આંધ્ર પ્રદેશનું પોચમપલ્લી ગામ સાડીઓ માટે ખૂબ પ્રસિદ્ધ છે. અહીંથી ફક્ત એક કિલોમીટરના અંતરે મુક્તાપુર ગામ આવેલું છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય માછલી પકડવાનો છે. સ્થાનિક તળાવોમાંથી ગામના લોકો માછીમારી કરે છે અને તેને વેચીને પોતાનું ગુજરાત ચલાવે છે. પરંતુ આ તળાવોમાં વરસાદની ઋતુમાં ઊગી નીકળતી નકામી વેલથી માછીમારો ખૂબ પરેશાન હતા. આ વેલ એટલી ઝડપથી વધતી હતી કે બે ત્રણ દિવસમાં તો આખું તળાવ ઢંકાઈ જતું હતું. આ કારણે માછલીઓને સૂર્ય પ્રકાશ મળતો ન હતો તેમજ તેમને પુરતો ઑક્સિજન પણ મળતો ન હતો. વેલ હટાવવા માટે માછીમારોએ સતત ત્રણ મહિના સુધી તળાવને સ્વચ્છ કરવું પડતું હતું.

ગામના લગભગ 100 લોકો દરરોજ 150 એકરમાં ફેલાયેલા તળાવની સફાઈ માટે જતા હતા. જો આ કામ મજૂરો પાસે કરાવવામાં આવે તો તે માટે ત્રણ લાખ રૂપિયા ખર્ચ થતો હતો. વેલ કાઢવા માટે ગંદા પાણીમાં ઉતરતી વખતે ગામના લોકોને ક્યારેક સાપ દંશ દેતા હતા તો અમુક લોકોને ત્વચા સંબંધિત બીમારી થઈ જતી હતી.

આવું વર્ષ 2012 સુધી ચાલ્યું હતું. જે બાદમાં એક માછીમારે તળાવમાંથી વેલ કાઢવા માટે એક મશીન બનાવી લીધું હતું. આ ગામમાં રહેતા ગોદાસુ નરસિમ્હા માછીમાર હોવાની સાથે સાથે એક ખાનગી સ્કૂલમાં શિક્ષક પણ હતા. તળાવ સાફ કરવા માટે તેમણે અવારનવાર રજા લેવી પડતી હતી. આ કારણે સ્કૂલે તેમને નોટિસ પણ પાઠવી હતી કે વધારે રજા લેશો તો નોકરી છોડવી પડશે.

ધ બેટર ઇન્ડિયા સાથે વાતચીત કરતા નરસિમ્હાએ જણાવ્યું કે, “મારા પરિવારમાં પત્ની અને અમારા બે બાળકો છે. સ્કૂલમાંથી જે પગાર મળતો હતો તેનાથી ઘર ચલાવવામાં મદદ મળતી હતી. માછલી પકડવામાં વધારે નફો મળતો ન હતો. કારણ કે વેલને કારણે માછલીની સંખ્યા ઘટી ગઈ હતી. આથી ગામના લોકોએ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કોઈ ઉપાય શોધવાનું કહ્યું હતું.”


જે બાદમાં તેમણે એક મશીનનો પ્રોટોટાઇપ બનાવ્યો હતો. જેનાથી વેલને કાઢી શકાતી હતી અને નાના નાના ટુકડા કરી શકાતા હતા. જેથી તે ફરીથી ન ઊગી નીકળે. એક માછીમાર આવી શોધ કરે તે ખરેખર નવાઈ પમાડે તેવી વાત છે. પરંતુ નરસિમ્હાના શોખને કારણે તેણે આ શોધ કરી હતી.

ફક્ત નવ વર્ષની ઉંમરમાં પોતના માતાપિતાને ગુમાવી દેનાર નરસિમ્હાને તેના ભાઈએ મોટો કર્યો હતો. તેમના ભાઈ તેનાથી છ વર્ષ મોટા છે. તેમના ભાઈને પિતાની જગ્યાએ PWD વિભાગમાં ચોકીદારની નોકરી મળી ગઈ હતી. નરસિમ્હા ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા. તેમને મશીનો સાથે રમવાનું ખૂબ ગમતું હતું. લોકો તેમને કહેતા કે તમે મોટા થઈને મિકેનિક એન્જીનિયરિંગ કરજે.

10માં ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ તેણે ડિપ્લોમાં કરવાનો નિર્ણય કર્યો. પરીક્ષા પણ પાસ કરી લીધી હતી. તમામ લોકોએ તેમને મિકેનિકિલ એન્જીનિયરિંગમાં પ્રવેશ લેવાનું કહ્યું હતું. પરંતુ સરકારી કૉલેજમાં તેમને પ્રવેશ ન મળ્યો. ખાનગી કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે તેમના ભાઈએ સાથ આપ્યો ન હતો.
ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં જ મન ન લાગતા તેમણે અભ્યાસ છોડી દીધો હતો. જે બાદમાં ગામમાં જ રહીને નાનું મોટું કામ કરવા લાગ્યા હતા. જે બાદમાં તેમણે પ્રાથમિક સ્કૂલના બાળકોને ભણાવવાનું શરૂ કરી દીધું હતું. તેમના લગ્ન કરાવ્યા બાદ તેમના ભાઈ પોતાના પરિવાર સાથે હૈદરાબાદ ચાલ્યા ગયા હતા અને નરસિમ્હા ગામમાં જ રહી ગયા હતા.


ગામના તળાવમાં સમયની સાથે સાથે આવક ઘટતી ગઈ હતી. આથી જ તેમણે એક મશીનનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો હતો. જોકે, મશીન બનાવવા માટે પૈસાની જરૂર હતી.
નરમિમ્હાએ જણાવ્યું કે, “અમારા ગામના સરપંચ અને અન્ય લોકોએ મદદ કરી હતી. તમામ લોકોએ 20 હજાર રૂપિયા એકઠા કરીને મને આપ્યા હતા. સૌથી વધારે સાથ મને મારી પત્નીએ આપ્યો હતો. દિવસભર અમે નાના મોટા કામ અને તળાવની સફાઈ કરતા હતા અને રાત્રે હું મશીન બનાવતો હતો. આ કામમાં પત્ની મદદ કરી હતી.”
નરસિમ્હાએ સૌથી પહેલા કટિંગ મશીન બનાવ્યું હતું. તેઓ ઇચ્છતા હતા કે વેલને તળાવમાં જ કાપી શકાય. જોકે, મશીન તળાવની બહાર બરાબર કામ કરતું હતું, પરંતુ પાણીની અંદર તેની બ્લેડ કામ કરતી ન હતી. તેમણે નક્કી કર્યું કે વધુ એક મશીન બનાવવું પડશે જે વેલને બહાર કાઢે પરંતુ આ માટે ફરીથી પૈસાની સમસ્યા નડી હતી.
આ વખતે ગામના લોકોએ તેમની મદદ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. લોકોને લાગતું હતું કે તેમને પૈસા વેડફાયા છે. આખરે તેના એક સંબંધીએ તેમને 30 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા અને તેમણે લિફ્ટિંગ મશીન બનાવ્યું હતું.
નરસિમ્હા કહે છે કે, “મશીન તૈયાર હતું અને સફળ પણ હતું. પરંતુ તેને આખરી રૂપ આપવા માટે 10 હજાર રૂપિયાની જરૂર હતી. આ માટે તેઓ આસપાસના ગામમાં ગયા હતા અને ત્યાંના લોકોને કહ્યું હતું કે જો તમે પૈસા આપશો તો હું તળાવ સાફ કરી આપીશ. આ રીતે પૈસાનો જુગાડ થઈ ગયો હતો.”
60 હજાર રૂપિયાના ખર્ચથી મશીન બની ગયું હતું અને તે સફળ પણ રહ્યું હતું. નરસિમ્હાએ ફક્ત ગામનું જ નહીં પરંતુ આસપાસના ગામના તળાવો પણ સ્વચ્છ કરી દીધા હતા. જ્યારે આ વાત માધ્યમોમાં ચમકી ત્યારે ‘પલ્લે સૃજના’ નામના સંગઠને તેમનો સંપર્ક કર્યો હતો. આ સંગઠન નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનની શાખા છે, જે ગ્રામીણ અને જમીન સ્તર પર થતી અવનવી શોધને મદદ કરે છે.
‘પલ્લે સૃજના’ની મદદથી નરસિમ્હાને પોતાની શોધને રાષ્ટ્રીય સ્તરે બતાવવાનો મોકો મળ્યો હતો. જે બાદમાં હૈદરાબાદ નગર નિગમે તેમને હૈદરાબાદના તળાવો સાફ કરવાનું કામ સોંપ્યું હતું. નરસિમ્હાએ હૈદરાબાદના 8-9 તળાવોને સ્વચ્છ કર્યાં હતાં.
નરસિમ્હા અને તેના મશીન વિશે જાણીને કેન્યાના જળ પર્યાવરણ અને સિંચાઈ મંત્રી સલમો ઓરિમ્બાએ પણ વેલ હટાવવાના 10 મશીનનો ઑર્ડર આપ્યો હતો. ઓરિમ્બો ભારત આવ્યા હતા અને તેમણે નરસિમ્હાના મશીનને નિહાળ્યું હતું.
નરસિમ્હાએ કહ્યુ કે, “તેમના કહેવા પ્રમાણે કેન્યામાં પણ લોકો આ જ સમસ્યાથી લડી રહ્યા છે. મારી પાસે મશીન બનાવવાનું મુખ્ય કારણ ઓછો ખર્ચ હતું. જો આ મશીન બહાર બનાવડાવતા તો કરોડો રૂપિયાનો ખર્ચ થતો.”
નરસિમ્હાને તેમના કામ માટે નેશનલ ઇનોવેશન એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. નરસિમ્હાને અનેક જગ્યા પરથી મશીન બનાવવા માટે ઑર્ડર મળ્યાં છે.
નરસિમ્હા પોતાની આ સફળતાનો શ્રેય પોતાના ગામના લોકો, પત્ની, બાળકો અને સૃજનાને આપે છે. જો તમને આ કહાનીમાંથી પ્રેરણા મળી છે તો તમે ગોદાસુ નરસિમ્હાનો 9492558698 નંબર પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: 9 પાસ ગુજરાતી ખેડૂતની શોધ: માત્ર 10 રૂપિયામાં બનાવ્યાં ઈકો-ફ્રેન્ડલી છાણનાં કૂંડાં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.