જિંદગીની જડમથલો સામે બાથ ભીડવાની થાય ત્યારે દરેક લોકોના મનમાં એક જ યક્ષ પ્રશ્ન હોય છે કે બાથ તો ભીડી લઈએ પણ તેને પહોંચી કંઈ રીતે વળવું? કંઈ રીતે મુસીબતમાંથી માર્ગ કરીને આગળ નીકળી જવું? આવા સંજોગોમાં ઘણાં લોકો હિમ્મત હારી જાય છે અને તેના કારણે પોતાનામાં રહેલી ક્ષમતાને જોઈ શકતા નથી. આ શબ્દો છે ભુજમાં પોતાની કલાના જોરે જિંદગી જીતનાર કિશોરભાઈ રાઠોડના.
કિશોરભાઈ રાઠોડનો જન્મ ખુબ જ સામાન્ય પરિવારમાં થયો હતો. તેમના પિતા ભૂજ શહેરમાં રસોઈયા તરીકે કામ કરી પોતાના આખા પરિવારનું ગુજરાન ચલાવતા. નાનપણથી જ કિશોરભાઈને ખબર પડી ગઈ હતી કે જિંદગીમાં આગળ વધવા માટે તેમને ખુબ જ સંઘર્ષ કરવો પડશે. પોતાના પિતાની નજીવી આવકના કારણે ઘર પર પોતે બોજ ના બને તે માટે નાનપણથી જ જે તે મજૂરી કરી ખર્ચો કાઢતા. ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા તેઓ કહે છે કે,”મને ભણવામાં બિલકુલ ગતાગમ ન પડતી અને તે કારણે જ ધોરણ દસમા હું નાપાસ થયો. નાપાસ થયા પછી તરત જ પરિવાર પર મારુ કોઈ ભારણ ન રહે તે હેતુથી નજીવા પગારે કામમાં જોતરાયો.

આ પણ વાંચો: મશરૂ કાપડ અને તેનો ઇતિહાસ, જાણો કેવી રીતે આ કળા સાચવી રાખી છે પાટણના ખત્રી સમુદાયે
આગળ કિશોરભાઈ જણાવે છે કે તેમણે છૂટક મજૂરીનું કામ કરતા કરતા જ લખાણની કલા સારી હોવાથી બોર્ડ પર જે તે જાહેરાત માટેની પેઇન્ટિંગ કઈ રીતે કરવી તે શીખવાનું શરૂ કર્યું. તે શીખ્યા પછી તેમની પાસે પોતાનું અલગથી કામ કરવા માટે કલર લાવવાના પણ પૈસા નહોતા તેથી તેમણે એક રેડિમેડ કપડાની દુકાનમાં એક મહિનો નોકરી કરી પૈસા ભેગા કર્યા અને તે જ પૈસાથી કલર લાવી પોતાની કામગીરી શરૂ કરી. આ કામ તેમણે સતત 1992 થી લઈને 2004 સુધી કર્યું. પરંતુ આ ક્ષેત્રમાં કામકાજ માટેના મશીનો આવી જતાં લખાણના આ કામને પણ તિલાંજલિ આપવી પડી.

આ પણ વાંચો: ગુજરાતનો યુવાન 20 વર્ષ સુધી લુપ્ત રહેલ પ્રાચીન કળાને આજે પ્રચલિત કરે છે દેશ-વિદેશમાં
કિશોરભાઇ કહે છે કે,”બોર્ડ અને જાહેરાત પેઈન્ટીંગના કામે મારા પરિવારને એક સન્માનજનક સ્થિતિમાં ઊભા થવા માટે મદદ કરી હતી પરંતુ ફરી પાછો 2004 માં હું કામ વગરનો થઈ ગયો. જે કામ દ્વારા હું દર મહિને 50 થી 80 હજાર રૂપિયા કમાતો હતો તે જ કામમાં મશીનો આવ્યા બાદ મહિને માંડ 5000 રૂપિયા કમાતો અને આખરે મારે તે કામને ત્યજવું પડ્યું.

આ પણ વાંચો: કચ્છમાં 1 જ વ્યક્તિ સાચવે છે બેલા બ્લોક કળા, રોજી ન મળતાં અન્ય લોકો બીજા ધંધે વળ્યા
તો પણ હિંમત હાર્યા વગર શરૂઆતથી પેઈન્ટીંગમાં રસ હોવાના કારણે તેમણે કેનવાસ પેઇન્ટિંગ શરૂ કર્યું અને તેની સાથે સાથે જ કચ્છની એક એવી કારીગરી જે વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે તે ‘મડ વર્ક’ એટ્લે કે માટી કામ શીખવાનું શરૂ કર્યું. આ કામમાં માટી અને બીજા વિવિધ પદાર્થો જેમકે લાકડાનું ભૂસું વગેરેના ઉપયોગ દ્વારા ચિત્ર ઉપસાવી તે ચિત્રોને રંગી એક કળાકૃતિ બનાવવામાં આવે છે. દૂરથી જોતાં તમને કોઈક ચિત્રકાર દ્વારા દોરવામાં આવેલ ચિત્ર જેવુ જ લાગશે પણ હકીકતમાં તે માટીના ઉપયોગ દ્વારા ઉપસાવવામાં આવેલી ભાત છે. આ કામ શીખ્યા પછી આજ દિવસ સુધી તેમણે પાછું વળીને નથી જોયું.

આ પણ વાંચો: કચ્છની વર્ષો જૂની કળા છે લુપ્ત થવાના આરે, આખા ગુજરાતમાં માત્ર બે કારીગરો સાચવે છે આજે
અહીં દર્શકોને જણાવી દઈએ કે મડ વર્ક એક પ્રાચીન કળા છે કચ્છની વિવિધ જન જાતિઓ પોતપોતાની સંસ્કૃતિ અને રિતિરિવાજ પ્રમાણે પ્રદર્શિત કરતી. લોકો પોતાને રહેવા માટે બનાવવામાં આવતા ભૂંગમાં આ કામને સારી એવી રીતે પ્રદર્શિત કરતાં. આજે ભુજમાં અને કચ્છમાં ઘણા લોકો આ કારીગરી જાણે છે. તેમાં પણ કિશોરભાઈનો સમાવેશ એક ઊંચા દરજ્જાના કારીગર તરીકે થાય છે.

આ પણ વાંચો: પાકિસ્તાનથી ભારત પોતાની એપિક કળા લાવ્યા, ગુજરાતમાં 22 ગામની 200 મહિલાઓને આપી રોજી
આજે કિશોરભાઇ જીંદગીની થપાટો પછી પણ ફરી પોતાની મેળે ઊભા થયા છે. અને તે પણ તેમની કલાના જોરે જ. છેલ્લે તેઓ ધ બેટર ઈન્ડિયાને એટલું જ કહે છે કે હવે આ કળા એક આજીવિકાનો સ્ત્રોત ના રહેતા એક શોખ બની ગઈ છે અને એ જ જિંદગી બની ગઈ છે.

કિશોરભાઈની કળાને તમે ઉપર આપેલ વિડીયો લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો અને સાથે સાથે જો તમે તેમનો સંપર્ક કરવા ઇચ્છો છો તો તેમને 9426453644 નંબર પર કોલ પણ કરી શકો છો.
આ પણ વાંચો: એકમાત્ર ગુજરાતમાં બચેલી આ કળા એક કારીગર 19મી સદીમાં અંદામાન જેલમાંથી શીખી લાવેલા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો