Search Icon
Nav Arrow
Mosquito Repellent Plants
Mosquito Repellent Plants

શું ચોમાસામાં મચ્છરનાં ત્રાસથી પરેશાન છો? આજે જ ઘરમાં વાવો આ ‘મચ્છર ભગાડતા છોડ’

જો તમારા ઘરમાં આ 5 પ્લાન્ટ્સ લગાવશો તો જોજનો દૂર રહેશે મચ્છરો, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક આ છોડ

આપણા ઘરોમાં મચ્છરોથી છૂટકારો મેળવવા માટે આપણે શું નથી કરતા. મચ્છરોને ભગાડતા મોંઘા લિક્વિડથી લઈને કોઈલ સુધી, દરેક ઘરોમાં કંઈને કંઈ વાપરતા હોઈએ છીએ. જોકે, હવે ઘણા લોકો મચ્છરોને ભગાડવા માટે પણ પ્રકૃતિની અનુકૂળ ઉત્પાદન વસ્તુઓના ઉપયોગ કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. પરંતુ આજે અમે તમને એક એવી રીત બતાવી રહ્યા છીએ, જે પ્રકૃતિની અનુકૂળ હોવાની સાથે સસ્તી પણ છે. મચ્છરોથી છૂટકારો મેળવવા માટે તમે તમારા ઘરમાં ઝાડ-છોડ લગાવી શકો છો, જેની ગંધથી મચ્છરો દૂર ભાગે છે.

બેંગ્લોરમાં રહેતી સ્વાતિ દ્વિવેદી કહે છેકે, એવાં ઘણા છોડ છે, જેનાં પાંદડા અને ફૂલોની ગંધ મચ્છરોને પસંદ હોતી નથી. જો આ છોડ ઘરોમાં લાગેલા હોય તો મચ્છરો ઓછા આવે છે. તેમણે કહ્યુ, ” તમે તમારા ઘરના બારી, બાલકની અથવા દરવાજાની પાસે આ છોડને લગાવી શકો છો. તેનાંથી ફક્ત મચ્છરો જ નહી પરંતુ ઘણા પ્રકારનાં કીડા-મકોડા પણ દૂર ભાગે છે. આ રીતે તમારે મચ્છરોથી રાહત મેળવવા માટે કોઈ હાનિકારક ઉત્પાદન ઉપયોગ કરવા પડશે નહી.”

આજે અમે તમને એવાં જ કેટલાંક છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે ઘરમાં લગાવીને મચ્છરોથી છૂટકારો મેળવી શકો છો

Gardening Tips
  1. ગલગોટાનો છોડ

ઘરોમાં ગલગોટાનો છોડ ઉગાડવો બહુજ સરળ છે. તમે તેની કોઈ પણ જાત લગાવી શકો છો. ગલગોટાનાં છોડને માટીનાં કુંડા, હેંગિંગ પ્લાન્ટર અને જૂની પ્લાસ્ટિકની બોટલોમાં પણ લગાવી શકાય છે. ગલગોટાનાં છોડને દરેક ઋતુમાં લગાવી શકાય છે. પરંતુ તેના માટે નવેમ્બરથી લઈને જાન્યુઆરી સુધીની ઋતુ સૌથી સારી હોય છે. કારણકે, ગલગોટાનો છોડ 15-30 ડિગ્રી તાપમાનમાં તેજીથી વિકસે છે. સૌથી સારી વાત એ છેકે, તમે ગલગોટાનાં ઉપયોગમાં લેવાયેલાં ફૂલોમાંથી પણ ગલગોટાનો નવો છોડ લગાવી શકો છો.

જો તમારે ઘરે જ ગલગોટાનો છોડ તૈયાર કરવો છે, તો તમે સારી જાતનાં ગલગોટાનાં ફૂલોને 2-3 દિવસ સુધી તડકામાં સુકવી દો. તે બાદ, એક સેમી શેડ વાળા એરિયામાં કુંડામાં અથવા અન્ય કોઈ કંટેનરમાં માટી તૈયાર કરી લો. તેનાંથી છોડ 8-10 દિવસોમાં તૈયાર થઈ જાય છે.

· પૉટિંગ મિક્સ તૈયાર કરવા માટે તમારે 50-60% વર્મી કમ્પોસ્ટ અથવા છાણિયા ખાતરની સાથે 40% માટી મિક્સ કરો અને કોઈ કુંડા અથવા કંટેનરમાં ભરી લો.

· પછી માટીમાં થોડો ભેજ બનાવીને, તેની ઉપર સુકા ફૂલોને છૂટા નાંખી દો. આ રીતે 8-10 દિવસમાં છોડ 3-4 ઈંચનાં થઈ જશે.

· હવે આ છોડને તમે અલગ અલગ કુંડા અથવા કંટેનરમાં લગાવી શકો છો.

· છોડને ટ્રાંસપ્લાન્ટ કરતી વખતે તમે પૉટિંગ મિક્સ માટે 50% બગીચાની માટી, 30% વર્મી કમ્પોસ્ટ અથવા છાણિયુ ખાતર અને 20% કોકોપીટ અથવા માટીનો ઉપયોગ કરી શકો છો.

· છોડ લગાવ્યા બાદ નિયમિત રૂપથી પાણી આપો અને ધ્યાન રાખો.

· લગભગ 2-3 મહીનામાં છોડમાં ફૂલ આવવા લાગે છે.

· હવે તેને તમે તમારા ઘરમાં અલગ-અલગ જગ્યાઓ જેવી કે, બારીની પાસે, બાલકની અથવા દરવાજાની પાસે લગાવી શકો છો.

· પરંતુ ધ્યાન રાખોકે, જ્યા પણ છોડ લગાવો ત્યાં તડકો આવતો હોય.

મચ્છરોને ભગાડવાની સાથે સાથે ગલગોટા અન્ય હાનિકારક કીડાઓને પણ ભગાડે છે, જે ફળ-શાકભાજીઓનાં છોડને ખરાબ કરે છે. એટલા માટે ગલગોટાનાં છોડને હંમેશા તમારા ઘર અથવા ગાર્ડનમાં લગાવી શકો છો.

Gardening Expert
  1. તુલસી

ઔષધીય ગુણોથી ભરપુર તુલસી ખાંસી, શરદી, તાવ અને અન્ય ઘણા પ્રકારનાં રોગોમાં કામ આવે છે. સાથે જ મચ્છરોથી બચવામાં તુલસી ઘણી સહાયક છે. તુલસીનાં ઘણા પ્રકાર હોય છે જેને તમે તમારા ઘરમાં લગાવી શકો છો. આમ તો તુલસી આખા વર્ષમાં ઉગે છે પરંતુ તેને લગાવવાનો સૌથી સારો સમય છે વરસાદની ઋતુ. જૂન-જુલાઈ બાદ વરસાદ શરૂ થઈ જાય છે, ત્યારે આ છોડ તૈયાર કરવા જોઈએ. તાપમાનની વાત કરીએ તો જો તમારા વિસ્તારમાં તાપમાન 20થી 30 ડિગ્રીની વચ્ચે છે તો તમે તુલસીનો છોડ લગાવી શકો છો.

તુલસી લગાવવા માટે તેમે તેનાં બીજ અથવા કટિંગનો ઉપયોગ કરી શકો છો. તમે જોયુ હશેકે, તુલસી જેમ-જેમ વધે છે તો તેમાં ઉપર બહુજ બીજ પણ આવે છે. તમે આ બીજોને પણ લઈ શકો છો અને તેને હાથમાં સામાન્ય રગડી લો તો અંદરથી નાના-નાના બીજ નીકળી જશે. તેને તમે તુલસીનાં છોડમાં લગાવી શકો છો.

· સૌથી પહેલાં કોઈ નાના પ્લાસ્ટિકના કપ અથવા નાના કુંડામાં તમે કોકોપીટ અને ખાતર મિક્સ કરીને પૉટિંગ મિક્સ તૈયાર કરી લો.

· હવે તેમાં તુલસીનાં બીજ નાંખી દો અને તેની ઉપર સામાન્ય કોકોપીટ પણ

· પાણીનો છંટકાવ કરતા રહો જેથી આ બીજને અથવા પૉટિંગ મિક્સ ધોવાઈ ન જાય.

· લગભગ એક સપ્તાહમાં બીજ અંકુરિત થઈને વધવા લાગે છે.

· છોડ જ્યારે લગભગ 10-12 ઈંચનો થઈ જાય તો તેને તમે ટ્રાંસપ્લાન્ટ કરી શકો છો.

· ટ્રાંસપ્લાન્ટ કરવા માટે મધ્યમ આકારનું કુંડુ લો.

· પૉટિંગ મિક્સ માટે માટીમાં રેતી, કોકોપીટ અને ખાતર મિક્સ કરો.

· એક કુંડામાં એક તુલસીનો છોડ લગાવો અને તેને ટ્રાંસપ્લાન્ટ કરવા માટે એક દિવસ તડકામાં રાખો

તુલસીનાં છોડને પણ તમે તમારા ઘરમાં જરૂરિયાતનાં હિસાબથી અલગ-અલગ જગ્યાએ રાખી શકો છો. પરંતુ તેને એવી જગ્યાએ રાખો, જ્યાં તેને સામાન્ય થોડો તડકો પણ મળે.

How to grow Lemon Grass
  1. લેમન ગ્રાસ

લેમન ગ્રાસમાં બહુજ ઔષધીય ગુણો હોય છે. એટલા માટે તેની બજારમાં ઘણી માંગ છે. તેનાંથી હર્બલ ટી બનાવવાની સાથે-સાથે, તમે તેને તમારા ઘરમાં મચ્છરોને ભગાડવા માટે પણ ઉપયોગ કરી શકો છો. સારી વાત એ છેકે, તમે તેને સરળતાથી તમારા ઘરમાં, કુંડામાં ઉગાડી શકો છો. જો તમારે ત્યાં, એક કુંડામાં પણ લેમન ગ્રાસ લાગેલા છે તો તમે વર્ષો સુધી લાભ લઈ શકો છો. તમે બજારમાંથી ખરીદેલાં લેમન ગ્રાસને પણ સરળતાથી ઘરમાં લગાવી શકો છો.

· સૌથી પહેલાં, બજારમાંથી ખરીદેલાં લેમન ગ્રાસની કેટલીક દાંડી લો.

· હવે કોઈ કાંચના ગ્લાસમાં પાણી ભરી લો અને તેમાં દાંડીને રાખી દો. ધ્યાન રાખો કે, આ દાંડીને પુરી રીતે પાણીમાં પલાળો.

· તમારે લગભગ એક સપ્તાહ સુધી, તેને પાણીમાં રાખવાની છે અને નિયમિતરૂપે પાણીના ગ્લાસનું પાણી બદલતા રહો.

· એક સપ્તાહમાં તમે જોશો કે, આ દાંડીમાં નીચેથી મૂળ નીકળવા લાગ્યા છે.

· હવે તમે તેને કુંડામાં લગાવી શકો છો.

· લેમન ગ્રાસ માટે ચીકણી માટી ઉપયુક્ત રહે છે. તેના માટે, સામાન્ય બગીચાની માટીમાં રેતી અને ખાતર મિક્સ કરો.

· પૉટિંગ મિક્સને તમે કોઈ મોટા કુંડામાં ભરી લો.

· લેમન ગ્રાસનાં છોડને તમે કુંડામાં લગાવી દો અને ઉપરથી પાણી આપો.

· લેમન ગ્રાસનાં છોડને નિયમિત રૂપે પાણી આપો અને વચ્ચે-વચ્ચે તેમાં તમે જૈવિક ખાતરનું પોષણ આપી શકો છો.

· તમારો છોડ ચારથી પાંચ મહિનામાં ઉપયોગમાં લેવા યોગ્ય થઈ જશે.

તમે એકવારમાં જ 3-4 અલગ અલગ કુંડામાં લેમન ગ્રાસ લગાવી શકો છો. જેથી ઘરનાં અલગ અલગ હિસ્સામાં તેને લગાવી શકો.

How to grow Rosemerry
  1. રોઝમેરી

રોઝમેરી એક હર્બ છે અને તે ઠંડી ઋતુમાં ઉગે છે. એટલા માટે તેને બહાર અથવા તમારા રસોડામાં ન રાખો. જ્યાં ઉપકરણો અને ચુલ્હાની ગરમી વધારે હોય. તેની જગ્યાએ તેને તમારા લિવિંગ રૂમમાં અથવા બેડરૂમમાં ઉગાડો કારણકે તે અન્ય જગ્યાઓ કરતાં ઠંડા હોય છે.

· બીજને પાણીમાં એક અથવા વધુમાં વધુ બે દિવસ સુધી પલાળો.

· તે બાદ કોઈ કંટેનરમાં કોકોપીટ ભરીને તેમાં બીજ લગાવી દો.

· ઉપરથી પાણીનો સ્પ્રે કરો અને લગભગ 10 દિવસોમાં બીજને અંકુરિત થઈ જવા જોઈએ

· ધ્યાન રાખો કુંડાને એવી જગ્યાએ રાખો, જ્યાં તેને સામાન્ય તડકો અને હવા મળી શકે.

· તમે જૈવિક ખાતર જેવાં કંપોસ્ટનો પણ પ્રયોગ કરી શકો છો.

· જ્યારે છોડ વધવા લાગે તો તમે તેને અલગ-અલગ કુંડામાં પૉટિંગ મિક્સ ભરીને લગાવી શકો છો.

· દોઢ-બે મહિનામાં રોઝમેરીનાં છોડ ઉપયોગ માટે તૈયાર થઈ જશે. પોતાની જરૂરિયાત મુજબ પાંદડા અથવા દાંડીને કાપો અને છોડને વધવા દો.

How to grow mint
  1. ફૂદીનો

ફૂદીનો ઉગાડવો બહુજ સરળ છે અને તે મચ્છરોને દૂર રાખવા માટે પણ કારગર છે. સાથે જ તે એવો છોડ છે જે બહુજ જલ્દી ગ્રો કરે છે અને તમે તેને એક વાર લગાવ્યા બાદ બહુ બધીવાર ઉપજ લઈ શકો છો.

· સૌથી પહેલાં તમે બજારમાંથી લાવેલો અથવા કોઈ બીજાનાં ગાર્ડનમાંથી લાવેલો ફૂદીનો લો અને તેને પાણીમાં પલાળી દો. લગભગ 10 કલાક સુધી પાણીમાં પલાળ્યા બાદ તમે તેને લગાવો.

· ફૂદીના માટે પૉટિંગ મિક્સ તૈયાર કરવો બહુજ સરળ છે. તમે કોઈ પણ ગાર્ડનની માટી લઈ શકો છો, જેને આપણે લાલ માટી કહીએ છીએ અને તેમાં રેતી, છાણનું ખાતર અથવા વર્મીકંપોસ્ટ મિક્સ કરો.

· ધ્યાન રાખોકે, તમે જે પણ કુંડુ લો, તેમાં ડ્રેનજ સારી હોય મતલબ કુંડાના તળિયામાં કાણા યોગ્ય હોય.

· હવે તમે ફુદીનાને પાણીમાંથી કાઢો અને તમે જોશો કે, કેટલીક કટિંગમાં નીચે સામાન્ય મૂળ નીકળેલાં છે. તમે તે કટિંગ્સને અલગ કરી દો અને મૂળ વગરની કટિંગને અલગ કરો.

· કટિંગને લગાવતી વખતે ધ્યાન રાખોકે, તમે ફક્ત ઉપરમાં બે-ચાર પાંદડા છોડો, બાકી નીચેથી બધાં જ પાંદડા કાઢી લો.

· હવે કુંડામાં પૉટિંગ મિક્સ ભરો અને તેમાં પાણી નાંખો, પાણી સૂકાયા બાદ તમે કોઈ લાકડીની મદદથી માટીમાં નાના-નાના કાણા કરી દો.

· કટિંગ લગાવ્યા બાદ એકવાર ફરી તેમાં પાણી આપો. આ કુંડાને તમે એવી જગ્યાએ રાખો, જ્યારે ડાયરેક્ટ તડકો ન આવતો હોય પરંતુ અંધારુ પણ ન હોય.

· નિયમિતરૂપે તેની ઉપર પાણીનો સ્પ્રે કરતા રહો અને એક સપ્તાહ બાદ તમે જોશોકે આ કટિંગ્સ છોડમાં પરિવર્તિત થવા લાગ્યા છે.

· લગભગ 25 દિવસોમાં આ છોડ વધવા લાગશે અને પછી તમારો ફુદીનો હાર્વેસ્ટિંગ માટે તૈયાર થઈ જશે.

હવે ફુદીનાને ઘણા અલગ અલગ નાના કંટેનરમાં લગાવીને ઘરનાં બારી અથવા દરવાજામાં લટકાવી શકો છો. જેથી અહીંથી મચ્છરો પ્રવેશ કરી શકે નહી. તેના સિવાય, તમે તમારા ઘરમાં લસણ, ડુંગળી, ઓરેગાનો, લવન્ડર, લેંટાના, જેરેનિયમ જેવા છોડ પણ લગાવી શકો છો. કારણકે, આ છોડ પણ મચ્છરોને દૂર ભગાડવાનું કામ કરે છે.

તો હવે રાહ કોની જુઓ છો, તમે તમારી આસપાસ સરળતાથી ઉપલબ્ધ આ છોડોમાંથી કોઈને કોઈ છોડ ઉગાડવાની તૈયારી શરૂ કરી દો. આ સંબંધમાં તમે સ્વાતિનો આ વીડિયો પણ જોઈ શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: 22 પ્રકારનાં જાસૂદ, 9 પ્રકારની ચમેલી, ફળ, ફૂલ અને શાક, ગંદા પાણીથી ઉગાડ્યા 2000 છોડ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon