બદામ ગમે તે રીતે ખાઓ, પલાળેલી, શેકેલી કે કાચી! તેનો સ્વાદ ઓછો થતો નથી. તેને હલવા કે ખીરમાં ઉમેરવામાં આવે અથવા કેક પર ગાર્નિશ કરવામાં આવે, તે દરેક સ્વરૂપમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. માત્ર તેનો સ્વાદ જ નહીં, તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયક છે. બદામ મહત્વપૂર્ણ એન્ટીઑકિસડન્ટો, વિટામિન્સ અને ફાઇબરથી સમૃદ્ધ છે.
કદાચ આ જ કારણ છે કે અંબાલાના સરવિંદ ધીમાન તેમના ઘરની પાછળની જગ્યામાં બદામ ઉગાડી રહ્યા છે. સરવિંદ એગ્રોકેમિકલ કંપનીમાં મેનેજર હોવા છતાં કૂંડાઓમાં શાકભાજી અને ફળ ઉગાડવાનો તેમનો શોખ છે. થોડાં વર્ષો પહેલાં તેમણે પોતાના બગીચામાં બદામના છોડ વાવવાની ઈચ્છા થઇ. અને આજે તેમનો બદામનો છોડ ચાર ફૂટથી વધુ ઊંચાઈનો થઈ ગયો છે.
બદામનો છોડ ઉગાડવો સરળ ન હતો
સરવિંદ માટે ઘરે બદામ ઉગાડવી સરળ ન હતી. તેમણે રસ્તાઓ શોધવા માટે ઇન્ટરનેટ પર ઘણું સંશોધન કર્યું, ઘણા લેખો વાંચ્યા અને વીડિયો પણ જોયા અને પછી તેમને બદામના છોડ ઉગાડવામાં સફળતા મળી. સરવિંદે સ્ટોરમાંથી ખરીદેલી બદામમાંથી ઘરે છોડ ઉગાડવા માટેના ત્રણ સરળ પગલાં જણાવ્યા જે નીચે મુજબ છે.

તે કહે છે, “સૌ પ્રથમ તો બજારમાંથી શ્રેષ્ઠ ગુણવત્તાની બદામ ખરીદો. હવે ઘણી બધી બદામમાંથી સારી બદામ પસંદ કરો અને તેને 24 કલાક પાણીમાં પલાળી રાખો. કોઈપણ પ્રકારની ફૂગથી બચવા માટે પાણીમાં તજ પણ ઉમેરો.
આ પછી, બદામને ટિશ્યુ પેપરમાં લપેટીને ઠંડી જગ્યાએ રાખો. આ બદામને એર ટાઈટ કન્ટેનરમાં બંધ કરીને થોડા દિવસો માટે ફ્રિજમાં રાખવી વધુ સારું રહેશે. રેફ્રિજરેટરનું તાપમાન 0 થી 10 ° સે વચ્ચે હોવું જોઈએ.
ધીરજનું ફળ
જ્યારે બદામ ફૂટે છે, ત્યારે તેને જમીનમાં રોપવાનો સમય આવી જાય છે. આ છોડને 10-15 દિવસમાં એકવાર પાણીની જરૂર પડે છે. પાણીની જરૂરિયાત કુંડામાં રહે ભેજના પ્રમાણ આધારે નક્કી કરી શકો છો.
ફણગાવેલી બદામના વાવેતર માટે જમીનમાં વર્મી કમ્પોસ્ટ અને ગાયનું છાણ મિક્સ કરો. રેતાળ અને ચીકણી માટીનું મિશ્રણ પણ આ છોડ માટે સારું કામ કરે છે.
સરવિંદે છોડને જીવાતો કે જંતુઓથી બચાવવા માટે કોઈ વધારાના પ્રયાસો કર્યા નથી. તેમનો આ છોડ દરેક ઋતુમાં ઉગે છે.
સરવિંદના મતે બદામનો છોડ નવેમ્બર પહેલા લગાવવો જોઈએ જેથી માર્ચના સમય સુધીમાં, તે સારી રીતે ખીલે છે.

સોશિયલ મીડિયા પર લોકો એ કર્યું પસંદ
નવેમ્બર 2020 માં, તેમણે ફેસબુક પર તેમના નવા ઉગાડેલા છોડની તસવીરો પોસ્ટ કરી. આ અંગે તેમને લોકો તરફથી ઘણી પ્રતિક્રિયાઓ મળી હતી. કોઈ તેમને અભિનંદન આપી રહ્યું હતું તો કોઈ તેમને પૂછી રહ્યું હતું કે તેમણે આ કેવી રીતે કર્યું!
તે કહે છે, “મારા ઝાડની બદામનો સ્વાદ લેવા માટે મારે ત્રણ કે ચાર વર્ષ રાહ જોવી પડશે. બીજમાંથી વાવેલ બદામનું ઝાડ વર્ષો પછી ફળ આપે છે. આ માટે ઘણી ધીરજની જરૂર છે.
સરવિંદે નોંધ્યું કે થોડા સમય પછી છોડને જમીનમાં અથવા મોટા વાસણમાં રોપવાની જરૂર પડી શકે છે. પરંતુ હાલમાં, તેનો બદામનો છોડ ઘરના આંગણામાં ધીરે ધીરે વિસ્તરી રહ્યો છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: Grow Guava: કુંડામાં જામફળ ઉગાડવાં છે બહુ સરળ, બસ ધ્યાનમાં રાખો આટલી બાબતો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો