આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના એક એવા શિક્ષકની કે જેઓ પોતાના વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન ખબર ન પડે તેવા મુદ્દાઓને વિવિધ મોડલ દ્વારા શીખવાડી શિક્ષિત કરવામાં આવે છે જે તે વિદ્યાર્થીઓને આજીવન યાદ રહે તે રીતે આ શિક્ષકની પોતાની ખુદની મહેનત અને કાબિલિયતથી સ્વ હસ્તે જ બનાવવામાં આવેલ હોય છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની વડોદ પ્રાથમિક શાળાના આચાર્ય ગિરીશભાઈ બાવળીયા પોતાના આ રીતના કાર્ય કરવાના ઉદ્દેશ અને પ્રેરણા માટે વિગતે જણાવે છે. અને આ માટે તેઓ કઈ કઈ રીતે વિવિધ મોડલ પોતાના ઘરે જ સ્વ હસ્તે બનાવે છે તે પણ સાથે સાથે જણાવે છે તો ચાલો તે વિશે વિસ્તારપૂર્વક જાણીએ.

પ્રારંભિક પરિચય
ગીરીશભાઈ જણાવે છે કે તેઓ સૌ પ્રથમ 2004 માં જસદણ તાલુકાના શિવરાજપુર ગામમાં આચાર્ય તરીકે જોડાયા અને 13 તે ગામમાં નોકરી કરી અને ત્યારબાદ વર્ષ 2018 H TAT ની પરીક્ષા પાસ કરી વડોદ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નિમાયા. તેઓ આગળ જણાવે છે કે જયારે તેઓએ વડોદ શાળામાં આચાર્ય તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે સૌ પ્રથમ તો ત્યાં જઈને શાળા નિહાળી તો જ્યાં ત્યાં કચરાના ઢગલા પડ્યા હતા અને શાળાની હાલત ખુબ ખરાબ હતી. તે વખતે શાળામાં 230 જેટલા જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટર હતા પણ હાજર ફક્ત 120 જેટલા જ બાળકો હતા.
આ બધી સમસ્યાઓ માટે સૌથી પહેલા તો તેમણે વિદ્યાર્થીઓ કેમ ગેરહાજર રહે છે તે વિશે જાણવા વાલીઓની મુલાકાત શરુ કરી અને તે દરમિયાન વાલીઓ દ્વારા જાણવા મળ્યું કે આ શાળામાં વિવિધ સુવિધાના અભાવે છોકરાઓ ત્યાં અભ્યાસ માટે આવવાનું પસંદ નથી કરતા. અને ફક્ત રજીસ્ટ્રેશન કરાવી બહારથી જ અભ્યાસ કરતા હોય છે. તે પછી ગીરીશભાઈએ શાળાની સાફ સફાઈ કરાવી અને સુવિધાના નામે જ્યાં મીંડું હતું ત્યાં ત્રણ વર્ષમાં ફક્ત 10 જ રજા લઈને શાળાની કાયાપલટ કરી નાખી. અને આમ ધીમે ધીમે વિદ્યાર્થીઓની હાજરી વધવા લાગી તથા નવા વિદ્યાર્થીઓ પણ આ શાળા સાથે જોડાવા લાગ્યા.

વિવિધ મોડલ બનાવવાની શરૂઆત
ગીરીશભાઈ આ બાબતે ધ બેટર ઇન્ડિયાને જણાવે છે કે, 2019 ના વિજ્ઞાન મેળામાં એક છોકરાએ પ્રશ્ન કર્યો કે સર આ મિસાઈલ એટલે શું? અને તે કેવું લાગે? તો મેં તેને ફોટો બતાવ્યો અને કહ્યું કે બેટા વધારે તો આપણે રૂબરૂ જોઈએ તો ખ્યાલ આવે પણ બાળકને બરાબર મગજમાં બેઠું નહીં એટલે મને વિચાર આવ્યો કે આ બાબતે કંઈક નક્કર કરવું જોઈએ અને એટલે જ આ પ્રસંગ બન્યા પછી મને મિસાઈલ માટે એક વ્યવસ્થિત વિદ્યાર્થીઓને ખબર પડે તે રીતનું મોડલ બનાવવાનો વિચાર આવ્યો.
આમ તેમણે પહેલું મોડલ 2019 ના જાન્યુઆરી મહિનામાં મિસાઈલનું બનાવ્યું ત્યારબાદ આગળ જતા તેમણે વિવિધ બીજા મોડલ્સ પણ બનાવ્યા જેમાં સૌર મંડળ, રોબોટ, તોપ, સેટેલાઇટ,ફાઈટર પ્લેન, પૃથ્વી, અણુ અને પરમાણુની સમજ આપતું મોડલ જેવા વગેરે મોડલનો સમાવેશ થાય છે.
તેઓ વિદ્યાર્થીઓ માટે આ પ્રોજેક્ટ આખો પહેલા વિધિવત રીતે સંપૂર્ણ ઘર પર જ બનાવે છે અને પછી તે મોડલને છૂટું પાડી શાળામાં લઈ જઈ ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને બેસાડી એક એક પાર્ટ તેમના હાથે ગોઠવડાવી તે મોડલ દ્વારા તેના વિવિધ કાર્ય વિશે સમજાવતા જાય છે જેથી વિદ્યાર્થીઓને સારી રીતે સમજણ પડી જાય.

બનાવે છે વેસ્ટ માંથી બેસ્ટ
તેઓ આ વિવિધ મોડલ બનાવવા માટે વેસ્ટ વસ્તુઓનો જ ઉપયોગ કરે છે અને દરેક મોડલમાં મોટાભાગે મુખ્યત્વે PVC પાઇપનો સમાન વધારે હોય છે સાથે સાથે સાથે ભંગારના ડેલામાંથી વેસ્ટ વસ્તુઓ લાવી તેને બેસ્ટ બનાવે છે.
તેઓ પોતાની રીતે જ આવેલા વિચારો પરથી આગળ પોતાની કોઠાસૂઝ પ્રમાણે બાળકોને અભ્યાસક્રમમાં જે શીખવવાનું હોય તે રીતના જ મોડલ બનાવે છે અને તે પણ બહારથી કોઈપણની મદદ લીધા વગર અને પાછું પોતાના સ્વ ખર્ચે જ.
છેલ્લે આ મોડલ બન્યા પછી અને તેના દ્વારા વિદ્યાર્થીઓને સમજાવ્યા પછી તેને સ્કૂલમાં જ ગોઠવવામાં આવે છે. જેથી ભવિષ્યમાં બીજા નવા આવનાર બાળકો ને શીખવવા માટે તેનો ઉપયોગ કરી શકાય.

વિવિધ મોડલ બનાવવા માટેની મહેનત તથા ખર્ચો
અત્યાર સુધી તેમણે નવ મોડલ બનાવ્યા છે અને તેઓ આ વિવિધ મોડલ છેલ્લા અઢી વર્ષથી બનાવે છે. આ વિવિધ મોડલ બનાવવાનો સમયગાળો જે તે મોડલ પ્રમાણે જ રહે છે.
જેમકે સૌથી વધારે સમય અને મુશ્કેલી સૌથી પડી હોય તો તોપ બનાવવામાં પડી એ તોપ તેમણે પોતાની જાતે સિમેન્ટથી બનાવી છે અને તેનો વજન 170 kg છે. ગિરીશભાઈએ તોપનો સમગ્ર આકાર પોતાની જાતે જ આપ્યો છે અને તે કામ પૂર્ણ કરતા તેમણે 15 દિવસ થયા હતા. તેઓ આગળ કહે છે કે તોપ બનાવવા પાછળ પણ એકે રસપ્રદ કિસ્સો છે જેમાં એક દિવસ જયારે એક શિક્ષક સામાજિક વિજ્ઞાન ભણાવતા હતા અને તે જ વખતે હું વર્ગખંડમાં તાપસ માટે ગયો ત્યાં જ એક છોકરાએ પ્રશ્ન કર્યો કે તોપ એટલે શું અને તેને કંઈ રીતે ઉપયોગમાં લેવાય તો મેં સાહેબને કીધું કે આ પ્રકરણ તમે અહીંયા જ સ્ટોપ કરો ને આગળનું શરુ કરો હવે છોકરાઓને આપણે તોપ લાઈવ બતાવીશું એટલે ગામની પાસે આવેલ બોર્ડર હોટલમાં એક તોપનું મોડલ હતું તે હું જોઈ આવ્યો અને મને ખ્યાલ આવી ગયો કે તેને કઈ રીતે તેને બનાવવી. તે મોડલ તરીકે તો ખરી જ પણ સાથે સાથે પૈડાં દ્વારા ચાલી શકે તેવી બનાવી.
ત્યારબાદ ઘરે આવી ક્રેસિંગ પાઈપમાં સળિયા નાખી સિમેન્ટ કોંક્રિટથી ગોળ રાઉન્ડ બનાવ્યો અને રોજ રાત્રે એક બે વાગ્યા સુધી બેઠા બેઠા શેપ આપતો ગયો આમ 15 દિવસ માં તે તોપ ફક્ત 1250 રૂપિયાના ખર્ચ માં બની. જયારે મેં તેનો ભાવ બહાર બજારમાં પુછાવડાવ્યો ત્યારે તે લગભગ 45000 આસપાસનો હતો.
આ રીતે આગળ જઈ એક ફાઈટર પ્લેન બનાવ્યું. પ્લેન માટે વચ્ચે ક્રેસિંગ પાઇપ જે બોરમાં વાપરીએ છીએ તેનો ઉપયોગ કર્યો, ઉપરની ડિઝાઇન વેસ્ટ પડેલા ભંગારના પતરામાંથી પ્લેન જેવો શેપ આપી બનાવી, પ્લેનની ફાયરિંગની ગન બનાવવા PVC પાઇપનો ઉપયોગ કર્યો અને આગળની ચાંચ પાણી ગાળવાની ગળણી ઉંધી રાખી અને તેના પર એમસીલ મારી બનાવી જેથી આબેહૂબ લાગે. સૌથી વધારે ખર્ચો આ પ્લેન બનાવવા માટે થયો જે 3500 રૂપિયા આસપાસનો હતો.
તેઓ આ બધું જ કામ ઘર પર રહીને કરે છે એટલે ઘરના લોકો પણ તેમાં તેમને મદદ કરે છે અને ખાસ કરીને તેમનો 11 વર્ષનો પુત્ર વિવેકની મહેનત પણ તેમના જેટલી જ છે આ બધું બનાવવા માટે.

પર્યાવરણીય કામગીરી
વડોદમાં હાજર થયો ત્યારે એકવીસ વૃક્ષો જ હતા અત્યારે 247 છે. સાથે સાથે અહીં અમે એક ઔષધબાગ બનાવેલ છે તથા હાલ મધ્યાહન ભોજન બંધ હોવાથી કિચન ગાર્ડનમાં ખર્ચો નથી કર્યો.
આ સિવાય તેઓએ પોતાના હસ્તે જ છોડ ઉછેરવા માટે સ્માઈલી પોટ બનાવેલા છે જે સ્કૂલમાં એક અલગ જ રીતે તરી આવે છે.
છેલ્લે તેઓ જણાવે છે કે કાલે જયારે હું ચોટીલા હતો અને તે સમયે જ ધ બેટર ઇન્ડિયા પરથી તેમને કોલ આવ્યો ત્યારે તેઓ નવમા ધોરણનો વિડીયો જ જોઈ રહ્યા હતા અને તેમાં અણુ-પરમાણુનું મોડલ કંઈ રીતે બનાવવું તે વિશે જ વિચારી રહ્યા હતા.
તેઓ કહે છે કે આ રીતે હું આઠમા ધોરણના બાળકોને અણું પરમાણુની સમાજ અત્યારથી જ આપી દઉં તો તેમને નવમાં ધોરણમાં જતા પહેલા ખબર પડી જાય અને એક મોડલ સાથે વાર્તા તરીકે સમજાવેલું હોય તો તેઓ આસાનીથી સમજી પણ જશે જે લગભગ આજીવન તેમણે યાદ રહેશે.
આમ અમારું ઇન્ટરવ્યૂ પત્યું તે દરમિયાન તેમણે પોતાના નવા મોડલ પર કામ પણ શરુ કરી દીધું હતું. ખરેખર આવા શિક્ષકો ધન્યવાદને પાત્ર છે જે પોતાનો સમય અને મૂડી બન્ને ખર્ચી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય તે હેતુસર નિસ્વાર્થ કામ કરી રહ્યા છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સતત બીજા વર્ષે ભારતનાં સૌથી સ્વચ્છ શહેરોમાં સુરત બીજા નંબરે, રાષ્ટ્રપતિએ કર્યું સન્માન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો