છેલ્લાં બે વર્ષથી આખી દુનિયા કોરોનાનાં કપરા કાળમાંથી પસાર થઈ હતી. ત્યારે વર્ષ 2021ના પહેલાં છ મહિના પણ કોરોનાની છાયા હેઠળ રહ્યા હતા. તો પાછલા છ મહિનામાં કોરોનાનાં કેસમાં ઘટાડો આવતા લોકોએ રાહતનાં શ્વાસ લીધા હતા અને ધીમે ધીમે લોકડાઉન હળવું કરાયુ હતુ. જોકે, હજી પણ કોરોનાથી માનવજાતિને સંપૂર્ણપણે મુક્તિ મળી નથી. હજી પણ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે અને કેટલાક અંશે કોરોનાનાં નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. ત્યારે વાત કરીએ ગુજરાતનાં એવાં લોકોની જેમણે વર્ષ 2021 નિસ્વાર્થ ભાવે મૂંગા જીવો અને લોકોની સેવા કરવાનું ઉમદા કાર્ય કર્યા હતા. તો ચાલો જોઈએ કોણ છે આ લોકો…
ડૉ. રોહિત ભાલાળા
અમદાવાદમાં લાખોની પ્રેક્ટિસ છોડીને કોરોના રોગચાળાનાં સમયગાળામાં આ ડૉક્ટરે પોતાના ગામનાં લોકો માટે કંઈક કરવાનું નક્કી કર્યુ અને અમદાવાદમાં બધું જ સમેટીને પોતાના ગામમાં લોકોની સેવા શરૂ કરી હતી. ડૉ. રોહિત અને તેમના પત્ની ડૉ. ભૂમિએ સમાજનાં મોભી શૈલેષભાઈ સાગપરિયા સાથે મળીને મોવિયામાં કડવા પાટીદાર સમાજનાં બિલ્ડીંગમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી. અહીં ડૉ. રોહિતે સ્વખર્ચે દર્દીઓ માટે લેબોરેટરી અને દવા માટે ફાર્મસી પણ બનાવી હતી. જેથી ગામનાં લોકોને રિપોર્ટ કરાવવા અને દવા ખરીદવા માટે બહાર જવું ન પડે. તો અહીં દર્દીઓની તપાસ અને સારવાર તો એકદમ મફતમાં કરવામાં આવે જ છે, સાથે-સાથે લેબોરેટરી ટેસ્ટ અને દવા માટે પણ તેમની પાસેથી એકદમ નજીવો ચાર્જ લેવામાં આવે છે. એસી હોલમાં 30 બેડની ઑક્સિઝન પાઈપલાઈન સાથેની સુવિધા ઊભી કરી દેવામાં આવી છે.ગામલોકોની સાથે-સાથે હવે બીજા ઘણા લોકો તેમને આર્થિક મદદ કરવા આગળ આવ્યા છે. જેથી અહીં દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ડૉ. રોહિતની સાથે-સાથે બીજા ચાર ડૉક્ટર અને બાર નર્સને પણ પગાર પર લેવામાં આવ્યા છે. જેમાંથી ડૉક્ટર અને નર્સની એક-એક ટીમ બનાવવામાં આવે છે. જેઓ દરરોજ આસપાસના ગામડાંમાં જાય છે અને ત્યાં 4-5 કલાકનો કેમ્પ કરે છે, તેમની તપાસ કરે છે અને જરૂર અનુસાર તેમનો લેબ ટેસ્ટ પણ કરવામાં આવે છે. તેમને જરૂર અનુસાર દવાઓ પણ આપવામાં આવે છે અને જરૂર લાગે તો તેમના આ કોવિડ કેરમાં દાખલ પણ કરવામાં આવે છે. ગામલોકો પણ ડૉ. રોહિતનાં આ કાર્યથી ખૂબજ ખુશ છે. ડૉ. રોહિતનાં માતા હંમેશાંથી દીકરાને એમજ કહેતાં હતાં કે, જો આપણું ભણતર આપણે જ્યાં ઉછર્યા છીએ, મોટા થયા છીએ એ લોકો માટે પણ કામમાં ન આવે તો તેનો કોઈ અર્થ નથી, એટલે તું એમના માટે ચોક્કસથી કઈંક કરજે. માતાનાં આ શબ્દોને યાદ રાખીને ડૉ. રોહિત ભાલાળાએ રોગચાળાનાં સમયમાં ગામડાનાં લોકો માટે કંઈક કરવાનો નિશ્ચય કર્યો હતો.

આ પણ વાંચો: 20 વર્ષથી ડૉક્ટર દંપતિ કરે છે સેવા, રસ્તે ભટકતી 500 અશક્ત મહિલાઓના બચાવ્યા જીવ
જલ્પાબેન પટેલ
જલ્પા બેન એક એવી મહિલા છે જેમણે સેવા કરવામાં પણ અઘરો રસ્તો પસંદ કર્યો છે. આ એવો રસ્તો છે જે કોઇ કાચોપોચો માણસ ન કરી શકે, અને તે છે ગાંડા (માનસિક વિકલાંગ) લોકોની સેવા કરવાનું કાર્ય. આ ભગીરથ કામ કરી રહ્યા છે રાજકોટના જલ્પાબેન પટેલ. જલ્પા પટેલ રાજકોટમાં સાથી ગ્રુપ નામે એક એનજીઓ ચલાવે છે. આ ગ્રુપ માનસિક રીતે અસ્થિર લોકોની સેવા-ચાકરી કરવાનું કામ કરે છે. એક બાળકથી માંડીને 80 વર્ષના વૃદ્ધ લોકોને ખુશીઓ આપવાનું કામ તેઓ કરી રહ્યા છે. જલ્પાબેન એક માતાનાં ભાવથી લોકોની સેવા કરે છે. સાથી ગ્રુપના સેવાકાર્યોની વાત કરીએ તો આ ગ્રુપ રાજકોટમાં અન્ન ક્ષેત્ર ચલાવે છે. ફુટપાથ પર રહેતા લોકોને જમાડવાનું કામ કરે છે. કપડા પણ વહેંચે છે. તેમની કોઇ મુશ્કેલીઓ હોય તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. આ ઉપરાંત આખા ગુજરાતમાં તેમનું આ ગ્રુપ રક્તદાનની પ્રવૃતિ પણ કરે છે. દિવાળી સમયમાં જરુરીયાતમંદોને કપડા અને મીઠાઇનું વિતરણ કરે છે. અનાજની કિટનું પણ વિતરણ થાય છે. મેડિકલ અને ફાઇનાન્સિયલ હેલ્પ પણ કરે છે. આ ગ્રુપ સાથે હાલ 40 થી 45 જેટલા સ્વયંસેવકો જોડાયેલા છે. લોકડાઉન દરમિયાન સાથી ગ્રુપ દ્વારા દરરોજ 10 થી 15 હજાર લોકોને જમાડવામાં આવતા હતા. જલ્પા બહેનની ઈચ્છા આગામી સમયમાં રાજકોટની આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાં ફુટપાથ પર રહેતા બિનવારસી લોકોને કાયમી આશરો મળે તે માટે એક શેલ્ટર હાઉસ ખોલવાની છે.

શીતલબેન અને નિલેશભાઈ
હું નાની હતી ત્યારે મારી મમ્મી મને મંદિરમાં દૂધ ચઢાવવા મોકલે તો, હું તેને રસ્તામાં જ કૂતરાને પીવડાવી દેતી, અને તેના ભાવ જોઈને જ મને સંતોષ મળતો. કારણકે મંદિરમાં ચઢાવેલું દૂધ તો ગટરમાં જાય છે, પરંતુ કૂતરાને એ દૂધ પીવડાવાથી તેની આંતરડી ઠરે છે. આ શબ્દો છે શીતલબેનનાં. વાપીમાં આ કપલ મૂંગા પ્રાણીઓ અને પક્ષીઓ માટે શેલ્ટર હોમ ચલાવે છે. જેનું નામ ‘ટીંકૂ મેમોરિયલ ટ્રસ્ટ.’ છે. અહીં આ બધાં અબોલ પ્રાણી-પક્ષીઓ માટે 36 રૂમ છે. જેમાં કૂતરાં માટે ખાટલા, ગાદલાં સહિતની સુવિધા છે. તો શિયાળામાં ઠંડી ન લાગે એ માટે હીટર અને ગરમીમાં કૂલરની વ્યવસ્થા પણ છે. તો પક્ષીઓ માટે મોટાં-મોટાં પાંજરાં છે. અહીં મોટાભાગનાં પક્ષીઓ એવાં છે, જેમાંની કોઈની પાંખ કપાઈ ગયેલી છે, તો કોઈની આંખ નથી તો કોઈ બીજી બીમારીથી પીડાય છે. આખા વલસાડ જિલ્લામાં ક્યાંય પણ કોઈ પ્રાણી-પક્ષી ઘાયલ થયું હોય તો તેઓ તેમને ફોન કરે છે. તેમણે એક એમ્બ્યૂલેન્સ પણ રાખી છે. જેમાં એક ડ્રાઇવર અને એક ડૉક્ટર હોય છે. તેઓ તરત જ ત્યાં જઈને તેને લઈ આવે છે. તેની અહીં સારવાર કરવામાં આવે છે. નિલેશભાઈ તેને પોતાના ઘરમાં જ રાખે છે અને શીતલબેન ડૉક્ટરની સલાહ મુજબ જાતે સારવાર કરે છે. બંને જણાએ એક વર્ષની ખાસ ટ્રેનિંગ પણ લીધી છે. જેથી તેઓ દવાઓ આપવાથી લઈને વેક્સિન આપવાનું કામ જાતે જ કરે છે, બસ તેની સર્જરી માટે જ ડૉક્ટરની જરૂર પડે છે. અત્યાર સુધીમાં તેઓ લગભગ 50 હજાર પ્રાણીઓ-પક્ષીઓની સારવાર કરી ચૂક્યાં છે. શીતલબેને આસપાસનાં 150 કૂતરાંને દત્તક લીધાં છે, જેમને દિવસમાં બે વાર જાતે જઈને જમાડે છે. શિયાળામાં તેમને ઓઢવા અને પાથરવા કોથળા મૂકે છે. અને નાનાં-નાનાં ગલુડિયાંને ટી-શર્ટ પણ પહેરાવે છે, જેથી તેમને ઠંડી ન લાગે. રોજ સવારે ત્રણ કલાક અને સાંજે 3 કલાક શીતલબેન આ બધાને ખવડાવવામાં પસાર કરે છે. દિવસમાં બેથી ત્રણવાર તેમના શેલ્ટર હોમની મુલાકાત લે છે. ત્યાં તેમણે ત્રણ યુવાનો પણ રાખ્યા છે, જેઓ આ બધાં-પ્રાણીઓ-પક્ષીઓની સંભાળ રાખે છે. આ સિવાય તેઓ જંગલ ડિપાર્ટમેન્ટ સાથે મળીને પણ કામ કરે છે. ત્યાં કોઈપણ સાપ, અજગર, મોર, ઘુવડ કે બીજુ કોઈ પ્રાણી પક્ષી ઘાયલ થાય કે બીમાર પડે તો તેની સારવાર માટે પણ તેઓ લઈ આવે છે. તેમનાં આ કાર્યો માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પણ બે વાર પત્ર લખી તેમનું સન્માન કર્યું છે. તો જંગલ વિભાગ દ્વારા દર વર્ષે પક્ષી બચાવ માટે કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે, જેમાં પણ આ દંપતિનું ખાસ સન્માન કરવામાં આવ્યું છે. આ સિવાય વલસાડના કલેક્ટરશ્રીએ પણ ખાસ સર્ટિફિકેટ આપી તેમનું સન્માન કર્યું છે.
આ પણ વાંચો: 40 મંદબુદ્ધિવાળી બાળાઓની માતા બની સેવા કરે છે 80% દિવ્યાંગ જૂનાગઢનાં નીલમબેન

સોનલબેન પટેલ
દુબઈમાં કોરોનાના આ સંક્રમણકાળના કારણે ઊભી થયેલ સમસ્યાઓમાં જેમની નોકરી છૂટી ગઈ હોય કે, કંપની પગાર કાપીને આપતી હોય તેમના માટે આશીર્વાદરૂપ બન્યા છે સોનલબેન પટેલ. વિદેશમાં મોટી કમાણી કરવાની લાલચે લોકો અમેરિકા અને દુબઈ જાય છે. ત્યાં ગયા બાદ જ્યારે નોકરી ન મળે અને સાથે લઈને ગયેલાં પૈસા પણ પુરા થઈ જાય ત્યારે ખાવા-પીવાનાં લાલા થઈ પડે છે. ત્યારે ભારતથી દુબઈ આવતા આવા લોકોને બે ટાઈમ ફ્રી મા જમાડે છે સોનલબેન પટેલ. કોરોનાનાં લોકડાઉનમાં જે લોકોની નોકરી છૂટી ગઈ હોય કે પગાર કપાઈને આવતો હોય તેમને પણ મફતમાં જમાડે છે.સોનલબેન સોશિયલ મીડિયા અને દુબઈમાં ભારતીયો માટે ચાલતાં વિવિધ ગૄપમાં ખાસ જાહેરાત મૂકે છે. જેમાં ખાસ લખે છે કે, નોકરી છૂટી ગઈ હોય તો જરા પણ અચકાયા વગર ફોન કરો અમે મફતમાં જમવાનું પહોંચાડશું, તો જે લોકોને પગાર કપાઈને આવતો હોય, તેમને જેટલા પણ પોસાય એટલા રૂપિયા જ આપવાના.સવારે 5 વાગે ઊઠીને સોનલબેન એકલા હાથે રોજ 60 લોકો માટે જમવાનું બનાવે છે. ત્યારબાદ કેટલાક લોકો ઘરે આવીને જમી જાય છે તો કેટલાક લોકોને ટિફિન મોકલાવે છે. લૉકડાઉનમાં નોકરી ગુમાવનાર એક ભાઈ તેમનાં આ ટિફિન પહોંચાડવાનું કામ કરે છે. જેમને સોનલબેન બે સમય ગરમાગરમ જમાડવાની સાથે પગાર પણ આપે છે. સોનલબેન ભેદભાવ વગર દરેક વ્યક્તિને જમાડે છે પછી તે વ્યક્તિ ગુજરાતી હોય, મહારાષ્ટ્રીયન હોય, કેરળના હોય, ગોવાના હોય, મદ્રાસના હોય કે પછી પાકિસ્તાનના. સોનલબેનના ત્યાં બે શાક, દાળ, ભાત, 6 રોટલી, પાપડ, સલાડ, અથાણુંની ફુલ થાળીના એક મહિનાના 350 દિરામ છે તો, એક શાક, ચાર રોટલી, દાળ-ભાત, સલાડની થાળીના મહિનાના 250 દિરામ છે. પરંતુ અત્યારે સાંજે જમવા આવતા લગભગ 40 લોકોની વાત કરવામાં આવે તો, તેમાંથી માત્ર 10 ટકા લોકો જ પૂરા પૈસા ચૂકવવા સક્ષમ છે, તો અડધાથી વધારે તો અડધું બીલ જ ચૂકવી શકે છે. પરંતુ સોનલબેન આ બધામાં ક્યારેય કોઈ ભેદભાવ નથી રાખતા. બધાને એકસરખા પ્રેમભાવથી ખવડાવે છે. મોટાભાગના લોકોને સોનલબેન આજદિન સુધી મળ્યાં પણ નથી, બસ તેમના સરનામે ટિફિન મોકલાવી દે છે. બસ કોઈ-કોઈ વાર ફોન પર વાત થઈ જાય છે. કોરોનાની શરૂઆતમાં જ્યારે સોનલબહેન ભારત આવ્યા હતા અને ફ્લાઈટ બંધ થઈ જતાં અહીં જ રોકાઈ જવું પડ્યુ હતુ. ત્યારે પણ તેઓએ આઈ એમ હ્યુમન ગૃપ સાથે મળીને હજારો લોકોને ભોજન પહોંચાડ્યું હતુ. આમ વિદેશમાં પણ આ રીતે માનવતાની મહેક ફેલાવતાં ભારતીયો ત્યાં પણ આપણા દેશના સંસ્કાર દર્શાવે છે.

આ પણ વાંચો: એક કશ્મીરી પંડિત પરિવાર, જે પોતાનું બધુ જ ગુમાવી બન્યો છે 360 મૂંગા પ્રાણીનો આધાર
ઋષિત મસરાણી
31 વર્ષના ધરમપુરના ઋષિત મસરાણી ત્રણ માસ્ટર્સ કર્યા બાદ એમએડ કર્યુ. તે બાદ જીપીએસસી, ટેટ, ટાટની પરિક્ષાઓ પણ પાસ કરી. તેમને સરકારી નોકરીની સાથે-સાથે બેન્કમાં અને બેંગ્લોર અને જર્મનીમાં પણ નોકરી મળતી હતી. પરંતુ નોકરી કરવાનાં બદલે ઋષિતે આદિવાસીઓ માટે કંઈક કરવાનું નક્કી કર્યુ અને આ નિશ્ચય સાથે જ તેમણે 2005માં ‘મસ્તી કી પાઠશાળા’ શરૂ કરી હતી, જેમાં તેઓ ઝુંપડપટ્ટી વિસ્તારમાં બાળકોને ભણાવવાનું કામ કરતા હતા. ધરમપુર અને કપરડામાં 12 પાઠશાળા ચાલે જ છે, સાથે-સાથે આસપાસનાં ગામ અને સૂરત, નવસારી, જામનગર, વલસાડ, વેરાવળ, અમદાવાદ, વડોદરા, પાકિસ્તાન, લેસ્ટર, મધ્યપ્રદેશમાં પણ તેમને વોલેન્ટિયર્સ મળી ગયા છે, જેઓ કોરોનાની સ્થિતિ સુધરતાં જ ત્યાં મસ્તી કી પાઠશાળા શરૂ કરશે. ધરમપુરમાં ઋષિતભાઇ એક એકેડમી ચલાવે છે. જેમાં તેઓ સ્પર્ધાત્મક પરિક્ષા માટે અંગ્રેજીના ક્લાસ ચલાવે છે. આ સિવાય તેઓ ખેડૂત પણ છે અને અન્ય વ્યવસાય પણ કરે છે. તેમણે ચાની દુકાન પણ શરૂ કરી છે, ‘પહેલ ટી સ્ટોલ’.અહીં ઋષિતભાઇ અને તેમનાં પત્ની તો કામ કરે જ છે, સાથે-સાથે બીજા ચાર લોકોને પણ રોજગારી આપે છે. અને આમાંથી જે પણ કમાણી થાય તેને તેઓ ‘પ્રોજેક્ટ અન્નપૂર્ણા’ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને ટિફિનસેવા આપે છે. કોરોના સંક્રમણ દરમ્યાન હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે ભોજન અને ચાની વ્યવસ્થા કરતા હતા. તો સાથે પોલીસ અને સરકારી અધિકારીઓને પણ ચા-નાસ્તો કરાવતા હતા. લોકડાઉન દરમ્યાન પાંચ હજાર જેટલાં પ્રવાસી મજૂરોને જમાડ્યા હતા. ઋષિતભાઇ સાથે લગભગ 1200 વોલેન્ટિયર્સ પણ છે, જેઓ મદદ માટે તેમની સાથે ખડેપગે તૈયાર રહે છે. તો લોકડાઉન દરમ્યાન લોકોને રોજી-રોટી મળી રહે તે માટે તેમણે લોકો પાસે માસ્ક બનાવડાવીને વેચ્યા હતા તો અન્યો પાસે પાપડ, અથાણાં, ખાખરા વગેરે બનાવડાવીને વેચવામાં મદદ કરી હતી. તો ખેડૂતોને 30,000 કરતા વધારે ફળફળાદીનાં રોપા આપીને રોપાવડાવ્યા જેથી ભવિષ્યમાં તેમાંથી રોજી મળી શકે. ઋષિતભાઇ ગુજરાતના પહેલા એવા પુરૂષ છે, જેઓ અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં જઈને વર્ષોથી મહિલાઓ અને છોકરીઓને માસિક અંગેની માહિતી આપે તેમને સેનેટરી પેડ અંગેની સભાનતા આપે અને તેમને સેનેટરી પેડનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ શીખવાડે. ગયા વર્ષે તેમનાં લગ્ન થતા હવે પૂર્વજાબેન પણ તેમની સાથે ઘરે-ઘરે જાય છે. મહિલાઓને સેનિટરી પેડની સાથે આંતરવસ્ત્રો પણ પણ આપે છે. તો સાથે જ ઝૂંપડાઓમાં સોલાર લાઈટ પ્રોવાઈડ કરે છે. આ દંપતિએ શરૂ કર્યો છે ‘પ્રોજેક્ટ પોષક’. જેમાં તેઓ ગામની અને આસપાસની ગર્ભવતી મહિલાઓને પોષકતત્વોથી ભરપૂર એક ટોપલો આપે છે. જેમાં ઘી, ખજૂર, મગ, સોયાબિન, ચણા, ગોળ, પાલક વગેરે આપે છે. આ ટોપલો તેઓ તાજેતરમાં માસિક શરૂ થયું હોય તેવી છોકરીઓને પણ આ ટોપલો આપે છે. ‘પ્રોજેક્ટ લક્ષ્મી’ અંતર્ગત દરમિયાન તેમણે લૉકડાઉન દરમિયાન જે પણ લોકોની રોજીરોટી છીનવાઇ હોય તેમને ફરી કોઇ નવો ધંધો શરૂ કરવા 2-2 હજાર રૂપિયા આપ્યા. જેમાં કેટલાક લોકોએ રમકડાનો, તો કેટલાક લોકોએ નાસ્તાનો તો કેટલાક લોકોએ ચાનો ધંધો શરૂ કર્યો. આ સિવાય ‘વેદાંશી દિવ્યાંગ’ નામનો એક નવો પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. જેમાં દિવ્યાંગોને દયાપાત્ર બનાવવાની જગ્યાએ તેમને પગભર કરવામાં આવે છે. તેમણે 8 દિવ્યાંગોને નાની-નાની દુકાન પણ ખોલી આપી છે. જેથી તેઓ આત્મનિર્ભર બને. જેમાં અત્યાર સુધીમાં 30 લોકોને આત્મનિર્ભર બનાવ્યા છે. આ સિવાય ‘પ્રોજેક્ટ છત્રછાયા’ અંતર્ગત રસ્તાઓ પર રહેતા લોકોને તેઓ તાડપત્રી આપે છે. જેથી વરસાદ સમયે પણ તેઓ તેમના ઘર કે ઝૂંપડાને બચાવી શકે.

ધ બેટર ઈન્ડિયા સલામ કરે છે આવા લોકોને જેઓ નિસ્વાર્થ ભાવે લોકોની અને મૂંગા જીવોની મદદ કરવા માટે હંમેશા આગળ આવે છે. અને આવા કાર્યો હંમેશા કરતા રહે તેવી શુભકામના પાઠવે છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 2 ફ્રી ટિફિનથી કરેલ શરૂઆત પહોંચી 1200 એ, જામનગરની સંસ્થા દરરોજ જમાડે છે જરૂરિતમંદોને
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.