એવું કહેવામાં આવે છે કે ખેતી વિતેલા દિવસોની વાત છે અને તેમાં કોઈ સંભાવના નથી રહેલી. પરંતુ કર્ણાટકના મૈસૂર ખાતે રહેલી મહિલા ખેડૂત સનિહા હરિશે આ વાતને ખોટી સાબિત કરી દીધી છે. સનિહાએ ખેતીના ક્ષેત્રમાં એક નવી જ ઓળખ બનાવી છે.
સનિહાએ ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, “અમારી પાસે ખૂબ જમીન હતી અને હું બાળપણથી જ ખેતી કરવા માંગતી હતી. જોકે, મારા દાદાજી માનતા હતા કે હું એ માટે સક્ષમ નથી. મેં તેમના પડકારનો સ્વીકાર કર્યો અને સ્કૂલનો અભ્યાસ પૂરી કર્યા બાદ જેએસએસ કૉલેજ, મૈસૂરમાં બી.એસસી (એગ્રીકલ્ચર)માં પ્રવેશ મેળવ્યો હતો. જે બાદમાં મેં નાના પ્રમાણમાં આધુનિક ખેતી શરૂ કરી હતી.”
સનિહા આગળ કહે છે કે, “શરૂઆતના દિવસોમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે જે વસ્તુ તૈયાર થતી હતી તેની યોગ્ય કિંમત મળી રહી ન હતી. પરંતુ અમે હાર ન માની. હાલ હું 11 એકર જમીનમાં ખેતી કરું છું. આ ઉપરાંત અમારો 1,000 વર્ગ ફૂટનો એક ટેરેસ ગાર્ડન પણ છે. અહીં શાકભાજી અને ઔષધીય છોડની ખેતી કરવામાં આવે છે.”

સનિહા કોબીજ, ટમેટા, મરચા, સ્ટ્રોબેરી, વટાણા, લસણ, લીંબુ, લેમન ગ્રાસ, મશરૂમ, આદુ જેવી 100થી વધારે શાકભાજી અને ફળોની ખેતી કરે છે. હાલ સનિહા વર્ષે 10 લાખ રૂપિયા જેટલી કમાણી કરે છે.
સનિહાના આ કામમાં તેમના પતિ મદદ કરે છે. ગત વર્ષે નવેમ્બરમાં તેમણે એક મશરૂમ તાલિમ કેન્દ્રની પણ શરૂઆત કરી છે. હાલ તેમાં 35 ખેડૂત જ્ઞાન મેળવી રહ્યા છે. આ ઉપરાંત તેણીએ ઇન્સ્ટાગ્રામ પેજ પણ શરૂ કર્યું છે, જ્યાં લોકો બાગકામ વિશે કોઈ પણ સવાલ પૂછી શકે છે. સનિહા પાસેથી પ્રેરણા મેળવીને તેણીના અમુક પાડોશીઓએ પણ ખેતી શરૂ કરી છે.
ધ બેટર ઇન્ડિયાએ સનિહા સાથેની ખાસ વાતચીતમાં તેણીના બાગકામ અંગે જાણ્યું અને સમજ્યું. અમારી વાતચીતના કેટલાક અંશ અહીં પ્રસ્તૃત છે.

પ્રશ્ન: શરૂઆત કેવી રીતે કરવી?
સનિહા- શરૂઆત હંમેશા ઓછા બજેટ અને ઓછા સમયમાં તૈયાર થતા પાક સાથે કરો. આનાથી તમને એ સમજવામાં મદદ મળી રહેશે કે ખેતી કેવી રીતે કરવી. શરૂઆતના એક-બે વર્ષ પડકારરૂપ હોઈ શકે છે પરંતુ પછી કોઈ સમસ્યા નહીં આવે.

પ્રશ્ન: જો કોઈ પ્રથમ વખત ખેતીકામ કરી રહ્યું છે તો તેમણે કેવા છોડ કે ખેતી કરવી જોઈએ?
સનિહા- કોબીજ, ટમેટા, મરચા, વટાણા જેવી શાકભાજી શરૂઆતમાં ઊગાડવી જોઈએ.
પ્રશ્ન: માટી કેવી રીતે તૈયાર કરવી?
સનિહા- દરેક પાક પછી છાણ અને રસોડામાં વધતી વસ્તુઓ (કિચન વેસ્ટ)માંથી બનાવવામાં આવેલા ખાતરનો ઉપયોગ કરો. આનાથી માટીમાં લાગેલા કિટાણુંને ખતમ કરવામાં મદદ મળશે. જે બાદમાં માટીને બેગમાં ભરીને ખેતી શરૂ કરો.

પ્રશ્ન: શું છત પર બાગકામ કરવાથી કોઈ નુકસાન થઈ શકે?
સનિહા- ના. છત પર બાગકામ કરવાથી કોઈ નુકસાન નથી થતું. પરંતુ એટલું જરૂર ધ્યાન રાખવું કે પાણી લીક ન થતું હોય.
પ્રશ્ન: આ માટે જરૂરી સંશાધનો ક્યાંથી લાવવા?
સનિહા- તમે છોડને ઊગાડવા માટે ઘરમાં બેકાર પડેલા વાસણો, ડબ્બા વગેરેનો ઉપયોગ કરી શકો છો. ખાતર માટે કિચન વેસ્ટ જેમ કે શાકભાજીની છાલ, દાળ-ચોખાને ધોયા બાદ વધવું પાણી વગેરે ઉપયોગ કરી શકો છો.

પ્રશ્ન: સિંચાઈ માટે કઈ રીતનો ઉપયોગ કરવો?
સનિહા- છત પર ઊગાડવામાં આવેલા છોડને તમે મગ કે ડોલથી પાણી આપી શકો છો. જમીન પર પાકને પાણી આપવા માટે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ.
પ્રશ્ન: આ માટે યોગ્ય સમય કયો છે?
સનિહા- બાગકામ માટે જૂન-જુલાઈનો મહિનો સૌથી યોગ્ય છે. કારણ કે આ દરમિયાન પાણીની કોઈ ચિંતા નથી રહેતી. આ ઉપરાંત જમીનમાં ગરમીની ઋતુની સરખામણીમાં કીડા ઓછા હોય છે.
પ્રશ્ન: ફૂલ-ઝાડની દેખરેખ કેવી રીતે કરવી? કેટલો તડકો જરૂરી છે?
સનિહા- છોડ માટે જૈવિક ખાતરનો ઉપયોગ કરો. જો છોડમાં જીવાત આવી જાય છે તો લીમડાનો સ્પ્રે કરો. આ ઉપરાંત છોડને નિયમિત ચારથી પાંચ કલાકનો તડકો જરૂરી છે.

પ્રશ્ન: ફૂલ-ઝાડના પોષણ માટે ઘરેલૂ નુસખા કયા છે?
સનિહા: છોડ માટે વર્મી કમ્પોસ્ટ, ગાયના છાણમાંથી બનાવવામાં આવેલા ખાતરનો પ્રયોગ કરો. જો તમે નથી બનાવી શકતા તો કિચનમાંથી નીકળતા વેસ્ટને મિક્સરમાં ક્રશ કરીને માટીમાં ભેળવી દો, જેનાથી માટીમાં પોષણ વધશે.
પ્રશ્ન: અમારા વાંચકો માટે કોઈ જરૂરી સૂચના?
સનિહા- જૈવિક ખેતી જરૂરથી કરજો. આજકાલ રસાયણયુક્ત વસ્તુઓનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે, જેનાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આથી શક્ય હોય ત્યાં સુધી ઘરે જ ખેતી કરો. જેમ કે ટમેટા, મરચા, લસણ, વગેરે તમે ઘરે જ ઊગાડી શકો છો.
મૂળ લેખ: Kumar Devanshu Dev
આ પણ વાંચો: મુંબઈ: ટેરેસ ગાર્ડનિંગથી કરી હતી શરૂઆત, આજે 16 વર્ષની નોકરી છોડીને ખેતીમાં કરે છે લાખોની કમાણી
જો તમે પણ તમારા એવા કોઇ અનુભવ અમને જણાવવા ઈચ્છતા હોય, જેમાંથી તમને પ્રેરણા મળી હોય તો, અમને જણાવો gujarati@thebetterindia.com પર