દેશના કોઇપણ શહેરમાં તમે જાઓ. કોઇ ને કોઇ ખાલી જગ્યા તો તમને ચોક્કસથી મળી જ જશે, પરંતુ મોટાભાગે લોકો આવી જગ્યાઓ પર કચરો ફેંકતા હોય છે.
કેરળના કોચીમાં રહેતા 46 વર્ષીય જૈવિક ખેડૂત એન્થની કે.એ. શહેરમાં ખાલી પડેલ જગ્યાઓ કે પછી એવી જગ્યાઓ જેનો ઉપયોગ લોકો કચરો ફેંકવા કરે છે, ત્યાં શાકભાજી ઉગાડે છે. લૉકડાઉન દરમિયાન તેમણે આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું અને અત્યાર સુધીમાં બે પાક લઈ ચૂક્યા છે.
12 મા ધોરણ સુધી ભણેલ એન્થલી છેલ્લાં 10 વર્ષથી અલગ-અલગ વિસ્તારોમાં જૈવિક ખેતી કરી રહ્યા છે અને સાથે-સાથે એક ઓર્ગેનિક સ્ટોર પણ ચલાવે છે.
તેમની આ સફર વિશે એન્થનીએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “મારો પરિવાર પેઢીઓથી ખેતીનું કામ કરી રહ્યો છે. એક સમય એવો પણ આવ્યો, જ્યારે મને ખેતી નુકસાનનું કામ લાગવા લાગ્યું અને હું અલગ-અલગ વ્યવસાયમાં હાથ અજમાવા લાગ્યો. ધીરે-ધીરે મને સમજાઇ ગયું કે, ખેતી પર જ ધ્યાન આપવું જોઇએ. સાથે-સાથે ખેતી પ્રત્યેનો લોકોનો નજરિયો પણ બદલાઇ રહ્યો છે. મને પણ ઘણા લોકો પાસેથી જૈવિક ખેતી વિશે જાણવા મળ્યું. મેં એક-બે ખેડૂતો સાથે આ અંગે વાત કરી અને સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ મને ઑર્ગેનિક ખેતી પર થતા કોર્સ અંગે જાણવા મળ્યું.”

એન્થનીએ જૈવિક ખેતી સાથે સંકળાયેલ ઘણા કોર્સ કર્યા. તેમણે કેવી દયાલ જેવા એક્સપર્ટ્સના માર્ગદર્શનમાં જેવિક ખેતીની શરૂઆત કરી. એન્થનીએ તમિલનાડુના થેનીમાં કેટલીક જગ્યા લીઝ પર લીધી અને ત્યાં જૈવિક ખેતી કરવાની શરૂ કરી. તેઓ જણાવે છે કે, શરૂઆતમાં તેમને ઘણી મુશ્કેલીઓ પડી. જે જમીનને તેમણે લીઝ પર લીધી એ વર્ષોથી વેરાન પડી હતી. એટલે ઘણ મહિનાઓની મહેનત બાદ તેમણે એ જમીનને તૈયાર કરી. આ માટે તેમણે ગાયના છાણ, ગૌમૂત્ર અને ખેત કચરાનો ઉપયોગ કર્યો.
અત્યારે તેઓ અલગ-અલગ જગ્યાએ 50 એકર જમીનમાં જૈવિક ખેતી કરે છે. તેઓ તેમાં શાકભાજી અને ફળ ઉગાડે છે અને સાથે-સાથે કેટલીક એક્ઝોટિક વેરાયટી પણ ટ્રાય કરે છે. આ અંગે એન્થનીએ કહ્યું, “હું ટામેટાં, તૂરિયાં, લેટસ, સેલેરી, શિમલા મરચાં, મરચાં, દૂધી, પેઠાં, કારેલાં, બીન્સ વગેરે ઉગાડું છું. આ સાથે-સાથે કેટલાંક સ્થાનિક ફળ પણ ઉગાડું છું. મારો ઉદ્દેશ્ય લોકોને સારું ખવડાવવાનો છે. હું માત્ર એ વિશ્વાસ પર કામ કરું છું કે, ભોજન સૌથી સારી દવા છે.”

તેમનાં ફળ અને શાકભાજી બજાર સુધી પહોંચાડવા માટે તેમણે શહેરમાં તેમનો પોતાનો સ્ટોર બનાવ્યો છે. જેનું નામ છે ‘પ્યોર ક્રોપ ઓર્ગેનિક સ્ટોર.’ આ સાથે જ તેઓ બીજા સર્ટિફાઇડ ઓર્ગેનિક સ્ટોર્સને પણ શાકભાજી સપ્લાય કરે છે અને દુબઈમાં રહેલા મલયાલી લોકો માટે પણ તેઓ એક્સપોર્ટ કરે છે.
લૉકડાઉન દરમિયાન એન્થની માટે ખેતરો સુધી પહોંચવું મુશ્કેલ થઈ ગયું. તેમનાં ખેતરો સુધી જવા માટે તેમને બીજાં શહેરોમાં જવું પડતું અને લૉકડાઉનમાં તેમના માટે આ શક્ય નહોંતુ. માર્ચ-એપ્રિલના સમય ખેતરમાંથી પાક લીધા બાદ બીજી ફસલ ઉગાડવાનો સમય હતો. પરંતુ કોવિડ19 અને લૉકડાઉનના કારણે આ શિડ્યૂલ આખુ બદલાઇ ગયું. એન્થની કહે છે કે, તેઓ નવરા બેસવા નહોંતા ઇચ્છતા. એટલે તેમણે વિચાર્યું કે, શહેરમાં ખાલી પડેલ જમીન પર જ ખેતી કેમ ન કરી શકાય!

તેમણે જણાવ્યું, “મેં મજાક-મજાકમાં આ વિચાર્યું હતું, પરંતુ તેનું આટલું સારું પરિણામ મળશે એવું જરા પણ મગજમાં નહોંતુ. મેં મારા પડોસમાં રહેતા કેટલાક લોકોને પૂછ્યું કે, જો તેમની ખાલી જગ્યા હોય તો મને આપે. બે ત્રણ અલગ-અલગ જગ્યાએ મને ખાલી પ્લોટ મળ્યા, જેમાં તેઓ કઈંક ઉગાડી શકે છે.” પરંતુ આ એટલું પણ સરળ નહોંતુ કારણકે જે જમીન તેમને મળી હતી એ ખેતીના ઉપયોગ માટે નહોંતી. આ જગ્યાઓ મોટી-મોટી ઇમારતોની વચ્ચેની ખાલી જગ્યાઓ કે પછી ડંપયાર્ડ હતી.
એપ્રિલ મહિનાથી તેમણે આ જમીન તૈયાર કરવાનું શરૂ કર્યું. એક ટુકડો માત્ર 50 સેન્ટનો હતો, બીજો એક એકરથી થોડો વધારે અને ત્રીજો માત્ર 17.5 સેન્ટનો હતો. તેમણે એક મહિના સુધી મહેનત કરી આ જમીનને ખેતી લાયક બનાવી. તેઓ જણાવે છે કે, આ કામમાં તેમની મદદ તેમના ‘5 કરોડ મજૂરો’ એ કરી. આ મજૂરો એટલે કે, કીડીઓ, સૂક્ષ્મ જીવો અને અળસિયાં, જો જમીનમાં વર્મીકંપોસ્ટ બનાવવાનું અને ખાતર નાખવાનું કામ કરે છે. ફસલનું ઉત્પાદન માટીની ગુણવત્તા પર નિર્ભર કરે છે અને તેમણે બધી જ મહેનત કરી જમીન તૈયાર કરી.

જોકે એન્થનીનો ધ્યય માત્ર કોચી સુધી મર્યાદિત નથી. તેઓ કહે છે કે, વ્યતિલ્લા અને કેલૂર જંક્શન વચ્ચે લગભગ 100 એકર વેરાન જગ્યા પડી છે. તેઓ તેને જંગલમાં ફેરવવા ઇચ્છે છે. તેમણે આ માટે ઘણા લોકોનો સંપર્ક કર્યો કે જો યોગ્ય રીતે જૈવિક શાકભાજી અને ફળ ફળાદી ઉગાડવામાં આવે તો, તેમાં આખા શહેર માટે ઉગાડી શકાય છે.
આનાથી લોકો આત્મ-નિર્ભર બનશે અને પૌષ્ટિક ભોજન પણ મળશે તેમને. જોકે પૈસા અને ઉત્પાદન પહેલાં આપણે આગામી પેઢીઓ વિશે વિચારવું જોઇએ. આપણે તેમના માટે એક સુંદર અને સ્વસ્થ દુનિયા બનાવવી જોઇએ. અને આ આપણે માત્ર ત્યારે જ બનાવી શકીએ જ્યારે આપણે આપણું ભોજન કોઇપણ જાતનાં રસાયણ વગર બનાવી શકીએ. એટલે પ્રકૃતિ અને તમારા પોતાના માટે એક યૂ-ટર્ન લો અને આજથી જ જૈવિક ખેતી અપનાવો.
જો તમે જૈવિક ખેતી અંગે વધુ જાણવા ઇચ્છતા હોય તો એન્થનીનો 9074603332 નંબર પર સંપર્ક કરી શકો છો.
મૂળ લેખ: Nisha Dagar (https://hindi.thebetterindia.com/52715/kerala-kochi-farmer-anthony-growing-vegetables-lockdown-organic-agriculture-india/)
આ પણ વાંચો: મોતી બનાવે લાખોપતિ, શિક્ષિત યુવાઓને કરે છે ખેતી કરવા અપીલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.