કેક બનાવવાનો અને લોકોને ખવડાવવાનો શોખ તો ઘણા લોકોને હોય છે. બેકિંગ એક કળા છે અને દરેક પાસે આવી કળા નથી હોતી. એટલે જ જેમની પાસે આ કળા હોય તેમણે તેની કદર કરવી જોઇએ. આવું જ કઈંક કર્યું ગુરૂગ્રામની ઈલા પ્રકાશે. કુકિંગની શોખીન ઈલાએ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો અને પછી એક મોટી હોટેલમાં કામ પણ કર્યું.
હોટેલ ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ કામ કર્યા બાદ, બાળકો માટે નોકરી છોડી દીધી. પરંતુ નોકરી છોડવાનો અર્થ એવો જરા પણ નહોંતો કે, કામ પણ ન કરવું. થોડા જ સમય બાદ, તેમણે પોતાનો હોમ બેકિંગનો બિઝનેસ શરૂ કર્યો, જેનું નામ છે Truffle Tangles!
તેમણે ઘરમાં રહેલ વસ્સ્તુઓમાંથી જ શરૂઆત કરી અને આજે તે કેક, કુકીઝ, ચૉકલેટ્સ, ગ્લૂટેન ફ્રી બ્રેડ, ડેઝર્સ, આર્ટીસનલ બ્રેડ જેવી બેકરી પ્રોડક્ટ્સની 40 કરતાં પણ વધારે પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે. જેમાં પૈટી, સ્ટફ્ડ બન્સ, પિઝા અને હેમ્પર જેવી અન્ય વાનગીઓ પણ આખા એનસીઆરમાં ડિલિવર કરે છે.
છેલ્લાં 13 વર્ષથી તે તેના ઘરમાંથી જ બેકિંગ બિઝનેસ ચલાવે છે. ઈલા પ્રકાશ સિંહ આજે આપણને આ બિઝનેસ વિશે વિસ્તૃતમાં જણાવી રહ્યાં છે.
- કોઇને પણ આ વ્યવસાય શરૂ કરતાં પહેલાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ?
ઈલા: સૌથી પહેલાં તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે, તમારી કળા શું છે? શું તમને કેક અને અન્ય વસ્તુઓ બનાવતાં આવડે છે? જો ના, તો પહેલાં બેઝિક બાબતો શીખો અને જો તમને થોડું-ઘણું આવડતું હોય તો, પ્રેક્ટિસ કરવાની શરૂ કરો. થોડી વસ્તુઓ બનાવીએ આસપાસના લોકોને ચખાડો અને પૂછો, કેવું બન્યું છે? કે પૂછો કે, શું પૈસાથી ખરીદવાનું હોય તો તેઓ ખરીદે તેને? લોકોના ફીડબેક લો અને સાથે-સાથે આસ-પાસ થોડો સર્વે પણ કરો અને એ જાણવાનો પ્રયત્ન કરો કે, કઈ બાબતો પર ધ્યાન આપવાની સૌથી વધારે જરૂર છે.

એક બીજો સવાલ જે તમારે તમને પોતાને કરવો જોઇએ, અને તે એ છે કે, ‘તમે આ વ્યવસાય કેમ કરવા ઇચ્છો છો?’ પૈસા માટે, શોખ માટે કે પછી કોઇ બીજા કારણથી? કારણ કોઇપણ હોય, જરૂર છે ધીરજની. કોઇ નવું શીખવામાં જરા પણ ખચકાટ ન રાખવો. તમારા માટે બહુ મહત્વનું રહેશે આ.
આ સિવાય, બીજા લોકોના કામ કરવાના અંદાજ અને તમારા કામ કરવાના અંદાજમાં બહુ ફરક હોય. તમારે તમારું કામ કરવા માટે સૌથી પહેલાં તમારો સ્વભાવ બદલવો પડશે. જ્યારે તમે બીજાં માટે કામ કરો છો ત્યારે રિસ્ક ઓછું હોય છે, પરંતુ પોતાના કામમાં રિસ્ક જ રિસ્ક છે. તો સૌથી પહેલાં તમારી જાતને પૂછો કે, શું તમે આ રિસ્ક લેવા તૈયાર છો? જો હા, તો સમય બગાડ્યા વગર કરી દો શરૂઆત.
- આ વ્યવસાય માટે કયાં સર્ટિફિકેટ્સ, વાસણો, મશીન વગેરેની જરૂર પડે અને કેવી રીતે ઈન્વેસ્ટ કરવું?
ઈલા: આ તમારા પર નિર્ભર કરે છે કે તમે કયા સ્તરથી તમારો વ્યવસાય શરૂ કરવા ઇચ્છો છો. મારી સલાહ તો એ જ છે કે, પહેલાં નાના સ્તરેથી વ્યવસાય શરૂ કરો.
સર્ટિફિકેશન તમારે FSSAI થી લેવાનું રહેશે, આ માટે તમે ઓનલાઇન અપ્લાય કરી શકો છો. જરૂરી નથી કે તમે સૌથી પહેલાં સર્ટિફિકેટ લો. બિઝનેસની શારૂઆત કર્યાના એક-બે મહિનામાં પણ અપ્લાય કરી શકો છો. જોકે, આ સર્ટિફિકેટ ચોક્કસથી લો, કારણકે તે હંમેશાં મદદરૂપ સાબીત થાય છે.

આ પહેલાં તમારે એ દેખવાનું રહેશે કે, બેકિંગ માટે કઈ-કઈ વસ્તુઓની જરૂર રહેશે? કરિયાણની જે વસ્તુઓની જરૂર હોય તેની એક યાદી બનાવી લો. કેક માટે જરૂરી સંસાધનો જેમ કે, અવન વગેરેની વ્યવસ્થા કરો.
રોકાણ જેટલું ઓછું રાખશો, એટલું જ જોખમ પણ ઓછું રહેશે. એટલે ઘરમાં જે સામાન હોય તેનો જ ઉપયોગ કરો.
- મેનું કેવી રીતે તૈયાર કરવું અને તમારી વસ્તુઓની કિંમત કેવી રીતે નક્કી કરવી?
ઈલા: સૌથી પહેલાં તમે તમારી જાતને સવાલ કર્યો હતો કે, તમારી કળા શું છે? શું તમને તે બરાબર આવડે છે? બસ આ જ બાબત તમને અહીં કામ આવશે. બની શકે કે, તમને ઘણી બધી વસ્તુઓ બનાવતાં આવડતી હોય, પરંતુ તમે બધુ ન બનાવી શકો. શરૂઆતમાં કોઇ 5 વાનગીઓ જ રાખો અને તે જ બનાવીને લોકોને ખવડાવિ. આ બાબતે લોકોના ફીડબેક લો. ત્યારબાદ ધીરે-ધીરે લોકોની માંગના આધારે મેનૂ વધારો.
વસ્તુઓની કિંમત નક્કી કરતી વખતે એ બાબતનું ધ્યાન રાખો કે, તમારો વ્યવસાય ઘરેથી જ થઈ રહ્યો છે. કોઇ મોટી બેકરી કે ફેક્ટરો નથી, જ્યાં જથ્થાબંધ સામાન આવે છે અને વેચાય છે. માની લો કે તમે માત્ર બે કેક બનાવી, જ્યારે મોટી બેકરીમાં 100 કેક બને ત્યારે તેમની પડતર કિંમત ઘટી જાય છે. એટલે તમારી પડતર કિંમત સામાન્ય બજાર કિંમત કરતાં થોડી વધારે રહેશે. પરંતુ કોઇ તમને આ અંગે સવાલ પૂછે તો તમારી પાસે તેનો જવાબ હોવો જોઇએ.

- પેકેજિંગ, ડિલિવરી અને માર્કેટિંગ કેવી રીતે કરવું?
ઈલા: પેકેજિંગ માટે ઘણા વિકલ્પ હોઇ શકે છે. કેટલાક લોકો ફૂડ ગ્રેડ પ્લાસ્ટિકમાં પેક કરે છે. કેક વગેરે બોક્સમાં આવે છે. તમારે જોવું જોઇએ કે, તમે કઈ વસ્તુ મોકલો છો. જો તમે ડ્રાય કેક મોકલતા હોય તો, વધારે પેકેજિંગની જરૂર નહીં રહે. પરંતુ ફ્રેશ કેકે હોય તો, તમારે બહુ ધ્યાન રાખવાની જરૂર પડશે, ખાસ ધ્યાન રાખવું કે, કે, કેવી રીતે પેક કરશો તો, કેક ગ્રાહક સુધી સહી-સલામત પહોંચશે. બજારમાં જુઓ કે, તેઓ કેવી રીતે પેક કરે છે.
એક સારો વિકલ્પ છે કે, તમે સ્ટીક કે કાચના ડબ્બામાં પેક કરી આપો. એવો ડબ્બો જેનો ફરીથી ઉપયોગ કરી શકાય, પરંતુ જરૂરી નથી કે, દર વખતે ગ્રાહક તેને પાછો આપે. પરંતુ શરૂઆતમાં જો તમને આસપાસથી જ ઓર્ડર મળતા હોય તો, તમે તેમની પાસે પેકેજિંગ માટે વાસણ માંગી શકો છો.
ડિલિવરી માટે એવો વિકલ્પ જોઇએ જે એકદમ યોગ્ય હોય અને ગ્રાહકને યોગ્ય સમયે મળી રહે. હવે તો બજારમાં ઘણી ડિલિવરી કંપની છે, પરંતુ તેમની સાથેનું ટાઇ-અપ તમને મોંઘુ પડી શકે છે. એટલે પ્રયત્ન કરવો કે, તમે જાતે જ ડિલિવર કરો અથવા ગ્રાહક જાતે પિક કરે. ઓર્ડર વધવા લાગે પછી તમે કોઇ કેબ સર્વિસની સેવા લઈ શકો છો.
માર્કેટિંગ:
આજના સમયમાં સૌથી પહેલાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઇએ. ફેસબુક, ઈંસ્ટાગ્રામ પર તમારું પેજ રાખવું જોઇએ. વૉટ્સએપ ગૄપમાં તમારા વિશે જણાવો. સોશિયલ મીડિયાથી તમને ઘણો સારો વ્યવસાય મળશે. તમારા વ્યવસાયનું સારું નામ પસંદ કરો. એવું કોઇ નામ પસંદ કરો કે, પછી વેબસાઇટ બનાવવામાં તકલીફ ન પડે. આ જ નામથી સોશિયલ મીડિયામાં અકાઉન્ટ બનાવો અને તેના પર તમારા વિશે લખો. તમારી પ્રોડક્ટ્સ બાબતે પોસ્ટ્સ કરો.
બીજો પ્રયત્ન એ રાખો કે, ગ્રાહકો સાથે વાત કરી શકો. તમારી આસપાસ કોઇ વ્યવસ્થા હોય તો, તમારો સ્ટોલ લગાવો. તમારું નામ બેનર પર લગાવડાવી, ઉપર નંબર લખો. ત્યાં લોકોને જાતે જ બનાવી ખવડાવો. તેમનાં ફીડબેક લો અને તેમને જણાવો કે, તમે ઘરેથી વ્યવસાય કરો છો અને કેવી રીતે તમને ઓર્ડર આપી શકે છે. ગ્રાહકો તમને સીધા ઓળખશે તો, તેઓ જાતે જ તમારા માટે માર્કેટિંગ કરશે.

આ માટે તમારે બહુ વધારે ઈન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નહીં પડે અને તમારું કામ પણ થઈ જશે. પરંતુ સૌથી પહેલાં કેક વગેરે બનાવવા માટે સોશિયલ મીડિયા પરથી શીખી શકો છો.
- કેટલીક મહત્વની ટિપ્સ:
ઈલા: કોઇપણ ગ્રાહક તમારી પાસે આવે અને ઓર્ડર કરે તો સૌથી વધારે જરૂરી છે કે, તમે સ્વાદ અને ગુણવત્તા જાળવી રાખો. સમય સાથે તેમાં સુધારો કરો, જેથી ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહે.
બીજી મહત્વની વસ્તુ છે – સાચું બોલવું. જો કોઇપણ ગડબડ થાય તો, સાચુ બોલવું. માફી માંગી લેવી અને સાચું જણાવી દેવું ગ્રાહકને. જેથી તમારા માટે ગ્રાહકનું માન વધશે. ફીડબેક લેતા રહો અને કઈંક નવું કરવાનો પ્રયત્ન કરો. દરેક ગ્રાહક તમારા માટે બહુ મહત્વનું છે. તમારી બધી જ વસ્તુઓના ભાવ બધા જ ગ્રાહકો માટે સમાન હોવા જોઇએ.
જોકે જૂના ગ્રાહકો સાથે સંબંધ જાળવી રાખો. તેમના કોઇ ખાસ દિવસની તારીખ યાદ રાખો અને પહેલાંથી તેમને ફોન કે મેસેજ કરો. તેનાથી સંબંધ જળવાઇ રહેશે.
તમે કોઇપણ ફૂડ બિઝનેશ શરૂ કરવા ઇચ્છતા હોય તો, મોટાં શહેરોમાં થતાં ફૂડ ફેસ્ટિવલમાં સ્ટોલ લઈ શકો છો. અહીંથી તમને ઘણું શીખવા મળશે.
ઈલા પ્રકાશ સિંહ સાથે સંપર્ક કરવા તમે તેમનું ફેસબુક પેજ જોઇ શકો છો – Truffle Tangles by ILA
વીડિયો જુઓ:
મૂળ લેખ: Nisha Dagar (https://hindi.thebetterindia.com/51363/how-to-start-a-bakery-business-with-low-investment-from-home/)
આ પણ વાંચો: સુરતના આ પ્રજ્ઞાચક્ષુ સંદિપભાઈએ જીવતાં જોયું મોત છતાં ન હાર્યા, 500 રૂપિયાના પાપડથી શરૂ કર્યો વ્યવસાય