહાર નીકળા.
જે પછી જસવંતીબહેન પોપટ, જયબેન વિઠલાણી, પાર્વતીબહેન થોડાણી, ઉજમબેન કુંડલિયા, ભાનુબહેન તન્ના, લગુબહેન ગોકાણીએ સ્થાનીક બજારમાં પોતાના પાપડ વેચ્યા હતાં. આ વિશે વાત કરતા જસવંતી બહેને BBCને એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે,’અમે દરેક વધારે ભણેલા નહોતા. જેના કારણે અમારી પાસે નોકરી માટે વધારે તક નહોતી. જોકે, અમને અનુભવ થયો કે, અમે પોતાના પાપડ બનાવવાની કળાનો ઉપયોગ કરીને પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકીએ છીએ.’

જે પછી પુરુષોત્તમ દત્તાણીએ આ દરેક મહિલાઓને પાપડ વેચવામાં મદદ કરી હતી. તેઓ પાપડ લઈને એક દુકાનેથી બીજી દુકાને જતા હતાં અને અંતમાં ગિરગાંવ ચોપાટીમાં આનંદજી પ્રેમજી એન્ડ કંપની નામના એક સ્થાનિક સ્ટોરમાં વેચતા હતાં.
આનંદજીએ અનુભવહીન મહિલાઓ પર શા માટે ભરોસો કર્યો? તેમના દિકરા, હિંમતભાઈએ ધ બેટર ઈન્ડિયાને આ વિશે વાત કરતા જણાવ્યું કે,’મારા પિતાને આ મહિલાઓની પહેલ ખૂબ જ વાસ્તવિક અને મહેનતુ લાગી હતી. દત્તાણીજીએ એક આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની માંગણી કરી અને મારા પિતા ખૂબ જ પ્રભાવિત થયા હતાં. દત્તાણીજીએ પોતે જ અમારી દુકાનમાં આખો દિવસ પસાર કર્યો હતો અને થોડા જ કલાકોમાં સમગ્ર પાપડ વેચી નાખ્યા હતાં. અમારા સંબંધોની શરુઆત સહભાગી થવા સાથે થઈ, અને આજે, અમે રોજ 25 કિલો લિજ્જત પાપડ ખરીદીએ છીએ.’
જસવંતીબહેને નેશનલ જિયોગ્રાફિકને જણાવ્યું હતું કે,’તેમણે પહેલા એક કિલો પાપડ વેચ્યા અને 50 રુપિયાની કમાણી કરી હતી. પછીના દિવસે બે કિલોના વધારે રુપિયા મળ્યા. અમારા વિસ્તારની મહિલાઓએ આમાં લાભ થતાં જોયો અને પછી અમે એક ટીમ બનાવવાની શરુઆત કરી.’
પછીના 3-4 મહિનાઓમાં, આ સહકારી સંસ્થા સાથે 200 મહિલાઓ જોડાઈ અને જે હેઠળ વડાલામાં બીજી બ્રાન્ચ પણ ખોલવામાં આવી. આ મહિલાઓએ વર્ષ 1959માં 6,000 રુપિયાથી વધુની કમાણી કરી. જે એક મોટી રકમ હતી. બજારમાં પોતાના ઉત્પાદનની માગ વધતા આ સાતે મહિલાઓએ છગનલાલ કરમસી પારેખ પાસેથી ઉધાર લીધું. જે ‘છગન બાપ્પા’ના નામથી ઓળખાતા હતાં અને એક પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા હતાં. જેમણે 1950ના દશકમાં આસામ અને કચ્છમાં ભૂકંપ સહિત અનેક રાહત કાર્યોમાં કામ કર્યુ હતું. મહિલાઓની આ ટીમે માર્કેટિંગ અને પ્રચાર પર કોઈ જ ખર્ચ ન કરતા પોતાની સમગ્ર ઉર્જાને પોતાના ઉત્પાદનની ગુણવત્તાને વધારે ઉત્તમ કરવા પર લગાવી.
જેવી, આ કંપની સાથે વધારે મહિલાઓએ જોડાવાની ઈચ્છા દર્શાવી કે, સંસ્થાપકોને એ વાત સમજાય કે હવે ઓફિશ્યલિ માન્યતા પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે અને વર્ષ 1966માં તેમણે સોસાયટી રજિસ્ટ્રેશન નિયમ 1860 અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ્સ એક્ટ, 1950 હેઠળ એક સોસાયટી તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું, આ જ વર્ષે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે તેને ‘ગ્રામ ઉદ્યોગ’ તરીકે નામ આપ્યું. આ સ્થાપકો માટે એક મહત્વનો વળાંક હતો.
આશરે 62 વર્ષો પછી, સાત મહિલાઓ સાથે શરુ થયેલો આ ઉદ્યોગ હવે ભારતની સૌથી જૂની મહિલા સહકારી સમિતિના રુપમાં ફેરવાયો છે. જે આશરે 45000 મહિલાઓને રોજગાર આપે છે.
વર્ષ 1968માં, લિજ્જતે મહારાષ્ટ્રની બહાર, ગુજરાતના વાલોદમાં પણ પોતાની બ્રાન્ચ સ્થાપિત કરી. વેબસાઈટ અનુસાર, હાલમાં ભારતમાં 82 બ્રાન્ચ છે. જેના ઉત્પાદન 15 દેશમાં નિકાસ કરે છે. પાપડ ઉપરાંત આ સંસ્થા પાસે એવા પણ ઉત્પાદનો છે. જેમ કે, મસાલા, ઘઉંનો લોટ, રોટલી, ડિટર્જન્ટ પાઉડર, કપડા ધોવાનો સાબુ વગેરે…
શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડના અધ્યક્ષ સ્વાતિ પરાડકર ઈન્ટર-એક્શનને જણાવે છે, ‘અમારો સિદ્ધાંત કોઈપણ સમજૂતી વગર પાપડના નિર્માણ માટે ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીઓનો ઉપયોગ કરવો છે અને છેલ્લા 60 વર્ષોથી અમારી સફળતા પાછળનું રહસ્ય છે. આ સિદ્ધાંત ભરતી પ્રક્રિયામાં પણ લાગુ કરવામાં આવે છે. મહિલાઓ માટે ગુણવત્તા દિશાનિર્દેશોનું દ્રઢતાથી પાલન કરવા ઉપરાંત કોઈ જ શરત નથી.’
સ્વાદ અને ગુણવત્તાનું રહસ્ય

હવામાનની સ્થિતિ, સ્થળ, પાણીની ગુણવત્તા વગેરેના કારણે કાચા માલનો સ્વાદ દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. આ કારણે જ દરેક કાચો માલ એક જ જગ્યાએથી ખરીદવામાં આવે છે અને પછી અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવે છે. આ કારણે જ વિસ્તાર અલગ હોવાના કારણે પણ અંતિમ ઉત્પાદન અને સ્વાદ એકસરખો જ લાગે છે.
જેમ કે, અડદની દાળ મ્યાનમારથી આવે છે. જ્યારે હીંગ અફઘાનિસ્તાનથી અને કાળી મરી કેરળથી આયાત કરવામાં આવે છે. હીંગ, જે ભારતના રસોડાનું એક મુખ્ય ઘટક છે. તેને ધ્યાનથી ચાળીને પાઉડર બનાવવામાં આવે છે. તો કાળા મરીના પાઉડરને પણ એક ગળણી દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે અને એક ટેબલ ફેનની મદદથી ફરી પ્રક્રિયા કરવામાં આવે છે.
આ પ્રક્રિયા માત્ર વાશી અને નાસિકમાં જ થાય છે. હીંગ અને કાળા મરીના પાઉડરને લોટમાં મિશ્રણ કરીને અંતિમ તબક્કામાં ખારું પાણી તૈયાર કરવામાં આવે છે. જે પછી લોટ તૈયાર કરીને કર્મચારીઓને વિતરણ કરી દેવામાં આવે છે. દરેક વિસ્તારમાં પાપડનો આકાર સુનિશ્ચિત કરવા માટે દરેકને એક માપદંડ આધારિત જ વેલણ અને પાટલો આપવામાં આવે છે. ગુણવત્તાના સંદર્ભમાં શાખાના સભ્યો પોતાના કર્મચારીઓના ઘરે જઈને જ એ તપાસ કરે છે કે, ગુણવત્તાના માપદંડનો ઉપયોગ થાય છે કે નહીં. જે પછી ઉત્પાદકનું અંતિમ પરિક્ષણ અને ટેસ્ટ મુંબઈ સ્થિત લેબોરેટરીમાં કરવામાં આવે છે.
મહિલા સશક્તિકરણ
‘વર્ક ફ્રોમ હોમ’ને કાર્ય સંસ્કૃતિનું એક સ્વીકૃત રુપ બનતા પહેલા વર્ષો પહેલા જ લિજ્જત પાપડ આ દિશામાં એક પગલું આગળ વધી ચૂકી હતી. જેનું સૌથી મોટું કારણ છે કે……..
– મહિલાઓને પોતાના ઘરની બહાર પગલું રાખ્યા વગર જ આર્થિક આઝાદી આપવી. આ વિકલ્પે મહિલાઓને પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સંતુલિત કરવામાં મદદ કરી.
-જેમની પાસે ઘરમાં પૂરતી જગ્યા નહોતી, તેમને પોતાની બ્રાન્ચમાં પાપડની ગુણવત્તા અને પેકેજિંગની તપાસ કરવાનું કહેવામાં આવ્યું.
સંસ્થામાં ‘બહેન’ કહીને સંબોધન થાય છે એવી આ મહિલાઓ સવારે 4.30 કલાકથી જ પોતાનું કામ શરુ કરી દે છે. એક ગ્રુપ દ્વારા બ્રાંચમાં લોટ ગૂંદવામાં આવે છે અને બીજા ગ્રુપ દ્વારા તેને એકઠા કરીને પાપડ વણવામાં આવે છે. આ દરમિયાન આવવા-જવા માટે પણ એક મિનિ બસની મદદ લેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન અને દેખરેખ મુંબઈની એક 21 સભ્યોની કેન્દ્રિય પ્રબંધ સમિતિ કરે છે.
આમ તો, મશીન સંચાલિત પ્રણાલીકાઓના માધ્યમથી ઉત્પાદન ક્ષમતાને અનેક ગણી વધારી શકાય હોત પરંતુ આટલા વર્ષો પછી પણ આ સંસ્થા મહિલાઓ માટે એક સ્થિર આજીવિકા સુનિશ્ચિત કરવા માટે પોતાના મૂળ મંત્રને વળગી રહી છે.
આ વિષયમાં પ્રખ્યાત વૈજ્ઞાનિક રઘુનાથ માશેલકરનું કહેવું છે કે,’માત્ર સ્વરોજગાર, આત્મનિર્ભરતા, આત્મ-સશક્તિકરણ અને આત્મગરિમા જ નહીં, શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડે જે આંદોલનની શરુઆત કરી તે ભારતીય મહિલાઓની વાસ્તવિક શક્તિનું પ્રતિબિંબ છે. જેની સાથે જોડાયેલી મહિલાઓ ભલે ભણેલી નહોતી પરંતુ હવે તેઓ શિક્ષાનો મતલબ જાણે છે. ખાસ તો પોતાના બાળકો માટે. આ જ ખરેખરનો વિકાસ છે.’
સંસ્થાના દરેક સભ્ય એકબીજાને પોતાના પરિવારનો જ ભાગ માને છે. ઉદાહરણ તરીકે દરેક મહિલાને પોતાનું કાર્ય ક્ષેત્ર પસંદ કરવાની આઝાદી છે. કોઈપણ કર્મચારી ચૂંટણીની લોકતાંત્રિક પ્રક્રિયાના માધ્યમથી પ્રબંધ સમિતિનો ભાગ બની શકે છે. આ સાથે જ તેમને દેવું, બાળકો માટે શિષ્યવૃત્તિ અને દરેક બ્રાંચમાં પાયાના શિક્ષણ કાર્યક્રમનો પણ લાભ મળે છે.
કર્મચારીઓની કોશિશને કંપની દ્વારા સન્માનવામાં આવે છે. જેમ કે વર્ષ 2002માં રાજકોટના કર્મચારીઓને 4,000 રુપિયાનું પ્રોત્સાહન બોનસ મળ્યું. આ દરમિયાન મુંબઈ અને થાણેમાં 5 ગ્રામના સોનાના સિક્કા આપવામાં આવ્યા ગયા હતાં.
સફળતાની ગાથાઓ
શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ પર આધારિત એક એમ્પાવર્મેન્ટ કેસ સ્ટડી અનુસાર, ‘લિજ્જત ગૃહ ગતિવિધિઓના માધ્યમથી આર્થિક તક આપે છે. એકવાર તેની સાથે જોડાયા પછી મહિલાઓનો આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠા બન્ને વધે છે. કારણકે તેઓ સન્માનજનક રીતે રુપિયા કમાય છે. મહેનતુ, જવાબદારી અને અનુભવી મહિલાઓ સીડી ચડતી જ રહે છે. આ મહિલાઓમાં નેતૃત્વ ક્ષમતાનો વિકાસ કરવા માટે એક ઉત્તમ સંસ્થા છે.’

જો તમે લિજ્જત પાપડની જાહેરાતો પર ધ્યાન આપશો તો તમને જાણવા મળશે કે તેમાં કોઈ જ મોટી સેલેબ્રિટી નથી. જે તમને પાપડ ખરીદવાનો આગ્રહ કરી રહી છે. આ એક ખૂબ જ સાધારણ જાહેરાત છે, જે તમને દર્શાવે છે કે એક પાપડ દિવસના કોઈપણ સમયે ભોજનમાં તમારો ભાગ બની શકે છે.
આ જ રીતે, કંપનીએ પોતાને બ્રાન્ડિંગ, સોશિયલ મીડિયા પર હાજરી અને અન્ય સમારોહથી પણ પોતાને દૂર રાખી છે. તેમનું સમગ્ર ધ્યાન માત્ર પોતાના ગ્રાહકો અને કર્મચારીઓને ખુશ રાખવા પર જ છે.
વિશ્વાસની ભાવના
શું તમે વિચાર્યું છે કે, અનેક પ્રતિસ્પર્ધિ હોવા છતાં પણ લિજ્જત પાપડ પોતાના ક્ષેત્રમાં કેમ એકાધિકાર ભોગવે છે.? આ પાછળનું કારણ છે – એક વિશ્વાસની ભાવના. જે આપણને યાદ અપાવડાવે છે કે, ભલે વિકાસ માટે પરિવર્તન જરુરી છે પરંતુ કેટલીક વસ્તુઓ પ્રત્યે આપણે હંમેશા આભાર માનવો જોઈએ. લિજ્જત પાપડ એક એવું ખાદ્ય પદાર્થ છે. જે ક્યારેય નિરાશ નથી કરતું.
આ જ કડીમાં મુંબઈની રહેવાસી નિર્મલા નાયર કહે છે કે,’લિજ્જત પાપડ મારો પસંદગીનો નાસ્તો છે કારણકે વ્યસ્ત હોવાના કારણે મને ભોજન બનાવવાનો સમય હંમેશા નથી મળતો. તો હું સલાડ બનાવું છું અને તેને પાપડ પર રાખું છું. આ સ્વાદિષ્ટ અને ઉત્તમ નાસ્તાને તૈયાર કરવામાં મને માત્ર 5 જ મિનિટ લાગે છે.’
અંતમાં, પોતાના ગ્રાહકો ઉપરાંત, લિજ્જત પાપડે એક અભિમાની સ્વદેશી કંપની તરીકે પોતાની ચિરંજીવી છાપ છોડી છે. જેણે હજારો લોકોને સશક્ત બનાવ્યા છે. આ પાપડ કોઈને કોઈ રીતે તો આપણા દરેકના જીવનનો ભાગ રહ્યો જ છે.
મૂળ લેખઃ GOPI KARELIA (https://www.thebetterindia.com/232694/make-in-india-manufacturing-favourite-brands-90s-lijjat-papad-women-empowerment-history-inspiring-gop94/)
આ પણ વાંચો: Tea Stall Business: NRI ચાવાળા પાસેથી જાણો કેવી રીતે ચાનો સ્ટૉલ શરૂ કરશો