કર્મચારી ભવિષ્ય નિધિ (Employee Provident Fund) અંતર્ગત તમે અને તમારા નોકરીદાતા એક એકાઉન્ટમાં દર મહિને અમુક નિશ્ચિત રકમ જમા કરે છે. આ રકમ તમને નિવૃત્તિના સમયમાં કામમાં આવી શકે છે. તમે નોકરી બદલો છો તેની સાથે સાથે તમારો પીએફ નંબર પર બદલાય છે. પરંતુ સંચુક્ત EPF એકાઉન્ટ એક જ રહે છે. EPF એકાઉન્ટનો 12 આંકડાનો એક યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) હોય છે.
થોડા સમય પહેલા EPFO એટલે કે કર્મચારી નિધિ સંગઠને સંયુક્ત પોર્ટલમાં એક નવી સુવિધા આપી છે. જેને પગલે કર્મચારી એક કંપની છોડ્યા બાદ સરળતાથી EPFO રેકોર્ડમાં નોકરી છોડવાની તારીખ નાખી શકે છે. જેનાથી પ્રોવિડન્ટ ફંડમાંથી રકમ ટ્રાન્સફર કરવામાં અને ઉપાડવામાં ખૂબ જ સરળતા રહે છે.
આ એક નવી સુવિધા પહેલા ફક્ત કંપની પાસે જ એવો અધિકાર હતો કે તે પોતાના જૂના કર્મચારીઓની નોકરી છોડવાની તારીખ પોર્ટલ પર અપડેટ કરે.
તારીખ કેવી રીતે અપડેટ કરવી:
- સૌથી પહેલા સભ્યો માટેના સંયુક્ત પોર્ટલ પર લૉગ ઈન કરો. પોતાનો યૂનિવર્સલ એકાઉન્ટ નંબર અને પાસવર્ડ દાખલ કરો.
- જે બાદમાં તમને પોર્ટલનું હોમ પેજ દેખાશે. અહીં તમે ‘વ્યૂ/View’ ટેબ પર ક્લિક કરો અને ‘સર્વિસ હિસ્ટ્રી’ પર જાઓ.
- આ ટેબમાં તમને તમારી તમામ જૂની કંપનીઓની યાદી મળશે. જેમાં દરેક કંપનીમાં જોડાવાની અને છોડવાની તારીખ પણ હશે.
- જો અહીં તમારી કંપની છોડવાની તારીખ નથી તો તમે તેને અપડેટ કરી શકો છો.

કંપની છોડવાની તારીખ કેવી રીતે દાખલ કરવી:
તમે સૌથી પહેલા ‘મેનેજ’ ટેબ પર ક્લિક કરો, જેનાથી તમને ‘માર્ક એક્ઝિટ/Mark Exit’ વિકલ્પ દેખાશે. જેના પર ક્લિક કરવાથી નવું પેજ ખુલશે, અહીં તમારે તમારી કંપની પસંદ કરવાની છે.
કંપની પસંદ કર્યા બાદ તમે આ જાણકારી પણ ભરો- જન્મ તારીખ, કંપનીમાં જોડાવાની તારીખ, કંપની છોડવાની તારીખ. જો તમને નોકરી છોડવાની ચોક્કસ તારીખ યાદ નથી તો તમે તે મહિનાની કોઈ પણ તારીખ નાખી શકો છો જે મહિનામાં કંપનીએ અંતિમ વખત પીએફ જમા કરાવ્યું હોય. અન્ય જરૂરી માહિતી પહેલાથી જ ભરેલી હશે.
જરૂરી વાત: જો તમે હાલમાં જ નોકરી છોડી છે તો તમારે નોકરી છોડવાની તારીખ અપડેટ કરવા માટે બે મહિનાની રાહ જોવી પડશે.
ફંડમાથી પૈસા ઉપાડ્યા પહેલા જાણો જરૂરી વાતો:
- ફંડમાંથી પૈસા ઉપાડતા પહેલા જાણી લો કે તમે એ જ કંપનીનું ફંડ ઉપાડી શકો છો જેમાં તમે કામ નથી કરી રહ્યા.
- નોકરી છોડ્યાના એક મહિના પછી તમે 75 ટકા જમા રાશિ ઉપાડી શકો છો અને બાકીની રકમ સાથે તમારું EPFO એકાઉન્ટ ચાલુ રાખી શકો છો.
- બાકીની 25 ટકા રકમ તમે નોકરી છોડ્યાના 2 મહિના પછી ઉપાડી શકો છો.
- રાશિ ઉપાડ્યા પહેલા પોર્ટલ પર તમારા આધાર કાર્ડની વિગત વેરીફાઈ થયેલી હોવી જોઈએ.
- પીએફ એકાઉન્ટમાંથી રાશિ સીધી જ તમારી બેંકમાં જમા થાય છે એટલે બેંકની વિગત ખૂબ જ ધ્યાનથી ભરો.
જરૂરી કાગળ તૈયાર રાખો:
સૌથી પહેલા કેન્સલ ચેક અથવા પાસબુકના પ્રથમ પેજની સ્કેન કૉપી, જેમાં IFSC કોડ હોય છે તેના સંભાળીને રાખી લો.
Form 15G ને ભરીને તેની એક સ્કેન કૉપી તૈયાર રાખો જેનાથી એવું સુનિશ્ચિત થાય કે કોઈ ટીડીએસ નથી કપાયો.
પ્રક્રિયા:
- સંયુક્ત પોર્ટલ પર લૉગ ઈન કરો.
- ‘વ્યૂ/View’ ટેબ પર જઈને ‘સર્વિસ હિસ્ટ્રી’ પર જાઓ. અહીં તમને એ કંપનીઓની યાદી મળશે જેમાં તમે કામ કર્યું હશે.
- તમે કંપની છોડવાની તારીખ જરૂરથી નાખજો નહીં તો તમને Form19/10C વિકલ્પ નહીં મળે, જે પૈસા ઉપાડવા માટે જરૂરી છે.
- જે બાદમાં સારી રીતે તમામ વિગતો તપાસીને સબમીટ કરી દો.
- જે બાદમાં ડૉક્યુમેન્ટ અપલોડ કરો અને બાદમાં ‘Generate Claim Form’ પર ક્લિક કરો.
- સર્ટિફિકેશન ચેક કરો. જે બાદમાં તમને એક મેસેજ આવશે કે પીએફ ઉપાડવા માટેનું ફોર્મ સફળતાપૂર્વક જનરેટ થઈ ગયું છે.
- જે બાદમાં ‘Get Aadhaar OTP’ પર ક્લિક કરો.
- ‘હું આધારની જાણકારીનો ઉપયોગ કરીને ક્લેમ માટે અરજી કરી રહ્યો/રહી છું’- લખેલા ચેક બૉક્સ પર ટીક કરો.
ધ્યાન રાખો કે એક વખત આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, EPF ઉપાડવાની તમામ ઑનલાઇન અરજી, કંપનીના અપ્રૂવલ બાદ સાત દિવસમાં પ્રોસેસ થઈ જવી જોઈએ. તમારી અરજી બાદ કંપનીની જવાબદારી છે કે તે સમયસર અપ્રૂવલ આપી દે.
મૂળ લેખ: વિદ્યા રાજા
આ પણ વાંચો: નવું ગેસ કનેક્શન લેવું છે પરંતુ ખબર નથી આખી કેવી રીતે? અહીં જુઓ આખી પ્રક્રિયા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.