કોરોનાએ ઘણા પરિવારોનાં જીવનનું સમૂળ પરિવર્તન લાવી દીધું છે. આ એક મહામારીના કારણે ઘણાં લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સારી એવી જાગૃતતા કેળવી છે. આવી જ એક ઘટના અમરેલીમાં પણ બની છે. અમરેલીમાં રહેતા ચંદ્રિકાબહેન નાગરાણીએ છેલ્લા બે વર્ષથી ઘરે જ શાકભાજી ઉગાડવાનો નિર્ણય લીધો અને હવે તેઓએ આખા પરિવારને સ્વસ્થ ખોરાક ખવડાવવાનો નિયમ પણ બનાવી લીધો છે. કોરોનાકાળમાં જ્યાં એક તરફ લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળા અને વીટામીન્સ લઈ રહ્યા છે ત્યારે તેમના આખા પરિવારે તંદુરસ્તી માટે જૈવિક શાકભાજી ખાવાનો નિર્ણય કર્યો હતો. તેમની સફળતા જોઇને હવે તેમના પડોશીઓ અને સંબંધીઓ પણ તેમની પાસેથી બીજ માંગી રહ્યા છે.
આજે પોતાના ઘરની સાથે સાથે પાડોશીઓ અને સંબંધીઓને પણ ઓર્ગેનિક શાકભાજી ખવડાવે છે. સાથે જ તેમના જેવી 35 થી 40 મહિલાઓને તેમણે ઘરે જ શાકભાજી ઉગાડવા માટે પ્રેરણા પણ આપી છે.
આ પણ વાંચો: સિમેન્ટના જંગલ સમા અમદાવાદમાં મીનલબેનનું ઘર છે હરિયાળું,મહેમાનોને પણ ગિફ્ટમાં મળે છે છોડ
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં ચંદ્રિકા બહેને કહ્યું હતું કે, ઉત્તમ ભવિષ્ય માટે ઘરને લીલું બનાવવાથી વધારે સારું બીજુ શું હોઈ શકે? હું તો માત્ર 12 ચોપડી ભણી છું, પણ કિચન ગાર્ડનીંગ કરવાની પ્રેરણા મને અમરેલી કેવીકેનાં વૈજ્ઞાનિક નેહાબેન પાસેથી મળી. નેહાબેને તેમને આ માટેની સમગ્ર તાલીમ આપી હતી અને આ તાલીમના કારણે જ આજે તેઓને શાકભાજીને બહારથી ખરીદવાની જરૂર જ નથી પડી રહી. સાથે જ દર મહીને તેમને 1500 થી 2000 રૂપિયા જેટલી બચત પણ થઇ રહી છે. રોગચાળાનાં સમયમાં રસાયણયુક્ત શાકભાજી ખાવા કરતાં જૈવિક શાકભાજી ખાવાનું વધારે યોગ્ય લાગ્યુ એટલે જ ઘરે શાકભાજી ઉગાડવાનું નક્કી કર્યુ. શરૂઆતમાં 3-4 પ્રકારના શાકભાજી વાવ્યા હતા, ધીમે ધીમે કરીને હાલમાં 17 થી 20 જેટલાં છોડ ઘર પાસેની જ વાડીમાં વાવેલાં છે.

તેઓ કહે છે કે “તેમને મળેલી તાલીમ પછી ગાર્ડનિંગ કરવાનું શરૂ કરેલું. તેમાં સાથે સાથે શારીરિક શ્રમ થાય છે અને સૌને ઘરનું તાજું અને દવા વગરનું શાકભાજી પણ ખાવા માટે મળી રહે છે. ગાર્ડનિંગ કરવાની શરૂઆતમાં મને થોડી સફળતા મળી અને જૂની માટીને કારણે પહેલાં થોડી મુશ્કેલી પણ થઈ પછી ખેતરની માટી મંગાવી જેથી છોડને પોષણયુક્ત માટી મળી રહે.
આ પણ વાંચો: સૌથી સરળ છે આ 3 શાકભાજી ઉગાડવી, આજથી જ કરો શરૂઆત
કરે છે હોમ કંપોસ્ટિંગ પણ
ચંદ્રિકા બહેનને તેમના છોડમાં પોતે ખાતર કયું વાપરે છે તે પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, “હાલ તો અમને બધું જ બિયારણ અને ખાતર નેહાબેન પાસેથી મળી રહે છે પણ ઘરે કિચન વેસ્ટેજમાંથી ખાતર બનાવવા માટે મુક્યુ છે અને તે સારા ફળ પણ આપે છે. માટી ખેતરની જ વાપરું છું. માટીને ગામડેથી લાવીને 3-4 દિવસ તપાવીને વાવવાથી માટીમાં કોઈ ફૂગજન્ય રોગ હોય તો તે નાશ પામે છે ત્યાર બાદ તેનો ઉપયોગ છોડ વાવવા માટે કરું છું. ઘરે જ શાકભાજી ઉગાડવાથી એક તો શોખ પુરો થાય છે અને બીજું ઓર્ગેનિક શાકભાજી ખાવા માટે મળે છે એટલે સ્વાસ્થ્ય સારું રહેવાનો સંતોષ મળે છે. હાલ તો હું માત્ર શાકભાજી જ વાવું છું, પરંતુ ભવિષ્યમાં ઔષધિઓ, ફૂલો અને ફળો ઉગાડવાની પણ યોજના છે. દરેક છોડ માટે તેઓ જૈવિક ખાતરનો જ ઉપયોગ કરે છે. હું ઘરે જ આશરે 70% ખાતર બનાવી લઉં છું.”
ગાર્ડનિંગ માટે ખાતર, કૂંડાં અને બીજ, બધું જ જાતે જ બનાવે છે. આ સિવાય વર્ષ દરમિયાન લગભગ 15 કરતાં પણ વધુ શાકભાજી ઉગાડે છે, જેમાં ટામેટાં, મરચાં, કોબીજ, રીંગણ, દૂધી, પત્તાવાળાં શાકભાજી,ગુવાર, ગલકા, ભીંડા, સીંગો, કારેલા, ચોળી, ચીભડા અને બીજાં ઘણાં બધાંનો સમાવેશ થાય છે.
તેઓ જણાવે છે કે, કોઇપણ દેશી અને જૈવિક ઉપાયોથી ઝાડ-છોડ ઉગાડી શકાય છે. બહારથી કોઇ મોંઘી વસ્તુઓ ખરીદવાની જરૂર નથી. બસ તમારે ગાર્ડનિંગ માટે મહેનત કરવાની જરૂર છે અને તેને એક બાળકની જેમ પાળવાનું હોય છે.
આ પણ વાંચો: સપ્ટેમ્બર મહિનામાં વાવો આ બીજ અને શિયાળામાં ખાઓ ઘરે ઉગેલ તાજી ઑર્ગેનિક શાકભાજી
તેમના ઘરમાં ગાર્ડનિંગ કરવાની સાથે-સાથે ચંદ્રિકાબેન બીજાંને પણ આ શીખવાડે છે. તેમણે ખૂબજ સરળ અને સ્પષ્ટ રીતે સૌને ગાર્ડનિંગ વિશે સમજાવ્યું. નેહાબેન દ્વારા મળતી કીટ વિશે પણ માહિતી આપી. “મહિલાઓને જૈવિક ખેતી અને કિચન ગાર્ડનિંગ સાથે જોડવાનું કામ ચાલી રહ્યું છે. જો હું ત્યાં મહિલાઓને તેમનાં ઘરમાં રહેલ ઉપાયોથી કિચન ગાર્ડનિંગ કરતાં શીખવાડું તો તેમને આગળ જતા ખુબ લાભ થશે.”
તેઓ વિચારતા હતા કે શું આ તેમનાથી થશે? પરંતુ પછી તેમને લાગ્યું કે, જો તેઓ કોઇની મદદ કરી શકતાં હોય તો, ચોક્કસથી કરશે. પછી તે પહોંચી ગયાં આસપાસની મહિલાઓને ટ્રેનિંગ આપવા માટે. પહેલા દિવસથી જ ગ્રામીણ મહિલાઓ સાથે તેમનો ખુબ સારો તાલમેલ બેસી ગયો. હવે છેલ્લાં 2 વર્ષથી સતત તે મહિલાઓ સાથે જોડાયેલ છે અને લગભગ 35 થી 40 મહિલાઓને આ માટે પ્રોત્સાહિત કરીને તૈયાર પણ કરી દીધી છે.
સંપાદન: કિશન દવે
આ પણ વાંચો: દાહોદના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકે ઘરમાં બનાવ્યું મીની જંગલ, દેશી-વિદેશી ફળ-શાકભાજી, ફૂલો છે અહીં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.