એક સમય હતો જ્યારે આપણા બધાંના ઘરમાં અથાણું, મુરબ્બો, પાપડ, દાળની વડી જેવી અનેક વસ્તુઓ બનાવવામાં આવતી હતી. ઘરમાં દાદી-નાની આવી બધી વસ્તુઓ આખા વર્ષ માટે બનાવતાં હતાં. આમ તો ઘણાં ઘરોમાં આજે પણ તેને બનાવવામાં આવે છે. ઘણા લોકો માત્ર પોતાના માટે નહીં પરંતુ આડોશી-પડોશી અને સગાં-વહાલાં માટે પણ અથાણાં અને બીજી વસ્તુઓ બનાવે છે. આજે અમે તેમને એક એવી વ્યક્તિ સાથે મળાવી રહ્યા છીએ, જેમણે આવી ઘરેલું વાનગીઓને બજાર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. આ પ્રેરક કહાની છે દિલ્હીમાં આવેલ ‘જયનિ પિકલ્સ’ ની ફાઉન્ડર, યાચના બંસલની.
એક પ્રાઈવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરતાં, 40 વર્ષીય યાચનાએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “મારી સાસુના હાથમાં જાદુ છે. તેઓ ખૂબજ સ્વાદિષ્ટ વડી અને અથાણાં બનાવે છે. જોકે આજથી અઢી વર્ષ પહેલાં સુધી તેઓ માત્ર ઘર અને સગાં-સબંધીઓ માટે જ અથાણાં બનાવતાં હતાં. એકવાર મારા પતિના એક મિત્ર ઘરે જમવા આવ્યા અને તેમણે આ અથાણું ચાખ્યું. એ ચાખતાં જ તેમણે કહ્યું કે, આતો બીજાં માટે પણ બનાવવું જોઇએ. અમે તેમની વાતને બહુ ગંભીરતાથી ન લીધી. ત્યારબાદ તેમણે અમારા ઘરેથી અથાણું મંગાવ્યું અને તેમના ઘરમાં જેણે પણ એ અથાણું ખાધું તેને બહુ ભાવ્યું. એટલે તેમણે અમને ફરીથી કહ્યું કે, આ બાબતે વિચારવું જોઈએ. ત્યારે અમને લાગ્યું કે, કઈંક કરી શકાય એમ છે.”
આ ઘટના બાદ યાચનાએ ઘરેથી જ પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચાર્યું. પહેલાં માત્ર અથાણાં બનાવતાં હતાં, પરંતુ હવે અડદની દાળ અને મગની દાળની વડીની સાથે-સાથે ઘણા પ્રકારના મુરબ્બા પણ બનાવે છે. તેઓ કહે છે, “અમે નાનાં-નાનાં પગલાં લીધાં. શરૂઆતના છ મહિના, અમારી વાનગીઓ બનાવી અને તેમને માર્કેટમાં આવ્યાં. ત્યારબાદ, અને અમારું કામ શરૂ કર્યું અને છેલ્લા દોઢ વર્ષથી અમે સતત આગળ વધી રહ્યા છીએ. અથાણાં અને દાળની વડીઓ અમે જાતે જ બનાવીએ છીએ. આ વાનગીઓ સંપૂર્ણ રીતે ઑર્ગેનિક છે. અમે જે પણ બનાવીએ છીએ, તેને પહેલાં ઘરે ઉપયોગ કરીને તપાસીએ છીએ અને પછી જ ગ્રાહકો સુધી પહોંચાડીએ છીએ.”
યાચનાના પરિવારના બધા જ લોકો આ કામમાં તેમની મદદ કરે છે. તેમના પતિ, સાસુ અને ભાભી વાનગીઓ બનાવવામાં મદદ કતે છે. તેમના ભાઈ ગગન સિંઘલ, માર્કેટિંગમાં તેમની મદદ કરે છે. તેઓ કહે છે કે, તેમના પરિવારના સહયોગથી જ તેઓ આટલાં આગળ વધી રહ્યાં છે.
તેમની બનાવેલ દાળની વડીઓ, અથાણાં વગેરે તેમની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પેજ ની સાથે-સાથે, અમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ છે.
યાચના આજે આપણને જણાવે છે કે, જો કોઈ ઘરેથી દાળની વડીનો વ્યવસાય કરવા ઈચ્છે તો, કેવી રીતે શરૂઆત કરવી –

- કેવી રીતે બનાવવી દાળની વડી?
તેઓ જણાવે છે, ઘણો ઘરોમાં, ખાસ કરીને ઉત્તરભારતમાં ઘણા પ્રકારની દાળની વડી બનાવવામાં આવે છે. જો તમને યોગ્ય
રીત ખબર હોય તો, દાળની વડી બનાવવી મુશ્કેલ નથી. આ માટે તમારે જરૂર છે માત્ર યોગ્ય માપે દાળ લઈ તેને આખી રાત પાણીમાં પલાળવાની. સવારે આ દાળને ધોઈને મિક્સર ગ્રાઈન્ડરમાં પીસી તેમાં સ્વાદ અનુસાર મીઠું, હિંગ અને અન્ય મસાલા મિક્સ કરી લેવાના. ત્યારબાદ દાળની આ પેસ્ટને બે-ત્રણ કલાક માટે ઢાંકીને મૂકી દેવી.
હવે કોઈ સ્વચ્છ પોલિથીને પાથરો અને તેના પર હાથથી દાળની પેસ્ટમાંથી નાની-નાની વડીઓ બનાવો. તેઓ કહે છે, “ઘણા લોકો જૂની સાડી કે જૂના કપડા પર વડીઓ બનાવે છે. પરંતુ સુકાઈ ગયા બાદ તેને ઉખાડવામાં ઘણીવાર તકલીફ પડે છે. એટલે ખાસ ધ્યાન રાખવું કે, એવીકોઇ વસ્તુ પર વડી સૂકવવી કે, સૂકાઈ ગયા બાદ ઉખાડતી વખતે તકલીફ ન પડે અને તૂટે નહીં.”
તડકો સારો હોય તો, સૂકાવામાં બે દિવસનો સમય લાગે છે. ત્યારબાદ તેને ભેગી કરી એરટાઈટ કંટેનરમાં ભરી લો.

- દાળની વડીનો વ્યવસાય શરૂ કરતાં પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું?
તેઓ જણાવે છે કે, કોઈપણ વ્યવસાય શરૂ કરતાં પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમકે રૉ મટીરિયલ ક્યાંથી ખરીદવું? દાળની વડી માટે સૌથી પહેલાં એ જોવાનું રહેશે કે, તમે સારી દાળ અને મસાલા ક્યાંથી ખરીદી શકો છો. તમારી આસપાસ કોઈ જથ્થાબંધ બજાર શોધો. સાથે-સાથે રેસિપિ અને વાનાગીઓ પર કામ કરવાનું શરૂ કરો.
સૌથી પહેલાં તમારી વાનગીઓ બનાવી આસપાસના લોકોને ખવડાવો. તેમનો ફીડબેક લો કે, કેવો સ્વાદ છે, શું ઊણપ છે અને તમે વધારે સારાં અથાણાં કેવી રીતે બનાવી શકો? જો તમે આ રીતે પ્રયત્ન કરશો તો, એક સારી રેસિપિ તૈયાર કરી સકશો. સાથે-સાથે તમને પણ ખબર પડશે કે, શું લોકોને તમારી વાનગીઓ ગમે છે કે નહીં અને તેઓ તેને ખરીદશે કે નહીં!
બજારમાં પણ થોડું રિસર્ચ કરો. જુઓ કે, તમે જે વાનગીઓ બનાવો છો તે બજારમાં કેટલી ઉપલબ્ધ છે? બજારમાં તેનો શું ભાવ છે અને શું તમે ગ્રાહકોને કઈંક નવું આપી શકો છો?
- દાળની વડીના બિઝનેસમાં કેવી રીતે ઈન્વેસ્ટમેન્ટ કરવું?
ઈન્વેસ્ટમેન્ટ બાબતે યાચના કહે છે, “તમે કયા લેવલ પર તમારો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો, તે પ્રમાણે જ ઈન્વેસ્ટમેન્ટ થાય છે. જો તમે ઘરેથી જ તમારો બિઝનેસ શરૂ કરતા હોવ તો, તમારે બહુ વધારે ખર્ચ કરવાની જરૂર નથી. દાળની વડી માટે અમે અમારા ઘરની વસ્તુઓમાંથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું. દાળ પલાળવા માટે સ્ટીનાં તપેલાં અને પીસવા માટે નાના મિક્સર ઝાર અમારી પાસે હતા. પરંતુ જ્યારે માંગ વધી અને ખાસ કરીને અડદ દાળ માટે અમારે એક મોટું મિક્સર ગ્રાઈન્ડર લેવું લડ્યું. આ સિવાય બીજી કોઈ વસ્તુનો મોટો ખર્ચ નથી થયો.”
જો કોઈ તમારા ઘરેથી કામ શરૂ કરતું હોય તો, ઘરમાં રહેલ સંસાધનોનો જ ઉપયોગ કરવો. જો તમારે કઈંક ખરીદવું હોય તો, પહેલાં બજેટ નક્કી કરો. મર્યાદિત બજેટમાં જ બધાં સાધનની વ્યવસ્થા કરો. શરૂઆતમાં બહુ મોહું મોટું ઈન્વેસ્ટમેન્ટ કરવું કોઈવાર રિસ્ક સમાન રહે છે. એટલે શક્ય એટલા ઓછા પૈસાનું રોકાણ કરવાનો પ્રયત્ન કરવો.
તેની સાથે-સાથે, તમારે FSSAI સર્ટિફિકેટ અને બ્રાન્ડ નેમ રજિસ્ટ્રેશન માટે પણ શરૂઆતમાં જ અપ્લાય કરી દેવું જોઈએ. તેઓ કહે છે, “જો તમારે વ્યવસાય કરવો જ હોય તો, શરૂઆતમાં જ સંબંધિત પેપરવર્ક પૂરું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી વ્યવસાય વધતાં જવાબદારીઓ પણ વધી જાય છે અને તમારી પાસે સમયની અછત રહી શકે છે. સાથે-સાથે કોઈ સારું બ્રાન્ડ નેમ પણ શોધીને રાખવું, જેથી કોઈ બીજાનું બ્રાન્ડ નેમ તેના જેવું ન હોય.”

- દાળની વડી બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખવું
ફૂડ બિઝનેસમાં ઘણી વાનગીઓમાં સિઝનનું પણ ધ્યાન રાખવાનું હોય છે. જેમ કે દાળની વડી બાબતે યાચના જણાવે છે કે, તમે વડી ત્યારે જ બનાવી શકો છો, જ્યારે વાતાવરણમાં જરા પણ ભેજ ન હોય. એટલે મોટાભાગે લોકો હોળી બાદ વડી બનાવવાનું શરૂ કરી દે છે. આ સમયે તડકો સારો હોય છે અને વાતાવરણમાં ભેજ પણ નથી હોતો.
બીજી મહત્વની વાત એ છે કે, તેને કેવી રીતે સ્ટોર કરી શકાય. દાળની વડીઓને કોઈ એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવી. એવી કોઈ વસ્તુ જેમાં જરા પણ ભેજ ન હોય. આ સિવાય, બહુ લાંબા સમયથી સ્ટોર કરેલ વડીઓને ફરીથી ખોલો એટલે એકવાર થોડી તપાડી લેવી.
- કેવી રીતે નક્કી કરવો ભાવ અને કેવી રીતે કરવું પેકેજિંગ?
ઘરેથી બિઝનેસ કરતી વખતે મોટાભાગે લોકો વાનગીઓનો ભાવ નક્કી કરવામાં કેટલીક ભૂલો કરે છે. જ્યારે પણ આપણે કોઈ વાનગીનો ભાવ નક્કી કરીએ ત્યારે આપણા રો મટિરિયલ અને પેકેજિંગના ભાવની સાથે-સાથે મહેનત અને વડી બનાવતી વખતે ઉપયોગમાં લેવાયેલ પાણી, વિજળી અને જગ્યાનું મૂલ્ય પણ સાથે જોડવું જોઈએ. આ બધાને ગણ્યા બાદ પોસાય એ રીતે નફો રાખી શકાય છે. શરૂઆતમાં નફો બને એટલો ઓછો રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ ભાવ તમારી વાનગીની ગુણવત્તા પ્રમાણે હોવો જોઈએ.
તેઓ કહે છે, “અમે જ્યારે ભાવ નક્કી કર્યા ત્યારે અમે અમે મહેનતનું મૂલ્ય ગણવાનું ભૂલી ગયા હતા. અમને આ ભૂલ ત્યારે સમજાઈ, જ્યારે અમે અમારા વ્યવસાયમાં મદદ માટે એક કર્મચારી રાખ્યા અને તેમને અમારે પગાર આપવાનો હતો. એટલે હંમેશાં એ વિચારીને ચાલવું કે, ભવિષ્યમાં જ્યારે તમારો વ્યવસાય વધશે તો તમારે તેમાંથી કર્મચારીનો પગાર પણ કાઢવાનો રહેશે. એટલે વાનગીઓનો ભાવ શરૂઆતથી જ એ પ્રમાણે ન નક્કી કરવો.”
પેકેજિંગની વાત કરવામાં આવે તો, દાળની વડીનું પેકેજિંગ એવું હોવું જોઈએ, જેમાં ભેજ જરા પણ ન હોય. જો તમે આ માટે એર આઇટ કન્ટેનર લેશો તો, શરૂઆતમાં તમને બહુ મોંઘુ પડશે. એટલે, યાચના ‘ફૂડગ્રેડ પ્લાસ્ટિક’ના પેકેજિંગના ઉપયોગની સલાહ આપે છે.

- કેવી રીતે કરવું માર્કેટિંગ?
કોઈપણ બિઝનેસને શરૂ કરતાં પહેલાં માર્કેટિંગને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. તેઓ કહે છે કે, તમારી વાનગીઓ જ તમારું માર્કેટિંગ કરે છે. જો તમારી વાનગીઓનો સ્વાદ અને ગુણવત્તા સારી હશે તો, લોકો સામે ચાલીને તમારી પાસે આવશે. પરંતુ આ માટે જરૂરી છે કે, પહેલાં તમે લોકો સુધી પહોંચો. આજના સમયમાં ઑનલાઈન માર્કેટિંગ સૌથી સારો ઉપાય છે. તમે તમારી પોતાની વેબસાઈટ પણ બનાવી શકો છો, તો સોશિયલ મીડિયામાં પણ માર્કેટિંગ કરી શકો છો. ફેસબુક, ઈંસ્ટાગ્રામ અને વૉટ્સએપનો ઉપયોગ કરવો.
ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર પોતાનું પેજ બનાવો અને અહીં તમારી વાનગીઓને નિયમિત પોસ્ટ કરતા રહો. યાચના કહે છે, “સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી વખતે, મોટાભાગે લોકો ઈન્ટરનેટ પરથી સુંદર-સુંદર તસવીરો શોધીને લગાવી દે છે, પરંતુ આ યોગ્ય નથી. જેનાથી ગ્રાહકો પ્રત્યે તમારી ઈમાનદારી નથી દેખાતી. તમે તમારી વાનગીઓની તસવીરો જ મૂકો, જેથી ગ્રાહકો તેને જોઈને તમારો સંપર્ક કરે. આ સિવાય વચ્ચે-વચ્ચે એ પણ ગ્રાહકોને જણાવો કે, તમે તેને કેવી રીતે બનાવો છો. જેનાથી ગ્રાહકોને ખબર પડે છે કે, તમે સ્વચ્છતાનું કેટલું ધ્યાન રાખો છો.”
ફેસબુક પર ઘણાં ગૃપ્સ પણ હોય છે, જેને તમે જોઈન કરી ત્યાં પણ તમે તમારી વાનગીઓની પોસ્ટ કરી શકો છો. આ જ રીતે તમે તમારા વૉટ્સએપ ગૄપમાં પણ તમારી વાનગીઓ પોસ્ટ કરી શકો છો. જ્યારે તમારું વેચાણ થોડું વધી જાય ત્યારે તમે અમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ વિશે વિચારી શકો છો.
ઑફલાઈન માર્કેટિંગ માટે તમે તમારી પાસેના બજારોમાં, દુકાનોમાં જઈને તમારી વાનગીઓ મૂકી શકો છો. જો શક્ય હોય તો, તમે તમારો પોતાનો ઑફલાઈન સ્ટોર પણ ખોલી શકો છો. પરંતુ, ઓછા ખર્ચે ઑનલાઈન માર્કેટિંગની રીત સૌથી યોગ્ય છે. એકવાર તમારા વ્યવસાયમાં કમાણી થવા લાગે, ત્યારે બીજી બાબતો વિશે વિચારો.
- આગળ વધવા રાખો આ બાબતોનું ધ્યાન
યાચના કહે છે કે, આગળ વધવાના બે જ ઉપાય છે. તમારી વાનગીઓ અને કામ પ્રત્યે ઈમાનદારી અને મહેનત. જો તમે તમારી વાનગીઓ પ્રત્યે સાચા હોવ તો, યોગ્ય દિશામાં મહેનત કરી રહ્યા છો અને તમને આગળ વધવામાં કોઈ રોકી શકતું નથી. ધીરે-ધીરે તમારા 100 ગ્રાહકો પણ હશે, બસ તમારે તમારી વાનગીનો સ્વાદ અને ગુણવત્તા જાળવી રાખવાની છે.
- હંમેશાં પોતાના ગ્રાહકોના ફીડબેકથી શીખતા રહો. દરેક ફીડબેકને ગંભીરતાથી લો અને તેના પર કામ કરો.
- એકસાથે ઘણીબધી વાનગીઓ લૉન્ચ કરવા કરતાં વધારે સારું એ રહેશે કે, તમે તમારી બે-ત્રણ સૌથી સારી વાનગીઓથી શરૂઆત કરો. પછી ધીરે-ધીરે ગ્રાહકોની માંગણી પ્રમાણે તેને વધારો.
- જ્યારે પણ તમે કોઈ નવી ડિશ બનાવો ત્યારે સૌથી પહેલાં તેનો ઉપયોગ ઘરમાં જ કરો. જો તમે તમારી વાનગીથી સંતુષ્ટ હોવ તો જ તેને ગ્રાહકો માટે બનાવો. તે જણાવે છે, “ગઈ વખતે અમે અમે અડદ અને મગની નાની વડી સિવાય, મસાલા વડી બનાવવાનો પણ પ્રયત્ન કર્યો. પરંતુ જ્યારે અમે ઘર માટે બનાવી ત્યરે તે બરાબર નહોંતી બની. એટલે અમે નક્કી કર્યું કે, પહેલાં અમે જાતે જ મસાલા વડી બનાવતાં શીખશું અને પછી જ ગ્રાહકો માટે બનાવશું. જો અમે તપાસ્યા વગર જ આ મસાલા વડી ગ્રાહકો માટે બનાવી દેત તો, તેની નકારાત્મક અસર અમારા આખા વ્યવસાય પર પડત.”
- ટાઈમ-મેનેજમેન્ટ યોગ્ય રીતે કરો. નાની-મોટી સમસ્યાઓ તો આવતી રહેશે, પરંતુ હાર ન માનો. તમારી હિંમત જાળવી રાખો અને આગળ વધતા રહો. સીધેસીધી સફળતા કોઈને મળતી નથી. વ્યવસાયમાં ઘણીવાર નુકસાન પણ થશે, પરંતુ નિષ્ફળતાથી ડરવું નહીં. દરેક નિષ્ફળતાથી કઈંક ને કઈંક શીખવા મળે છે, એટલે શીખતા રહો અને આગળ વધો.
અંતે યાચના માત્ર એટલું જ કહે છે કે, જો તમારે વ્યવસાય કરવો જ હોય તો, વધારે વિચારવું નહીં. એકવાર પોતાની જાતને તક આપો અને શરૂઆત કરો.
યાચના બંસલ સાથે સંપર્ક કરવા માટે અને તેમની વાનગીઓ વિશે જાણવા માટે તેમજ તેમના વિશે વધુ જાણવા માટે, તમે તેમના ફેસબુક પેજ પર મેસેજ કરી શકો છો.
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.