જ્યારે પણ તમે સફરજન વિશે વિચારો છો, તો તમે વિચારશો કે તે ફક્ત હિમાલય જેવા પર્વતીય વિસ્તારોમાં જ ઉગાડવામાં આવે છે. પરંતુ 57 વર્ષીય કૉન્સેપ્ટ આર્ટિસ્ટ અને ફોટોગ્રાફર વિવેક વિલાસિની તેમના બેંગલુરુ સ્થિત ઘરની બાલ્કનીમાં સફરજન ઉગાડવામાં સફળ થયા છે.
વિવેક કહે છે, “સાત વર્ષ પહેલાં, મેં કોન્સેપ્ટ-આધારિત આર્ટ પ્રોજેક્ટના ભાગ રૂપે ફળોની વિદેશી જાતો ઉગાડવાનું શરૂ કર્યું. મારું ફાર્મ કેરળના મુન્નારમાં છે, તેથી હું સામાન્ય રીતે વૃક્ષો વાવવાની શરૂઆત પરીક્ષણોથી કરું છું. આ પછી, હું આ છોડને મારી બાલકનીમાં ઉગાડું છું અને પછી હું તેમને ખેતરમાં શિફ્ટ કરું છું. મારા તાજેતરના પ્રોજેક્ટમાં સફરજનની ‘લો ચિલ’ જાતોને ઉગાડવાનું સામેલ છે, જે Tropical climate વાળા વિસ્તારો માટે છે.”
તેમણે 2018માં ‘અન્ના સફરજન’ની જાતનાં છોડ લગાવ્યા અને સપ્ટેમ્બર 2020 પહેલાં તેમાં ફળ લાગી ગયા. વિવેકે તેના વિશે ધ બેટર ઈન્ડિયાને વિસ્તારથી જણાવ્યુ.

બાલકનીમાં સફરજન કેવી રીતે ઉગાડ્યા?
તેમને સાઉથ કેલિફોર્નિયાના એક ફાર્મમાં વિવિધ ‘અન્ના સફરજન’ની જાત મળી, જેને તે મુન્નારમાં તેમની એક આર્ટ પ્રોજેક્ટ માટે ખરીદવા માંગતા હતા. પરંતુ જ્યારે વિવેકે ખેતરના માલિકનો સંપર્ક કર્યો,તો સેમ્પલિંગનું શિપિંગ ગેરકાયદેસર હોવાને કારણે, તેમણે તેને ભારતમાં નિકાસ કરવાનો ઇનકાર કર્યો હતો. વિવેકે કહ્યું,“તેમણે મને ભારતના કેટલાક ફાર્મ વિશે કહ્યું, જ્યાં ‘અન્ના સફરજન’ ઉગાડવામાં આવે છે. મેં તે ખેતરોમાં શોધવાનું શરૂ કર્યું. ઉત્તર ભારતના મોટાભાગના ખેતરોમાં આ જાત જોવા મળી ન હતી, પરંતુ કુર્ગની એક નર્સરીમાં મળી આવી હતી.”
વિવેકે ‘અન્ના સફરજન’નો એક છોડ કોથનૂરમાં તેના એપાર્ટમેન્ટમાં લગાવ્યો હતો. તેમણે છોડનાં નાના સ્પાઈક્સ અથવા કિનારો ઉપર કાણાવાળા કંટેનર (એર પોટ્સ)માં લગાવ્યા. તેમાં હવા છોડના મૂળ સુધી પહોંચે છે.
વિવેક કહે છે, “આ પોટ્સ છોડને ઝડપથી વિકસવા દે છે. ત્રણ વર્ષનો રુટ ડેવલોપમેન્ટ, બે વર્ષની અંદર પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપરાંત, આ પોટ્સ તે પણ સુનિશ્ચિત કરે છે કે મૂળ લાંબા ન થાય. મૂળને કિનારા ઉપર કાપી નાંખવામાં આવે છે, જેથી તે વધુ જાડી થાય છે. આવું કરવાથી, મુન્નારમાં મારા ખેતરમાં પ્લાન્ટ સ્થળાંતર કરતી વખતે, ઝાડના મૂળ તંદુરસ્ત રહેશે અને ફળ ઝડપથી ઉત્પન્ન થશે.”
વિવેક જે પોટ્સમાં તેને લગાવતા હતા, તેમાં માટી હોતી નથી. તે પોટ્સમાં પીટ, પર્લાઇટ અને ખાતરનું મિશ્રણ ઉમેરતા હતા. તેમણે છોડને નિયમિતપણે પાણી આપ્યુ, પરંતુ વધારે પ્રમાણમાં આપ્યુ નહીં.

ફૂલથી ફળ સુધીની સફર
માર્ચ 2020માં, જ્યારે સફરજનના ઝાડમાં ફૂલ આવવા લાગ્યા, ત્યારે વિવેક અને તેની પત્નીને કામ માટે યુએસ જવું પડ્યું. તે સમયે, તેમણે તેના મિત્રોને ત્રણ અઠવાડિયા પછી પાછા ન આવે ત્યાં સુધી છોડને પાણી આપવા માટે મદદ કરવા કહ્યું. જોકે ભારતમાં લોકડાઉનની ઘોષણા થયા પછી બંનેને ચાર મહિના યુ.એસ.માં રોકાવું પડ્યુ હતુ.
વિવેક કહે છે, “પછીનાં મહિનાઓમાં, ફૂલોએ ફળ આપ્યા, પણ હું અને મારી પત્ની તેમને જોઈ શક્યા નહીં. તેમાંના મોટા ભાગના નાના હતા, કારણ કે તે સમયે અમે છોડ માટે જરૂરી જૈવિક પોષક તત્વો પ્રદાન કરી શક્યા નહીં. તેમ છતાં, ફળ સ્વસ્થ હતા. અમે અમારા મિત્રોને વિનંતી કરી કે બધાં જ ફળ ઉતારે. વળી, તેમને કહ્યું કે ઝાડ પર કેટલાક ફળો રાખે, જેથી જ્યારે આપણે પાછા આવીશું, ત્યારે અમે તેઓને જોઈ શકીએ.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ મુન્નારમાં તેમના ખેતરમાં તેને લગાવવા અને તેનાં ફળમાં બદલાતા જોવા માટે ઉત્સુક છે.
અન્ના સફરજન સિવાય વિવેકે HRMN-99 જાત, ગ્રેની સ્મિથ, ગાલા અને ડોર્સેટ ગોલ્ડન સફરજન પણ ઉગાડ્યા છે. એચઆરએમએન-99 માં, ફળો પણ લાગી ગયા છે, જ્યારે બાકીના હજી ફૂલો જ છે. અત્યાર સુધી, વિવેકે 300 પ્રકારનાં ફળો ઉગાડવાનો પ્રયાસ કર્યો છે, જેમાં છ પ્રકારના એવોકાડો અને 40 પ્રકારના સાઇટ્રસ ફળોનો સમાવેશ થાય છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: શહેરમાં ધાબામાં શાકભાજી ઉગાડી ગામડે મોકલે છે ચૌધરી રામ કરણ, ઉગાડે છે 30+ ફળ-શાકભાજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.