જો દ્રઢ મનોબળ સાથે કોઈ કામ શરૂ કરવામાં આવે તો, કઈં પણ અશક્ય નથી. આજે અમે તમને કેરળની એક એવી મહિલા ઉદ્યમી વિશે જણાવી રહ્યા છીએ, જેમણે આજથી 10 વર્ષ પહેલાં ઘરમાં જ કેળાનો જેમ બનાવવાની શરૂઆત કરી હતી અને અત્યારે દર મહિને એક લાખની કમાણી સરળતાથી કરી લે છે.
આ પ્રેરક કહાની કેરળના ઈડુક્કી જિલ્લામાં આવેલ મુળ્ડકયમમાં રહેતાં 64 વર્ષીય શીલા ચાકોની છે. જે છેલ્લાં દસ વર્ષથી પોતાનો અથાણાં અને જેમ બનાવવાનો બિઝનેસ ચલાવે છે. આટલાં વર્ષો સુધી તેમનો આ વ્યવસાય ઑફલાઈન ચાલતો હતો, લગભગ બે મહિના પહેલાં તેમણે ઑનલાઈન બજારમાં પણ શરુઆત કરી દીધી છે.
શીલા જણાવે છે કે, લૉકડાઉનના કારણે બીજા વ્યવસાયોની જેમ તેમના વ્યવસાય પર પણ અસર પડી અને આ જ કારણે તેમને ઑનલાઈન વ્યવસાયમાં ડગ માંડ્યાં. જોકે તેમને ઑનલાઈન ગ્રાહકોથી પણ બહુ પ્રતિક્રિયાઓ મળે છે. હવે તેમનું અથાણું અને જેમ માત્ર કેરળના કેટલાક સ્ટોર્સમાં જ નહીં, પરંતુ દેશના ઘણા વિસ્તારો સુધી પહોંચી ગયાં છે.
શીલાએ તેની આખી સફર વિશે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “મને હંમેશાંથી રસોઈ બનાવવાનો અને લોકોને ખવડાવવાનો બહુ શોખ હતો. ઘણી પરંપરાગત રેસિપીઓ હું મારી માં, દાદી અને પછી સાસુ પાસેથી શીખી. જોકે મને હંમેશાંથી એમજ લાગતું કે, બેકિંગમાં હું વધારે સારું કરી શકું છું. મેં અથાણાં અને જેમ વધારે બનાવ્યા નહોંતા. કોઈ એમ કહીં પણ ન શકે કે, એક દિવસ હું અથાણાં અને જેમનો વ્યવસાય કરીશ.”

શીલા જણાવે છે કે, કેરળનાં લગભગ બધાં જ ઘરોમાં કેળાં અને નારિયેળ તો ચોક્કસથી મળી જ જાય. તેમના ઘરની ચારેય તરફ લગભગ બે એકર જમીન છે, જેમાં કેળાનાં ઘણાં ઝાડ છે. આ સિવાય તેમના પતિ પણ છેલ્લાં ઘણાં વર્ષોથી ખેતી કરે છે. જેમાં શીલાએ જોયું કે, તેમની ઘણી ઉપજ બજાર સુધી પહોંચી શકતી નથી, જેના કારણે ઘણાં ફળ-શાકભાજી બગડી પણ જાય છે. જેમાં ખાસ કરીને કેળાં. કારણકે તેને વધારે લાંબા સમય સુધી રાખી ન શકાય. શીલાએ તેમના વ્યવસાયની શરૂઆત પણ કેળાના જેમથી જ કરી.
શીલા કહે છે, “કેળાનો જેમ તમને ખાસ કરીને કેરળમાં જ મળશે. હવે તો અહીં પણ તેનું ચલણ ઘટી રહ્યું છે, કારણે લોકો તેને ઘરે નથી બનાવતા. તેને બનાવવાની રીત થોડી મુશ્કેલ છે અને તેમાં સમય પણ લાગે છે. વધુમાં તેને કેળાનાં લાકડાંની આંચ પર પકવવું પડે છે, જે શહેરોમાં શક્ય નથી.”
એટલે શીલાએ કેળાના જેમ (Banana Jam) થી શરૂઆત કરી.
પહેલી કમાણીથી વધી હિંમત

શીલાએ જણાવ્યું કે, તેમના ઘરે વાવેલ કેળની જે પણ ઉપજ મળી તેમાંથી તેમણે ઘરે જ જેમ બનાવ્યો અને કાચની નાની-નાની બોટલ્સમામ ભરી તેના પર પોતાનું ટેગ લગાવ્યું. આ બોટલોને લઈને સ્થાનિક બેકરીમાં ગયાં અને તેમને પૂછ્યું છે કે, શું તેઓ આ જેમને વેચાણ માટે રાખી શકે છે? તેઓ જણાવે છે, તે સમયે લોકો બહુ મદદરૂપ હતા. તેમણે તરત જ હા પાડી દીધી અને થોડા દિવસ બાદ તે પાછાં ત્યાં ગયાં તો તેમણે જેમના પૈસા પણ આપી દીધા, કારણકે બધી જ બોટલ્સ વેચાઈ ગઈ હતી. આ કમાણી તો વધારે નહોંતી, પરંતુ તેનાથી આગળ વધવાની હિંમત ચોક્કસથી મળી.
ત્યારબાદ તેમણે પાછા વળીને નથી જોયું. પોતાના રસોડામાં જ કામ શરૂ કરી દીધું અને આજે શીલા દર મહિને લગભગ 500 કિલો જેમ બનાવે છે.
સિમિત નથી માત્ર કેળા સુધી
કેળાન જેમ બાદ તેમણે પપૈયાનો જેમ બનાવવાનો પણ શરૂ કર્યો. જોકે આમાં તેના કરતાં પણ વધારે મહેનતની જરૂર હતી. એટલે તેને બહુ લાંબા સમય સુધી ચાલુ રાખી ન શકી. આજે તેઓ કેળાની સાથે-સાથે જામફળનો જેમ પણ બનાવે છે. જેમની સાથે-સાથે તેમણે અથાણાના બિઝનેસમાં પણ પોતાનો હાથ અજમાવ્યો. તેમના દ્વારા બનાવેલ અથાણામાં કેરી, રીંગણ, લસણ, લીંબુ, આંબળાં વગેરેનો સમાવેશ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું, “થોડા સમય સુધી મેં એકલીએ કામ કર્યું અને મારા પતિએ મારી મદદ કરી. પરંતુ બે-ત્રણ સ્ટોર બાદ અમારી પ્રોડક્ટ્સ ઘણા મોટા સ્ટોર્સમાં જવા લાગી અને કામ વધવા લાગ્યું એટલે કેટલીક મહિલાઓને કામ પર રાખી. આ ઉપરાંત રસોડું પણ નાનું પડવા લાગ્યું. એટલે અમે ઘરની બહાર જ એક યૂનિટ બનાવ્યું. હવે બધાં કામ અહીં જ થાય છે અને દર મહિને લગભગ એક લાખ કમાઈ લઉં છું. “
કેટલાંક ફળ-શાકભાજી તેમના બગીચામાં ઊગે છે તો બીજાં કેટલાંક તેઓ સ્થાનીક ખેડૂતો પાસેથી ખરીદે છે. અત્યારે શીલા સાથે ચાર મહિલાઓ કામ કરે છે. તેમણે પોતાના વ્યવસાય માટે FSSAI સર્ટીફિકેટ અને જીએસટી નંબર પણ લીધો છે.
લૉકડાઉન બાદ ઑનલાઈન બઝાર

લગભગ નવ-દસ વર્ષો સુધી ઑફ લાઈન કામ કરતી શીલાને લૉકડાઉન બાદ ઑનલાઈન કામ શરૂ કરવાની જરૂર જણાઈ. લૉકડાઉન દરમિયાન બધી જ દુકાનો બંધ હતી. નાના-મોટા બધા જ વ્યાપારીઓ માટે સમય મુશ્કેલ હતો. આ દરમિયાન શીલાને લાગ્યું કે, તેમની પાસે ગ્રાહકો સુધી પહોંચવાનો બીજો કોઈ વિકલ્પ હોવો જોઈએ.
એટલે જ બે મહિના પહેલાં તેમણે પોતાની એક વેબસાઈટ લૉન્ચ કરી. વેબસાઈટને તેમના દીકરાએ જ બનાવી છે. શીલા કહે છે, “અમે ક્યારેય અમારા વ્યવસાયનું પ્રમોશન નથી કર્યું. અમારી પ્રોડક્ટ્સમાં ગુણવત્તા અને સ્વાદ છે, જેના કારણે લોકો અમારી સાથે જોડાયેલ છે. પહેલાં અમને ગ્રાહકોના સીધા ફીડબેક નહોંતા મળી શકતા, પરંતુ હવે અમે તેમની સાથે સીધા જ જોડાઈ રહ્યા છીએ. “
વેબસાઈટ મારફતે ગ્રાહકો સતત વધી રહ્યા છે. તેમના ઘણા ગ્રાહકો એવા પણ છે, જે અત્યાર સુધીમાં ત્રણ-ચાર વાર ઓર્ડર કરી ચૂક્યા છે. મુંબઈથી તેમની એક ગ્રાહક દીપિકા કામત કહે છે કે, તેમની બધી જ પ્રોડક્ટ્સ ખૂબજ સરસ અને સ્વાદિષ્ટ હોય છે. તેમણે ઘણા સમય બાદ ઘર જેવાં અથાણાં ખાધાં છે. તેમનાં બાળકોને પણ આ અથાણાં બહું ભાવ્યાં.
તેઓ અત્યારે પણ કેટલાક સ્ટોર્સ પર તેમનાં અથાણાં અને જેમ આપે છે. સાથે-સાથે ઓનલાઈન બિઝનેસના કારણે ગ્રાહકોની સંખ્યા અને વ્યવસાય વધ્યો છે. શીલા કહે છે, “તેમના માટે તેમની પ્રોડક્ટ્સની ગુણવત્તા અને સ્વાદ ખૂબજ મહત્વનાં છે. આ એ મહત્વની બાબતો જેનાથી તેમના ગ્રાહકો તેમની સાથે જોડાયેલા રહે છે. આ સિવાય હું દરેક ગૃહિણી કે મહિલાને માત્ર એજ કહેવા ઈચ્છું છું કે, જો તમારામાં કોઈ આવડત કે કળા હોય તો તેને વ્યવસાયમાં પરિવર્તિત કરવાનો એક પ્રયત્ન ચોક્કસથી કરો.”
જો તમે શીલા ચાકોનો સંપર્ક કરવા ઈચ્છતા હોય કે અથાણું કે જેમ મંગાવવા ઈચ્છતા હોય તો અહીં ક્લિક કરો.
આ પણ વાંચો: એન્જીનિયરનું ઈકોફ્રેન્ડલી સ્ટાર્ટઅપ, શેરડીનાં કૂચામાંથી બનાવે છે વાસણો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.