“નિવૃત્તિ બાદ તમે કમાણી કરી શકતા નથી, પરંતુ ઘણી બધી બચત કરી શકો છો,” એવું કહેવાનું છે 69 વર્ષીય એન. રામકૃષ્ણનનું. બેંગલુરુમાં રહેતા રામકૃષ્ણન 2012માં નિવૃત્ત થયા બાદથી સતત બાગાયત, કચરો વ્યવસ્થાપન, ખાતર બનાવવાનું અને વરસાદી પાણીના સંગ્રહની દિશામાં કામ કરી રહ્યા છે. રામકૃષ્ણન તેમના ટેરેસ પર બાગકામ કરે છે. આ સિવાય તે પોતે પણ ઓર્ગેનિક વેસ્ટમાંથી ખાતર બનાવે છે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, “હું મૂળ તમિલનાડુનો છું. મેં મારું બાળપણ ચેન્નાઈમાં વિતાવ્યું છે. શાળાના સમયથી જ તેઓ દાદી પાસેથી શાકભાજી ઉગાડવાનું અને ઘરે પોતાનું ખાતર બનાવવાનું શીખ્યા હતા. તે દિવસોમાં આવક ઓછી હતી, પરંતુ તેમ છતાં લોકો ખુશ હતા, કારણ કે તેમના ખોરાક માટે મોટાભાગની વસ્તુઓ ઘરે ઉગાડવામાં આવતી હતી. પરંતુ સમય સરખો રહેતો નથી અને આગળના અભ્યાસ અને નોકરી માટે મારે ચેન્નઈથી બેંગ્લોર જવું પડ્યું. મેં લગભગ 35 વર્ષ સુધી આઈટી પ્રોફેશનલ તરીકે કામ કર્યું છે.”
બેંગલુરુમાં રામકૃષ્ણનનું ઘર 40 ×40 ફૂટની જગ્યામાં બનેલું છે. તે શરૂઆતથી જ બાગકામ કરે છે. પરંતુ 2012માં નિવૃત્ત થયા પછી, તેમણે નક્કી કર્યું કે તે માત્ર પ્રકૃતિની નજીક જ જીવન જીવશે નહીં, પણ અન્ય લોકોને પણ પ્રેરણા આપશે. તે બેંગ્લોરમાં ‘Hasirina Harikararu’ ગ્રુપમાં જોડાઈને લોકોને પ્રકૃતિ વિશે જાગૃત કરી રહ્યા છે.

દર મહિને બનાવે છે 15 કિલો જૈવિક ખાતર
રામકૃષ્ણને તેમના ઘરની છત પર લગભગ 150 વૃક્ષો અને છોડ વાવ્યા છે. આમાં લગભગ 30 સુશોભન અને ફૂલોના વૃક્ષો છે. આ સિવાય પપૈયા, દાડમ, ચીકુ જેવા 15 ફળોના વૃક્ષો પણ તેના બગીચામાં છે. ઋતુ પ્રમાણે તે અલગ અલગ શાકભાજી પણ વાવે છે જેમ કે ટામેટા, મીઠો લીમડો, ફુદીનો, પાલક, દૂધી, રીંગણ, બીન્સ, કારેલા, ગાજર, મૂળા વગેરે. રામકૃષ્ણન કહે છે કે તેમના ઘરની ફળો અને શાકભાજીની 50% જરૂરિયાત તેમના પોતાના બગીચામાંથી પૂરી થાય છે. રસપ્રદ બાબત એ છે કે તે બાગકામ માટે કોઈપણ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરતા નથી.
આ પણ વાંચો: માતાનો પ્રકૃતિ પ્રેમ જોઈએ દીકરીએ ઘરમાં વાવ્યા અનેક છોડ, સૂર્ય ઊર્જાનો સ્માર્ટ રીતે કરે છે ઉપયોગ
“જો તમે કુંડામાં અથવા ગ્રો બેગમાં ઝાડ અને છોડ રોપતા હોવ, તો તમારે તેમને નિયમિત પોષણ અને ખાતર આપવું પડશે. તેથી, અમારો પ્રયાસ છે કે અમે બગીચામાં માત્ર અને માત્ર જૈવિક ખાતર આપીએ. આ માટે અમે બહારથી કેટલીક વસ્તુઓ લઈએ છીએ જેમ કે છાણનું ખાતર. તેમજ, ઘણું બધું ખાતર ઘરે તૈયાર કરવામાં પણ આવે છે. તમારા ઘરે પોતાનું ખાતર બનાવવાના બે સૌથી મોટા ફાયદા છે. પહેલું એ છે કે તમારા ઘર અને બગીચામાં તમામ જૈવિક કચરો વપરાય છે. બીજો સૌથી મોટો ફાયદો એ છે કે તમે કચરો ન ફેલાવતા નથી,” તેમણે કહ્યું.

રામકૃષ્ણનનો દાવો છે કે તેઓ દર મહિને તેમના ઘરે 15 કિલો જૈવિક ખાતર તૈયાર કરે છે. જેના કારણે તેમને ઘરે ઉગાડવામાં આવતા શુદ્ધ અને સ્વસ્થ શાકભાજી ખાવા મળી રહ્યા છે.
વરસાદી પાણી ભેગુ કરીને ‘વોટર બિલ’માં બચત
બાગકામ અને ખાતરની સાથે, રામકૃષ્ણન તેમના ઘરે પાણી અને વીજળીના બિલ પર પણ બચત કરી રહ્યા છે. તેમણે કહ્યું, “મેં તે જમાનો પણ જોયો છે જ્યારે લોકો પાણી માટે કુદરતી સ્ત્રોતો પર નિર્ભર હતા. તેથી, પહેલાના સમયમાં, વરસાદનું દરેક ટીપું બચાવવામાં આવતુ હતું જેથી પાણીની અછત ન રહે. એટલા માટે અમે અમારી છત પર એક ટાંકી બનાવી છે, જેમાં વરસાદની ઋતુમાં લગભગ 3000 લિટર પાણી એકત્રિત કરવામાં આવે છે. અમે આ પાણીનો ઉપયોગ અમારા બગીચાને ઘણા મહિનાઓ સુધી સિંચાઈ માટે કરી શકીએ છીએ.”
બગીચાના સિંચાઈ માટે વરસાદી પાણીનો ઉપયોગ થતો હોવાથી, મ્યુનિસિપલ પાણી પરની તેમની નિર્ભરતા ઘટી છે. તે કહે છે કે ઉનાળામાં ત્રણ-ચાર મહિના સિવાય, તેના પાણીનું બિલ અન્ય મહિનાઓમાં ભાગ્યે જ 150 રૂપિયા આવે છે. “થોડા સમય પહેલા પાણી વિભાગના કેટલાક અધિકારીઓ તપાસ કરવા આવ્યા હતા કે અમે પાણીના મીટર સાથે કોઈ છેતરપિંડી કરી રહ્યા છીએ કે નહીં. કારણ કે અમારા પાણીના બિલમાં કેટલાક મહિનાઓ સુધી વધારો થયો ન હતો. જ્યારે તેઓ આવ્યા, મેં તેમને બતાવ્યું કે અમે અમારા બગીચા માટે વરસાદી પાણી કેવી રીતે એકત્રિત કરીએ છીએ. આ જોઈને તેઓ ખૂબ ખુશ થયા હતા,”તેમણે કહ્યું.

આ પણ વાંચો: અમદાવાદનો મોહ છોડી આર્કિટેકે ગામડામાં બનાવી ઈકો-ફ્રેન્ડલી ઑફીસ અને ઘર, વાવે છે ઘર માટે ફળ-શાકભાજી પણ
આ સિવાય, તેમણે ઘરમાં 800 વોટની સોલર સિસ્ટમ લગાવી છે. આ સાથે, તેમના ઘરની લાઇટ અને પંખા સરળતાથી ચાલે છે. તેમણે જણાવ્યું હતું કે, “સૌર ઉર્જાને કારણે અમારું વીજળીનું બિલ રૂ.1800/મહિનાથી ઘટીને 1000/મહિને આવી ગયું છે. પૈસા બચાવવા સાથે, કટોકટીની પરિસ્થિતિઓમાં સૌર ઉર્જા પણ ખૂબ અસરકારક છે. થોડા સમય પહેલા, કેટલીક ખામીને કારણે, અમારા વિસ્તારમાં ઘણા દિવસો સુધી વીજ પુરવઠો બંધ હતો. પરંતુ ત્યારે પણ અમારા ઘરમાં લાઈટ અને પંખો ચાલુ હતા. તેથી જ હું લોકોને સૌર ઉર્જામાં રોકાણ કરવાની ભલામણ કરું છું.”
સમાજ માટે પણ કામ કરે છે
પોતાના ઘરની સાથે રામકૃષ્ણન સમાજ અને સમુદાય માટે પણ કામ કરી રહ્યા છે. તેમના સાથીદારો સાથે મળીને, તેઓ દર અઠવાડિયે કચરો વ્યવસ્થાપન, ખાતર અને બાગકામ અંગે વર્કશોપ કરે છે. તેમણે કહ્યું કે વ્યક્તિગત રીતે પણ તેમણે લગભગ 1000 લોકોને ઓનલાઇન સત્રો દ્વારા માર્ગદર્શન આપ્યું છે. તેમાં માત્ર કર્ણાટકના જ નહીં પરંતુ પંજાબ જેવા રાજ્યોના લોકોનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે તે દુબઈના એક ગ્રુપ સાથે પણ જોડાયેલા છે. જેમને તે સતત કંપોસ્ટિંગ કરવાનું શીખવે છે.
તો, ગ્રુપ લેવલ પર વાત કરતા, તેમણે કહ્યું કે તેમના સાથીઓ સાથે મળીને તેઓ બેંગ્લોર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે નજીકથી કામ કરી રહ્યા છે. તેમના પ્રયાસોથી બેંગલુરુના ઘણા જાહેર બગીચાઓમાં ‘કમ્પોસ્ટિંગ એકમો’ સ્થાપિત કરવામાં આવ્યા છે. જેથી રસ્તાની બાજુમાં પડેલા પાંદડા, ઓર્ગેનિક ગાર્ડન વેસ્ટ અને ઘરોમાંથી એકત્રિત કરવામાં આવેલા ઓર્ગેનિક વેસ્ટને લેન્ડફીલમાં લઈ જવાને બદલે ખાતરમાં ફેરવી શકાય. તેમણે કાર્બનિક કચરાના સંચાલનથી શરૂઆત કરી. પરંતુ હવે તે લોકોને તમામ પ્રકારના કચરા વિશે જાગૃત કરી રહ્યા છે.

તેમની ટીમ છેલ્લા કેટલાક સમયથી ઇલેક્ટ્રોનિક કચરા પર કામ કરી રહી છે. વિવિધ સ્થળોએ જાગૃતિ અભિયાન ચલાવીને, તેમણે ઘણા લોકોને કચરામાં ફેંકવાને બદલે તેમના ઘરોમાંથી ઇલેક્ટ્રોનિક કચરો એકત્ર કરવા કહ્યું છે. આ ઇ-કચરો એકત્રિત કરવામાં આવે છે અને એક સંસ્થાને આપવામાં આવે છે, જે તેને અપસાઇકલ કરે છે અથવા રિસાયકલ કરે છે. રામકૃષ્ણન કહે છે કે જો લોકો સાથે મળીને કામ કરે તો વહીવટ પણ તમને મદદ કરે છે. આજે, સમુદાય સ્તરે કાર્બનિક કચરાનું સંચાલન કરીને બેંગલુરુના ઘણા વિસ્તારોમાં ખાતર બનાવવામાં આવી રહ્યું છે.
તેમનો ઉદ્દેશ સમગ્ર ભારતમાં તેમનું નેટવર્ક ફેલાવવાનો છે જેથી દરેક શહેરમાં કચરાનું વ્યવસ્થાપન થાય. ઘરની છત પર બગીચો હોવો જોઈએ અને લોકો વરસાદનું પાણી બચાવે. જો તમે પણ આ દિશામાં પગલા લેવા માંગતા હો, તો તમે રામકૃષ્ણનનો ramki52@gmail.com પર સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: માતાની પ્રેરણાથી જયેશભાઈએ ઘરમાં બનાવ્યો 150 ઔષધીઓ અને શાકભાજીનો બગીચો, જીવે છે પ્રકૃતિમય જીવન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.