ઈકો બ્રિક્સનું નામ તો તમારામાંથી ઘણા લોકોએ સાંભળ્યું હશે, પરંતુ તેને કેવી રીતે બનાવી શકાય, તેનો શું ઉપયોગ થઈ શકે અને તેનાથી શું ફાયદા થઈ શકે છે, તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.
આ બાબતે જામનગરના નિકુંજ ખંતે તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી, જે લોકોને ખૂબજ ગમી અને લોકોએ તેમના આ અભિયાનને બહુ વખાણ્યું પણ ખરું.
આજકાલ આખી દુનિયા પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યા સામે લડી રહી છે. કેટલુંક પ્લાસ્ટિક રિસાઇકલ થઈ શકે છે, પરંતુ સિંગલ યૂઝ પ્લાસ્ટિકને રિસાઈકલ પણ નથી કરી શકાતું. આ પ્લાસ્ટિક જ આગળ જતાં જમીન, પાણી અને હવાના પ્રદૂષણનું કારણ બને છે. કેટલાક લોકો આ સિંગલ યૂઝ પ્લાસ્ટિકને સળગાવતા હોય છેમ પરંતુ તેનાથી હવાનું પ્રદૂષણ થાય છે, તેનાથી ઉત્પન્ન થતાં ઘણાં ઝેરી તત્વો હવામાં ભળે છે, જેનાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તો આ જ પ્લાસ્ટિક જમીનમાં દબાઈ જતાં, પાણી જમીનમાં ઉતરતું બંધ થઈ જાય છે. પાણીમાં ભળે તો પાણીને પણ પ્રદૂષિત કરે છે. એટલે જ આ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો જ્યાં સુધી બીજો કોઈ નિવેડો ન આવે ત્યાં સુધી ઘરે જ ઈકો બ્રિક્સ બનાવી તેનો કેટલાંક રચનાત્મક કાર્યોમાં ઉપયોગ કરી શકાય છે.
કેવી રીતે બનાવી શકાય ઈકો બ્રિક્સ:
નાના-મોટા દરેક વ્યક્તિ બહુ સરળતાથી ઈકો બ્રિક્સ બનાવી શકે છે. આ માટે કોઈપણ જાતના મશીન કે ખાસ આવડતની જરૂર નથી. નીચે જણાવેલ સ્ટેપ્સનું પાલન કરી સરળતાથી બનાવો ઈકો બ્રિક્સ.

- સૌપ્રથમ તો અલગ-અલગ પ્રકારનું સિંગલ યૂઝ પ્લાસ્ટક ભેગું કરો, જેમાં ફૂડ પેકિંગના ડબ્બા, ઝભલા કોથળી, પેકિંગ પ્લાસ્ટિક, સ્ટ્રો, ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકનો સમાવેશ થાય છે. આ બધાને ધોઈને બરાબર સૂકવી લો, જેથી ભવિષ્યમાં અંદર કોઈપણ જાતનાં જંતુ કે દુર્ગંધ ફેલાવાની શક્યતા ન રહે.
- 500 મીલી, 1 લિટર કે દોઢ લીટરની તમારી પાસે જે પણ પ્લાસ્ટિક બોટલ હોય તે લો. જો તમે આ ઈકો બ્રિક્સમાંથી સજાવટના પીસ બનાવવા ઈચ્છતા હોવ તો કોઈપણ સાઇઝની બોટલ લઈ શકો છો, પરંતુ જો તમે તેનો ઉપયોગ ફર્નિચર માટે કરવા ઇચ્છતા હોવ તો, ખાસ ધ્યાન રાખવું કે, તમે જે પણ બોટલ્સ લો તે એકસરખા માપની હોય. જેમાં દૂધની બોટ્સ, કોલ્ડડ્રિક્સની બોટલ્સ, પાણીની બોટલ્સ વગેરેનો સમાવેશ થઈ શકે છે. આ બોટલ્સને બરાબર ધોઈને સુકવી દો.
- બોટલમાં જઈ શકે તેવી મજબૂત લાકડી રાખો. જેથી જ્યારે પણ તમે બોટલમાં પ્લાસ્ટિક ભરો ત્યારે તેને લાકડીથી બરાબર દબાવી શકાય. જેમ-જેમ તમે અંદર સોફ્ટ પ્લાસ્ટિકની વસ્તુઓ ભરતા જાઓ, તેમ-તેમ આ લાકડીથી બરાબર દબાવતા જાઓ, જેથી અંદર હવા ન રહે અને ઈકો બ્રિક એકદમ મજબૂત બને.
- આ ઈકો બ્રિકમાં કોઈપણ જાતની ધાતુ, કાચ, પેપર કે સડી શકે તેવી વસ્તુ ભૂલથી પણ ન ભરવી. કાચ, પેપર, મેટલ અને સડી શકે તેવી બાયોગ્રેડિબલ વસ્તુઓને રિસાઇકલ કરી શકાય છે, એટલે તેને આ ઈકો બ્રિકમાં ભરવાની જરૂર નથી. આમાં જે વસ્તુઓ રિસાયકલ ન થઈ શકે તેને જ ભરવી જોઈએ.
- જો તમે આ ઈક્રોબ્રિક્સમાંથી ગાર્ડન માટે કોઈ વસ્તુ બનાવવાના હોવ કે તેમાંથી સજાવટની વસ્તુ બનાવવાના હોય તો, અંદર ભરવાના પ્લાસ્ટિકની યોગ્ય પસંદગી પણ બહુ મહત્વની છે. તળીયેથી જ યોગ્ય ડિઝાઇન પડે એ રીતે કલરની પસંગી કરી પ્લાસ્ટિક ભરશો તો, સુંદર ડિઝાઇન બનશે.
- ધીરે-ધીરે દબાવી-દબાવીને પ્લાસ્ટિક ભર્યા બાદ બોટલ એકદમ ફીટ ભરાઈ જાય ત્યાં સુધી અંદર ભરતા રહો, અને બોટલ ભરાઈ જાય એટલે ઢાંકણને બંધ કરી દો. અંદર જેટલું વધારે સોફ્ટ પ્લાસ્ટિક ભર્યું હશે, ઈકો બ્રિક એટલો જ વધુ મજબૂત બનશે. જો 600 મીલી બોટલ હોય તો ઈકોબ્રિકનું વજન ઓછામાં ઓછું 200 ગ્રામ હોવું જોઈએ અને જો બોટલ 1.5 લિટરની હોય તો, તેના ઈકો બ્રિકનું વજન 500 ગ્રામ હોવું જોઈએ. ઓછા વજનના ઈકો બ્રિક્સનું આયુષ્ય ઓછું હોય છે. આ ઉપરાંત અંદર હવા રહી ગઈ હોય તો, તે ઝડપથી આગ પણ પકડે છે. જોકે તેમાં એટલું બધું પ્લાસ્ટિક પણ ન ભરવું કે, ઢાંકણ બરાબર બંધ ન થઈ શકે.

આ ઈકો બ્રિક્સનું આયુષ્ય બહુ લાંબુ હોય છે. તેને ભેજ, વરસાદની કોઈ અસર થતી નથી, એટલે તેમાંથી બનાવેલ વસ્તુઓ પણ ઘણા લાંબા સમય સુધી ટકી શકે છે.
હવે તેને વધુ સુંદર બનાવવા તમે તેના પર ઓઈલ પેન્ટ કલર કે નેઈલ પોલિશ કરી શકો છો.
તૈયાર છે તમારો ઈકો બ્રિક. હવે તમારા પ્રોજેક્ટ માટે જ્યાં સુધી પૂરતા પ્રમાણમાં ઈકો બ્રિક્સ તૈયાર ન થાય ત્યાં સુધી તેના પર સૂર્યનો પ્રકાશ ન પડે તેની જગ્યાએ અથવા ઘરમાં કોઈ સ્વચ્છ જગ્યાએ વ્યવસ્થિત ગોઠવી શકાય એવી જગ્યાએ ભેગી કરો. તેના પર બીજું કોઈ વજન ન પડે તેનું ધ્યાન રાખવું, નહીંતર તેનો આકાર બદલાઈ શકે છે. તમે કોઈ બોક્સમાં પણ વ્યવસ્થિત ગોઠવી શકો છો.

પૂરતા પ્રમાણમાં ઈકો બ્રિક્સ બનીને તૈયાર થઈ જાય પછી તમે તેમાંથી ગાર્ડન માટે બેન્ચ, ટેબલ, ખુરશી, પ્લાન્ટેશન માટે કુંડાં, ડૉગ હાઉસ, ગાર્ડની વાડ વગેરે બનાવી શકો છો. જો તમારી પાસે બહુ ઓછા પ્રમાણમાં ઈકો બ્રિક્સ હોય તો તમે તેના પર સૂતળી, ઊન વગેરે રંગબેરંગી દોરી વીંટી અલગ-અલગ પ્રકારના હોમ ડેકોર પીસ બનાવી શકો છો. આમ તો ઘણી જગ્યાએ આ ઈકોબ્રિક્સમાંથી કેબિન, ઘર, હોટેલ જેવાં ઘણાં મોટાં બાંધકામ પણ કરવામાં આવે છે, પરંતુ તમે ઘરેથી નાની શરૂઆત પણ કરી શકો છો.
આ પ્રવૃત્તિથી તમે પર્યાવરણના બચાવમાં તો તમારો ફાળો આપી જ શકો છો, સાથે-સાથે મોટેરાંની સાથે-સાથે બાળકો માટે પણ એક સુંદર પ્રવૃત્તિ મળી રહે છે. જેથી નાનપણથી જ બાળકો પ્રકૃતિની નજીક આવે છે અને તેમનામાં રચનાત્મકતા પણ ખીલે છે.
આ પણ વાંચો: 1 બોટલના 10 રૂપિયા આપી ભેગી કરી 31,000+ બોટલ્સ અને ભાવનગરમાં બનાવ્યો ઈકો બ્રિક્સ પાર્ક
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.