આધુનિક ઘરોમાં વપરાતા નોન-સ્ટીક અથવા એલ્યુમિનિયમ વાસણો તમારા રસોડાની સુંદરતામાં વધારો કરી શકે છે પરંતુ તેમાં રાંધવું તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. સૌથી પહેલાં તો નોન-સ્ટીક કોટિંગ માટે વપરાયેલ પોલિટેટ્રાફ્લોરોઇથિલિન ખૂબ જ હાનિકારક છે. બીજી બાજુ, એલ્યુમિનિયમ પણ સ્વાસ્થ્ય માટે સારું નથી. તેથી ખાતરી કરો કે તમે ખોરાકને સુરક્ષિત રીતે રાંધો જેથી તમારો ખોરાક તમામ પ્રકારના સિન્થેટીક્સથી સુરક્ષિત રહે.
આ વાસણના વિકલ્પમાં તમને આજે પણ ઘણા ઘરોમાં સ્ટીલ, લોખંડ અને માટીના વાસણો જોવા મળશે. આજકાલ બજારોમાં સ્ટીલ અને લોખંડના વાસણો જોવા મળે છે પણ માટીના વાસણો બધે મળતા નથી. આનું કારણ પણ આપણી સાથે સંબંધિત છે. આધુનિકતાના પગલે લોકોએ માટીકામ વાપરવાનું બંધ કરી દીધું હતું અને તેના કારણે તેમને બનાવનારા કારીગરો, જેને કુંભાર કહેવાતા હતા, તેઓ પણ આ કામથી દૂર થઈ ગયા હતા. કારણ કે હવે તેમણે પોતાનું ઘર ચલાવવાનું છે, તેથી તેમણે અન્ય વ્યવસાયોમાં જોડાવાનું શરૂ કર્યું.
પરંતુ સમયની સાથે લોકો હવે સમજી રહ્યા છે કે આધુનિકતાના યુગમાં આપણે આપણા સ્વાસ્થ્ય સાથે રમી રહ્યા છીએ, જે યોગ્ય નથી. તેથી ફરી એકવાર લોકો તેમની પરંપરાગત રીતો પર પાછા ફરી રહ્યા છે અને માટીનાં વાસણો ખરીદી રહ્યા છે. નાના શહેરો અને ગામોમાં તો આસપાસ માટીનાં વાસણો શોધવાનું સરળ છે પરંતુ મોટા શહેરોમાં રહેતા લોકો માટે તે થોડું મુશ્કેલ બની જાય છે.
આજે, ધ બેટર ઇન્ડિયા તમને જણાવે છે કે તમે આ વાસણો ઓનલાઇન ક્યાંથી ખરીદી શકો છો. સૌથી સારી બાબત એ છે કે માટીના વાસણો ખરીદીને, તમે માત્ર માત્ર પોતાના માટે સારું પગલું લો છો એવું નથી, પણ તમારી ખરીદીથી કારીગરોને ટેકો મળે છે.

માટીના વાસણો આરોગ્યથી ભરપૂર છે:
- માટીના વાસણો પર્યાવરણને અનુકૂળ અને બાયોડિગ્રેડેબલ હોય છે. તેઓ પ્રકૃતિને નુકસાન કરતા નથી.
- માટીના વાસણો પ્રકૃતિમાં આલ્કલાઇન છે, જેના કારણે તે ખોરાકના પીએચ સ્તરને સંતુલિત કરે છે.
- ઉપરાંત, નોન-સ્ટીક વાસણોની તુલનામાં તેઓ સસ્તા પણ છે.
ક્યાાંથી ખરીદી શકો છો માટીનાં વાસણો?
- મિટ્ટીકૂલ:

મિટ્ટીકૂલની શરૂઆત ગુજરાતના મનસુખભાઈ પ્રજાપતિ દ્વારા થઈ અને તેઓ માટીના વાસણથી લઈને વીજળી વગર ચાલતા માટીના ફ્રિજ પણ બનાવી રહ્યા છે. કુંભાર પરિવારમાં જન્મેલા મનસુખનો પરિવાર ક્યારેય ઇચ્છતો ન હતો કે તે માટીનું કામ કરે કારણ કે તેમાં કશું જ બચ્યું નથી. પણ મનસુખભાઈએ નવા વિચારો લાગુ કરીને અદ્યતન પ્રકારના વાસણો અને અન્ય વસ્તુઓ બનાવી. તેનો રસ્તો મુશ્કેલ હતો પણ તેમણે હાર ન માની.
આજે તેમનું નામ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છે. તેમણે મિટ્ટીકૂલ દ્વારા ઘણા કુંભારોને રોજગારી પણ આપી છે.

તમે તમામ પ્રકારના વાસણો જેવા કે તવા, ગ્લાસ, થાળી, હાંડી, પાણીનો જગ, બોટલ વગેરે મિટ્ટીકૂલથી ખરીદી શકો છો. વળી, તેમનું ફ્રિજ પણ ખૂબ પ્રખ્યાત છે. Mitticoolનાં વાસણો ખરીદવા માટે અહીં ક્લિક કરો:
- રાજેન્દ્ર ક્લે હેંડીક્રાફ્ટ:
રાજેન્દ્ર પ્રસાદ પ્રજાપતિ વર્ષ 1990થી માટીનાં વાસણ બનાવી રહ્યા છે. તેમણે પોતાનો વ્યવસાય તત્કાલીન વડાપ્રધાન ચંદ્રશેખરની મદદથી શરૂ કર્યો હતો. હરિયાણાના ભોંડસીમાં સ્થિત ભારત યાત્રા કેન્દ્રમાં તેમની દુકાન છે. અહીંથી તમે તમારા રસોડા માટે કડાઈ, હાંડીથી લઈને ફ્રાય પેન સુધીના તમામ પ્રકારના વાસણો મેળવી શકો છો.

રાજેન્દ્ર તમામ વાસણો જાતે બનાવે છે અને તેમનો પરિવાર આમાં તેમને સંપૂર્ણ સાથ આપે છે. સમયની માંગને સમજીને રાજેન્દ્રએ બહુજ નવી-નવી આઈટમ્સ બનાવવાની પણ શરૂ કરી છે, જેમકે, કેટલ, જગ, બોટલ વગેરે. તમે તેમની વેબસાઇટ પર વિગતવાર તેમના વાસણોને જોઈ શકો છો. રાજેન્દ્રએ પોતાની યુટ્યુબ ચેનલ પણ બનાવી છે, જેના પર તે પોતાના વાસણો વિશે જણાવે છે અને તે પણ જણાવે છેકે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
રાજેન્દ્ર પાસેથી તમે વાસણો ઓનલાઈન ખરીદી શકો છો અને જો તમે ગુરુગ્રામ નજીકના કોઈપણ શહેરમાં રહો છો તો તેની દુકાનની મુલાકાત પણ લઈ શકો છો! અહીં ક્લિક કરો!
- ઝિસ્ટા કુકવેર:
બેંગ્લોર સ્થિત, ઝિસ્ટા કુકવેરની શરૂઆત ત્રણ લોકોએ મળીને કરી- આર્ચિશ માધવન, મીરા રામકૃષ્ણન અને વરીશ્તા સંપતે. આની પાછળ તેમનો ઉદ્દેશ દિવસે-દિવસે ખતમ થઈ રહેલી ભારતની પરંપરાગત જ્ઞાન અને વસ્તુઓને બચાવવાનો છે.
ઝિસ્ટા દ્વારા, તેમણે દેશભરમાં 80 થી વધુ કારીગરોને કામ આપ્યું છે. ઉપરાંત, તેઓ લોકો માટે પરંપરાગત અને પર્યાવરણને અનુકૂળ વાસણો લાવી રહ્યા છે. ઝિસ્ટા કુકવેરથી તમે લોખંડ અને સોપસ્ટોનથી બનેલા વાસણો તેમજ માટીના વાસણો ખરીદી શકો છો.
અહીંથી તમે કડાઈ, હાંડી અને જગની સાથે સાથે ચોખા પકવવા માટે ખાસરીતે તૈયાર પૉટ પણ ખરીદી શકો છો. આ પોટ એક ખાસ પ્રકારનાં ઢાંકણ સાથે આવે છે, જેમાં તેને છિદ્રો સાથે સ્ટ્રેનરનું રૂપ આપવામાં આવ્યું છે.
આજે જ આ પોટ ખરીદવા માટે અહીં ક્લિક કરો!
- માટીસુંગ:
દિલ્હી સ્થિત માટીસુંગ એન્ટરપ્રાઇઝની સ્થાપના નેશનલ એવોર્ડથી સમ્માનિત કારીગર દુલીચંદ પ્રજાપતિના પુત્ર રાજ પ્રજાપતિએ કરી હતી. દુલીચંદ 40 વર્ષથી વધુ સમયથી માટીનું કામ કરી રહ્યા છે.

દુલીચંદે 9 ફૂટની વાઇન બોટલ, 4 ફૂટના વાઇન ગ્લાસ, 21 મ્યુઝિકલ ઈંન્સ્ટ્રુમેન્ટ્સની સાથે એક પૉટ વગેરે પણ બનાવ્યા છે. તેમનું કામ અને તેમની વિચારસરણી જોઈને રાજે વિચાર્યું કે તેમના વારસાને દેશ અને દુનિયામાં કેમ ન લઈ જવા જોઈએ અને તેમણે માટીસુંગ શરૂ કર્યું.
બોટલ, બાઉલ, ચશ્મા, હાંડી-કડાઈ વગેરે બનાવવાની સાથે, તમે માટીસુંગમાંથી માટીના કૂકર પણ ખરીદી શકો છો. તેમણે ચપાતી રાખવા માટે બોક્સ અને ઇડલી મેકર પણ બનાવ્યા છે. તમે તેમની પાસેથી બલ્ક ઓર્ડર પણ કરી શકો છો.
આજે માટીકામ ખરીદવા અહીં ક્લિક કરો!
- ક્લે હોટ પોટ:

તમે માટીના વાસણો ખરીદવા માટે ક્લે હોટ પોટ પણ ચકાસી શકો છો. અહીંથી તમે પ્લેટ-બાઉલ, ગ્લાસ વગેરે સાથે બિરયાની હાંડી, ટિફિન વગેરે ખરીદી શકો છો. જો તમે તમારા ઘર માટે માટીનો ચૂલો ખરીદવા માંગો છો, તો તમે તે પણ ખરીદી શકો છો. અહીં ક્લિક કરો!
કેવી રીતે વાપરવું:
માટીના વાસણો ખરીદ્યા પછી, સૌ પ્રથમ, તેમને ઓછામાં ઓછા એક દિવસ પાણીમાં પલાળી રાખો.
તે પછી સૂકાયા પછી તેનો ઉપયોગ કરો.
તમે દરરોજ રાંધતા પહેલા લગભગ 15-20 મિનિટ સુધી પાણીમાં પલાળીને વાસણોનો પણ ઉપયોગ કરી શકો છો.
ખૂબ તેજ જ્યોત પર ક્યારેય રાંધશો નહીં. હંમેશા જ્યોત ઓછી અથવા મધ્યમ સ્તર પર રાખો
રસોઈ કર્યા પછી, વાસણને સીધું સ્લેબ પર ન રાખો, તેના બદલે તેને ઠંડુ થવા દો, નહીં તો તમે તેને કપડા પર રાખી શકો છો.
માટીના વાસણો ધોવા માટે તમે સાબુ અથવા ડીશવોશિંગ પ્રવાહીનો ઉપયોગ કરી શકતા નથી. આ માટે તમારે રાખ, માટી અથવા બેકિંગ પાવડરનો ઉપયોગ કરવો પડશે.
સ્ટીલના વાસણો માટે ઉપયોગમાં લેવાતા સ્ક્રબને બદલે, તમે નાળિયેરની છાલમાંથી બનાવેલ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. તમને આ ઓનલાઇન પણ મળશે.
વાસણો ધોયા પછી સારી રીતે સુકાવા દો, તે બાદ જ તેને સ્ટોરમાં રાખો.
વિડીયો જુઓ:
માટીના વાસણોનો ઉપયોગ કરવા માટે તમારે તમારી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવા પડશે, પરંતુ મારો વિશ્વાસ કરો, આ પરિવર્તન તમને વધુ સારી આવતીકાલ તરફ લઈ જશે!
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: નાની ઉંમરે વાળ સફેદ થવા લાગ્યા હોય તો ઘરે જ બનાવો આ ખાસ આયુર્વેદિક તેલ, થશે ફાયદો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.