આપણા દેશને આઝાદી અપાવવામાં અને ત્યારબાદ એ આઝાદીની જાળવી રાખવામાં એવા ઘણા લોકોનો ફાળો છે, જેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજે અમે વાત કરી રહ્યા છીએ ભારત-પાકિસ્તાનના 1971ના યુદ્ધની. સરહદ પર યુદ્ધ તો દેશના સૈનિકો લડ્યા હતા, પરંતુ કચ્છના કેટલાક એવા પણ લોકો હતા, જેઓ આર્મીમાં નહોંતા, છતાં આર્મી સાથે ખભે-ખભે મિલાવી દેશની સુરક્ષા માટે પોતાનાથી બનતી મહેનત કરી હતી, અને તે પણ કોઈપણ જાતના વળતરની આશા વગર.
આજે અમે વાત કરી રહ્યા ભુજના બે ભાઈઓની, નારણજીભાઈ રાઠોડ અને તેમના નાના ભાઈ રાયસિંહજી રાઠોડ, રાયસિંહજી તો અત્યારે હયાત નથી, પરંતુ ધ બેટર ઈન્ડિયાએ નારણજીભાઈ રાઠોડ સાથે વાત કરી, જેઓ પોતે તો પીડબ્લ્યૂડી ડિપાર્ટમેન્ટમાં ફરજ નિભાવતા હતા, પરંતુ નાનપણથી જ દેશસેવા તેમના લોહીમાં હોવાથી તેઓ જ્યારે પણ જરૂર પડે ત્યારે નાના ભાઈ સાથે સેવા માટે પહોંચી જતા.
અત્યારે 79 વર્ષના નારણજીભાઈએ લગભગ 2018 સુધી સેવા આપી છે, એટલે કે, તેમણે 76 વર્ષની ઉંમર સુધી સેવા આપી છે, જે સામાન્ય રીતે કોઈપણ સરકારી કે પ્રાઈવેટ નોકરી કરતાં ઘણી વધારે ગણાય.

નારણજીભાઈ ભુજમાં જ પીડબ્લ્યૂડીમાં નોકરી કરતા હતા તે સમયે જ તેમણે અને તેમના નાનાભાઈ રાયસિંહજીએ માનદ સેવા માટે પહેલ કરી, તે સમયે ભારત દેશ પાસે આર્મીની અછત પણ હતી એટલે તેમની માનદ હોમગાર્ડ તરીકે ભરતી કરવામાં આવી. જ્યારે પણ તેમની સેવાની જરૂર પડે ત્યારે તેમને લેટર મોકલવામાં આવતો અને નારણજીભાઇને તેમની ઑફિસમાંથી રજા આપવામાં આવતી. આ જ રીતે 1971 ના યુદ્ધમાં પણ તેમણે સેવા આપી હતી.
1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન નારણજીભાઈ, તેમના ભાઈ અને અન્ય એક મિત્રને કલેક્ટર ઑફિસમાં ખાસ ડ્યૂડી સોંપવામાં આવી હતી. આમ તો ત્રણેયના ભાગમાં 8-8 કલાકની ડ્યૂટી હતી, અને બાકીના સમય દરમિયાન કલેક્ટર ઑફિસમાં જ તેમના આરામ અને ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં નારણજીભાઈએ કહ્યું, “એ સમય જ એટલો ચિંતાનો હતો કે, અમને ઊંઘ જ નહોંતી આવતી. બહુ થાક લાગ્યો હોય તો પણ એક-બે કલાક બેઠાં-બેઠાં આરામ કરી લેતા. દેશસેવાનું જૂનુન સવાર હતું તે સમયે, એટલે ખાવા-પીવાનું કે સૂવાનું પણ ભાન નહોંતું. તે જ સમયે મારા ઘરે દીકરાનો જન્મ થયો હતો, પરંતુ મારી પાસે તેના માટે પણ સમય નહોંતો. પરિવારે પણ પૂરતો સહયોગ આપતાં કહી દીધું હતું કે, તમે દેશસેવાની ડ્યૂટી સંભાળો, ઘર-પરિવારનું અમે લોકો જોઈ લેશું.”

મોટાભાગે પાકિસ્તાન દ્વારા રાતના અંધારામાં હુમલા કરવાનો પ્રયત્ન કરવામાં આવતો. એટલે જેવું પણ કોઈ રડારમાં વિમાન પકડાય કે, તરત જ તેમની ડ્યૂટી સિક્યૂરિટી અલાર્મ આપવાની રહેતી. તે સિક્યૂરિટી અલાર્મ વગાડે તેની સાથે જ ભુજ અને સમગ્ર કચ્છ વિસ્તારમાં બ્લેક આઉટ કરી દેવામાં આવતું. તે વખતે તેમની પાસે પણ આસપાસના સમાચારથી અવગત થવા માટે માત્ર એક રેડિયો જ હતો. તે સમયે કલેક્ટર ઑફિસના આ વિભાગમાં માત્ર આ ત્રણ જણ અને કલેક્ટરની જ એન્ટ્રી હતી અને કલેક્ટરે પણ આ ત્રણ જણ માટે એક અલગ ફોન રાખ્યો હતો, જેથી તેઓ કોઈપણ ઈમર્જન્સીમાં ફોન કરે તો કલેક્ટર સાહેબનો ફોન વ્યસ્ત ન આવે.
તે સમયના કચ્છ-ભુજના એક બનાવને યાદ કરતાં નારણજીભાઈએ કહ્યું, “એકવાર ભુજ પાસેની નદીના સૂકા પટને હાઈવે સમજી પાકિસ્તાની વિમાનોએ સંખ્યાબંધ બોમ્બ નાખ્યા, તે સમયે ગામલોકો એટલા બધા ડરી ગયા કે, બીજા દિવસ ભુજમાંથી બહાર જતી બધી જ ટ્રેન અને બસો ફુલ થઈ ગઈ, લોકો શહેર છોડી જવા લાગ્યા. આ સમયે કલેક્ટર સાહેબ વેણુગોપાલ જાતે સ્ટેશન પર ગયા અને બસ પર ચઢી લોકોને સંબોધ્યા. તેમણે લોકોને કહ્યું કે, જો કઈં થશે તો તમારી સાથે-સાથે અમે પણ નહીં બચી શકીએ, એટલે અમારા પર વિશ્વાસ રાખો અને આ રીતે દોડા-દોડ ન કરો. તમે બધા અહીં સુરક્ષિત છો.”

આ બનાવ આંખે જોયા બાદ બધાનો જુસ્સો વધ્યો અને વધારે એનર્જી સાથે દેશ સેવામાં લાગી ગયા. તેમને યુનિફોર્મ પણ આપવામાં આવ્યો હતો અને રાઈફલ ચલાવતાં પણ શીખવાડવામાં આવી હતી. રોજ રાત્રે એક નવો પાસવર્ડ નક્કી કરવામાં આવતો હતો અને એ પાસવર્ડ જણાવ્યા વગર કલેક્ટર ઑફિસમાં કલેક્ટર સાહેબને પણ એન્ટ્રી ન મળતી.
યુદ્ધ પૂરું થયું અને ભારતની જીત થઈ ત્યારે નારણજીભાઈ અને રાયસિંહજીને પણ એટલી જ ખુશી થઈ હતી, એટલે દુશ્મનોના છક્કા છોડાવનાર સૈનિકોને થઈ હતી. પીડબ્લ્યૂડીની નોકરીમાંથી રિટાયર્ડ થયા બાદ પાછા કલેક્ટર ઑફિસમાં દેશસેવામાં લાગી ગયા.

તેમની સેવાઓથી પ્રભાવિત થઈને 1971 ના યુદ્ધ બાદ કલેક્ટર સાહેબ દ્વારા 26 જાન્યુઆરીએ તેમનું મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અત્યાર સુધીમાં સમયાંતરે અલગ-અલગ દેવાઓ માટે ઘણીવાર સન્માન કરવામાં આવ્યું છે. પરંતુ આ બાબતે જણાવતાં નારણજીભાઇ કહે છે કે, અમને ક્યારેય આ માટે પૈસા, મેડલ કે સર્ટિફિકેટની આશા નહોંતી. સ્કૂલમાં એનસીસીમાં જોડાયા હતા ત્યારથી જ દેશ માટે કઈંક કરવાનો હોંશ હતો અને આ માટે જ અમે સેવા આપતા રહ્યા. છેવડે 76 વર્ષની ઉંમરે પરિવારને પણ થોડો સમય આપી શકાય એ માટે તેમણે આ માનદ સેવામાંથી રિટાયર્ડમેન્ટ લીધું.
ધ બેટર ઈન્ડિયા સન્માન કરે છે દેશના આવા વીરલાઓનું જેમણે કોઈપણ જાતની આશા વગર દેશની સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ આપ્યું છે, આવા લોકોના કારણે જ આજે આપણે આઝાદ ભારતમાં નિરાંતનો શ્વાસ લઈ રહ્યા છીએ.
આજે પણ આવા ઘણા લોકો છે, જેમને બહુ મહત્વની સેવા આપી છે, પરંતુ બહુ ઓછા લોકો તેમના વિશે જાણે છે. જો તમે આવી કોઈ વ્યક્તિ વિશે જાણતા હોવ તો અમને જણાવો.
આ પણ વાંચો: 1971: જ્યારે ભુજની 300 મહિલાઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને કરી હતી વાયુસેનાની મદદ!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.