”રાસાયણિક અને ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન ઓછું થતું હતું અને જમીન પણ બગડી રહી હતી. આ પછી તો મેં ખેતીકામ જ મૂકી દેવાનું વિચાર્યું હતું. પણ તે પછી મને પાંચ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અંગે જાણ થઈ અને મેં મહારાષ્ટ્રમાં સુભાષ પાલેકરની શિબિરમાં માર્ગદર્શન લીધું અને પ્રાકૃતિક ખેતી શરૂ કરી.”
દેશમાં કૃષિક્ષેત્રે સમયની સાથે ઘણું પરિવર્તન આવ્યું છે. ખેડૂતો પોતાના ખેતરની માટીની યોગ્ય ચકાસણી કરાવીને અત્યારે અલગ-અલગ પદ્ધતિથી ખેતી કરીને બમણી આવક રળી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામના દિનેશભાઈ નરોત્તમભાઈ સોનાગ્રા છેલ્લાં 5 વર્ષથી પ્રાકૃતિક (જંગલ આધારિત) ખેતી કરીને મબલક ઉત્પાદન અને કમાણી કરી રહ્યા છે. દિનેશભાઈનું ખેતર અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલું છે. આ 6 એકરના ખેતરમાં તેઓ અલગ અલગ ફળ, શાકભાજી, અનાજ અને કોઠળનું વાવેતર કરી રહ્યા છે. દિનેશભાઈ તેમના ખેતરમાં થતું ઉત્પાદન પોતાના ખેતર પરથી જ વેચી રહ્યા છે.
છેલ્લાં 17 વર્ષથી ખેતીકામ કરતાં દિનેશભાઈએ ધ બેટર ઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં દિનેશભાઈએ પ્રાકૃતિક ખેતી અંગે જીણવટપૂર્વક જણાવ્યું હતું.
રાસાયણિક અને ઓર્ગેનિક ખેતી કરવાનું કેમ બંધ કર્યું?
દિનેશભાઈએ વાત કરતાં જણાવ્યું કે, ” આજથી 17 વર્ષ પહેલાં મેં ખેતી કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતના 10 વર્ષ સુધી રાસાયણિક ખેતી કરી હતી. જેમાં શરૂઆતના વર્ષોમાં સારો પાક થતો હતો, જેને લીધે મને સારી આવક મળતી હતી. પણ રાસાયણિક ખેતીના નવમાં અને દશમાં વર્ષે મને મોટું નુકસાન થયું હતું. જે પછી મેં રાસાયણિક ખેતી કરવાનું બંધ કરી દીધું હતું.”

આ પણ વાંચો: સતત આર્થિક સંકડામણમાં જીવતા ગુજરાતના આ ખેડૂતે 1.5 કિલોનાં જંબો જામફળ ઉગાડી કમાણી કરી 10 ઘણી
”આ પછી મેં બે વર્ષ સુધી ઓર્ગેનિક ખેતી કરી હતી.. ઓર્ગેનિક ખેતીમાં પણ મહેનત અને ખરચો રાસાયણિક ખેતી જેટલો જ થતો હતો અને ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નહોતો. એટલે ઓર્ગેનિક ખેતી કરવાનું પણ બંધ કરી દીધું હતું. ત્યારે મને એવો વિચાર આવ્યો કે, હવે ખેતી કરવી જ નથી અને મેં ખેતીને તિલાંજલિ આપવાનો નિર્ણય લીધો હતો.”
પ્રાકૃતિક (જંગલ આધારિત) ખેતી વિશે કેવી રીતે જાણ થઈ અને કેવી રીતે શરૂઆત કરી?
દિનેશભાઈએ પ્રાકૃતિક ખેતી અંગે જણાવ્યું કે, ” રાસાયણિક અને ઓર્ગેનિક ખેતી પછી મને પ્રાકૃતિક એટલે જંગલ આધારિત ખેતી અંગે જાણ થઈ. જેને સુભાષ પાલેકર ખેતી પણ કહેવામાં આવે છે. સુભાષ પાલેકર મૂળ મહારાષ્ટ્રના છે અને તેમણે પ્રાકૃતિક ખેતી પર ઘણું સંશોધન કર્યું છે. મેં તેમનો સંપર્ક કર્યો અને પછી તેમની શિબિરમાં હું ગયો હતો. આ શિબિરમાં કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરી શકાય? તેના ફાયદા શું છે? સહિતની વાતો મને શીખવા મળી હતી. આમ મેં પાછા આવીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.”
”પ્રાકૃતિક ખેતી કરતાં આજે મને 5 વર્ષ થઈ ગયા છે. આ પાંચેય વર્ષમાં મને ઉત્પાદનમાં ઘણો ફાયદો થયો છે અને સાથે સાથે આવકમાં પણ વધારો થયો છે. પ્રાકૃતિક ખેતીમાંથી મને છેલ્લાં બે વર્ષે 6 લાખ કરતાં વધુની કમાણી પણ થાય છે. હવે આગામી વર્ષોમાં જેમ જેમ ઉત્પાદન વધશે તેમ તેમ આવક પણ વધતી જશે.”

પ્રાકૃતિક ખેતીમાં શું શું વાવો છો?
દિનેશભાઈએ કહ્યું કે, ”હું મારી 6 એકરની જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી જ કરું છું. જેમાં હું અત્યારે 12થી 13 પ્રકારના ફ્રૂટ જેવા કે, દાડમ, જામફળ, મોસંબી, સંતરા, ચીકૂ, આંબળા, અંજીર, કેળ પપૈયાના સહિતના છોડ વાવેલા છે. આ ઉપરાંત ઋતુ પ્રમાણે શાકભાજીના છોડનું પણ વાવેતર કરું છું. આ સાથે સિઝન પ્રમાણેના અનાજ અને કઠોળ પણ મારા ખેતરમાં વાવું છે. આમ દરેક ઋતુમાં મારા ખેતરમાં 25થી 30 પ્રકારના છોડ વાવું છું.”
પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો કેટલો થાય છે?
દિનેશભાઈએ જણાવ્યું કે, ”પ્રાકૃતિક ખેતીમાં સાવ નજીવો ખર્ચો થાય છે. પ્રાકૃતિક ખેતીમાં જમીન ખેડવાની પણ જરૂર નથી પડતી જેથી ખેતર ખેડવા માટે થતો ટ્રેક્ટર અને ડીઝલનો ખર્ચો ઓછો બાદ થાય છે. આ ઉપરાંત પાણીની પણ વધારે જરૂર પડતી નથી. જેમ જેમ છોડ મોટા થાય તેમ ઓછું પાણી જોઈએ છે. એટલે પાણીનો પણ બચાવ થાય છે. આ ઉપરાંત છોડ પર દવા પણ છાંટવાની જરૂર પડતી નથી. જેથી દવાનો પણ ખર્ચો બચે છે. આ સાથે છોડ વાવવા માટે ખાતરનો પણ ખરચો થતો નથી. ”

દિનેશભાઈ અલગ-અલગ શાકભાજીનો પાવડર પણ વેચે છે.
દિનેશભાઈએ જણાવ્યું કે, તેઓ અલગ અલગ શાકભાજી જેવી કે, સરગવાનો પાવડર, મરચાનો પાવડર અને ટમેટાનો પાવડર પણ બનાવીને વેચે છે. આ પાવડર બનાવવા માટે તે પહેલાં શાકભાજીને સૂર્ય પ્રકાશમાં સૂકવે છે અને પછી તેને દળીને તેનો પાવડર બનાવે છે. આ શાકભાજીનો પાવડર તે કિલોએ ઓછામાં ઓછા 200 રૂપિયા અને વધુમાં વધુ 500 રૂપિયામાં વેચે છે. આ વર્ષથી બીજા શાકભાજીના પાવડર પણ બનાવવાનું શરૂ કર્યું છે.
ખેતરમાં વાવેલા ફળ, અનાજ, કઠોળનું વેચાણ કેવી રીતે કરો છો?
દિનેશભાઈએ આ અંગે કહ્યું કે,”મેં વાવેલાં ફળ, અનાજ અને કઠોળનું વેચાણ મારી વાડીએથી જ કરું છું. મેં મારી વાડીની બહાર પ્રાકૃતિક ખેતીનું બોર્ડ લગાવ્યું છે. આ ઉપરાંત હાઇવે પર મારું ખેતર હોવાને લીધે લોકો અહીંથી જ ખરીદીને જાય છે. આ સાથે જ લોકો મને ફોન કરીને ઓર્ડર આપે એમ હું તેમને ફળ, અનાજ કે કઠોળ પહોચાડું છું. આ ઉપરાંત હું જે શાકભાજીના પાવડર બનાવું છું તે પણ મારી વાડીએથી જ વેચું છું.”
દિનેશભાઈએ અંતમાં કહ્યું કે, ”મેં શરૂ કરેલી પ્રાકૃતિક ખેતી જોઈને અન્ય ખેડૂતો પણ મારી પાસે સલાહ લેવા આવે છે. તેમને હું માર્ગદર્શન પણ આપું છું. એક ખાસ વાત કહેવી છે કે, દરેક ખેડૂત પ્રાકૃતિક (જંગલ આધારિત) ખેતી શરૂ કરશે તો ઘણો ફાયદો થશે.”
સંપાદન: કિશન દવે
આ પણ વાંચો: મોબાઈલ ગેમ છોડી બાળકોએ આપ્યો ખેડૂત પિતાનો સાથ, થોડા જ મહિનાઓમાં થયો અઢી લાખનો નફો