સારા સ્વાસ્થ્ય માટે સારી હવા જરૂરી છે. પરંતુ આજે જ્યારે કોરોના રોગચાળાને કારણે માસ્ક વગર ઘરની બહાર શ્વાસ લેવો પણ ખતરાથી ખાલી નથી, ત્યારે જરૂરી બની ગયું છે કે આપણે ઘરની અંદર કેટલાક એવા છોડ લગાવીએ, જે માત્ર સકારાત્મક ઉર્જા જ નહીં, પરંતુ હવાને પણ શુદ્ધ કરે.
આવો જ એક છોડ સાન્સેવીરિયા છે. સાન્સેવીરિયા ઝેર અને કાર્બન ડાયોક્સાઇડને શોષીને મોટા પ્રમાણમાં ઓક્સિજન છોડવા માટે જાણીતું છે. જેનાથી હવા શુદ્ધ થાય છે.
સાન્સેવીરિયાની ઘણી પ્રજાતિઓ હોય છે
આ વિશે ભોપાલમાં પોતાના ઘરે 4000થી વધુ છોડની સંભાળ રાખતી ડૉ. સાક્ષી ભારદ્વાજ કહે છે, “સાન્સેવીરિયા એક એવો હાઉસપ્લાન્ટ છે, જેને ઘરની અંદર ગમે ત્યાં સરળતાથી લગાવી શકાય છે. તેને ન તો વધારે સૂર્યપ્રકાશની જરૂર હોય છે અને ન તો વધારે પાણીની. જે લોકોને તેમના ઘરમાં સૂર્યપ્રકાશ બિલકુલ મળતો નથી તેઓ પણ તેને સરળતાથી ઉગાડી શકે છે.”
તેણી સમજાવે છે કે સાન્સેવીરિયા એક કુટુંબ છે, જેમાં ઘણી જાતો છે. તે સામાન્ય રીતે સ્નેક પ્લાન્ટ તરીકે ઓળખાય છે.
સાક્ષી કહે છે કે દરેક જાતિનું અલગ-અલગ ટેક્સચર હોય છે. સાન્સેવીરિયા છોડ લીલા, પીળો, લાલ, ઝેબ્રા ક્રોસિંગ જેવા ઘણા રંગોમાં આવે છે. કેટલાક છોડ કમળના ફૂલ જેટલા નાના હોય છે તો કેટલાક ખૂબ મોટા હોય છે.

આ પણ વાંચો: ન બાઉન્ડ્રી વૉલ છે, ન સારો તડકો! સરકારી ક્વાર્ટરમાં 400 છોડ વાવી કમાય છે હજારો રૂપિયા
ઘરે સાન્સેવીરિયા કેવી રીતે ઉગાડવું
સાક્ષી કહે છે, “આ છોડને નર્સરીમાંથી ખરીદવા સિવાય, તેને જાતે જ કટિંગ દ્વારા પણ તૈયાર કરી શકાય છે, જે એકદમ સરળ છે. જો તમે તેને કટીંગ્સમાંથી તૈયાર કરવા માંગો છો, તો તેનો છોડ તમારા નજીકના કોમ્યુનિટી બગીચામાં સરળતાથી મળી જશે.”
તેણી આગળ કહે છે, “કટિંગ તૈયાર કરવા માટે, નીચેથી સ્વસ્થ પાંદડાને કાપી લો અને તેને માટી અથવા પાણીથી ભરેલા વાસણમાં લગાવી દો. તેનું કોઈપણ સિઝનમાં વાવેતર કરી શકાય છે.”
તેણી જણાવે છે કે સાન્સેવીરિયા જમીન અને પાણી બંનેમાં સરળતાથી ઉગાડી શકાય છે. જો તમે તેને માત્ર પાણીમાં ઉગાડવા માંગતા હોય, તો મૂળના વિકાસમાં ઓછામાં ઓછા બે-ત્રણ મહિનાનો સમય લાગે છે.
તો, જો તમે તેને જમીનમાં રોપશો, તો તે થોડો ઓછો સમય લે છે અને એકથી બે મહિનામાં છોડ તૈયાર થઈ જાય છે.
વર્ષો-વર્ષ સુધી ચાલશે સાન્સેવીરિયા
સાક્ષી કહે છે, “સાન્સેવીરિયાના છોડ ખૂબ જ ટફ હોય છે અને જ્યાં પાણીની તીવ્ર અછત હોય ત્યાં પણ સરળતાથી ઉગાડી શકાય છે. આમાં એક મહિનો પણ પાણી ન આપો તો કોઈ વાંધો નથી.”
તેણી કહે છે કે તમે આ છોડની જેટલી ઓછી કાળજી લો છો તેટલું સારું. જે લોકો પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત હોય છે અને બાગકામનો શોખ હોવા છતાં સમય નથી મળતો તેમના માટે આ ઘણું સારું છે.
તેમના મુજબ, એકવાર છોડ લગાવ્યા બાદ તેમાંથી અગણિત છોડ નીકળે છે અને તે વર્ષો વર્ષ સુધી ચાલતા રહે છે.
ફૂલો પણ આવે છે
સાક્ષી જણાવે છેકે ,સાન્સેવીરિયામાં કોઈ ડાળ હોતી નથી અને તેમાં પાંદડા બિલકુલ સીધા હોય છે. છોડ લગાવ્યાના બે-ત્રણ વર્ષો બાદ તેમાં ફૂલ પણ આવે છે, જેથી છોડની સુંદરતા વધારે વધી જાય છે.

આ પણ વાંચો: Grow Pothos : ન તો માટી જોઈએ, ન તડકો, કોઈ પણ નખરા વગર આ છોડને ઉગાડવો છે સાવ સરળ
માટી કેવી રીતે તૈયાર કરવી
સાક્ષી કહે છે, “હું મારા બગીચા ‘જંગલવાસ’માં સાન્સેવીરિયા રોપવા માટે એક ભાગ બગીચાની માટી, એક ભાગ કોલસો અને એક ભાગ વર્મી ખાતરનો ઉપયોગ કરું છું. એકવાર માટી તૈયાર થઈ જાય પછી તેના વિશે ફરીથી વિચારવાની જરૂર નથી. સાન્સેવીરિયા માટે એટલું જ પુરતુ છે.”
કુંડાની સાઈઝ
સાક્ષીના જણાવ્યા મુજબ, જો તમે કટીંગમાંથી સાન્સેવીરિયા તૈયાર કરી રહ્યાં છો, તો શરૂઆતમાં ચાર ઇંચનું કુંડુ પૂરતુ હશે. જેમ જેમ છોડ વધે છે, તમે કુંડાનું કદ વધારી શકો છો.
જો તમે તેને નર્સરીમાંથી ખરીદી રહ્યા છો, તો તેમાં પહેલાંથી જ ઘણા પાંદડા ઉગેલા રહે છે. એટલે છોડને ઓછામાં ઓછા 10 ઈંચનાં કુંડામાં લગાવવા યોગ્ય રહેશે.
સાન્સેવીરિયાનાં ફૂલ
તે કહે છેકે, સાન્સેવીરિયાના મૂળને વધારે જગ્યાની જરૂર રહેતી નથી. અને ઓછી જગ્યામાં પણ છોડ સરળતાથી લાગી જાય છે.
થોડી સંભાળ પણ જરૂરી
સાક્ષી જણાવે છે, “આમ તો સાન્સેવીરિયાને સંભાળની કોઈ જરૂર હોતી નથી, તેમ છતા પણ મહિનામાં એક વાર પાણીમાં લીમડાનું તેલ મિક્સ કરીને તેને કપડાથી સારી રીતે સાફ કરી દો.”

આ પણ વાંચો: Dracaena: ઓછા પ્રકાશ અને ઓછા દેખભાળમાં સરળતાથી ઉગી શકે છે આ સુંદર છોડ
આ બાબતો ધ્યાનમાં રાખો
· વધુ પડતી કાળજી ટાળો, કારણ કે તે છોડને ડિસ્ટર્બ કરે છે.
· જ્યારે જમીન સૂકી હોય ત્યારે જ પાણી આપો.
· સીધા સૂર્યપ્રકાશથી બચાવો.
· જો પાણીમાં લગાવી રહ્યા છો, તો દર 10-15 દિવસે પાણી બદલો.
તો છે ને કુંડામાં સાન્સેવીરિયા ઉગાડવો એકદમ સરળ. આશા છે કે તમે પણ તમારા ઘરમાં આ સુંદર છોડને જગ્યા આપશો!
હેપી ગાર્ડનિંગ!
સંપાદન: નિશા જનસારી
મૂળ લેખ: કુમાર દેવાશુ દેવ
આ પણ વાંચો: Stress Reliever Plants: ઘરમાં આ 10 છોડને લગાવો, ઘરનો માહોલ રહેશે ખુશનુમા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો