જુસ્સો અને ઇચ્છાશક્તિ બે એવા તત્વો છે જેનાથી વ્યક્તિ પોતાના કોઈ પણ લક્ષ્યને પામી શકે છે. તમને બિહારના માઉન્ટન મેન દશરથ માંઝીનું નામ યાદ જ હશે. જેણી એક હથોડો અને છીણીથી પહાડ કાપીને રસ્તો બનાવ્યો હતો. આજે અમે તેમને આવી જ એક પ્રેરક કહાની જણાવી રહ્યા છીએ.
આ કહાની કેરળના કારસગોડમાં રહેતા 67 વર્ષીય કુંજંબુની છે. જેમણે 14 વર્ષની ઉંમરમાં ટનલ ખોદવાનું શરૂ કર્યું હતું. દેશમાં બહુ ઓછા લોકો છે જે પાણીવાળી ટનલ ખોદવામાં નિષ્ણાત હોય. કુંજંબુનો દાવો છે કે તેઓ અત્યારસુધી 1,000 ટનલ ખોદીને પાણી કાઢી ચૂક્યા છે. જેના પરિણામ સ્વરૂપે આજે તેમના ગામના લોકોએ પાણી માટે બોરવેલ પર આધાર નથી રાખવો પડતો.
આ ટનલ કે ગુફા કૂવો ઉત્તર કેરળ અને કર્ણાટકના વિસ્તારોમાં પાણીનો સંગ્રહ કરવાની સૌથી જૂની રીત છે.

ઉલ્લેખનીય છે કે કન્નડમાં ટનલ અને મલયાલમમાં થુરંગમ એક ગુફા જેવી રચના હોય છે. જેને પહાડોને ખોદીને બનાવવામાં આવે છે. આ ગુફા 2.5 મીટર પહોળી અને તેની લંબાઈ 300 મીટર સુધી હોઈ શકે છે, કે પછી જ્યાં સુધી પાણીનો સ્ત્રોત ન મળે. આ વિસ્તારોમાં તેને પાણીનો સ્ત્રોત માનવામાં આવે છે.
ટનલમાંથી વહેતા પાણીને એકઠું કરવા માટે બાજુમાં એક તળાવ બનાવવામાં આવે છે. એક વખત જ્યારે ઝરણાની જેમ પાણી વહેવા લાગે છે ત્યારે આખા વર્ષનું પાણી એકઠું થઈ જાય છે. આ માટે પાણીના પંપ કે મોટરની જરૂર નથી પડતી.
એવું માનવામાં આવે છે કે આ પરંપરાની શરૂઆત ઈરાનમાં થઈ હતી. જોકે, આજની બોરવેલ પરંપરાને કારણે જળ સંચયની આ રીત પ્રસ્તૃત ન હોવા બરાબર છે.
કુંજંબુની યાત્રા
કુંજંબુએ ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, “આ કામ માટે ખૂબ તાકાત અને દ્રઢ સંકલ્પની જરૂર પડે છે. હું હંમેશા એક કોદાળી અને મીણબતી સાથે એક વખતમાં આખું ખોદકામ કરવાના ઈરાદા સાથે જાઉં છું.”

કુંજંબુ કહે છે કે, “જ્યારે તમે 300 મીટર લાંબી ગુફામાં ખોદકામ કરી રહ્યો હોવ છો ત્યારે તેમાં ઑક્સિજનનું પ્રમાણ ખૂબ ઘટી જાય છે. આ માટે અમે એક માચીસ અને મીણબતી સાથે લઈ જઈએ છીએ. જો મને દીવાસળી સળગાવવામાં તકલીફ પડે તો ખ્યાલ આવે છે કે અહીં ઑક્સિજનનું સ્તર ખૂબ ઘટી ગયું છે. જે બાદમાં હું તાત્કાલિક બહાર નીકળી જાઉં છું.”
ખોદકામ માટે યોગ્ય જગ્યાની પસંદગી કરવાથી ખોદકામ દરમિયાન માટી ધસી પડતી નથી. કુંજંબુ ટનલ પ્રથાને વિકસિત કરવા માટે પોતાના કામને પ્રકૃતિની જેમ અંજામ આપે છે.
“દા.ત. ખોદકામ માટે જ્યારે હું જગ્યા શોધી રહ્યો હોવ છું ત્યારે હું આસપાસના છોડને જોઉં છું. જો આ છોડમાં ફળ કે ફૂલ હોય તે સમજી જેવું કે આ માટી ભીની છે અને અમારા માટે યોગ્ય છે. આ જ્ઞાનને વર્ષોના અનુભવ પછી મેળવી શકાય છે. આનાથી તમને પ્રકૃતિમાં પણ વિશ્વાસ બેસે છે,” તેમ તેઓ કહે છે.

બોરવેલનો ઉદય
કુંજંબુ કહે છે કે, “જ્યારે મેં ટનલ પ્રથા વિકસિત કરવાની શરૂઆત કરી હતી ત્યારે તે અમારા જીવનનો એક હિસ્સો હતી. ખાસ કરીને કૃષિ ઉદેશ્ય માટે. સમયની સાથે સાથે બોરવેલ અને પમ્પનું ચલણ આવ્યું હતું અને ટનલ ખોદવાનું કામ ઓછું થઈ ગયું હતું.”
બોરવેલની સરખામણીમાં ટનલ બનાવવામાં વધારે મહેનતની જરૂર પડે છે. આ કારણે ખર્ચ વધી જાય છે. કુંજંબુના કહેવા પ્રમાણે બોરવેલની પરંપરા અચાનક શરૂ થવા પાછળ આ પણ એક કારણ છે.
બોરવેલ પ્રથાને કારણે કુંજંબુ તેમજ અન્ય લોકોએ નોકરી ગુમાવવી પડી હતી.
કુંજંબુ કહે છે કે, “બોરવેલ પરંપરા આપણી પ્રકૃતિ માટે ખૂબ જ હાનિકારક છે. જ્યારે તમે બોર કરો છો ત્યારે તમે ધરતીના દિલમાં છેદ કરો છો. આ કારણે ભૂ જળ સંકટ વધી ગયું છે. આનાથી ભૂકંપનો ખતરો પણ વધી ગયો છે. કારણ કે તેનાથી પ્રકૃતિના નિયમોમાં વિઘ્નો આવી રહ્યા છે.”
ટનલના ફાયદા
કાસરગોડના એક પ્રસિદ્ધ લેખક શ્રી પાદરે કહે છે કે, “ટનલ ખેડૂતો માટે લાંબા સમય સુધી સિંચાઈ કામ માટે આદર્શ સાધન છે. આનાથી આખા વર્ષનું પાણી મળી રહે છે. બોરવેલ ક્યારેય પણ આ પ્રથાનો વિકલ્પ ન હોઈ શકે. ખાસ કરીને કાસરગોડ જેવા વિસ્તારોમાં જ્યાં તેનું ઝડપથી પતન થઈ રહ્યું છે.”
આજે કાસરગોડ જિલ્લામાં આવી 5,000થી વધારે ટનલ છે. જોકે, લોકપ્રીય ન હોવાને કારણે મોટાભાગની ટનલો અપ્રભાવી થઈ ગઈ છે. પરંતુ કુંજંબુ જેવા લોકો હજી સુધી હાર માનવા માટે તૈયાર નથી.
“ટનલ પ્રથા ધીમે ધીમે અપ્રભાવી થઈ રહી છે, પરંતુ જ્યાં સુધી શરીરમાં તાકાત છે, હું મારી યાત્રા શરૂ રાખીશ. મને આશા છે કે આ પ્રથાને ફરીથી જીવંત કરી શકાય તેમ છે,” અંતમાં કુંજંબુએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતનું એક એવું ગામ જ્યાં આઝાદીનાં 70 વર્ષ બાદ પણ નહોંતી પહોંચી લાઇટ, 32 વર્ષના યુવાને બદલી સિકલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.