કેટલાક છોડ ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ સરળતાથી ઉગે છે. આવો જ એક છોડ પોથોસનો (Pothos) છે. જેને આપણે બધા સામાન્ય ભાષામાં મની પ્લાન્ટ તરીકે જાણીએ છીએ. આ છોડને ખૂબ ઓછા સૂર્યપ્રકાશ અને કાળજીની જરૂર હોય છે.
આ જ કારણ છે કે તમારો બગીચો નાનો હોય કે મોટો અને ગાર્ડનિંગનો શોખ ઓછો કે વધારે હોય, Pothos લગભગ દરેક ઘરમાં જોવા મળે છે.
Pothosની ઘણી જાતોમાં Golden Pothos, N Joy Pothos, Devil’s Ivy, Silver Vine, Devil’s Vine વગેરેનો સમાવેશ થાય છે.
તમે તેને ઉગાડવા માટે નાના કુંડાનો પણ ઉપયોગ કરી શકો છો. તે બાલ્કની રેલિંગ અથવા ઘરની બારી માટે એક સારો હેંગિંગ પ્લાન્ટ બની શકે છે.
કેમકે તેમાં વેલ હોય છે એટલે તેને હેંગિંગ પૉટમાં લગાવવાથી તેની સુંદરતા વધારે વધી જાય છે. તો, તમે તેને લિવિંગ રૂમની બાજુના ટેબલ પર પણ રાખી શકો છો.
રાંચીમાં લાંબા સમયથી ગાર્ડનિંગ કરી રહેલી દીપિકા લાકરાને સુશોભન છોડ ખૂબ જ પસંદ છે. આજે તે અમને જણાવે છે કે Pothosના છોડને કેવી રીતે પ્રોપોગેટ કરી શકાય છે અને તેની સંભાળ રાખવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
દીપિકા કહે છે કે તેના વેલા ખૂબ જ ઝડપથી વિકસે છે, તેથી એક વેલામાંથી કાપીને તમે ઘણા છોડ તૈયાર કરી શકો છો. તેણે કહ્યું, “તમે તેના કટીંગને ખૂબ જ ઓછી કિંમતે નર્સરીમાંથી લાવી શકો છો અને તેને ઘરે જ રોપી શકો છો. Pothosની વિવિધ જાતોના પાંદડાઓનો રંગ થોડો બદલાય છે પરંતુ તેમને રોપવાની પદ્ધતિ એક સરખી જ હોય છે.”
તેના છોડને સૂર્યપ્રકાશથી દૂર રાખવાની જરૂર પડે છે. તો, તેને સારા પ્રકાશ અને હવાની અવરજવરવાળી જગ્યાની જરૂર હોય છે.
ભારતમાં Golden Pothos સૌથી વધારે પ્રચલિત છોડ છે. તેનાં પાંદડા લીલા અને પીળા રંગનાં હોય છે.

માટીમાં Pothos લગાવવાની રીત
દીપિકા કહે છે કે સૌથી પહેલા તમે 1/4 સામાન્ય માટી, 1/4 કંપોસ્ટ, 1/4 રેતી, 1/4 કોકોપીટ મિક્સ કરીને સારું પોટિંગ મિક્સ તૈયાર કરો.સારા ડ્રેનેજવાળી માટી હોવી ખૂબ જ જરૂરી છે.
આ માટે તમે 6 થી 8 ઈંચનું કુંડુ લઈ શકો છો. સાથે જ તેને લટકાવવા માટે ચાર ઈંચના કુંડાનો પણ ઉપયોગ કરી શકાય છે.
છ મહિનામાં માત્ર એક જ વાર ખાતર નાખવાની જરૂર પડશે. Seaweed extracts આ માટે એક સારું ખાતર છે. તમે તેને દર પાંચથી છ મહિને સ્પ્રે કરી શકો છો.
Pothos અથવા મની પ્લાન્ટના દરેક પાનમાં એરિયલ રૂટ્સ હોય છે. જેમાંથી નવો પ્લાન્ટ તૈયાર થશે.
તમારી પસંદગીના છોડનું કટિંગ લાવો અને તેને એક કુંડામાં લગાવો.
તેને વધુ ગાઢ બનાવવા માટે, એક કુંડામાં ત્રણ કે ચાર કટીંગ એકસાથે લગાવી શકો છો.
લગભગ 15 દિવસમાં તેમાં નવા પાંદડા આવવા લાગશે.
ત્રણથી ચાર દિવસ સુધી તેમાં પાણી ઉમેરતા રહો. સાથે જ ઉનાળામાં સ્પ્રે બોટલ વડે તેમાં પાણીનો છંટકાવ કરતા રહો.
તેમાં જીવજંતુઓની કોઈ શક્યતા નથી, પરંતુ જો આવું થાય તો તમે લીમડાના તેલનો છંટકાવ કરી શકો છો.
જો તમે Pothosને હેંગિંગ પૉટમાં લગાવી રહ્યા છો, તો તેના વેલાને નીચેની તરફ વધવા દો. તો, કુંડામાં એક લાકડી અથવા શેવાળની લાકડીની મદદથી, તમે તેને ઉપર ટેકો આપીને તેને મોટું કરી શકો છો.
આ પણ વાંચો: રાજકોટના યુવાને ધાબામાં વાવ્યા 500 દેશી-વિદેશી રણ પ્રદેશના છોડ, બાળપણનો શોખ કર્યો પૂરો
દીપિકાએ કહ્યું કે તેના છોડમાં ચાના પાંદડાનું પાણી છાંટવાથી તેના પાંદડા ખૂબ લીલા થાય છે.
સમયાંતરે તેને કાપતા પણ રહો.

પાણીમાં તેને લગાવવાની રીત
ઇન્ડોર પ્લાન્ટિંગ માટે તેને પાણીમાં સરળતાથી ઉગાડી શકાય છે.
આ માટે તમે એક પારદર્શક કાચની બોટલ લો.
છોડના કટિંગ લેતી વખતે ધ્યાન રાખો કે તેમાં ચારથી પાંચ ગાંઠો લેવી જોઈએ. કટિંગ લગાવતી વખતે, નીચેના પાંદડામાંથી કેટલાક દૂર કરો.
પછી બે થી ત્રણ ગાંઠો પાણીની અંદર રાખો. મૂળ થોડા અઠવાડિયામાં બહાર આવવાનું શરૂ થશે.
અઠવાડિયામાં એકવાર તેનું પાણી બદલતા રહો.
ઉનાળામાં અઠવાડિયામાં બે વાર પાણી બદલો.
ROના પાણીનો ઉપયોગ કરવાને બદલે સામાન્ય પાણીનો ઉપયોગ કરો.
આ પણ વાંચો: મની પ્લાન્ટ ઉગાવવાની સૌથી સરળ રીત, માટી અને પાણીમાં પણ આ રીતે ઉગાડી શકો
જો પાણીમાં ઉગાડવામાં આવેલ છોડ કરમાઈ રહ્યો હોય, તો તેને થોડા દિવસો માટે બહાર રાખી શકાય છે. આ સાથે, આ છોડ સૂર્યપ્રકાશ સાથે ફરી એકવાર જીવંત થશે.
છોડના કોઈપણ પાન પીળા પડવા લાગે કે તરત જ તેને છોડમાંથી કાપીને અલગ કરો.
તો તમે જોશો કે Pothosનો છોડ ઉગાડવાનું કેટલું સરળ છે. તો, એક વાર તેનો છોડ લગાવ્યા પછી, તમે તેમાંથી ઘણા છોડ તૈયાર કરી શકો છો. તે કોઈને ભેટ તરીકે આપવાનો પણ સારો વિકલ્પ બની શકે છે.
જો તમે પહેલીવાર ગાર્ડનિંગ કરી રહ્યા છો, તો તમે આ છોડથી શરૂઆત કરી શકો છો.
હેપી ગાર્ડનિંગ!
સંપાદન: નિશા જનસારી
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
આ પણ વાંચો: લખનૌની આ ગાર્ડનિંગ અને હોમ ડેકોર બ્લોગરનાં ઘરની અંદર લાગેલા છે 1000 છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.