વર્ષ 2009માં આવેલા ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મ આજે પણ આપણી યાદોમાં છે. આ ફિલ્મે સાયન્સ, મેડિકલ અને એન્જિનિયરિંગના જ ખયાલોમાં રાચતા લોકોની આંખ ખોલી દીધી હતી. આ ફિલ્મે એક સારો સંદેશ આપ્યો હતો કે તમે સાયન્સ કે પછી આર્ટ્સમાં ભણો છો તે વધારે અગત્યનું નથી પરંતુ તેમને કયા વિષયમાં સૌથી વધારે રસ છે તે વાત વધારે મહત્ત્વની છે. જો તમારામાં કોઈ ખાસિયત છે તો તમારે તમારી એ ખૂબીને ધારદાર બનાવીને આગળ વધવું જોઈએ.
ફિલ્મમાં આમિર ખાનનું પાત્ર રેન્ચો અનેક લોકોની પ્રેરણા છે. પોતાની આવડતને ધારદાર બનાવતો રેન્ચો કોઈ દેશી કે આંતરરાષ્ટ્રીય કંપનીમાં કામ નથી કરતો પરંતુ પોતાના સમાજના લોકો માટે સાધનો એકઠા કરે છે અને બાળકો આગળ વધે તેના માટે માર્ગદર્શક બને છે. આ તો ફિલ્મની વાત થઈ. આજે અમે જે વ્યક્તિ વિશે તમને જણાવી રહ્યા છીએ તેની કહાની રેન્ચોથી મળતી આવે છે. અમે ઓડિશાના 24 વર્ષીય અનિલ પ્રધાનની વાત કરી રહ્યા છીએ. કટકથી લગભગ 12 કિલોમીટર દૂર એક ટાપુ પર અમુક ગામનો એક સમૂહ રહે છે. જેને 42 મોઉજા કહે છે. અહીંના બાળકો માટે અનિલ રેન્ચો જ છે. કારણ કે અનિલે પોતાના ગામમાં જ ‘ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ફૉર રુરલ ઇનોવેશન’ શરૂ કરી છે. અહીં તે બાળકોને શોધ અને ટેક્નોલોજીના પાઠ ભણાવે છે. તેમના માટે અભ્યાસ ફક્ત ગોખણપટ્ટી નહીં પરંતુ તેનો વ્યવહારમાં ઉપયોગ કરવો છે.

ગામમાં જ ભણેલા અનિલે બાળપણથી જ અનેક પરેશાની ભોગવી છે. તેના પિતા સીઆરપીએફમાં હતા અને બાળકના અભ્યાસ માટે ખૂબ જ ધ્યાન આપતા હતા. અનિલ દરરોજ પોતાના ગામથી આશરે 12 કિલોમીટર સાઇકલ લઈને ભણવા માટે જતા હતા. સાઇકલ જ્યારે ખરાબ થઈ જતી ત્યારે અનિલ અનેક મુશ્કેલીનો સામનો કરતા હતા. પરંતુ તેઓ મુશ્કેલીમાંથી પણ રસ્તો શોધી કાઢતા હતા. કદાચ અહીંથી જ અનિલનો જુગાડ અને કંઈક નવું કરવા સાથેનો સંબંધ જોડાયો હતો.
અનિલ પોતાના જીવનમાં આગળ વધવાળો શ્રેય પોતાના માતા-પિતાને આપે છે. અનિલ ધ બેટર ઇન્ડિયાને જણાવ્યુ કે, “મારા પિતા એસ.કે. પ્રધાને મને સૌથી વધારે પ્રભાવિત કર્યો છે. તેઓ સીઆરપીએફમાં હતા. દેશ અને લોકો પ્રત્યે સમર્પણ અને ઈમાનદારી મેં તેમની પાસથી શીખી છે. જોકે, ગામમાં સ્કૂલ શરૂ કરવાની પ્રેરણા મને મારી માતા પાસેથી મળી હતી. માતાપિતાના જીવનના સંઘર્ષે મને સામાન્ય લોકો માટે કંઈક કરવા માટે પ્રેરણા આપી હતી.”

પોતાની સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ અનિલે સિવિલ એન્જિનિયરિંગ માટે સુરેન્દ્ર સાઈ યુનિવર્સિટી ઑફ ટેક્નોલોજીમાં પ્રવેશ મેળવ્યો હતો. અહીં ડિગ્રીની સાથે સાથે અનિલે કૉલેજના રોબોટિક્સ સોયાટીમાં પણ ભાગ લીધો હતો. અનિલે સોસાયટી સાથે અનેક પ્રોજેક્ટ્સમાં ભાગ લીધો હતો અને તેઓ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેટેલાઇટ ટીમનો હિસ્સો હતા. તેમણે હીરાકુંડ ડેમ પર દેખરેખ માટે એક સેટેલાઇટ બનાવ્યો હતો. તેમણે પોતાની ટીમ સાથે મળીને એક એવો રોબોટ પણ બનાવ્યો જે વીજળીના થાંભલા પર ચઢીને વાયરો સરખા કરે છે.
અનિલ કહે છે કે, “આજે હું જે પણ છું તેમાં કૉલેજના મિત્રોનો સિંહ ફાળો છે. કૉલેજમાં અમારી એક ટીમ હતી, જેણે મારી અંદરના આત્મવિશ્વાસને વધાર્યો હતો. અહીં જ મેં શીખ્યું કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સિવિલ એન્જિનિયરિંગ સાથે સાથે હું મિકેનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને પ્રોગ્રામિંગ પણ શીખ્યો હતો.”

અનિલને તમામ શોધ માટે અને તેની સ્કૂલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ફૉર રુરલ ઇનોવેશનને ભારત સરકાર તરફથી 2018માં નેશનલ યૂથ આઇકન એવોર્ડ પણ મળી ચુક્યો છે. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતા અટલ ઇનોવેશન મિશન અંતર્ગત શરુ થયેલી અટલ ટિકરિંગ લેબમાં તેઓ ‘મેટર ફૉર ચેન્જ’ પણ છે. એટલે સુધી કે નેશનલ કાઉન્સિલ ઑફ સાયન્સિસ મ્યૂઝિયમે તેમને ભુવનેશ્વરના ક્ષેત્રીય વિજ્ઞાન કેન્દ્રમાં ‘ઇનોવેશન મેન્ટર’ પણ બનાવ્યા છે.
અનિલ કહે છે કે, “મારો જન્મ અને ઉછેર ગામમાં જ થયો છે પરંતુ સારા શિક્ષણ માટે મારે ગામ બહાર જવું પડ્યું હતું. હવે હું નથી ઇચ્છતો કો કોઈ પણે સારા શિક્ષણ માટે બહાર જવું પડે. બાળકોને ગામમાં જ શિક્ષણ અને સારી સુવિધા મળવી જોઈએ. મારું માનવું છે કે સ્કૂલમાં જે ભણાવવામાં આવે છે તે બાળકોને ક્યાંકને ક્યાંક અભ્યાસક્રમના ભાર હેઠળ દબાવી દે છે. આથી જ બાળકોની રચનાત્મકતા બહાર નથી આવતી. હું એવા બાળકો તૈયાર કરવા માંગું છું જે સમસ્યા નહીં પરંતુ તેના સમાધાન વિશે વિચારે.”

અનિલે સૌથી પહેલા રુરલ સેન્ટર શરૂ કરવાનો વિચાર પોતાની માતા સુજાતા સામે રાખ્યો હતો. સુજાતા કેન્દ્રીય વિદ્યાલયની એક સ્કૂલમાં શિક્ષિકા હતી અને બાદમાં તેણી સીઆરપીએફ મોન્ટેનરી સ્કૂલમાં પ્રિન્સિપાલ બની હતી. તેણીએ સ્કૂલ કેવી રીતે શરૂ કરવી, તેના માટે શું શું જરૂર પડશે વગેરે અંગે અનિલની મદદ કરી હતી.
અનિલ કહે છે કે, “સ્કૂલ શરૂ કરવા માટે માતાપિતાએ ફંડ આપ્યું હતું. મને એવોર્ડ તરીકે અને જે પણ સ્કૉલરશીપ મળી હતી તે પણ મેં તેની પાછળ વાપરી હતી.”
વર્ષ 2017માં 2.5 એકર જમીનમાં સ્કૂલ બનાવવાનું શરૂ થયું હતું. આ જમીન અનિલના પરિવારની હતી. પ્રિન્સિપાલ તરીકે સુજાતાએ જવાબદારી સંભાળી હતી. આ સ્કૂલમાં આજે ડી પ્રિન્ટર, ડ્રિલિંગ મશીન, લેઝર કટર, રિંચ, સ્ક્રૂ ડ્રાયર્સ અને અન્ય સાધનો છે.
“આ સ્કૂલનો ઉદેશ્ય એવા બાળકો તૈયાર કરવાનો છે જેઓ વિજ્ઞાન, ટેક્નોલોજી અને પોતાની આવડતના જોરે વાસ્તવિક જીવનમાં આવતી સમસ્યાના સમાધાન માટે કામ કરે. અમારો અભ્યાસ પ્રેક્ટિકલ છે. અહીં શિક્ષણ પદ્ધતિ ખૂબ જ અલગ છે. ઝટીલ વિષયોને ખૂબ જ રચનાત્મક રીતે શીખવવામાં આવે છે. અમે દરેક બાળક પર એક જેવો જ અભ્યાસ અને કોર્ષ થોપી ન શકીએ. દરેક બાળક અલગ હોય છે અને કંઈક નવું કરવા માટે સક્ષમ હોય છે. અમારી પાસે અલગ અલગ અનુભવનો એક સેટ છે જે બાળકોને વિશેષ ક્ષેત્રમાં તેમની ક્ષમતાને સમજાવામાં મદદ કરે છે,” તેમ અનિલે જણાવ્યું હતું.

અનિલની સ્કૂલ તો શરૂ થઈ ગઈ હતી પરંતુ બાળકોના માતાપિતાને સમજાવવાનું કામ ખૂબ મુશ્કેલ હતું. સ્થાનિક લોકો બાળકોને સરકારી સ્કૂલમાં એટલા માટે મોકલે છે કે ત્યાં ખાવાનું મળે છે. અનિલ અને તેની માતા બાળકોને સારું શિક્ષમ મફતમાં આપી રહ્યા હતા પરંતુ ખાવાનું આપવાનું તેમના માટે શક્ય ન હતું. જોકે, બાળકોને યોગ્ય પોષણ મળી રહે તે માટે બંનેએ એક ચાર્ટ તૈયાર કર્યો હતો અને બાળકોને ટિફિટ આપ્યું હતું. જેનાથી બાળકો પોતાના ઘરેથી ચાર્ટ પ્રમાણે તૈયાર કરેલું ભોજન લાવી શકે.
ધીમે ધીમે સ્કૂલની ચર્ચા થવા લાગી હતી. ત્રણ બાળકો સાથે શરૂ થયેલી સ્કૂલમાં આજે 250 બાળકો અભ્યાસ કરે છે. પ્રી સ્કૂલ નર્સરીથી લઈને છઠ્ઠા ધોરણ સુધી અહીં અભ્યાસ થાય છે.
અનિલ કહે છે કે, “દૈનિક કામમાં પરિવારે ખૂબ મદદ કરી હતી. આ ઉપરાંત અન્ય લોકો પાસેથી પણ મદદ મળી છે. જોકે, સરકાર પાસેથી કોઈ મદદ મળી નથી.”

સ્કૂલની સૌથી ખાસ વાત એ છે કે અહીં કોઈ પરિક્ષાનું આયોજન નથી કરવામાં આવતું. તેના બદલે બાળકોને પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેની પ્રતિક્રિયાને આધારે તેમને એક વર્ગમાં વહેંચવામાં આવે છે. જે તેમના શૈક્ષણિક પ્રદર્શનના સુધારો કે ઘટાડો દર્શાવે છે.
અનિલ કહે છે કે, “અમારે થોડી ઇત્તર પ્રવૃત્તિઓ પણ કરાવીએ છીએ જેમાં રમત ગમત, ક્રાફ્ટિંગ અને પ્રયોગ સામેલ છે. આનાથી વિદ્યાર્થીની રુચી કયા કામમાં છે તે સમજવામાં ખૂબ મદદ મળે છે.”
અહીં બાળકોને પ્લાસ્ટિકની બોટલમાં ગાર્ડનિંગ શીખવવામાં આવે છે. તેમને બીનું નિરીક્ષણ કરવું, તેમનો પોષણ કરવું અને તેમને વિકાસ કેવી રીતે થાય છે તે જણાવવામાં આવે છે. તેમને શીખવવામાં આવે છે કે પ્લાસ્ટિકને ફેંકી દેવા કરતા તેનો બીજી ઉપયોગ પણ કરી શકાય છે. સાથે જ બાળકોને બાયોલૉજી અને દેખરેખ કરવાની આર્ટ પણ શીખવવામાં આવે છે.
બાળકોને જૂની સીડીના ઉપયોગથી પાઈ-ચાર્ટ, અલગ અલગ રંગથી દુનિયાનો નક્શો શીખવવામાં આવે છે.
અનિલ કહે છે કે, ધ બેટર ઇન્ડિયા પર તેની સ્ટોરી આવ્યા બાદ અનેક લોકોએ તેનો સંપર્ક કર્યો છે. આ લોકો તરફથી તેને ખબ મદદ પણ મળી છે. જે બાદમાં તેમણે એક એન્જિનિયર વૈશાલી શર્મા સાથે મળીને ‘નવોન્મેષ પ્રસાર ફાઉન્ડેશન’નો પાયો નાખ્યો હતો. આ ફાઉન્ડેશન શરૂ કરવાનો ઉદેશ્ય બાળકોને અલગ અલગ ક્ષેત્રમાં આગળ વધારવાનો છે.
જે અંતર્ગત તેમણે ગત વર્ષે ‘નવોન્મેષ પ્રસાર સ્ટૂડેન્ટ એસ્ટ્રોનૉમી ટીમ’ની શરૂઆત કરી હતી. “અમારે નાસા માટે એક ટીમ તૈયાર કરવી હતી. પરંતુ તેમાં પણ અમે કંઈક નવું શોધી રહ્યા હતા. અમે લગભગ 30 જિલ્લામાંથી બાળકોની પસંદગી કરી હતી અને તેમાંથી 10 બાળકોને નાસા હ્યૂમન એક્સપ્લોરેશન રોવર ચેલેન્જ માટે તાલિમ આપીને તૈયાર કર્યાં હતા,” તેમ અનિલે જણાવ્યું હતું.
ખાસ વાત એ છે કે આ ટીમ અંડર-19 ઇન્ટર ડિસિપ્લિનરી ટીમ છે, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે સાથે આઈઆઈટીના વિદ્યાર્થીઓ પણ શામેલ છે. આ ટીમમાં એક યુવતી એવી છે જે પહેલા વેલ્ડિંગનું કામ કરતી હતી. તો એક વિદ્યાર્થી સાઇકલ પંક્ચરનું કામ કરતો હતો. પરંતુ અનિલે તેમની પ્રતિભાને ઓળખી હતી અને તેમને નાસા માટે તૈયાર કર્યા હતા.
આ ટીમ આગામી વર્ષે એપ્રિલમાં નાસાની ઇવેન્ટ માટે અમેરિકા જશે. હાલ આ બાળકો પોતાના રોવર પર કામ કરી રહ્યા છે.
આ ઉપરાંત અનિલ કહે છે કે લૉકડાઉન દરમિયાન તેમણે અમુક દિવ્યાંગ બાળકોને કામ આપ્યું હતું અને તેમણે ફેસ શિલ્ડ બનાવ્યા હતા. પોતાની ભવિષ્યની યોજના વિશે અનિલ જણાવે છે કે તે ઓડિશામાં વધુ એક ઇનોવેશન સ્કૂલ શરૂ કરવા માંગે છે. આ સ્કૂલ રિસેડેન્શિયલ સ્કૂલ હશે. આના પાછળનો ઉદેશ્ય એવો છે કે બીજા રાજ્યમાંથી આવતા બાળકોને પણ અભ્યાસનો મોકો આપવા માંગે છે. સાથે જ તેઓ એક ઇન્ક્યૂબેશન સેન્ટર પણ તૈયાર કરી રહ્યા છે.
ધ બેટર ઇન્ડિયા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષા ક્ષેત્રમાં અભિનવ પ્રયોગ કરનાર અનિલ પ્રધાનના વિચાર અને હિંમતને સલામ કરે છે. આ સાથે જ અનિલના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે.
જો તમને અમારી આ કહાનીથી પ્રેરણી મળી છે અને તમે પણ અનિલની સ્કૂલ વિશે વિગતે જાણવા માંગો છો અથવા તેનો સંપર્ક કરવા માંગો છો તો અહીં ક્લિક કરો.
મૂળ લેખ: RINCHEN NORBU WANGCHUK
આ પણ વાંચો: IFS ઑફિસરે વાંસમાંથી બનાવ્યું ઝાડુનું હેન્ડલ, આશરે 1,000 આદિવાસી પરિવારોને મળી રોજગારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.