Search Icon
Nav Arrow
Rain water harvesting
Rain water harvesting

જાણો વરસાદના પાણીને બચાવવાની 10 રીત, આગામી પેઢીને નહીં પડે પાણીની તંગી

વરસાદ તો પડી રહ્યો છે પરંતુ પાણી નદી-નાળાંમાં વહી જવાથી ચોમાસુ પૂરું થતાં જ પાણીની તંગી શરૂ થઈ જાય છે, આ ઉપરાંત ભૂગર્ભજળનું સ્તર પણ સતત નીચું થઈ રહ્યું છે. આ બધાથી બચવા અહીં જણાવેલ રીતોથી બચાવો વરસાદના વહી જતા પાણીને.

અત્યારે તો ચોમાસુ છે અને બધી જગ્યાએ થોડા-ઘણા પ્રમાણમાં વરસાદ પડી પણ રહ્યો છે, એટલે વરસાદની અછતની સમસ્યા બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે, પરંતુ ચોમાસુ પૂરું થતાં જ ઘણી જગ્યાઓએ પીવાલાયક પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે અને ઉનાળો આવતાં-આવતાં તો આ સમસ્યા એટલી બધી વિકરાળ બની જાય છે કે, ઘણાં ગામડાંમાં મહિલાઓને બે બેડાં પાણી માટે કિલોમીટરો સુધી ચાલીને જવું પડે છે.

તો બીજી તરફ વરસાદનું પાણી વહી જવાના કારણે પણ આપણે લોકો આજકાલ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. જેમ કે, સતત ઘટી રહેલ ભૂગર્ભ જળનું સ્તર, પાણીની બગડી રહેલ ગુણવત્તા અને પૂર જેવી સમસ્યાઓ. ચોમાસા દરમિયાન પડી રહેલ વરસાદના પાણીનું યોગ્ય સંચાલન ન થતાં આ પાણી વહી જાય છે, અને ઘણીવાર વધારે વરસાદ હોય તો તે પૂરનું સ્વરૂપ પણ ધારણ કરે છે. તો ચોમાસા માટે પીવાના પાણી માટે લોકો ભૂગર્ભજળ પર આધારિત રહે છે, જેના કારણે ભૂગર્ભજળનું સ્તર સતત નીચું જઈ રહ્યું છે, જેના કારણે પાણીની ગુણવત્તા પણ બગડી રહી છે.

હવે જો અવકાશી પાણીને રોકીને ભૂગર્ભજળનું સ્તર વધારવામાં નહીં આવે તો, આગામી પેઢીને પીવાના પાણી માટે ફાંફાં પડી શકે છે. આ માટે વિવિધ ટેક્નિક્સનો ઉપયોગ કરી શકાય છે.

How to store rain water

રૂફ વૉટર હાર્વેસ્ટિંગ ટેક્નિક
આ ટેક્નિકમાં ઘર કે ઈમારતના ધાબામાં પડતા પાણીને પીવીસી પાઇપ મારફતે વિવિધ જળ સ્ત્રોતો, જેમ કે, કૂવો, તળાવ, મોટું અંડર ગ્રાઉન્ડ ટાંકુ, વાવ વગેરેમાં મોકલવામાં આવે છે, જેથી તે જળસ્ત્રોતોનું જળસ્તર વધે છે અને તેમાં વરસાદી પાણી ભળવાથી પાણી મીઠું પણ બને છે, પાણીમાં ક્ષારનું પ્રમાણ ઘટે છે. જોકે આ ટેક્નિકથી પાણી સહેજતી વખતે અશુદ્ધ પાણીને સીધું જ આ જળસ્ત્રોતોમાં ન મોકલી શકાય. આ માટે ખાસ પ્રકારનાં ફિલ્ટર મળી રહેશે, જેને પાઈપ પાસે ફીટ કરવાથી પાણી શુદ્ધ થયા બાદ જળસ્ત્રોતો સુધી પહોંચે છે. શરૂઆતમાં આ પ્રક્રિયામાં થોડો ખર્ચ થાય છે, પરંતુ વર્ષોવર્ષ સુધી તેનો ફાયદો મળી રહે છે. એક અનુમાન અનુસાર, જો તમારા ઘરનું ધાબુ 1000 વર્ગફૂટ હોય અને સરેરાશ 100 સેમીનો વરસાદ પડે તો, દર ચોમાસામાં 1 લાખ લીટર સુધી પાણી બચાવી શકાય છે.

રેન વૉટર હાર્વેસ્ટિંગ
જે વિસ્તારોમાં ભૂમિગત પાણી મીઠું હોય ત્યાં હાર્વેસ્ટિંગ મારફતે રિચાર્ચનો વિકલ્પ બહુ ઉત્તમ રહે છે. આ તકનીકમાં ધાબામાંથી પાઈપ દ્વારા ઉતારેલ પાણીને રેનવૉટર હાર્વેસ્ટિંગ ફિલ્ટર દ્વારા સીધુ જ એક ખાડામાં પાણી ઉતારવામાં આવે છે, જેનાથી ભૂગર્ભમાં સ્વચ્છ પાણીનું સ્તર વધે છે. આ માટે કેવડી મોટી છે એ પ્રમાણેનાં ફિલ્ટર મળી રહે છે. આ ફિલ્ટરમાં ઈંટ, કોલસા, એક્ટિવેટેટ કાર્બન અને નદીની રેતનો ઉપયોગ કરવામાં આવે છે.

આ માટે બે ખાડા પણ બનાવી શકાય છે. એક ખાડાને અંદરની તરફ પ્લાસ્ટર કરી ટાંકીની જેમ બનાવી શકાય છે, જેમાં ભેગું થયેલ પાણીનો ઉપયોગ રોજિંદા ઉપયોગમાં થઈ શકે છે, તો પ્લાસ્ટર વગરના ખાડામાં ભેગું થયેલ પાણી જમીનમાં ઉતરતું રહે છે, જેના કારણે ભૂગર્ભ જળનું સ્તર વધે છે.

How to store rain water

છાપરા રિચાર્જ
રેન વૉટર હાર્વેસ્ટિંગ માટે ધાબુ હોવું જરૂરી જ છે એવું નથી. સામાન્ય છાપરા દ્વારા પણ પાણીનો સંચય કરી શકાય છે. આ માટે છાપરાના છેડા પર ઉપરની તરફથી કાપેલી પાઈપ લગાવવામાં આવે છે, જેથી છાપરા પરથી વહીને પાણી આ પાઇપમાં આવે અને તેની સાથે પીવીસી પાઈપ જોડીને તેને સીધી ટાંકીમાં લઈ જવામાં આવે છે, જેથી પાણીને વહી જતું અટકાવી શકાય. આ પાણીનો ઉપયોગ, ગાર્ડનિંગ, ઘરનાં પ્રાણીઓ માટે વગેરે માટે થઈ શકે છે, અને જો આ પાઈપમાં ફિલ્ટર લગાવી દેવામાં આવે તો, તેનો ઉપયોગ રસોઈ અને પીવા માટે પણ કરી શકાય છે.

સોર્સ

ઉલટી છત્રી રેન વૉટર સંચય
આ ટેક્નિકમાં ઉલટી છત્રી જેવો આકાર બનાવવામાં આવે છે, જેથી તેમાં મહત્તમ વરસાદનું પાણી એકઠું થાય અને નીચે પાઇપ મારફતે તે ડ્રમમાં ભેગું થાય છે. આ રીતે ઘર માટે રસોઈ માટે વરસાદનું પાણી એકઠું કરી શકાય છે.

how to save rain water

ખેત તલાવડી
ચોમાસા સિવાયના સમયમાં ખેતી માટે પાણીની અછત ન રહે એ માટે આજકાલ ઘણા ખેડૂતો તેમના ખેતરમાં ખેત તલાવડી બનાવી રહ્યા છે. આ માટે ખેતરમાં એક જગ્યાએ મોટો ખાડો બનાવવામાં આવે છે અને તેને નીચેથી અને ચારેય બાજુથી સિમેન્ટ-માટી ભરેલ કોથળીઓથી બાંધવામાં આવે છે, જેથી અંદરનું પાણી બહાર નીકળી ન જાય. આમાં ભેગા થયેલ પાણીનો ઉપયોગ ખેડૂત ચોમાસા સિવાયના સમય દરમિયાન સિંચાઈ માટે કરી શકે છે.

કાચા ખાડા
ઘણાં ગામડાં અને ખેતરમાં આ ટેક્નિક પ્રચલિત બની રહી છે, આ માટે 5 થી 7 ફૂટ કે તેનાથી પણ ઊંડા અને પહોળા ખાડા બનાવવામાં આવે છે, ત્યારબાદ તેને છાણ-માટીથી લીંપી ઉપર પોલિથિન શીટ લગાવવામાં આવે છે. જેથી આમાં પાણી ભેગું થઈ શકે અને અને તેનો ઉપયોગ કરી શકાય.

પરકોલેશન ટેન્ક
જે વિસ્તારની જમીન પથરાળ હોય, ત્યાં બહુ ઓછા પ્રમાણમાં પાણી શોષાય છે અને મોટાભાગનું પાણી નદી-નાળાંમાં વધી જાય છે. જેથી અહીં પરકોલેશન ટેન્કનો ઉપાય કારગર નીવડે છે. અહીં પાણી વહેવાના રસ્તા પર ઢોળાવ આકારના ખાડા બનાવવામાં આવે છે, જેથી વહેતું પાણી અટકે અને ધીરે-ધીરે જમીનમાં ઉતરે.

ચેક ડેમ
નાનાં વહેણ કે નસીઓ પર ચેક ડેમ બનાવવામાં આવે છે. વધારે વરસાદ દરમિયાન આ વહેણનું પાણી મોટી નદીઓ મારફતે દરિયામાં ભળી ન જાય એ માટે વહેણમાં વચ્ચે મજબુત દિવાલ બનાવવામાં આવે છે, જેથી ત્યાં પાણીનો સંગ્રહ થાય છે અને ધીરે-ધીરે પાણી જમીનમાં ઉતરતું પણ રહે છે.

સોર્સ

વનસ્પતિ આવરણ અને વૃક્ષારોપણ
જ્યાં વરસાદના પાણીને અટકાવવું કે સ્ટોર કરવું શક્ય ન હોય ત્યાં વૃક્ષારોપણ કરી પાણીના વેગને ધીમો પાડવામાં આવે છે. આ ઉપરાંત વનસ્પતિના આવરણ દ્વારા બાષ્પીભવન દ્વારા થતા પાણીના વ્યયને પણ ઘટાડી શકાય છે અને જમીનમાં કાંપનું પ્રમાણ પણ ઘટે છે. પાણીનો વેગ ધીમો પડવાના કારણે પાણી જમીનમાં ઉતરવા લાગે છે, જેથી ભૂગર્ભજળનું સ્તર ઊંચુ આવે છે.

નાળા પ્લગીંગ
ચોમાસા દરમિયાન વરસાદનું પાણી નાળાં દ્વારા વહી જતું અટકાવવા માટે ચોમાસા પહેલાં નાળાં બંધ કરવામાં આવે છે અથવા તેને સીધાં તળાવ કે કુવા સાથે જોડવામાં આવે છે, જેથી પાણી વહી ન જાય અને જળાશયો રિચાર્જ થાય.

વરસાદી પાણી એ માનવજાત માટે કુદરતનો એક મહાન સ્ત્રોત છે. જો તેને સૂજ-બૂજથી સહેજવામાં આવે તો, તે શ્રેષ્ઠ આશીર્વાદ બની શકે છે.

તો પછી તમે કોની રાહ જુઓ છો, તમને જે પણ યોગ્ય લાગે અને તમારાથી શક્ય હોય તેવી કોઈપણ એક રીતે વરસાદી પાણી બચાવવાનો પ્રયત્ન ચોક્કસથી કરો, કારણ કે, ‘જળ એ જ જીવન.’

કવર ફોટો

આ પણ વાંચો: દર ચોમાસામાં 3-4 લાખ લિટર પાણી જમીનમાં ઉતારે છે ડેડિયાપાડાનો આ યુવાન, અને વાવે છે 2 લાખ ઝાડ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon