આપણી આસપાસ એવા ઘણા લોકો છે, જેઓ તેમના દિવસની શરૂઆત કૉફીથી કરે છે. તો કેટલાક લોકો એવા પણ છે, જેઓ થાક દૂર કરવા કૉફી પીવે છે. મને મોટા ભાગે ઠંડીની ૠતુમાં કૉફી પીવી વધારે ગમે છે અને એ પણ વાંચતાં-વાંચતાં. પરંતુ કૉફીની અસલી મજા ત્યારે જ આવે છે જ્યારે તે તમારા ગમતા ટેસ્ટની હોય.
જી હા, અલગ-અલગ બ્રાન્ડની કૉફી અને તેને બનાવવાની રીતોથી કૉફીનો સ્વાદ પણ અલગ-અલગ થઈ શકે છે. પરંતુ વિચારો, જો આ કૉફી બઝારમાંથી ખરીદવાની જગ્યાએ ઘરે જ ઉગાડવામાં આવે તો.
તમને કદાચ સાંભળીને આશ્ચર્ય પણ થાય કે, કૉફી ઘરે કેવી રીતે ઉગાડી શકાય, શરૂઆતમાં અજીબ પણ લાગે, પરંતુ જ્યારે મારી મુલાકાત ઈંદિરા અશોક શાહ સાથે થઈ તો, મને પણ ખબર પડી કે, કૉફી પણ ઘરે ઉગાડી શકાય છે.
ઈંદિરા છેલ્લાં ઘણાં વર્ષોથી તેના ઘરે જ કૉફી ઉગાડે છે. રસપ્રદ વાત તો એ છે કે, ઈંદિરા અસમ, કુર્ગ કે પછી ચિકમંગલૂરમાં નથી રહેતી, તે બેંગલુરૂમાં જ રહે છે અને તેના ટેરેસ ગાર્ડનમાં જ કૉફી ઉગાડે છે.
ઈંદિરાનો કૉફી પ્લાન્ટ જમીનથી લગભત 10 ફૂટ લાંબો છે અને તેના પર સંખ્યાબંધ કૉફી બેરીઝ લાગે છે. તેના આ ઝાડને 6 વર્ષ થઈ ગયાં અને તેમાંથી તેને દર વર્ષે લગભગ એક કિલો કૉફી પાવડર મળે છે.

આજે તેઓ આપણને જણાવે છે કે, કેવી રીતે ઘરે જ કૉફી પ્લાન્ટ ઉગાડવો.
શું-શું જોઈએ:
20 લીટરની ડોલ
ખાતર
કોકોપીટ
માટી
નાના-નાના પત્થર
છાંયડાવાળી જગ્યા

સ્ટેપ 1:
- જે ડોલમાં તમે કૉફીનો છોડ ઉગાડવાના હોય તેમાં સૌપ્રથમ તો ત્રણ કાણાં પાડો. તેનાથી ડ્રેનેજ સારું રહેશે, જે બહુ મહત્વનું છે. માટી ભરતાં પહેલાં આ કાણાં પાસે પથ્થર મૂકી દો.
- કાણાને એકદમ ન ઢાંકો, એટલી જગ્યા રાખવી કે તેમાંથી વધારાનું પાણી નીકળી જાય.
- હવે ડોલમાં માટી, કોકોપીટ અને ખાતર બરાબર માત્રામાં મિક્સ કરી ભરો.
સ્ટેપ 2:
- તમારા કૉફી પ્લાન્ટ માટે કોઈ એવી જગ્યા પસંદ કરો, જેના પર સીધો તડકો આવતો ન હોય, એટલે કે, છાંયડાવાળી જગ્યા હોય.
- ખાસ ધ્યાન રાખો કે, કૉફીનો છોડ સીધો તડકો સહન નથી કરી શકતિ.
- તમે તેને તમારા ઘરમાં પણ એવી કોઈ જગ્યાએ મૂકી શકો છો, જ્યાં આડકતરો તડકો આવતો હોય.
સ્ટેપ 3:
- કૉફીના છોડને ભેજ ગમે છે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, તેની માટી હંમેશાં થોડી ભીની હોય, સૂકાઈ ન જાય.
- માટીમાં ભેજ તપાસવા માટે અંદર એક લાકડી નાખો અને જો લાકડી અંદર સરળતાથી જાય તો સમજવું કે, માટીમાં ભેજ સારો છે.
- ધ્યાન રાખવું કે, માટીમાં ભેજ હોય પરંતુ ઉપર પાણી ભરાઈ ન રહે, કારણકે ભાણી ભરાઈ રહેવાથી છોડ કહોવાઈ જાય છે.
- ભેજ જળવાઈ રહે એ માટે માટીમાં કોકોપીટ મિક્સ કરવામાં આવે છે.
કેવી રીતે ઉગાડવી કૉફી બીન (How to Grow Coffee) :
કૉફી બીન્સને બરાબર પાકવા દો. આ બરાબર સૂકાઈ જાય એટલે તેને એક ડોલમાં ઉગાડો.
તેને ઉગાડ્યા બાદ ડોલ એવી કોઈ જગ્યાએ મૂકો, જ્યાં સીધો તડકો આવતો ન હોય.
તમે કૉફી એર લેયરિંગ રીતે પણ ઉગાડી શકો છો, આ માટે આ વિડીયો જુઓ:
અન્ય મહત્વની વાતો:
દર 10-15 દિવસે તેમાં ખાતર મિક્સ કરતા રહો.
છોડમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ઉર્વરક, કીટાણુનાશકનો ઉપયોગ ન કરવો.
જો જીવાત પડે તો, લીમડાના તેલનો જ સ્પ્રે કરવો અથવા આદુ-લસણ અને લીલા મરચાનું મિશ્રણ બનાવવું.
આદુ-લસણ-લીલા મરચાનું મિશ્રણ બનાવવા માટે, ત્રણેયની એકસરખી માત્રા લો, એક પેસ્ટ બનાવો અને તેને ગાળી લો અને પછી છોડ પર છાંટો.
જ્યારે બેરીઝ બ્રાઉન થવા લાગે ત્યારે તેને હાર્વેસ્ટ કરી શકાય છે. ત્યારબાદ તેને લોકલ કૉફી બ્લેડર પાસે લઈ જઈ શકો છો. કૉફીને વધારે સમૃદ્ધ બનાવવા માટે ઈંદિરા તેમાં ચિકોરી મિક્સ કરે છે. તેમના પાવડરમાં મોટાભાગે 20% ચિકોરી અને 80% કૉફી હોય છે.
તમે ભારતમાં ગમે ત્યાં કૉફી ઉગાડી શકો છો, બસ તેને છાંયડામાં ઉગાડવી જરૂરી છે.
તમે કૉફીનો છોડ કોઈપણ ઋતુમાં ઉગાડી શકો છો.
કૉફી બીન તમને સ્થાનિક નર્સરીમાં મળી રહેશે. અહીં જો તમને ગ્રાફ્ટ મળ જાય તો વધારે સારું રહેશે, જેથી તમને બે-અઢી વર્ષમાં કૉફી મળવાની શરૂ થઈ જાય.
જો તમે એકદમ ઝીરોથી કૉફી ઉગાડો તો, ફળ મળવામાં લગભગ 6 વર્ષ લાગી શકે છે. એટલે આમાં ધીરજ ખૂબજ જરૂરી છે.
નિયમિત જરૂર પ્રમાણે છોડને પાણી આપવું.
તમે ઘરે પણ કોકોપીટ બનાવી શકો છો. આ માટે તમે નારિયેળની સૂકી છાલનો ઉપયોગ કરી શકો છો.
ક્યારે કરવી કૉફી બીન્સની હાર્વેસ્ટિંગ:
બેરીઝ પાકીને ભૂરી થાય તેની રાહ જુઓ.
પાકેલી બેરીઝ તોડો અને તેના ઉપરની છાલ દૂર કરો.
હવે તેને પાણીમાં પલાળી દો અને ત્યાં સુધી એમજ રાખો જ્યાં સુધી બીજમાંથી પલ્પ અલગ ન થઈ જાય.
ત્યારબાદ બીજને લો અને તેમાંથી બધો જ ભેજ સુકાઈ જાય ત્યાં સુધી તડકામાં સૂકવો.
ત્યારબાદ તમે તેનો પાવડર બનાવી શકો છો.
ઈંદિરાનું કહેવું છે કે, જો તમે ગાર્ડનિંગ કરતા હોય તો એકવાર ચોક્કસથી કૉફી ઉગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ માટે ખાતર પણ જાતે જ બનાવવું અને કેમિકલ્સથી દૂર રહેવું.
જો તમે કૉફી ઉગાડવા અંગે ઈંદિરાનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો, અહીં ક્લિક કરો.
આ પણ વાંચો: Grow Elaichi: કુંડામાં ઈલાયચી ઉગાડવી છે સરળ, બસ અપનાવો આ રીત!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.