આઈએએફ સ્ક્વોડ્રોન લીડર રાકેશ શર્મા 2 એપ્રિલ 1984ના રોજ અવકાશમાં જનારા પહેલા ભારતીય હતા. તેમણે ભારત-સોવિયત અંતરિક્ષ મિશન (Indo-Soviet Space mission)નાં હેઠળ બે અન્ય રશિયન સાથીઓની સાથે અવકાશમાં મોકલવામાં આવ્યા હતા.
3 જાન્યુઆરી 1949માં પંજાબના પટિયાલામાં જન્મેલા રાકેશ શર્માએ હૈદરાબાદથી તેમનો અભ્યાસ પૂરો કર્યો છે. અર્જુન ચક્રથી સન્માનિત આ ઓફિસર 1966માં ફક્ત 18 વર્ષની ઉંમરમાં ભારતીય વાયુસેનામાં જોડાયા હતા. તેના ચાર વર્ષ પછી, તેમને ભારતીય વાયુ સેનામાં ટેસ્ટ પાયલોટ તરીકે નિમણૂક મળી હતી. આ પછી, તેમની મહેનત અને જુસ્સાને કારણે, તેમને સમય સમય પર પ્રમોશન મળ્યું.

20 સપ્ટેમ્બર 1982ના રોજ તેમને ભારત-સોવિયત અંતરિક્ષ મિશન માટે અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તાલીમ પૂર્ણ કર્યા પછી, તે 1984માં અંતરિક્ષ પર જવા માટે 128માં વ્યક્તિ અને પ્રથમ ભારતીય બન્યા. તેમની અંતરિક્ષ યાત્રાથી ભારત તે દેશોની સૂચિમાં આવ્યો હતો જ્યાંથી લોકો અંતરિક્ષ યાત્રા પર ગયા હતા.
લગભગ 7 દિવસ, 21 કલાક અને 40 મિનિટ તેમણે અંતરિક્ષ સ્ટેશન, સલયુત 7 પર વિતાવ્યા. આ સમય દરમિયાન, તેમણે તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે વિડીયો કોલ પર વાત પણ કરી હતી. તે સમયે, ઇન્દિરા ગાંધીએ તેમને પૂછ્યું કે, અવકાશમાંથી ભારત કેવું દેખાય છે?
આ પ્રશ્નના જવાબમાં રાકેશ શર્માએ ગર્વથી કહ્યું, “સારે જહાં સે અચ્છા!”
રાકેશ શર્મા તેમના મિશન પછી પૃથ્વી પર પાછા ફરતાની સાથે જ તે રાતોરાત સેલિબ્રિટી બની ગયા. તેમને દિવસ-રાત મીડિયામાંથી ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવતા હતા. આ ઉપરાંત શાળા-કોલેજો માંથી તેમને લેક્ચર આપવા માટે આમંત્રણો આવવા લાગ્યા હતા. આજે પણ, બધા ભારતીયો રાકેશ શર્માનું નામ ખૂબ આદર-સન્માન અને ગૌરવ સાથે લે છે.
તેમને રશિયા દ્વારા ‘હીરો ઓફ સોવિયત સંઘ’ અને ભારત તરફથી અર્જુન ચક્રથી નવાજવામાં આવ્યા હતા. જો કે, આ બધા ઉપર એક ભેટ છે જે રાકેશને છેલ્લા 35 વર્ષથી દર વર્ષે તેમના જન્મદિવસે, નવા વર્ષે અને અંતરિક્ષ યાત્રાની વર્ષગાંઠ નિમિત્તે મળે છે. હકીકતમાં, રાકેશનાં અંતરિક્ષમાંથી પાછા ફર્યાના એક વર્ષ પછી, તેમને કિશનસિંહ ચૌહાણ દ્વારા લખાયેલો અમદાવાદથી એક પત્ર મળ્યો હતો.
કિશનસિંહ અમદાવાદમાં પાનની દુકાન ચલાવે છે. બાળપણમાં, નીલ આર્મસ્ટ્રોંગ, વિક્રમ સારાભાઇ વિશે સાંભળીને મોટા થયેલા કિશનસિંહને હંમેશાં ખગોળશાસ્ત્રમાં રસ હતો. પરંતુ ઘરની આર્થિક સ્થિતિને કારણે તે આગળ અભ્યાસ કરી શક્યા નહીં. પરંતુ તેમણે રેડિયો પર સાંભળ્યું કે, એક ભારતીયએ સફળ અંતરિક્ષ યાત્રા કરી છે, ત્યારે તેઓને ખૂબ જ ખુશી થઈ અને તેઓ પત્ર લખતા પોતાને રોકી શક્યા નહીં. કિશન સિંહ પાસે તેમનું સરનામું નહોતું, તેથી તેમણે ભારતીય વાયુસેનાની મુખ્ય કચેરીમાં પત્ર મોકલ્યો હતો.

થોડા દિવસો પછી, જ્યારે રાકેશને આ પત્ર મળ્યો ત્યારે તેમને ખબર પડી કે કિશનસિંહ તેમના મોટા ચાહક છે. તેમણે પત્રનો જવાબ લખીને અભિનંદન બદલ તરત જ તેમનો આભાર માન્યો અને સાથે જ સમયે સમયે લખવાનું ચાલુ રાખવા પ્રેરણા આપી. તે બાદથી, હવે દર વર્ષે કિશનસિંઘ તેમને વર્ષમાં ત્રણ વખત પત્ર મોકલે છે, એક તેમના જન્મદિવસ પર, એક નવા વર્ષ પર અને એક તેમની અવકાશ મુસાફરીની વર્ષગાંઠ માટે એટલે કે 2 એપ્રિલે. રાકેશ પણ જવાબમાં તેમને પત્ર લખે છે. પત્ર લખવાની આ પ્રક્રિયા ચાલુ જ નહીં અને 2010માં એક દિવસ અચાનક જ રાકેશ શર્મા ખાસ કરીને કિશનસિંહને મળવા માટે અમદાવાદ આવ્યા.
કિશને ક્યારેય વિચાર્યું ન હતું કે, તેમને જવાબ મળશે અને આ વાત તો તેમણે સપનામાં પણ વિચારી ન હતી કે, રાકેશ શર્મા પોતે તેમની પાનની દુકાને તેમને મળવા આવશે.
રાકેશને તેમની સામે જોતાં કિશનસિંહની આંખો ભીની થઈ ગઈ. આ ઐતિહાસિક મિલન બાદ પણ, કિશનસિંહે ક્યારેય રાકેશને પત્ર લખવાનું બંધ કર્યું નહીં અને આજે પણ તેમનો પત્ર સમયસર રાકેશ શર્મા સુધી પહોંચે છે! કિશનસિંહે અમદાવાદ મીરરને જણાવ્યુ,
“હું તેમને 31 માર્ચે એક પત્ર પોસ્ટ કરું છું, જેથી તેઓ સમયસર પહોંચી શકે. અને આજદિન સુધી તેમનો કોઈ પત્ર મોડો પહોંચ્યો નથી.”

ફોટો સૌજન્ય: આ મુલાકાત અમદાવાદ મિરર રાકેશ માટે પણ યાદગાર રહી. તેમણે કહ્યું, “બીજા કોઈને મારી અંતરિક્ષ યાત્રાની તારીખ યાદ રહે કે ન રહે, પરંતુ હું જાણું છું કે આ દિવસ હંમેશાં મને અને કિશનને યાદ રહે છે.”
આવી કિંમતી અને અનોખી મિત્રતા ભાગ્યે જ જોવા મળે છે. રાકેશ અને કિશનસિંહનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને આદરનો સંબંધ આપણી આવનારી પેઢી માટે પ્રેરણારૂપ છે.
આ પણ વાંચો: ‘ડાયનાસોર રાજકુમારી’ આલિયા સુલ્તાનાના કારણે ગુજરાતમાં આજે સુરક્ષિત છે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.