Search Icon
Nav Arrow
Chutney Garden
Chutney Garden

જાણો કેવી રીતે ઘરમાં જ બનાવી શકો છો તમારું પોતાનું ચટણી ગાર્ડન

અનીતા તિક્કૂ વ્યવસાયે આર્કિટેક્ટ છે અને છેલ્લાં ચાર વર્ષથી છત પર ઉગેલ વસ્તુઓમાંથી ઘરે સ્વાદિષ્ટ ચટણી બનાવે છે!

દિલ્હીમાં રહેતી અનીતા તિક્કૂનું ઘર જોતાં સુંદર ફાર્મહાઉસ જ લાગે છે. તેમના ઘરનું ધાબુ પતંગિયાં અને અલગ-અલગ પ્રકારનાં પક્ષીઓની સાથે વાંદરાઓની પણ ગમતી જગ્યા છે. શહેરોમાં લોકો વાંદરાઓથી બચવા નેટ લગાવડાવે છે ત્યાં અનીતાએ આવું કઈંજ નથી કર્યું.

અનીતા વ્યવસાયે લેન્ડસ્કેપ આર્કિટેક્ટ છે અને જણાવે છે કે, બાળપણથી જ તેને પર્યાવરણ સાથે ગાઢ સંબંધ છે, કારણકે તેમના પિતા પણ ગાર્ડનિંગ કરતા હતા.

અનીતાએ ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું, “લોકો હવે સ્ટેનિબિલિટીની વાત કરે છે અને આ એક ટ્રેન્ડ બની ગયો છે. પરંતુ મારા માટે દર વખતે સૌથી અગ્રેસર પર્યાવરણ જ રહ્યું છે. અમે કોઇપણ પ્રોજેક્ટમાં પર્યાવરણનો ચોક્કસથી સમાવેશ કરીએ છીએ. આ રીતે અમે કોઇપણ જગ્યાને સસ્ટેનેબલ બનાવી શકીએ છીએ.”

Chutney Garden

અનીતાના જણાવ્યા અનુસાર, ‘રિડ્યૂઝ, રિયૂઝ અને રિસાયકલ’ નું પણ જીવનમાં ખૂબજ મહત્વ છે. તેમને ઘરનો લીલો કચરો બહાર ફેંકવો નહોંતો ગમતો એટલે તેઓ હંમેશાં ભીનો કચરો ઘરની બહાર બનાવેલ એક ક્યારીમાં નાખતાં હતાં. તેમના ઘરમાં ઝાડ-છોડનું મહત્વ હંમેશાંથી બહુ રહ્યું છે, પરંતુ તેમને લાગ્યું કે, આમાં કઈંક અલગ કરવું જોઇએ.

તેમણે 2016 માં ટેરેસ ગાર્ડનિંગની શરૂઆત કરી અને અલગ-અલગ શાકભાજી ઉગાડ્યાં. સૌથી પહેલાં તેમણે ગ્રો બેગ્સમાં શાકભાજી ઉગાડ્યાં ત્યારબાદ લાકડાના પ્લાન્ટર્સ બનાવ્યા. આજે તેમના ધાબામાં લાકડાના 12 પ્લાન્ટર્સ છે, જેમાં તેઓ જાત-જાતનાં સિઝનલ શાકભાજી ઉગાડે છે.

Chutney Garden

અનીતાએ કહ્યું, “પહેલા વર્ષે મેં જે પણ ઉગાડ્યું હતું તેને વાંદરાઓએ બહુ નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ મને સમજાઇ ગયું કે, વાંદરા પત્તાવાળાં શાકભાજી નથી ખાતા, એટલે હવેથી હું મોટાભાગે પત્તાવાળાં શાકભાજી ઉગાડું છું. બાકી શિયાળામાં ટામેટાં પણ ઉગાડું છું, જેમાંથી કેટલાંક વાંદરા ખાય છે અને કેટલાંક અમારા માટે છોડી દે છે.”

વધુમાં તેઓ જણાવે છે કે, જ્યારે તમે પહેલીવાર કોઇ કામ કરો છો, ત્યારબાદ તેનાથી સંબંધિત બીજુ કામ કરો છો, પછી તેનાથી સંબંધિત ત્રીજુ, આમ તેનો સિલસિલો શરૂ થાય છે. અનીતાએ પણ તેના ઘરનો ભીનો કચરો ક્યારીમાં નાખવાની જગ્યાએ તેનું ખાતર બનાવવાનું શરૂ કર્યું. તેમણે ઘરમાં જ ડોલમાં પોતાની હોમ કમ્પોસ્ટિંગ કિટ બનાવી અને ધીરે-ધીરે તેમાંથી ખાતર બનાવવાનું શરૂ કર્યું. અનીતા ગાર્ડનિંગ અને કમ્પોટિંગની સાથે-સાથે ભોજનનો વર્કશોપ પણ કરે છે. તેમને હંમેશાંથી અલગ-અલગ ક્ષેત્રોનાં વ્યંજનોનો બહુ શોખ છે.

Organic Farming

કોઇ પારંપારિક ખાસ વ્યંજનોના ઇતિહાસ વિશે જાણવું, તેને સમજવું અને પછી જાતે બનાવવું. અનીતા લોકો માટે વર્કશોપ કરે છે, જેમાં તે લોકોને સાવરડો બ્રેડ બનાવવાનું અને ફર્મેટેશન કરવાનું શીખવાડે છે. આ સિવાય, તે અથાણાં, સોસ અને જેમ પણ બનાવે છે.

અનીતાએ જણાવ્યું, “મને મારા ગાર્ડનમાંથી બહુ ઉપજ મળે છે, જેનો ઉપયોગ હું ઘરમાં કરવાની સાથે-સાથે પડોશીઓને પણ આપું છું, છતાં તેમાંથી ઘણું બચે છે, એટલે તેને પ્રોસેસ કરી સાચવવાનું યોગ્ય માનું છું. આ જ રીતે ટામેટાં બચે તો તેમાંથી મૈરીનારા સોસ બચાવીને રાખું છું. ઘણીવાર જેમ બનાવું છું તો કેટલીકવાર અથાણું. બસ આમ મારા ત્યાં ‘ગાર્ડન ટૂ ટેબલ’ એટલે કે, બગિચાથી રસોડા” નો કોન્સેપ્ટ છે.

Home Grown Vegetables

બાકી ઘણાં વ્યંજનો અને વસ્તુઓની રેસિપિ તેઓ તેમના બ્લોગ, ‘અ મેડ ટી પાર્ટી’ પર લખે છે. તેમનો બ્લોગ વાંચવા અહીં ક્લિક કરો .

ચટણી ગાર્ડન:
ઉત્તરભારતનાં મોટાભાગનાં ઘરોમાં ફુદીનો, કોથમીર અને લીલા મરચાની ચટણી બનાવવામાં આવે છે. ઘણીવાર લોકો તેમાં ટામેટાંનો પણ ઉપયોગ કરે છે. અનીતા કહે છે કે, તમે આ બધું જ તમારા ઘરે વાવી શકો છો. જેથી જ્યારે પણ ચટણી બનાવવી હોય ત્યાતે ઘરેથી જ સામગ્રી મળી જાય.

તેમણે કહ્યું, “કોરોનાના કપરા કાળમાં બધુ ઘરેથી જ મળી જાય તે બહુ મહત્વનું છે. આપણે તેમાંથી જ ઘણું બનાવી શકીએ છીએ. મને લાગ્યું કે, ચટણી એક એવી વસ્તુ છે, જે સરળતાથી બની જાય છે અને તેની સામગ્રી બહુ શોધવી પણ નથી પડતી. આ બધી સામગ્રી ઉગાડવા માટે તમને બીજ અને સેપલિંગ ઘરેથી જ મળી જશે.”

Home grown vegetables

સૌથી પહેલાં, આપણા રસોડામાં આખા ધાણા તો મળી જ રહે છે, કારણકે આજે પણ ઘણી મહિલાઓ ધાણા પાવડર ઘરે જ બનાવે છે. આ સિવાય લાલ સૂકાં મરચાંનો ઉપયોગ વઘાર માટે પણ કરવામાં આવે છે. તમે તેનાં બીજનો પણ ઉપયોગ કરી શકો છો. ટામેટાં અને કોથમીર બજારમાં મળે છે. તમે ટામેટાને થોડું વધારે પકવી તેનાં બીજથી ટામેટાં વાવી શકો છો. તો ફુદિનાને વાવવા તેનાં પત્તાંનો ઉપયોગ કરી શકો છો.

  1. સૌથી પહેલાં કુંડાં તૈયાર કરો અને અંદર પોટિંગ મિક્સ એટલે કે ખાતર અને પોષકતત્વોથી ભરપૂર માટી ભરો. કુંડાં તૈયાર કર્યા બાદ, એક-એક કરીને વારાફરથી બીજ લો. જો તમારી પાસે કુંડાં ન હોય તો, પ્લાસ્ટિકની જૂની બોટલ્સ કે ડબ્બા કે ગ્રો બેગનો ઉપયોગ કરી શકો છો.
  2. આખા ધાણાને એક કપડામાં લઈ હળવા હાથે મસળી લો. તેની અંદરથી એકદમ નાનાં-નાનાં બીજ કાઢો, જેને કુંડામાં લગાવો. કુંડામાં બીજ અલગ-અલગ જગ્યાએ નાખી ઉપરની તરફ માટી નાખો અને પાથરી દો. ત્યારબાદ પાણી આપો.
  3. ત્યારબાદ મરચાંનો વારો. ખાસ યાદ રાખો કે, મરચાંનો છોડ ઉગી જાય ત્યારબાદ તેને ટ્રાન્સપ્લાન્ટ કરવો પડશે. એટલે કોઇ એક કુંડામાં વધારે પડતાં બીજ ન નાખો. બાકી તેને ધાણાના બીજની જેમ જ વાવો અને જ્યારે છોડના અંકુર ફૂટવા લાગે અને ઉપર ચાર-પાંચ પત્તાં આવી જાય એટલે એક-એક છોડને અલગ-અલગ કુંડા કે પ્લાન્ટરમાં લગાવો. કારણકે મરચાના છોડને ઘણી વધારે જગ્યા જોઇએ છે.
  4. ટમેટાંના બીજને પણ મરચાંના બીજની જેમજ વાવો, કારણકે તેના છોડને પણ જગ્યા વધુ જોઇએ છે. એટલે બીજને થોડા-થોડા અંતરે રાખો.
  5. ફુદીના માટે ઉપરનાં ત્રણ ચાર પત્તાં છોડીને બાકીનાં બધાં પત્તાં કાઢી લો અને માટીમાં વાવી લો. ખાસ ધ્યાન રાખો કે, નીચેની તરફ જ્યાંથી પત્તાં કાઢ્યાં છે, તે ભાગ માટીમાં દબાય, કારણકે ત્યાંથી જ ફુદીનાનાં થડ નીકળે છે.
Home grown Herbs

હવે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે, કુંડાની માટીમાં ભેજ જળવાઇ રહે અને થોડા જ દિવસોમાં બીજમાંથી અંકુર ફૂટવા લાગશે અને ધીરે-ધીરે તમને ઉપજ મળવાની પણ શરૂ થઈ જશે.

બસ તો તૈયાર થઈ ગયું તમારું ચટણી ગાર્ડન. સૌથી સારી બાબત એ છે કે, આપણા શરીરની જરૂરિયાતના પોષકતત્વો આપણને આ ચાર છોડમાંથી મળી રહેશે. એટલે ભોજનમાં ચટણીનો ઉપયોગ ખૂબજ ફાયદાકારક છે.

Home Grown Vegetables

ગાર્ડનિંગમાં ધીરજ ખૂબજ જરૂરૂ છે એટલે પહેલીવાર બીજ વાવો અને છોડ ન થાય તો નિરાશ ન થાઓ. બીજી વાર પ્રયત્ન કરો, ધીરે-ધીરે ચોક્કસથી સફળતા મળશે.

અત્યારે અનીતા તેના ગાર્ડનમાં ફુદીનો, કોથમીર, મેથી, તુલસી, બનતુલસી, લિંબુ, પાલક, સરસો સાગ જેવી વસ્તુઓ ઉગાડે છે.

આ સિવાય તમે અનીતા પાસેથી બીજું પણ ઘણું શીખી શકો છો. જેમ કે અલગ-અલગ પ્રકારનું વિનેગર અને જેમ બનાવવાની રીત, જો તમે તેમને નિયમિત ઈંસ્ટાગ્રામ પર ફોલો કરશો તો ઘણું શીખવા મળશે. તેમનું ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ ફોલો કરવા અહીં ક્લિક કરો!

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: આમના ધાબા પર 1000+ છોડની સાથે રૂદ્રાક્ષ-કલ્પવૃક્ષથી લઈને સ્ટ્રોબરી સહિત બધુ જ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon