Placeholder canvas

એક દક્ષિણ આફ્રિકન પાયલોટ અને યુવા જેઆરડી ટાટાના વિચારોનું પરિણામ છે ભારતનું એરલાઈન સેક્ટર!

એક દક્ષિણ આફ્રિકન પાયલોટ અને યુવા જેઆરડી ટાટાના વિચારોનું પરિણામ છે ભારતનું એરલાઈન સેક્ટર!

જાણો કોણ હતા નેવિલ વિન્સેન્ટ જેમના પ્રયાસોને કારણે ભારતમાં શરૂ થઈ હતી વિમાની સેવા

જ્યારે પણ આપણે ભારતના ઉડ્ડયન ક્ષેત્ર વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણા મગજમાં પહેલું નામ આવે છે, તે નામ જે. આર. ડી ટાટા (JRD Tata)નું છે. તેમની ટાટા એર સર્વિસીસ, વર્ષ 1932માં શરૂ થયેલી, સમગ્ર દેશમાં ટપાલ અને મુસાફરોનું વહન કરનારી પ્રથમ ખાનગી એરલાઇન હતી અને આજે તમે તેને એર ઈન્ડિયાના પૂર્વજ પણ કહી શકો છો.

જો કે, ટાટા સિવાય, એક અન્ય વ્યક્તિ છે જેણે ભારતની પ્રારંભિક એરલાઇન સર્વિસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, પરંતુ તમે તેમના વિશે બહુજ ઓછું સાંભળ્યુ હશે.

અને આ વ્યક્તિ હતા નેવિલ વિન્સેન્ટ, જેણે બ્રિટિશ એરફોર્સમાં પાઈલટ તરીકે કામ કર્યું હતું અને તેણે જ એર ઈન્ડિયાનો પાયો નાખ્યો હતો. ટાટાએ પણ વિન્સેન્ટને “ભારતીય હવાઈ પરિવહનના સ્થાપક” માન્યા છે.

એવું ઘણી વખત કહેવાય છે કે તેમણે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન RAFમાં સેવા આપી હતી, જ્યારે કેટલાક માને છે કે તેમની નિમણૂક પ્રથમ વિશ્વ યુદ્ધના ચાર વર્ષ પછી કરવામાં આવી હતી.

આ સાથે, તેમણે વર્ષ 1926 સુધી બ્રિટિશ સામ્રાજ્યના પૂર્વીય ક્ષેત્ર જેમ કે ઇજિપ્ત, કુર્દીસ્તાન, જોર્ડન અને ઇરાકમાં પણ સેવા આપી હતી. ત્યારપછી તેમણે નક્કી કર્યું કે નાગરિક ઉડ્ડયન માટેની વધુ સારી તકો દક્ષિણ એશિયામાં છે.

RAFમાં તેમની સેવા માટે, બ્રિટિશ સરકારે તેમને વિશિષ્ટ ફ્લાઈંગ ક્રોસ અને ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરથી (OBE) એનાયત કર્યા.

Air India
A young JRD Tata, Nevill Vintcent profile (left).

વિન્સેન્ટ ખૂબ જ સાહસિક વ્યક્તિ હતા. આરએએફ છોડ્યા પછી તરત જ, તેમણે ભારત, બર્મા અને દક્ષિણ-પૂર્વ એશિયાનું હવાઈ સર્વેક્ષણ કરવાનું શરૂ કર્યું. ઇન્ડોનેશિયાના બોર્નિયો ટાપુથી બ્રિટિશ સ્ટ્રેટની વચ્ચે પ્રથમ એર મેઇલ ઉડાડવા ઉપરાંત, તેણે મલાક્કા અને સિંગાપોરમાં પણ સેવા આપી હતી.

વર્ષ 1928માં, તેમણે કેપ્ટન જે.એસ.નેવૉલ સાથે યુનાઇટેડ કિંગડમથી ભારતની ફ્લાઇટ પૂર્ણ કરી. તે ઈતિહાસની સૌથી લાંબા અંતરની ફ્લાઈટ્સ પૈકીની એક માનવામાં આવે છે. વિન્સેન્ટ અને નેવોલ બંનેએ ભારતમાં બે ‘ડી હેવિલેન્ડ DH9’ એરોપ્લેન ઉડાવ્યા અને અહીં નાગરિક ઉડ્ડયનની શક્યતાઓ જોઈને વિન્સેન્ટે ભારતમાં સ્થાયી થવાનું નક્કી કર્યું.

જે વર્ષે વિન્સેન્ટે આ ફ્લાઇટ ઉડવાનું શરૂ કર્યું, તેને સમાચાર મળ્યા કે ભારતમાં કોમર્શિયલ એરલાઇન ઉદ્યોગ શરૂ કરવાની સારી તકો છે. તેણે સાંભળ્યું હતું કે બ્રિટિશ ઈમ્પીરીયલ એરવેઝ (બ્રિટિશ એરવેઝના પ્રણેતા) સમગ્ર એશિયામાં ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય મેઈલ અને પેસેન્જર સેવા શરૂ કરી રહ્યા છે, જ્યારે ડચ કેરિયર, KLM અને એર ફ્રાન્સ ઈન્ડોનેશિયા અને વિયેતનામ માટે તેમની સેવાઓ શરૂ કરવાની પ્રક્રિયામાં હતા.

ભારતમાં પ્રતિબંધોને કારણે, આ એરલાઇન્સ મેલ અને મુસાફરોને કરાચી (હવે પાકિસ્તાન)માં ઉતારતી હતી. જ્યાંથી તેમને રેલ પરિવહન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. આ ખૂબ જ અસુવિધાજનક પ્રક્રિયા હતી અને ઘણો સમય વેડફાતો હતો.

JRD Tata

વિન્સેન્ટે આને એક સારી બિઝનેસ તક તરીકે જોઈ અને સ્થાનિક એરમેલ સેવા વિશે વિચાર્યું, જે મેલ અને મુસાફરોને કરાચીમાં લઈ જશે, અહીંથી 24 કલાકની અંદર ભારતીય ઉપમહાદ્વીપનાં સ્થાનો સુધી પહોંચાશે.

પરંતુ વિન્સેન્ટ પાસે નાણાકીય/આર્થિક માધ્યમો ન હતા અને તેથી તેઓ ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિઓ સુધી પહોંચ્યા.તેમણે પ્રખ્યાત પારસી ઉદ્યોગપતિ સર હોમી મહેતા સાથે તેની શરૂઆત કરી. પણ મહેતાએ આ વિચારમાં કોઈ રસ દાખવ્યો નહિ. પરંતુ મહેતાએ તેમને ટાટા સાથે વાત કરવાનું સૂચન કર્યું. જેઆરડીના કાકા સર દોરાબજી ટાટા તે સમયે ટાટા ગ્રુપના ચેરમેન હતા. દોરાબજીને પણ વિન્સેન્ટના આ પ્રોજેક્ટમાં ખાસ રસ નહોતો.

પરંતુ તે સમયે તેમના 24 વર્ષીય ભત્રીજા જેઆરડી ટાટાને વિન્સેન્ટનો વિચાર ઘણો ગમ્યો હતો, કારણ કે તેણે પોતે પાઇલટનું લાઇસન્સ મેળવ્યું હતું અને તેમણે દોરાબજીને એવિએશન કંપની માટે મનાવવા માટે વિન્સેન્ટની મદદ કરી.

આમ, વર્ષ 1932માં 2 લાખ રૂપિયાના પ્રારંભિક ખર્ચ સાથે ‘ટાટા એવિએશન સર્વિસિસ’ અસ્તિત્વમાં આવી. તેમણે 2 નાના પ્લેન ખરીદ્યા, જે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડતા હતા. આ વિમાનો ફક્ત પોસ્ટ દ્વારા અને વધુમાં વધુ માત્ર 1 પેસેન્જર સાથે ઉડાન ભરતા હતા. પહેલા કરાચીથી મુંબઈ અને પછી મદ્રાસ માટે રવાના થતા હતા.

Indian Aviation Sector
File photo of Tata Airlines (Source: Facebook)

તે જ વર્ષે એપ્રિલમાં, ટાટા એવિએશન સર્વિસે, ઘણા વિચાર-વિમર્શ પછી, કરાચીથી ટપાલ મોકલવા માટે બ્રિટિશ સરકાર સાથે 10 વર્ષનો કરાર કર્યો.

જુલાઈ, 1932માં સિંગાપોરમાં ધ સ્ટ્રેટ ટાઈમ્સ સાથે વાત કરતા, જેઆરડી ટાટાએ કહ્યું હતું કે, “ જોકે આટલા ટૂંકા ગાળામાં સેવા શરૂ કરવી એ ચિંતાનો વિષય હશે, પરંતુ ટૂંક સમયમાં જ વ્યાપાર જગત… તેની પ્રશંસા કરશે અને તેનો ઉપયોગ કરશે અને કંપનીને નફો પણ મળશે.”

પાઇલોટ રેલમાર્ગને અનુસરશે અને જો ત્યાં હજુ પણ કોઈ સમસ્યા થાય છે, તો તેઓ નકશાને જોઈ શકે છે, જે તેમને દરેક સમયે તેમની સાથે રાખવાનો રહેશે.

વિન્સેન્ટને આ નવા વ્યાપારી ઉડ્ડયન સાહસનો મુખ્ય પાઇલટ બનાવવામાં આવ્યા હતા. જોકે, તેણે અનેક પડકારોનો સામનો કર્યો. સ્ટ્રેટ ટાઈમ્સ અનુસાર, “તેમના વિમાનોમાં કોઈ વાયરલેસ સાધનો નહોતા, કારણ કે તે સમયે તે ખૂબ ખર્ચાળ હતા અને કંપની પાસે વધુ ભંડોળ નહોતું. આ ઉપરાંત, રાત્રિની ફ્લાઇટ ન હતી કારણ કે ભારતમાં રાત્રિની ફ્લાઇટ માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હતી.”

જે. આર. ડી. ટાટાના જીવનચરિત્રકાર આર.એમ. લાલાએ “ધ જોય ઓફ અચીવમેન્ટ” પુસ્તકમાં ટાટા અને વિન્સેન્ટ બંને વચ્ચેની વાતચીતની શ્રેણી લખી છે. પુસ્તકમાં જેઆરડીએ કહ્યું, “તે (વિન્સેન્ટ) અસાધારણ હતા. ખૂબ જ સરસ માણસ.… તે જાણતા હતા કે ઈમ્પીરીયલ એરવેઝ એરલાઈન કરાચીથી ભારત આવી રહી છે, જે ઓસ્ટ્રેલિયા તરફનું પહેલું પગલું હતું…. અને તેઓ દિલ્હી અને કોલકાતા પણ જશે. પરંતુ પછી આખું દક્ષિણ ભારત આ સેવાથી વંચિત રહેશે અને આના પર કામ કરતા, તેમણે આ એરલાઇનને કરાચીથી અમદાવાદ અને પછી બોમ્બેથી મદ્રાસ માટે ઉડાન ભરવાનો પ્રસ્તાવ મૂક્યો.”

સપ્ટેમ્બર 1932માં, ટાટાની પ્રથમ ફ્લાઇટ ભારે વરસાદને કારણે એક મહિના મોડી શરૂ થઈ હતી. ખરાબ હવામાનને કારણે ટાટાને તેમની પ્રથમ ફ્લાઇટ 15 ઓક્ટોબર સુધી મુલતવી રાખવાની ફરજ પડી હતી.

છેવટે, જ્યારે આ ફ્લાઇટે કરાચીથી પહેલીવાર ઉડાન ભરી ત્યારે તેમાં 100 પાઉન્ડથી વધુ ડાક હતા. (વિન્સેન્ટને બોમ્બેથી બેલ્લારી થઈને મદ્રાસ સુધી બીજા તબક્કાની ઉડાન ભરવાની હતી)

ટ્રેન દ્વારા, કરાચી-બોમ્બે અંતર કાપવામાં 45 કલાકનો સમય લાગતો હતો, પરંતુ ટાટા આઠ કલાકથી ઓછા સમયમાં જુહુ પહોંચી ગયા, તે દરમિયાન તેમણે અમદાવાદમાં પ્લેનને રોકીને તેમાં ઇંધણ ભર્યું અને આ ઈંધણને એક બળદગાડા દ્વારા રનવે સુધી પહોંચાડવામાં આવતુ હતુ. આ અંગેના એક અહેવાલમાં ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું છે કે કેવી રીતે બોમ્બે (મુંબઈ)ના પોસ્ટમાસ્ટર પોતે જુહુ ગયા અને જે. આર. ડી ટાટા પાસેથી ટપાલ લેવા આવ્યા હતા.

તેમની એરલાઈન્સનો સિદ્ધાંત હતો, “તમારી ટપાલ ગુમ થઈ શકે છે પરંતુ ક્યારેય મોડી પહોંચશે નહીં; મુસાફરોને મોડું થઈ શકે છે, પરંતુ ક્યારેય ખોવાશે નહીં.”

તેની શરૂઆતના પ્રથમ વર્ષમાં, એર મેઇલ સેવાએ 155 મુસાફરો ઉપરાંત લગભગ 10 ટન ટપાલો પહોંચાડી હતી અને રૂ. 60,000 નો નફો કર્યો હતો. એરલાઇનની સેવાઓને જોતાં, ઉદ્યોગની પ્રારંભિક સફળતા કોઈ આશ્ચર્યની વાત ન હતી.

ખાસ કરીને, તેમની એરલાઇન પ્રતિકૂળ હવામાન હોવા છતાં તેની સમયની પાબંદી માટે જાણીતી હતી. એટલું જ નહી નાગરિક ઉડ્ડયન નિર્દેશાલયે વર્ષ 1933માં જણાવ્યુ હતુકે, બ્રિટિશ ઈમ્પિરિયલ એરવેઝ પોતાના કર્મચારીઓને ટાટાને ત્યાં એવું જોવા માટે મોકલતા હતા કે, આખરે આ લોકો કેવી રીતે કામ કરે છે.”

ત્યારપછીના વર્ષોમાં, એરલાઈન સેવાએ તેની કામગીરી દિલ્હી (ઈન્દોર, ભોપાલ અને ગ્વાલિયરના રસ્તે રોકીને), ગોવા, હૈદરાબાદ અને કોલંબો સુધી લંબાવી. વધુ સારા વ્યવસાયની સાથે તેનો વિસ્તાર થયો, તેની સેવાઓમાં સુધાર થયો અને વધુમાં વધુ યાત્રીઓને સવારી કરાવવામાં આવતી હતી. આગળ જતા બાદમાં તેનું નામ બદલીને ટાટા એરલાઈન્સ કરવામાં આવ્યું.

વર્ષ 1934 માં તેમના કાકા પછી, જે. આર. ડી ટાટાએ ટાટા ગ્રુપના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો. જોકે, એરલાઇન બિઝનેસમાં તેમનો રસ સહેજ પણ ઓછો થયો ન હતો.

જો કે, બીજા વિશ્વ યુદ્ધ પછી ટાટા એરલાઇન્સ માટે બધું બદલાઈ ગયું. બ્રિટિશ સરકારે સૈનિકો અને તેમની જરૂરી વસ્તુઓના પરિવહન માટે તેમના વિમાનની મદદ લીધી. અને આને ટાટા અને વિન્સેન્ટે પણ એક તક તરીકે જોઈ હતી.

તેઓએ નક્કી કર્યું કે એરક્રાફ્ટ ખરીદવા કરતાં પોતાનું નિર્માણ કરવું વધુ સારું રહેશે. યુદ્ધ પૂરજોશમાં હતું અને તેમણે 1942માં બ્રિટિશ સરકાર સમક્ષ પૂણેમાં ટાટા ગ્રુપના પ્લાન્ટમાં ‘બોમ્બર એરક્રાફ્ટ’ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો.

જોકે, તેને બ્રિટિશ સરકારે મંજૂરી આપી દીધી અને ટાટા ગ્રુપે તેના પર કામ શરૂ કર્યું. પરંતુ થોડા સમય પછી, બ્રિટિશ આરએએફને હવે આવા વિમાનની જરૂર ન હતી. તેના બદલે, તેઓને હવે હુમલો કરવા માટે ગ્લાઈડર્સની જરૂર હતી. આ ઘટનાથી ટાટા ગ્રુપને ઘણું નુકસાન થયું હતું. તેથી, તેમની દરખાસ્ત પર ફરીથી કામ કરવા માટે, વિન્સેન્ટ તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન ચર્ચિલના એરક્રાફ્ટ ઉત્પાદન પ્રધાન લોર્ડ બીવરબ્રુકને મળવા ઈંગ્લેન્ડ ગયા હતા.

Private Airline Tata
Publicity pic taken at Bombay airport on 15 Oct 1962 shows JRD Tata,who piloted original 1932 flight. Standing with Bobby Kooka of Air India. (Source: Twitter)

આ મીટીંગ પછી, વિન્સેન્ટ ઈમ્પીરીયલ એરવેઝ દ્વારા પરત ફરવાનો હતો, જે તે સમયે ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા યુદ્ધને કારણે તેના નિયત રૂટ કરતા અલગ રસ્તે જવાનું હતુ. પરંતુ વિન્સેન્ટ પાસે એટલો સમય નહોતો અને તેથી તે RAFના બોમ્બર એરક્રાફ્ટમાં બેસી ગયો, જેથી ભારત વહેલા પહોંચી શકે.

પરંતુ કમનસીબે, આ વિમાનને ફ્રાન્સમાં જ બોમ્બ દ્વારા ઉડાવી દેવામાં આવ્યુ હતુ. જે. આર. ડી માટે તે મોટો ફટકો હતો. વિન્સેન્ટ સાથે મળીને, તેમણે ભારતમાં નાગરિક ઉડ્ડયનના ભવિષ્યને લગતા ઘણા સપના જોયા હતા અને આ ઉપરાંત તેમની મિત્રતા ખૂબ જ ગાઢ હતી.

વિન્સેન્ટ સાચા અર્થમાં દૂરદર્શી હતા. તે તેમની વિચારસરણી, અનુભવ અને ઊર્જાએ જ આગળ જતા ટાટાને ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રથમ પગલું ભરવા માટે પ્રેરણા આપી. વિન્સેન્ટ જ હતા, જેમણે ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રનું સપનું સાકાર કર્યું હતું અને સાથે જ જો આ સેક્ટર સરકારના નિયંત્રણ હેઠળ આવે તો તેના નુકસાનો વિશે પણ ચેતવણી આપી હતી.

1931માં, વિન્સેન્ટે એર એન્ડ સ્પેસ મેગેઝિનમાં લખ્યું, “જો આ રસ્તો રાજ્ય દ્વારા ચલાવવામાં આવશે, તો હું કહીશ કે તે ખાનગી કંપનીઓ દ્વારા અન્ય માર્ગો પર ચાલી રહેલા કામને અટકાવશે, કારણ કે તેઓ કહેશે કે તેઓએ જે કામ પરિપૂર્ણ કર્યું છે. તેમાંથી તેઓ નફો કમાશે.”

તેમણે આગળ લખ્યું, “હું એ પણ કહેવા માંગુ છું કે ખાનગી કંપનીઓ એરલાઇન સેક્ટરને સરકાર કરતાં વધુ ઝડપથી વિકસિત કરી શકે છે, અને તેનાથી આ વ્યવસાયમાં ભારતીયો માટે રોજગારની નવી તકો ખુલશે.”

બીજા વિશ્વયુદ્ધ પછી, 19 જુલાઈ 1946ના રોજ ટાટા એરલાઈન એક પબ્લિક લિમિટેડ કંપની બની અને તેનું નામ પણ બદલીને ‘એર ઈન્ડિયા’ કરવામાં આવ્યું. સાત વર્ષ પછી, ભારત સરકારે એર ઈન્ડિયાના રાષ્ટ્રીયકરણની પ્રક્રિયા શરૂ કરી, અને ટાટા ગ્રુપ પાસેથી એરલાઈનનું નિયંત્રણ લઈ લીધું.

આ એરલાઇન આજે જે આર્થિક પરિસ્થિતિમાં ઉભી છે તે દર્શાવે છે કે વર્ષ 1931માં વિન્સેન્ટના શબ્દો કોઈ ભવિષ્યવાણીથી ઓછા ન હતા. તેઓ સાચા અર્થમાં એક દૂરદર્શી હતા અને તેમના વિઝન વિના ભારતમાં એરલાઇન ક્ષેત્રનો આટલો ઝડપી વિકાસ થયો ન હોત. અને આપણે તેમના યોગદાનને યાદ રાખવું જોઈએ.

મૂળ લેખ: રિનચેન વાંગચુક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ગાંધીજીના સ્વદેશીપ્રેમને આગળ વધાર્યો આ 5 ગુજરાતીઓની કંપનીઓએ, આજે દેશ-વિદેશમાં કરે છે રાજ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X