ઉનાળાની ઋતુમાં દરેક ઘરમાં નિયમિત એક શાક બનાવવાનું શરૂ થાય છે, તે છે ભીંડાનું શાક. સૂકા ભીંડા, મસાલાવાળા ભીંડા, ભરેલા ભીંડા જેવી લઝીઝ શાકની સુગંધથી ઘર મહેકવા લાગે છે. આમ તો આપણે આરામથી ભીંડા બજારમાંથી લાવી શકીએ છીએ. પરંતુ જરા વિચારો કેવું રહે કે તમારા મનપસંદ ભીંડા ઘરમાં જાતે ઉગાડો અને પછી તેને બનાવીને ખાવ તો? થઈ જશેને સ્વાદ બમણો? તો આજે અમારી સાથે શીખો (How To Grow Okra) ભીંડા ઉગાડવાની કેટલીક સરળ રીત.
ભીંડાને ઓકરા અથવા લેડી ફીંગરના નામથી પણ ઓળખવામાં આવે છે. ભીંડા ખાવામાં સ્વાદિષ્ટ તો લાગે જ છે, સાથે તેમાં પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર જેવા પૌષ્ટિક તત્વો પણ ભરપુર માત્રામાં હોય છે.
મધ્યપ્રદેશના નરસિંહપુરમાં રહેતા ટેરેસ ગાર્ડન નિષ્ણાંત દીપક કુશવાહા કહે છે, “થોડો સમય અને થોડી મહેનત કરીને આપણે ઘરે લીલા, તાજા અને રાસાયણિક ફ્રી ભીંડા ઉગાડી શકીએ” તેઓ કહે છે કે ભીંડા માટે ગરમ હવામાન યોગ્ય હોય છે. તેથી, ફેબ્રુઆરી અને મે વચ્ચેનો સમય ભીંડાના બીજ વાવવા માટે યોગ્ય છે.

કિચન ગાર્ડનિંગને પોતાના અનુભવને બેટર ઈન્ડિયા સાથે શેર કરતાં દીપક કહે છે,” ભીંડાને પૂરતા સૂર્યપ્રકાશની જરૂર છે. સામાન્ય રીતે લોકો વિચારે છે કે ભીંડાનો છોડ તડકામાં સૂકાઈ જાય છે અને તેઓ છોડને છાયામાં રાખવાની ભૂલ કરે છે. શરૂઆતમાં મે પણ આ જ ભૂલ કરી હતી. પરંતુ છાયામાં છોડ જલ્દીથી ખરાબ થવાનું શરૂ થાય છે. અને તમને અપેક્ષા મુજબ ઉપજ મળી શકતી નથી.”
દીપકે ટેરેસ અને ગાર્ડનિંગ નામની યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે, જ્યાં તે હજારો લોકોને ગાર્ડનિંગની ટિપ્સ શીખવાડવામાં આવે છે. દીપકે ભીંડા ઉગાડવા બાબતે ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. તેમનું કહેવું છે કે હાલની સીઝન ભીંડાનાં બીજ વાવવા માટે યોગ્ય છે. છોડ 30 થી 35 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં સારી રીતે ઉગે છે અને સારી ઉપજ પણ આપે છે. તો ચાલો દીપક પાસેથી જાણીએ કે ભીંડા કેવી રીતે ઉગાડી શકાય છે.

કુંડા:
ભીંડા ઉગાડવા માટે કુંડાનો આકાર ઓછોમાં ઓછો 12X12 ઇંચનો હોવો જોઈએ. ભીંડાનાં છોડનાં મૂળ મોટા થાય છે અને ઉંડે સુધી જાય છે. તમે ઈચ્છો તો તે જ આકારની ગ્રો બેગનો ઉપયોગ પણ કરી શકો છો. આ આકારનાં કન્ટેનર અથવા ગ્રો બેગમાં, એકથી બે છોડ વાવેતર કરી શકાય છે. 10 થી 15 છોડ એક પરિવાર માટે વપરાશ માટે પૂરતા છે.
માટી:
સારા પાક માટે કુંડાની માટી યોગ્ય હોવી બહુજ જરૂરી છે. તેના માટે તમારે 50% સામાન્ય માટી, 30%થી 40% કંપોસ્ટ અને 20% કોકોપીટ લો, દીપક મુજબ ગાયનાં છાણમાંથી બનેલું ખાતર ભીંડા માટે સૌથી સારું રહે છે, તો કોકોપીટ માટીને નરમ બનાવી રાખવામાં મદદ કરે છે. જેથી ગરમીઓમાં છોડ સારી રીતે વધી શકે છે.

બીજ:
સારી ઉપજ માટે, સારા બીજનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે ઇચ્છો, તો તેના બીજ સારી નર્સરી અથવા બીજની દુકાનમાંથી ખરીદો. જો કે, આ બીજ ઘરે પણ બનાવી શકાય છે. પરંતુ આ સિઝનમાં બનાવવામાં આવેલા બીજનો ઉપયોગ ફક્ત પછીની સીઝનમાં જ થઈ શકે છે. ઘરે બીજ બનાવવા માટે, તમારે છોડ પર કેટલાંક ભીંડા રહેવા દેવા પડશે. એકથી બે સપ્તાહ બાદ ભીંડા સૂકાઈ જશે અને કડક દેખાવા લાગશે. તેનો રંગ સામાન્ય લીલો અથવા સામાન્ય ભૂરો થઈ જશે. ત્યારે તમે તેને તોડી લો અને તેને તડકામાં સારી રીતે સૂકવો. પછી, તેને તોડી અને અંદરથી બીજ કાઢો. તમે આગામી સીઝનમાં આ બીજ રોપી શકો છો.
પાણી:
કુંડાની માટીમાં બીજ વાવ્યા પછી, વાત આવે છે પાણીની. દીપક કહે છે કે છોડને જરૂરિયાત મુજબ પાણી મળવું જોઈએ. વધુ પાણી આપવાથી, છોડ ઘણીવાર બગડે છે. ઉદાહરણ તરીકે, જ્યારે છોડ નાના હોય છે ત્યારે તેમને બે દિવસમાં એકવાર પાણી આપવું જરૂરી છે. પરંતુ, એકવાર જ્યારે આ છોડ મોટા થઈ જાય પછી, તેમને દરરોજ પાણીની જરૂર રહેતી નથી. જો તમે માટીના કુંડાને હાથથી સ્પર્શ કરો છો, જો માટી ભીની હોય તો પાણી આપવાની જરૂર નથી. પરંતુ, જો માટીનું ઉપરનું પડ સૂકાઈ ગયુ હોય તો તેમાં જરૂરથી પાણી નાંખો.

તડકો:
દીપકના કહેવા મુજબ, ભીંડાના છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળવો જોઇએ ત્યારબાદ જ છોડ યોગ્ય રીતે ઉગે છે અને સ્વસ્થ રહે છે અને સારી ઉપજ આપે છે. આ છોડને છાયામાં રાખવાથી, તેમની લંબાઈમાં વધારો થાય છે, પરંતુ તેઓ જલ્દીથી મુરજાવા લાગે છે.
ખાતર:
ભીંડાના છોડ માટે, સમયાંતરે ખાતર આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, દરેક બીજા-ત્રીજા દિવસે આપણે આ છોડમાંથી ભીંડા લઈએ છીએ. ભીંડાના છોડ માટે, ગોબરમાંથી બનાવેલ ખાતર સારું છે અને ઉપજ પણ સારું આપે છે. આ સિવાય તમે રસોડામાંથી વર્મી કમ્પોસ્ટ અથવા ભીનો કચરો ઉમેરીને ખાતર બનાવી શકો છો. જો તમે ઇચ્છો, તો તમે ત્રણેયને બદલી શકો છો અથવા કોઈ એક ખાતર છોડમાં નાખી શકો છો. દર વીસ દિવસમાં તેમાં ખાતર નાંખવું ખૂબજ જરૂરી છે.

જંતુ નાશક:
ભીંડામાં બહુ વધારે જંતુઓ લાગતા નથી.જો કે, કેટલીકવાર એફિડ જંતુનો હુમલો થાય છે, જેના કારણે છોડ બગડવા લાગે છે. તેનાથી બચવા માટે તમે લીમડાનું તેલ છાંટી શકો છો. અથવા, કોઈપણ હર્બલ શેમ્પૂ અથવા લિક્વિડ ડીશવોશરને એક લિટર પાણીમાં ભેળવીને કોઈપણ મિશ્રણ તૈયાર કરો અને છોડ પર સ્પ્રે કરો. સામાન્ય રીતે, તડકામાં રાખવાથી જંતુઓનો હુમલો થતો નથી અને કીટકોની સમસ્યા થતી નથી.
કુંડામાં ભીંડા ઉગાડવાનો વિડીયો તમે અહીં જોઈ શકો છો.
તો પછી મોડું કંઈ વાતનું છે. આજે જ લઈ આવો કુંડા અને આ ગરમીમાં જરૂરથી ટ્રાય કરો ભીંડા ઉગાડવાનું. વિશ્વાસ કરો, ઘરમાં ઉગાડેલાં ભીંડાનો સ્વાદ જ કંઈક અલગ હોય છે.
જો તમે કિચન ગાર્ડનિંગ માટે ભીંડા અથવા કોઈપણ અન્ય શાકભાજીનાં બીજ લેવા માંગતા હો અથવા વિગતવાર તે વિશે વધુ જાણવા માંગતા હોય, તો તમે તેમની વેબસાઇટ પર દીપકનો સંપર્ક કરી શકો છો.
હેપી ગાર્ડનિંગ!
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ટ્રેનિંગ વગર શરૂ કર્યું ટેરેસ ગાર્ડનિંગ, માટી વગર ઉગાડે છે 230 પ્રકારનાં ફળ-શાકભાજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.