36 વર્ષીય કિરાના દેવાડિગા, જે મેંગલુરુમાં રહે છે, વ્યવસાયે વકીલ છે, અને હાલમાં તેના ઘરની અગાસી પર કુંડામાં જાસ્મીન ઉગાડી રહી છે. તે કહે છે, “આ જાસ્મીન છોડે મારું જીવન બદલી નાખ્યું છે. મેં મારી નાની બાલ્કનીમાં ત્રણ જાસ્મિન છોડ વાવ્યા છે. તેમની સુગંધથી જે સુખ મળે છે તે ઘણી વસ્તુઓ કરતાં વધારે છે.”
કિરાનાએ ગયા વર્ષે માર્ચમાં લોકડાઉન દરમિયાન જાસ્મિન ઉગાડવાનું શરૂ કર્યું હતું. તેને શંકરપુરા મલ્લીગે તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશના વિવિધ ભાગોમાં ઉગાડવામાં આવતા જાસ્મિનના ઘણા જુદા જુદા નામો છે. ઉડુપી મલ્લીજની સુગંધ અજોડ છે અને તેને ભૌગોલિક સંકેત ટેગ (GI) પણ મળ્યો છે.

લોકડાઉન વરદાન સાબિત થયું
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા કિરાના કહે છે, “હંમેશા મારી પોતાની જમીન પર ખેતી કરવાની દબાયેલી ઈચ્છા હતી. પરંતુ શહેરી છોકરી હોવાના કારણે હું મારું સપનું ક્યારેય પૂરું કરી શકી નથી. લોકડાઉન મારા માટે વરદાન તરીકે આવ્યું. પછી મેં મારા શોખ ‘ખેતી’ વિશે ઘણું વિચારવાનું શરૂ કર્યું. “
જ્યારે તેમણે તેની બહેન અને પતિ મહેશને આ શોખ વિશે કહ્યું, ત્યારે તેઓ હસ્યા. તે ઉમેરે છે, “તેણે મને પૂછ્યું કે જ્યારે આખું વિશ્વ કોવિડ સામે લડી રહ્યું છે ત્યારે હું ફૂલો ઉગાડવામાં મારો સમય કેમ વિતાવવા માંગુ છું.” તેના પતિએ એમ પણ કહ્યું કે ખેડૂત તરીકે વકીલ શું કરશે? પણ તે તેના આગ્રહને વળગી રહી અને છોડ વિશે વધુને વધુ માહિતી શોધતી રહી.
મન હોય તો માળવે જવાય
તેણે વિચાર્યું કે ખેતરમાં તો નહિ, પરંતુ ટેરેસ પર જ તેનો શોખ પૂરો કરી શકાય છે. તેમણે ટેરેસ ગાર્ડનિંગ માટે ઓનલાઇન માહિતી ભેગી કરી. પછી તેમણે વિચાર્યું કે તે એકદમ સરળ છે. “તમારે ફક્ત છોડ ઉગાડવાની ઉત્કટતા અને ધીરજ હોવી જોઈએ”

મંગલરુની સહ્યાદ્રી નર્સરીના માલિક રાજેશે તે છોડને ઓળખવામાં મદદ કરી જે તે સરળતાથી ટેરેસ પર ઉગી શકે. કિરાના સમજાવે છે, “પહેલા તેઓએ મને હિબિસ્કસ પ્લાન્ટ બતાવ્યો, તેને ઉગાડવો મુશ્કેલ નથી. પરંતુ મને તેમાં મને કઈ ખાસ દેખાયું નહિ. હું મારા કુંડામાં એવા કેટલાક છોડ રોપવા માંગતી હતી, જે મારી નિયમિત આવકમાં પણ વધારો કરી શકે અને મને તે માટે જાસ્મિન પરફેક્ટ લાગી.”
લોકડાઉન સમયે, નર્સરી ચમેલીના છોડથી ભરેલી હતી. કિરાનાએ કહ્યું, “એક રીતે તે મારા માટે સારું હતું. લોકડાઉનને કારણે લોકો પ્લાન્ટ ખરીદતા ન હતા. નર્સરીમાં લગભગ 90 જાસ્મિન છોડ હતા, મેં બધા છોડ ખરીદ્યા. તમામ છોડ માટે 3,150 રૂપિયા ખર્ચ્યા, એટલે કે એક પ્લાન્ટ માટે 35 રૂપિયા.
સખત મહેનત હતી, પરંતુ ખુશી ઘણી વધારે હતી
છોડ તો ખરીદ્યા, હવે માત્ર માટલાની જ જરૂર હતી. અહિયાં પણ નસીબે સાથ આપ્યો. છોડને નર્સરીમાંથી ઘરે લઈ જતી વખતે, તેણે એક કુંડા વાળો જોયો જે વહેલી તકે સો જેટલા નાના કુંડા વેચીને પોતાના ઘરે (ઉત્તર ભારત) જવા માંગતો હતો.
તે કહે છે, “મેં તેના બધા કુંડા ખરીદ્યા, એક કુંડુ 65 રૂપિયાનું હતું. લોકડાઉનને કારણે ટેમ્પો અથવા ઓટો રિક્ષા મેળવવી શક્ય નહોતી. તેથી મેં કારમાં પોટ્સ મુક્યા અને તેમને ઘરે લાવ્યા.”
આગળનું કામ આ પોટ્સને બે માળના ઘરની છત પર લઈ જવાનું હતું. તેમણે કહ્યું કે “મને, મારા પતિ અને સાત વર્ષના પુત્ર દ્વારા આ કુંડા ટેરેસ પર લાવવામાં ત્રણ દિવસ લાગ્યા. અમારે આ કામ કોઈની મદદ વગર જાતે જ કરવાનું હતું. જોકે તે સખત મહેનતવાળું હતું, પરંતુ તે કરવામાં ખૂબ આનંદ થયો.” તેમણે પોટ્સમાં છોડ રોપવામાં અને પછી ટેરેસ પર સળંગ પોટ્સ ગોઠવવામાં કેટલાક દિવસો પસાર કર્યા.
ફૂલોની સુગંધ તાજગીની લાગણી આપે છે
નર્સરીના માલિક સાથે વાત કરીને તે ઘણું શીખ્યા. તે કહે છે, “છોડ ઉગાડવાની બાબતમાં, હું એક સંપૂર્ણ શિખાઉ હતી. છોડને કેટલા પાણીની જરૂર છે અને કયા પ્રકારનું ખાતર તેને સારી રીતે ઉગાડવા માટે મદદ કરશે, માટી વગેરે વિશે કોઈ માહિતી નહોતી.

તેમણે ઉમેર્યું, “મેં જે શીખ્યું તે કાં તો યુ ટ્યુબ પર વિડીયો જોઈને અથવા ટેરેસ ગાર્ડનર્સ સાથે વાતચીત કરીને.” કિરાના અને મહેશે આગામી ત્રણ મહિના સુધી ખૂબ કાળજીપૂર્વક છોડની સંભાળ લીધી. તે કહે છે, “મહેશ સવારે વહેલા ઉઠે છે અને સામાન્ય રીતે સવારે છોડની સંભાળ રાખે છે. ચમેલીની કળીઓ સૂર્યના પ્રથમ કિરણો પડે તે પહેલા તોડી નાખવી જોઈએ.
તે ઘરના કામ પૂરા કર્યા પછી જ સવારે ટેરેસ પર જાય છે. છોડને વધુ માટી અથવા ખાતરની જરૂર નથી, તેઓ તેની સંપૂર્ણ કાળજી લે છે. તે કહે છે, “જ્યારે ત્રણ મહિના પછી છોડ ખીલવા લાગ્યા, ત્યારે મેં તેમને તોડ્યા નહીં. જેથી ઉપજ વધુ સારી રીતે મેળવી શકાય. તેની તાજગી માત્ર ફૂલોની સુગંધથી જ અનુભવાય છે.
તેમણે જાસ્મિનના વિકાસ પર ઘણું સંશોધન કર્યું. દરેક સંશોધનમાં ફૂલો તોડતા પહેલા ઓછામાં ઓછા છ મહિના રાહ જોવાનું કહેવામાં આવ્યું. તેથી તેણે છોડને ખૂબ ગાઢ થવા દીધા. “જ્યારે મેં પહેલીવાર ફૂલો તોડ્યા, ત્યારે તે એટલા બધા હતા કે તેમાંથી ત્રણ ચેંદુ બનાવી શકાય છે,” તે કહે છે. એક ચેંદુ બનાવવા માટે લગભગ 800 ફૂલોની જરૂર પડે છે. જે કેળાના દાંડીના રેસા સાથે બાંધવામાં આવે છે.
જે પહેલા મજાક કરતા હતા તે હવે સાથે છે
તેમણે સમય જતા ચેંદુ બનાવવાનું પણ શીખી લીધું હતું. તે ખુશીથી કહે છે, “જ્યારે મેં જાસ્મીનથી ચેંદુ બનાવવાનું શરૂ કર્યું, ત્યારે મારી બહેનોએ મારી મજાક ઉડાવી. પરંતુ આજે, મારી જ બહેનો મને ફૂલોને એકબીજા સાથે જોડવામાં મદદ કરે છે. ખરેખર, મારા છોડ જે રીતે ખીલે છે તેનાથી તેઓ ખૂબ પ્રભાવિત છે. હવે તેઓ પણ જાસ્મીન ઉગાડવા લાગ્યા છે.
તેમણે રોપાઓ, કુંડાઓ અને ખાતર પર લગભગ 12000 રૂપિયાનો ખર્ચ કર્યો. તે જ સમયે, જાસ્મિનના ફૂલો વેચીને, તેણે અત્યાર સુધીમાં લગભગ 85,000 રૂપિયાની કમાણી કરી છે. “મારા માટે, ખાતરની થેલી ખરીદવી એ નવા કપડાં અને ઘરેણાં ખરીદવા જેવું હતું,” તે કહે છે. સખત મહેનત હંમેશા સફળતા તરફ દોરી જાય છે, આ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
અંતે તે કહે છે, “જાસ્મિન ઉગાડવી મુશ્કેલ નથી. બસ સમયનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે. જીવન વિશે ફરિયાદ કરવા અને સમય ન હોવાના બહાના કાઢવાને બદલે, તમારા માટે, તમારી રીતે વસ્તુઓ કરવાનું શીખો. સ્વપ્ન ગમે તેટલું નાનું કે મોટું હોય, લોકોને તેના પર હસવા ન દો. “
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો:સિમેન્ટના જંગલ સમા અમદાવાદમાં મીનલબેનનું ઘર છે હરિયાળું,મહેમાનોને પણ ગિફ્ટમાં મળે છે છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.